કિંગ, માર્ટિન લ્યૂથર (જુનિયર) (જ. 15 જાન્યુઆરી 1929, ઍટલાન્ટા; અ. 4 એપ્રિલ 1968, મેમ્ફિસ) : અમેરિકન ધર્મગુરુ અને યુ.એસ.ના અશ્વેત લોકોના નાગરિક હકો માટેની અહિંસક લડતના અગ્રણી નેતા. પિતા અને મામાના દાદા ખ્રિસ્તી બૅપ્ટિસ્ટ સંપ્રદાયના ઉપદેશકો હોવાને કારણે ઘરનું ધાર્મિક વાતાવરણ. 1948માં ઓગણીસમા વરસે ઑનર્સ સાથે ગ્રૅજ્યુએટ થયા. 1951માં ‘બૅચલર ઑવ્ ડિવિનિટી’ની અને 1955માં બોસ્ટન યુનિવર્સિટીની થિયૉલોજીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.
તેમણે 1953માં કોરટ્ટા સ્કૉટ સાથે લગ્ન કર્યાં અને 1954માં મોન્ટગોમરીના ડેક્સ્ટર ઍવન્યૂમાં આવેલા બૅપ્ટિસ્ટ દેવળમાં જોડાયા.
ગાંધીજીનાં લખાણો અને અહિંસાની વિચારધારાની અસર નીચે તેમણે અશ્વેત લોકોના નાગરિક હકો માટે અહિંસક સત્યાગ્રહનું શસ્ત્ર અજમાવ્યું. જાહેર બસમાં રંગભેદની અને અલગતા(segragation)ની નીતિનો વિરોધ કરનાર રોઝાપાર્કની ધરપકડ થતાં. ‘મોન્ટગોમરી ઇમ્પ્રુવમેન્ટ ઍસોસિયેશન’ના પ્રમુખ બની જાહેર બસવ્યવહારનો વરસ સુધી બહિષ્કાર પોકારીને કિંગ માર્ટિન લ્યૂથરે આગેવાની લીધી હતી. આને કારણે હિંસક બનાવો બન્યા. સુપ્રીમ કોર્ટે રંગભેદના અને અલગતાના આ કાયદાને ગેરકાયદેસર ઠરાવ્યો. આ વિજયથી અહિંસક સત્યાગ્રહની શક્તિમાં લોકોનો વિશ્વાસ વધ્યો અને કિંગ માર્ટિન લ્યૂથરને રાષ્ટ્રવ્યાપી નામના મળી. 1957ના જાન્યુઆરીમાં ‘ધ સઘર્ન ક્રિશ્ચિયન લીડરશિપ કૉન્ફરન્સ’ની સ્થાપના કરીને અશ્વેત લોકોના નાગરિક હકો માટે અશ્વેત નેતાઓ અને ધર્મગુરુઓ સાથે ચર્ચા કરી તેમની તરફેણમાં લોકમત જાગ્રત કર્યો. ઘાના, ભારત, અન્ય દેશો અને યુનાઇટેડ સ્ટેટ્સના વિવિધ ભાગોમાં ફરી પ્રવચનો અને ચર્ચા દ્વારા રંગભેદની નીતિ અને અશ્વેત લોકોના નાગરિક હકો માટે જેહાદ જગાવી. આ કારણે 1958માં તેમની ઉપર ખૂની હુમલો થયો પણ બચી ગયા. 1959માં ભારતની મુલાકાત વખતે જવાહરલાલ નેહરુએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
1960માં સહપાદરી (co-pastor) થયા અને અશ્વેત લોકોના નાગરિક હકો માટે અનેક મંડળો સ્થાપ્યાં. 1960માં રંગભેદના પ્રશ્ને કોઈ ક્ષુલ્લક નિયમના ભંગનું બહાનું બતાવી તેમની ધરપકડ કરવામાં આવી. 1960-61 દરમિયાન બેઠી હડતાળો અને મુક્ત સવારીના કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતિ લાવ્યા. ‘લેટર્સ ફ્રૉમ બર્મિંગહામ’ પુસ્તક દ્વારા અશ્વેત લોકોના હકો માટે બધા ધર્મગુરુઓને અપીલ કરી. તેમની ચળવળમાં રહેલા સત્યની પ્રતીતિ થતાં જ્હૉન કેનેડીએ યુ.એસ.ની કૉંગ્રેસમાં ‘સિવિલ હકો’ માટેનું બિલ પેશ કર્યું.
28 ઑગસ્ટ 1963ના રોજ અઢી લાખથી વધારે લોકોએ આ લડતના સમર્થનમાં વૉશિંગ્ટનમાં ઐતિહાસિક કૂચ યોજી. અમેરિકાની રંગભેદની નીતિ સામેનો આ એક અભૂતપૂર્વ બનાવ હતો. તેની વ્યાપક અસરો દુનિયાભરમાં ફેલાઈ. એકત્રિત થયેલા લોકોને સંબોધન કરતાં કિંગે યાદગાર શબ્દોમાં ભાવિ વિશેના પોતે સેવેલા સ્વપ્નનો મનોભાવ વ્યક્ત કર્યો.
કૉંગ્રેસે નાગરિક હકોનું બિલ પસાર કર્યું અને ડિસેમ્બર 1964માં તેમને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. 1965માં આલાબામા રાજ્યમાં તેમણે કાળા લોકોના મતાધિકાર માટેની લડત ઉપાડી અને તેમાં વિજયી થયા. યુ.એસ.માં નાગરિક હકો અને સમાનતા માટેની ચળવળ ફેલાઈ. શિકાગોમાં ઘરની ફાળવણીમાં કાળા લોકોને થતા અન્યાય સામે તેમણે અવાજ ઉઠાવ્યો ને તેમાં સફળતા મેળવી.
1965માં સેલ્મા શહેરમાં 1,500 યુવાનોની ફેડરલ કોર્ટ સમક્ષ કૂચ યોજી.
1966માં તેમણે વિયેતનામ યુદ્ધનો વિરોધ કર્યો. યુદ્ધના ખર્ચની રકમ દ્વારા માંદગી અને ગરીબાઈને દેશવટો આપવા હાકલ કરી.
4 એપ્રિલ 1968ના રોજ આરોગ્ય ખાતાના કાર્યકરોની હડતાળ અંગે મેમ્ફિસમાં ચર્ચાવિચારણા માટે તે અને અન્ય કાર્યકરો ભેગા થયા. તે બાલ્કનીમાં ઊભા હતા ત્યારે ગોરા લોકોનું આડકતરું પ્રોત્સાહન પામેલા જેમ્સ અલેરે નામના ગુનાખોર માણસે તેમનું ખૂન કર્યું. ઓગણચાળીસ વરસની નાની વયે તે શહીદ થયા. તેમના અકાળ મૃત્યુને કારણે સો ઉપરાંત શહેરોમાં હુલ્લડો થયાં હતાં અને લાખથી વધુ લોકોએ તેમની સ્મશાનયાત્રામાં ભાગ લીધો હતો. જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં અપાતો આંતરરાષ્ટ્રીય સમજૂતી અને શાંતિના કાર્ય માટેનો રૂપિયા પંદર લાખનો પુરસ્કાર ભારતે તેમના મૃત્યુ પછી તેમનાં પત્નીને આપીને દિવંગત નેતાનું મરણોત્તર બહુમાન કર્યું હતું.
શિવપ્રસાદ રાજગોર