અવનતિપ્રેરક વિકૃતિ [diaphthoresis; regressive (retrograde) metamorphism] : પરિવર્તિત સંજોગો હેઠળની રચનાત્મક ભૂવિકૃતિની પ્રક્રિયા. વિકૃત ખડકોના કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવા મળેલું છે કે પરિવર્તિત સંજોગોમાં જે પુનર્રચના થાય છે તે નિમ્ન કક્ષાલક્ષી હોય. અર્થાત્ વિકૃતિની એવી વ્યસ્ત કક્ષા પણ હોય છે, જેમાં ઉચ્ચ કક્ષાની વિકૃતિમાંથી નિમ્ન કક્ષા તરફ વિકૃત ખડકોનું રૂપાંતર થાય છે. પ્રમાણમાં ઊંચી કક્ષાની વિકૃતિથી ઉત્પન્ન થયા હોય તે વિકૃત ખડકોમાં તે વખતના તેમના ઉષ્ણતામાન કરતાં નીચા ઉષ્ણતામાને ખનિજોનું પુનર્નિર્માણ થાય ત્યારે એવી વિકૃતિ-ઘટનાને અવનતિપ્રેરક વિકૃતિ કહેવાય. ઊંચા ઉષ્ણતામાનવાળાં વિકૃતિજન્ય ખનિજ/ખનિજજૂથો પર નીચા ઉષ્ણતામાને થતી આ પ્રકારની પુનર્નિર્માણક્રિયા મહદ્ અંશે ત્યાં ને ત્યાં જ થતી હોય છે. વિકૃતિની મૂળભૂત મુખ્ય કક્ષા પૂરી થાય પછી તરત જ થતી પ્રબળ વિરૂપતા અથવા ઉષ્ણજળજન્ય પ્રક્રિયા આ ઘટના માટે કારણભૂત હોય છે. આ પ્રકારના અવનતિપ્રેરક વિકૃતિરૂપ ફેરફારો ઘટતા જતા ઉષ્ણતામાન કે અન્ય સંજોગો હેઠળ થાય છે ત્યારે ઊંચા ઉષ્ણતામાને અસ્તિત્વમાં આવેલાં ખનિજોનું સ્થાન નીચા ઉષ્ણતામાને ઉત્પન્ન થતાં ખનિજો લે છે. બાયૉટાઇટ ખનિજ અવનતિપ્રેરક વિકૃતિને કારણે અંશત: કે સંપૂર્ણપણે ક્લૉરાઇટ ખનિજમાં પરિવર્તન પામે છે. ખનિજનો આકાર-સંભેદ જળવાઈ રહે છે. પરિસ્થિતિ મુજબ બદલાતી રહેતી ઉગ્ર સંકલનક્રિયાની અસર હેઠળ ઍમ્ફિબોલાઇટ(હૉર્નબ્લેન્ડ-એન્ડેસાઇન-બાયૉટાઇટ)નું ગ્રીનશિસ્ટ (ઍક્ટિનોલાઇટ-આલ્બાઇટ-ક્લૉરાઇટ)માં રૂપાંતર તેમજ સર્પેન્ટાઇન ખડકોનું ઉષ્ણજળજન્ય વિસ્થાપનક્રિયા દ્વારા ટાલ્ક-મૅગ્નેસાઇટ શિસ્ટમાં રૂપાંતરણ એ અવનતિપ્રેરક વિકૃતિનાં ઉત્તમ ઉદાહરણો છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે
મોહનભાઈ પટેલ