અશોકકુમાર (1) (જ. 13 ઑક્ટોબર 1911, ભાગલપુર, બિહાર – અ. 10 ડિસેમ્બર 2001, ચેમ્બુર, મુંબઈ, મહારાષ્ટ્ર) : પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા. પિતા ખેન્તીલાલ ગાંગુલી તથા માતા ગૌરી. પટણા યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી મેળવી. 1935માં હિમાંશુ રૉયના બૉમ્બે ટૉકિઝમાં મદદનીશ કૅમેરામૅન તરીકે જોડાયા અને પ્રયોગશાળાના વડા તરીકે પણ કામ કર્યું. એ અરસામાં જ 1936માં હિમાંશુ રૉયે ‘અછૂત કન્યા’ ફિલ્મ ઉતારવાનું નક્કી કર્યું અને તેમાં નાયક તરીકે અશોકકુમારને પસંદ કર્યા. પ્રથમ ફિલ્મમાં જ એમણે કુશળ અભિનેતા તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી અને પછી ઉત્તરોત્તર પ્રગતિનાં સોપાનો ચઢતા રહ્યા. કારકિર્દીનાં પચાસ વર્ષો દરમિયાન એમણે અનેક કીર્તિશિખરો સર કર્યાં છે. દૂરદર્શનની સીરિયલ શરૂ થઈ ત્યારે એમાં પણ કામ કર્યું; જેમ કે, ‘હમ હિન્દુસ્તાની’ અને ‘બહાદુરશાહ જફર’માં એમણે ફિલ્મોમાં વિવિધ પ્રકારનાં પાત્રોનો અભિનય કર્યો છે. એમને શ્રેષ્ઠ અભિનેતા તરીકે 198૦નો સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ભારત સરકારે એમને એમના અભિનયકૌશલ માટે પદ્મશ્રી(1962)નો ખિતાબ આપેલો. 1982માં કલકત્તામાં ભરાયેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં નિર્ણાયકમંડળના તેઓ અધ્યક્ષ હતા. અત્યાર સુધીમાં લગભગ 225 જેટલી ફિલ્મોમાં એમણે અભિનય કર્યો છે, જેમાં મુખ્ય છે ‘અછૂત કન્યા’, ‘જીવનનૈયા’, ‘મહલ’, ‘બંધન’, ‘’ઝૂલા, ‘નયા સંસાર’, ‘કિસ્મત’, ‘સંગ્રામ, બંદિશ’, ‘ગુમરાહ’, ‘મમતા’, ‘આશીર્વાદ’, ‘છોટી સી બાત’, ‘શંકરદાદા’, ‘મિલી’, ‘એક સે બઢકર એક’ વગેરે તેમના અભિનયકૌશલની કદરરૂપે ભારત સરકારે તેમને 1988નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરેલો છે. 1999માં પદ્મભૂષણનો ખિતાબ એનાયત થયો હતો.
કેતન મહેતા