કુઇપ પરિવાર (Cuyp family) [(1) કુઇપ જૅકૉબ ગૅરિટ્ઝૂન (જ. ડિસેમ્બર 1594, ડૉર્ડ્રેખ્ટ, નેધરર્લૅન્ડ્ઝ; અ. 1651 પછી, ડ્રૉડ્રેખ્ટ, નેધર્લૅન્ડ્ઝ) (2) કુઇપ આલ્બર્ટ જેકોબ્ઝૂન (Aelbert Jacobszoon) (નામસંસ્કરણ – 20 ઑક્ટોબર 1620, ડ્રૉડ્રેખ્ટ, નેધર્લૅન્ડ્ઝ; અ. નવેમ્બર 1691, ડ્રોર્ડેખ્ટ, નેધર્લૅન્ડ્ઝ)] : ડચ બરોક-ચિત્રકાર કુટુંબ. જૅકૉબ પિતા હતો અને આલ્બર્ટ પુત્ર. જૅકોબ વ્યક્તિચિત્રણમાં નિપુણ હતો અને આલ્બર્ટ નિસર્ગચિત્રણમાં.
જૅકૉબના પિતા, દાદા, વડદાદા વગેરે કાચ ઉપર ઐતિહાસિક વિષયો, પ્રાણીઓ અને વ્યક્તિચિત્રો ચીતરતા આવેલા. જૅકૉબેએ પરંપરાનો ભંગ કરી કૅન્વાસ ઉપર તૈલરંગો વડે કામ કરવું શરૂ કર્યું. વ્યક્તિચિત્રોમાં તેને તરત જ ઘણી ફાવટ આવી ગયેલી અને એ દ્વારા મળેલી ધંધાદારી સફળતાથી તેણે ખાસી સંપત્તિ હસ્તગત કરેલી.
પુત્ર આલ્બર્ટે પિતા જૅકૉબના માર્ગદર્શન હેઠળ ચિત્રકલાનો અભ્યાસ કરેલો. માતાપિતાના અવસાન પછી મોટી જાગીરનો વારસો તેને મળેલો. 1658માં કૉર્નેલિયા બોશ્મેન નામની ત્રણ સંતાનો ધરાવતી એક ધનાઢ્ય વિધવા સાથે તેણે લગ્ન કર્યું, જેણે લગ્નને બીજે વર્ષે એક પુત્રીને જન્મ આપેલો. એક નિસર્ગ-ચિત્રકાર તરીકે આલ્બર્ટે મોટી નામના મેળવી અને આજે પણ ડચ બરોક-કલાના ટોચના નિસર્ગ-ચિત્રકારોમાં તેની ગણના થાય છે. તેના પ્રારંભનાં ચિત્રોની શૈલી જોતાં એવું જણાય છે કે તેણે તેના પોતાના પિતા ઉપરાંત ડચ બરોક નિસર્ગ-ચિત્રકાર ઇયાન વાન ગૉયેન હેઠળ પણ કદાચ તાલીમ લીધી હોવી જોઈએ. જોકે આ માટે બીજાં કોઈ પ્રમાણ મળતાં નથી. આલ્બર્ટનાં નિસર્ગ-ચિત્રોમાં ચિત્રિત નિસર્ગનો અભ્યાસ કરતાં એવું જણાય છે કે રહાઇન નદીના કાંઠાના આસપાસના પ્રદેશો તે ખૂંદી વળ્યો હોવો જોઈએ; કારણ કે તે પ્રદેશોનું યથાતથ નિરૂપણ તેનાં ચિત્રોમાં છે. તેણે ઉટ્રેખ્ટ(Utrecht)ની મુલાકાત લીધી હોવાનું અનુમાન પણ થયું છે; કારણ કે ઉટ્રેખ્ટ ઘરાણાનો ઇટાલિયન બરોક-શૈલી તરફનો ઝોક પણ આલ્બર્ટનાં ચિત્રોમાં જોવા મળે છે. મુખ્યત્વે નદીકાંઠાની નાની ટેકરીઓ, તેમની પરનાં ગોચર અને તેમાં ચરતાં, વાગોળતાં બેઠેલાં ગાયોનાં ધણ અને ઘેટાંનાં ટોળાં આલ્બર્ટનાં નિસર્ગચિત્રોનો મુખ્ય વિષય છે. આ ગ્રામીણ વાતાવરણમાં વહેલી સવાર કે સાંજનો ત્રાંસો આછો તડકો મૂકીને આહ્લાદક વાતાવરણ ઊભું કરવામાં તેને ખાસી સફળતા મળી છે. જીવનનાં છેલ્લાં વીસ વરસ તેણે ચિત્રસર્જન બંધ કર્યું હતું. તેની કેટલીક શ્રેષ્ઠ ચિત્રકૃતિઓ આ પ્રમાણે છે :
(1) હિલી લૅન્ડ્સ્કેપ વિથ કાઉઝ ઍન્ડ શેફર્ડ્ઝ, (2) રિવર લૅન્ડ્સ્કેપ, (3) કૅટલ, (4) ધ માસ ઍટ ડ્રૉર્ડ્રેખ્ટ, (5) ઇવનિન્ગ લૅન્ડસ્કેપ વિથ હૉર્સમૅન ઍન્ડ શેફર્ડ્ઝ.
અમિતાભ મડિયા