કિર્લોસ્કર, લક્ષ્મણરાવ કાશીનાથ (જ. 20 જૂન 1869, ગુર્લહોસૂર; અ. 26 સપ્ટેમ્બર 1956, પુણે) : વિખ્યાત ઉદ્યોગપતિ, એન્જિનિયરિંગ ક્ષેત્રના તંત્રવિદ્ તથા કિર્લોસ્કર ઔદ્યોગિક ગૃહના સંસ્થાપક. બેળગાંવ (કર્ણાટક) જિલ્લાના ગુર્લહોસૂર ખાતે ગરીબ કુટુંબમાં જન્મ. તેમને ઔપચારિક શિક્ષણમાં રસ ન હતો તેથી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સમાં ચિત્રકલાના અભ્યાસ માટે દાખલ થયા. તે આંશિક રંગઅંધત્વ(partial colour blindness)થી પીડાતા હોવાથી ચિત્રકલાનો અભ્યાસ છોડી મિકેનિકલ ડ્રૉઇંગના અભ્યાસક્રમમાં જોડાયા. 1887માં માત્ર અઢાર વર્ષની ઉંમરે મુંબઈની વિક્ટોરિયા જ્યુબિલી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ(V.J.T.I.)માં મિકેનિકલ ડ્રૉઇંગના શિક્ષક બન્યા (1887-97). ફાજલ સમયમાં સંસ્થાની કાર્યશાળામાં રસપૂર્વક કામ કરતાં કરતાં યંત્રવિજ્ઞાનમાં નિપુણ થયા. નોકરી સિવાયના સમય દરમિયાન વધારાની આવક મેળવવા માટે યંત્રોની સ્થાપના (installation) તથા સમારકામ શરૂ કર્યું. 1888માં ‘કિર્લોસ્કર બ્રધર્સ’ નામની પેઢી સાઇકલનું વેચાણ, સમારકામ તથા સવારીની તાલીમ આપવા માટે શરૂ કરી જે ભવિષ્યના વિશાળ ઔદ્યોગિક સંકુલનું પ્રારંભિક કેન્દ્રબિંદુ સાબિત થયું. 1897માં બેળગાંવ ખાતે પોલાદનાં કૃષિયંત્રો અને ઓજારોના ઉત્પાદનનું કારખાનું સ્થાપ્યું. મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ઔંધ રિયાસતના રાજવીએ 1910માં નિ:શુલ્ક આપેલી 32 એકર ઉજ્જડ જમીન પર લક્ષ્મણરાવે પહેલું કારખાનું ઊભું કર્યું. ત્યાં જ ધીમે ધીમે કિર્લોસ્કરવાડી નામથી વિશાળ ઔદ્યોગિક વસાહતનું મંડાણ થયું. લક્ષ્મણરાવને કુદરતે બક્ષેલી એન્જિનિયરિંગની વિચક્ષણ કોઠાસૂઝને કારણે કિર્લોસ્કર ઉદ્યોગોનું કિર્લોસ્કરગૃહમાં વિસ્તરણ થયું અને ક્રમશ: હરિહર, બૅંગાલુરુ, પુણે તથા દેવાસ (મ.પ્ર.) જેવી જગ્યાએ નવા ઔદ્યોગિક એકમો પ્રસ્થાપિત થયા. સંકુલના આ એકમોમાં કૃષિ-ઉપકરણો ઉપરાંત ડીઝલ એંજિન, વીજળીની મોટર તથા મશીન ટૂલ્સનું વૈવિધ્યપૂર્ણ ઉત્પાદન શરૂ કર્યું.
લક્ષ્મણરાવ ઉદ્યોગપતિ ઉપરાંત પ્રખર દેશભક્ત તથા સમાજસુધારક પણ હતા. સાદી જીવનપ્રણાલીને વરેલા આ ઉદ્યોગપતિએ જીવનભર ખાદીનાં વસ્ત્રો અપનાવ્યાં હતાં; ભારતની સ્વાધીનતાની લડતને તેઓ સક્રિય સહાય આપતા તથા પોતાના સંકુલના વિસ્તારમાં દેશભક્તોને ગુપ્ત રાહે આશ્રય આપતા. 1942ની ચળવળ દરમિયાન તેમના સંકુલના એકમો પર પોલીસે દરોડા પાડ્યા હતા. ગાંધીજીએ આપેલા નિર્દેશન તથા સૂચવેલા નમૂના મુજબ કિર્લોસ્કરે તેમના કારખાનામાં ચરખા બનાવ્યા હતા.
લક્ષ્મણરાવના માર્ગદર્શન હેઠળ કિર્લોસ્કરવાડી સામાજિક રીતે એક આદર્શ વસાહત તરીકે વિકસી. ત્યાંની જીવનપ્રણાલીમાં શ્રમ, સહકાર તથા સમભાવ આ ત્રણેને પ્રાધાન્ય આપવામાં આવે છે. 1910માં ત્યાં અસ્પૃશ્યતાનિવારણ અપનાવવામાં આવ્યું હતું. લક્ષ્મણરાવ પોતે અસ્પૃશ્યો સાથે રહેતા અને શારીરિક શ્રમ કરતા હતા. રામપુર નામના દત્તક લીધેલા ગામમાં કૃષિ, સિંચાઈ, મરઘાં-બતકાંઉછેર જેવા વ્યવસાયોના વિકાસમાં તેમણે સક્રિય માર્ગદર્શન પૂરું પાડેલું.
ઔંધ રિયાસતમાં પ્રજાકીય શાસનપ્રણાલી દાખલ થઈ ત્યારે લક્ષ્મણરાવ મંત્રીપદે નિમાયા. આ કારકિર્દીમાં પણ તેમણે ઔદ્યોગિક વિકાસ, ગ્રામોદ્ધાર તથા કેળવણીમાં ખૂબ રસ દાખવ્યો હતો. ભારતના ઝડપી ઔદ્યોગિક વિકાસના તે પ્રખર હિમાયતી હતા. તેમના સંકુલમાં તૈયાર થયેલા ઘણા કુશળ કારીગરોએ પોતાનાં સ્વતંત્ર કારખાનાં ઊભાં કર્યાં છે.
વિશ્વવિખ્યાત બની ચૂકેલા આ અગ્રણી ઉદ્યોગપતિનાં સાહસ, સૂઝ તથા નિયોજન-કુશળતાની જાહેર પ્રશંસા કરનારામાં લોકમાન્ય તિલક, જવાહરલાલ નહેરુ, શ્યામાપ્રસાદ મુખર્જી, ચક્રવર્તી રાજગોપાલાચારી તથા એમ. વિશ્વેશ્વરૈયા જેવી મહાન વિભૂતિઓનો સમાવેશ થાય છે. તેમના ચારે પુત્રો કુટુંબના વ્યવસાયમાં જોડાયેલા છે. તેમના સૌથી મોટા પુત્ર શંતનુરાવે ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રે ભારત તથા વિશ્વમાં ખ્યાતિ સંપાદન કરી છે.
1969માં લક્ષ્મણરાવ કિર્લોસ્કરની જન્મશતાબ્દીને અનુલક્ષીને ભારત સરકારે એક ખાસ ટપાલટિકિટ બહાર પાડી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે