કીમતી ખનિજો (રત્નો) : ટકાઉપણું, સુંદરતા અને વિરલતા જેવાં વિશિષ્ટ લક્ષણો ધરાવતાં ખનિજો. હાથીદાંત, પરવાળાં, મોતી કે અંબર જેવાં પ્રાણીજન્ય કે વનસ્પતિજન્ય દ્રવ્યો જ કીમતી હોઈ શકે એવું નથી, ખનિજ પર્યાય હેઠળ સમાવિષ્ટ થતાં હીરા, માણેક, નીલમ, પન્નું, પોખરાજ, ચંદ્રમણિ વગેરે પણ બહુમૂલ્ય હોય છે. બેશક, સુવર્ણ, ચાંદી કે પ્લૅટિનમ પ્રાકૃત સ્થિતિમાં તેમજ ખનિજ-સ્વરૂપે મળતાં કીમતી ખનિજો ખરાં, પણ તેમને ધાતુઓ કે ધાતુ-ખનિજોમાં લઈ જવાં ઘટે, કારણ કે તે ટકાઉ અને સુંદર હોવા છતાં વિરલ તો નથી જ.
ટકાઉપણું : રત્નનું ટકાઉપણું જે તે ખનિજની ર્દઢતા, કઠિનતા તેમજ સંભેદ કે તડ સામેની તેની પ્રતિકારશક્તિ પર આધાર રાખે છે; ટકાઉપણાને કારણે જ આવાં ખનિજોને કાપવાની, પાસા પાડવાની અને ચમક આપવાની ક્ષમતા પણ નક્કી થાય છે. શ્રેષ્ઠ રત્ન એને કહેવાય જે ર્દઢ હોય, કઠિન હોય, સંભેદ કે તડરહિત હોય, કાપ્યા સિવાય આપમેળે તૂટે નહિ અને ઘર્ષણનો પ્રતિકાર કરી શકે. કઠિનતા એ ર્દઢતા નથી, જેમ કે ક્વાર્ટ્ઝ (7) કરતાં ઝિર્કોન (8.25) વધુ કઠિન હોવા છતાં બરડ પણ છે, તેથી કરચમાં તૂટી શકે છે; ક્વાર્ટ્ઝ સંભેદરહિત હોઈને ર્દઢ ગણાય છે. એ જ રીતે પોખરાજ (8) ક્વાર્ટ્ઝ (7) કરતાં કઠિન હોવા છતાં સંભેદશીલ હોઈને દૃઢ નથી ગણાતું.
સુંદરતા : કીમતી ખનિજો કે રત્નોની સુંદરતાનો આધાર તેમના પ્રકાશીય ગુણો પર રહેલો છે. રંગવિહીનતા, વિશિષ્ટ રંગ, પારદર્શકતા, પારભાસકતા, તેજસ્વિતા, ચમક, ઝગમગાટ જેવાં લક્ષણો કોઈ પણ રત્નને સુંદર કે પાણીદાર ગણવા માટેના ગુણધર્મો છે. ખોદી કાઢેલાં કીમતી ખનિજો મૂળ સ્થિતિમાં તો ક્યારેય પણ સુંદર હોતાં નથી જ. તેમનામાં રહેલી અંતર્ગત સુંદરતા (latent beauty) તો તે ખનિજોને યોગ્ય ખૂણાથી કાપીને, પાસા પાડીને, ઘસીને, ચમકાવીને બહાર લાવી શકાય છે. તેજસ્વિતાનો આધાર પારદર્શકતા, વક્રીભવનાંક, ચમક અને કાપવાની રીત પર રહેલો હોય છે. મોટા ભાગના હીરા પારદર્શક હોય છે, જેથી તેમને ઊંચી ગુણવત્તા સાંપડે છે. માણેક, મખમલી પન્નું અને નીલમ તેમના અનોખા રંગોને કારણે જ હીરા પછીનાં સ્થાન ભોગવે છે. કોઈ પણ રત્નની ચમકનો મુખ્ય આધાર તેમના વક્રીભવનાંક પર રહેલો હોય છે, જેમકે ક્વાર્ટ્ઝ અને એક્વામરીનનો વક્રીભવનાંક 1.5થી 1.6ના ગાળાનો હોય છે, તેથી તે કાચમય (vitreous) ચમક બતાવે છે. હીરો 2.4 વક્રીભવનાંકવાળો, વધુ કઠિન અને પારદર્શક હોવાથી હીરક (adamantine) ચમકમાં ઝગમગે છે. ઝિર્કોન અને સ્ફેલેરાઇટનો વક્રીભવનાંક ઊંચો હોવા છતાં અંબરની જેમ રાળમય (resinous) ચમક દેખાડે છે. ફ્લોરાઇટ જેવા નીચા વક્રીભવનાંકવાળાં ખનિજો પાણી જેવી ચમક દર્શાવે છે. રત્નોમાં ઘસીને ઉત્પન્ન કરવામાં આવતી ચમક એ સપાટીચમક (lustre) છે, જ્યારે તેજસ્વિતા (brilliance) એ તેના આંતરિક પરાવર્તનને કારણે ઉત્પન્ન થતી આંતરિક ચમક છે, જે મુખ્યત્વે અમુક ખૂણે કાપીને તૈયાર કરવામાં આવતાં પાસાં પર ઉત્પન્ન થતી હોવાથી રત્નને વિશિષ્ટ સૌંદર્ય અર્પે છે.
ચમકને અનેકરંગિતા(play of colours)ના અન્ય અર્થમાં પણ સમજાવી શકાય. આ લક્ષણને દૃશ્ય વર્ણપટના રાતા અને જાંબલી છેડા વચ્ચેના તફાવત તરીકે ઘટાવાય છે. આ લક્ષણ (opalscene) દર્શાવતું ઉત્તમ ઉદાહરણ ઓપલ છે. આ જ બાબતને ઝગમગાટ (fire) તરીકે પણ વર્ણવી શકાય. હીરો અન્ય કોઈ પણ રંગવિહીન કુદરતી રત્ન કરતાં સૌથી વધુ ઝગમગાટ દર્શાવે છે; તેમ છતાં કૃત્રિમ સ્ટાઇલ કે સ્ટ્રૉન્શિયમ ટાઇટેનેટ ઝગમગાટમાં હીરાને પણ પાછળ મૂકી દે છે, વળી કેટલાંક રંગીન રત્નો(ડીમેન્ટૉઇડ – ગાર્નેટ, સ્ફીન અને કેસિટેરાઇટ)માં પણ હીરા કરતાં વધુ ઝગમગાટ જોવા મળે છે.
આ ઉપરાંત કેટલાંક રત્નોમાં જોવા મળતું વિશિષ્ટ સૌંદર્ય તેમની આંતરિક સંરચના(internal structure)ને કારણે ઉત્પન્ન થતી વિવિધ સામૂહિક દૃશ્ય અસરને કારણે હોય છે. ઑર્થોક્લેઝ અને આલ્બાઇટથી બનેલા અતિસૂક્ષ્મ પડરચનાવાળા સંયુક્ત ખનિજમાં ભૂરા રંગની વારાફરતી ઓછીવત્તી ઝાંય દેખાય છે. પડ જેટલાં વધુ સૂક્ષ્મ એટલો વધુ ભૂરો રંગ દેખાય. ચંદ્રમણિ [ફેલ્સ્પારની એક જાત (moonstone)]માં આ અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે.
કેટલાંક ખનિજોમાં આગંતુક ખનિજદ્રવ્યોની અશુદ્ધિઓ સૂક્ષ્મ સમાંતર રેસાદાર આંતરિક રચનાના જૂથસ્વરૂપે અન્યોન્ય 90o કે 60o એ ભેદતી હોય એ રીતે ગોઠવાયેલી હોય છે. એવાં રત્નોની સપાટી પર અનુક્રમે ચાર (ડાયોપ્સાઇડમાં) કે છ (ક્વાર્ટ્ઝ, કોરંડમમાં) કિરણવાળાં તારકર્દશ્ય ઉત્પન્ન થાય છે. ક્યારેક સ્પિનેલ કે ગાર્નેટ સ્પિનેલ પણ ચાર કે છ તારકર્દશ્ય દેખાડે છે.
એવેન્ચ્યુરાઇન ક્વાર્ટ્ઝ અને એવેન્ચ્યુરાઇન ફેલ્સ્પારમાં જો અબરખની સૂક્ષ્મ પતરીઓ હોય તો તે તેજસ્વી રંગચમક દર્શાવે છે. પોખરાજ (topaz) પણ ક્યારેક અનેકરંગિતા બતાવે છે.
વિરલતા : ર્દઢતા, કઠિનતા તેમજ સુંદરતા જેવાં લક્ષણો હોવા છતાં કેટલાંક રત્નો કુદરતમાં જવલ્લે જ પ્રાપ્ત થતાં હોઈ અમૂલ્ય બની રહે છે. રાતા રંગમાં ક્યારેક જ મળતું ‘પેઇનાઇટ’ ખનિજ અત્યંત વિરલ ગણાય છે. જેની કઠિનતા 8 હોય તેવાં માત્ર બે જ ખનિજો મળેલાં છે; માત્ર મ્યાનમાર (મોગોક) તેનું પ્રાપ્તિસ્થાન છે. તે કિરમજી (brownish red) રંગમાં પણ મળે છે. તે માણેક કરતાં ઓછું આકર્ષક હોવા છતાં દુર્લભ હોઈને તેનું મૂલ્ય આંકી શકાય નહિ. એના જેવાં જ અમુક માણેક મળી રહે છે ખરાં. જોકે આવાં વિરલ રત્નોના ખરીદનાર મળી રહે છે અને તેથી તેની સ્પર્ધા પણ થતી હોય છે. કુદરતી માણેક જેવાં ઉત્કૃષ્ટ રંગવાળાં માણેક હવે કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે, તેમ છતાં કુદરતી રત્નોની કિંમત પ્રતિ કૅરટ હજારો ગણી અંકાય છે.
કુદરતમાં મળી આવતાં કીમતી (કે અર્ધકીમતી) ખનિજો જરૂરિયાત મુજબ કાપીને, ઘસીને, ચમક આપીને ઝવેરાતમાં કે આલંકારિક ઉપયોગો માટે રત્નો કે નંગસ્વરૂપે બજારમાં મૂકવામાં આવે છે. જેડ જેવાં અર્ધકીમતી ખનિજ ક્યારેક માણેક જેવા કીમતી ખનિજ કરતાં પણ વધુ મૂલ્યવાન બની રહેતાં હોય છે, એટલે આ પ્રકારના કોઈ પણ ખનિજને કીમતી કે અર્ધકીમતી કહેવું તે તેની માગ અને તેના મૂલ્ય પર નિર્ભર છે. ઉત્પત્તિની દૃષ્ટિએ મોટાભાગનાં રત્નો મૂળભૂત રીતે તો અગ્નિકૃત ખડકોની પેદાશ છે. હીરા કિમ્બરલાઇટ (પેરિડોટાઇટ) નામના અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકની સાથે જ સંકળાયેલા હોય છે. તેમ છતાં હીરા તેમજ અન્ય રત્નો નદીજન્ય ભૌતિક સંકેન્દ્રણો(placers)માંથી પણ મેળવાય છે. કેટલાંક રત્નો પેગ્મેટાઇટ નામના ભૂમધ્યકૃત – અગ્નિકૃત ખડકની ડાઇક સાથે પણ સંકળાયેલાં હોય છે.
રત્નોનું મૂલ્ય તેના કદ અને વજન પર આધાર રાખે છે. આ માટે બજારમાં ઉપયોગમાં લેવાતા વજનના એકમો કૅરટ, ગ્રામ, પેની અને ગ્રેન છે. (1 કૅરટ = 200 મિગ્રા.). કૅરટ શબ્દ સુવર્ણ કેટલા પ્રમાણમાં શુદ્ધ છે તેની પરખ માટે વપરાય છે. શુદ્ધ સોનું 24 કૅરટનું ગણાય છે; સોનામાં કૅરટ એ શુદ્ધતાનું પ્રમાણ છે, જ્યારે રત્નોમાં તે વજનનો એકમ છે. ઓછાં કીમતી રત્નો કદ મુજબ પણ વેચાય છે; જેમકે ક્વાર્ટ્ઝ, ઓપલ વગેરે.
ઝવેરાત કે આલંકારિક ઉપયોગો માટે મેળવવામાં આવતાં, બજારમાં મુકાતાં કીમતી-અર્ધકીમતી ખનિજો-રત્નોની નામાવલિ આ પ્રમાણે છે :
હીરો, કોરંડમ (માણેક-નીલમ), પોખરાજ, સ્પિનેલ, ટૂર્મેલિન, ઓલિવિન, બેરિલ (પન્ના, ઍક્વામરીન, મોર્ગેનાઇટ), ક્રાયસોબેરિલ (ઍલેક્ઝાન્ડ્રાઇટ, લસણિયો), ઝિર્કોન (ગોમેદ), સ્ફીન, ગાર્નેટ, સ્પોડ્યુમીન (હિડ્ડેનાઇટ, કુંઝાઇટ), જેડ – જેડાઇટ, ક્વાર્ટ્ઝ અને તેના વિવિધ પ્રકારો, ફૅલ્સ્પાર અને તેના પ્રકારો, કોર્ડીરાઇટ, સ્ટોરોલાઇટ, એન્ડેલ્યુસાઇટ, એપિડોટ, હેમેટાઇટ, ઇડોક્રેઝ, ટક્વૉર્ઇઝ, કાર્બોનેટ્સ (સ્ટેલેગ્માઇટ્સ – સ્ટેલેકટાઇટ્સ), મેલેકાઇટ, એઝ્યુરાઇટ, ર્હોડોક્રોસાઇટ, ક્રાયસોકોલા, ફ્લોરાઇટ વગેરે.
રત્નોમાં કંઈક વિશિષ્ટ શક્તિ હોય છે. જન્મના મહિના મુજબ કે ગ્રહ મુજબ તે તે નંગ પહેરવાથી કે પાસે રાખવાથી ફાયદો કે નુકસાન થાય છે એવી ધાર્મિક માન્યતા અને પરંપરા જુદા જુદા દેશોમાં પ્રવર્તે છે. પશ્ચિમના દેશોમાં જાન્યુઆરી જન્મ-માસ માટે ગાર્નેટ પહેરવાથી એકસૂત્રતા રહે છે; ફેબ્રુઆરી માટે એમેથિસ્ટ નિષ્ઠા અર્પે છે; માર્ચ માટે ઍક્વામરીન શાણપણ અર્પે છે અને વૃદ્ધિ થાય છે; એપ્રિલ માટે હીરો, નિર્દોષતા ઉત્પન્ન કરે છે; તે માટે પન્નુંથી પ્રેમ મળી રહે છે; જૂન માટે મોતી વાપરવાથી સંપત્તિ સાંપડે છે; જુલાઈ માટે માણેકથી સ્વતંત્ર વિચારસરણી પેદા થાય છે; ઑગસ્ટ માટે પેરિડોટથી મિત્રતા મળે છે; સપ્ટેમ્બર માટે નીલમ વાપરવાથી સત્યની પ્રતીતિ થાય છે; ઑક્ટોબર માટે ઓપલથી આશા ઉત્પન્ન થાય છે; નવેમ્બર માટે પોખરાજથી વફાદારી મળે છે; અને ડિસેમ્બર માટે ટર્ક્વોઇઝનો ઉપયોગ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળતી રહે છે.
ભારતીય ઔષધશાસ્ત્રમાં કેટલાંક રત્નોનો ઉપયોગ થતો આવેલો છે, જેમ કે મોતીની ભસ્મ. એવી માન્યતાઓ પણ પ્રવર્તે છે કે માણેક પહેરવાથી વહી જતું લોહી બંધ થઈ જાય છે, પીળાં રત્નોથી કમળો મટે છે, એમેથિસ્ટથી બેભાન સ્થિતિ કે ઘેન ઓછું થતું જાય છે, નીલમ પહેરવાથી કે સૂર્યને તે અર્પણ કરીને પહેરવાથી દુ:ખોનો નાશ થાય છે એવી પણ માન્યતા છે.
ગિરીશભાઈ પંડ્યા