કિરાતાર્જુનીય (સાતમી સદી) : કવિ ભારવિએ રચેલું પ્રસિદ્ધ સંસ્કૃત કાવ્ય. એની ઓજસ્વી શૈલી અને અર્થગૌરવના ગુણને લીધે સંસ્કૃત સાહિત્યનાં પ્રસિદ્ધ પાંચ મહાકાવ્યોમાં તે ગણાયું છે. કિરાતકાવ્યનું કથાવસ્તુ મહાભારતના વનપર્વમાંથી લેવાયું છે. અર્જુને શિવને પ્રસન્ન કરી તેમની પાસેથી પ્રસાદરૂપે પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યું એ આ કાવ્યનું વસ્તુ છે. આ નાનકડા વસ્તુમાંથી કવિની પ્રતિભાએ અઢાર સર્ગનું મનોરમ મહાકાવ્ય સર્જ્યું છે. દુર્યોધનની રાજનીતિ જાણવા સારુ યુધિષ્ઠિરે હસ્તિનાપુર મોકલેલા ગુપ્તચર વનેચરે સુયોધનની રાજનીતિનું વર્ણન કરી તેની સામે યોગ્ય ઉપાય યોજવાનું કહ્યું ત્યારે દ્રૌપદીએ ઓજસ્વી શબ્દોમાં યુધિષ્ઠિરનાં માન અને શૌર્યને ઉદ્દીપ્ત કરવા પ્રયત્ન કર્યો. ભીમે કુશલ રાજનીતિજ્ઞની જેમ દ્રૌપદીના અભિપ્રાયને પુષ્ટિ આપીને, પરાક્રમ વડે રાજ્ય જીતી લેવા યુધિષ્ઠિરને ઉશ્કેરવા પ્રયત્ન કર્યો. ઠરેલ રાજનીતિજ્ઞ યુધિષ્ઠિરે તેમને યોગ્ય ઉત્તર આપી શાંત કર્યા. એ સમયે ભગવાન વ્યાસ ત્યાં આવ્યા અને ભાવિ યુદ્ધની અનિવાર્યતા વિચારીને દૈવી સહાય પ્રાપ્ત કરવાનું તેમને સૂચવ્યું. તદનુસાર અર્જુન શિવને પ્રસન્ન કરવા પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કરવા સારુ તપશ્ચર્યા અર્થે ઇન્દ્રકીલ પર્વતમાં ગયો. પ્રવાસમાં શરદ ઋતુની શોભા, હિમવાન પર્વતનું સૌન્દર્ય આદિ રમણીયતા નિહાળતો અર્જુન તપોભૂમિમાં પહોંચ્યો (સર્ગ 1-4). અહીંના સ્થાનિક ગુહ્યકો અર્જુનથી ભયભીત થઈ ઇન્દ્ર પાસે ગયા. અર્જુનની પરીક્ષા અર્થે ઇન્દ્રે અપ્સરાઓ, ગન્ધર્વો આદિને મોકલ્યાં. તેમના ગજરાજો, એમની જલક્રીડા અને કામકેલિનું વર્ણન, સન્ધ્યા, રાત્રી અને પ્રભાતનાં વર્ણનો તથા ચન્દ્રોદય અને ચન્દ્રશુભ્ર રાત્રીમાં તેમના વિવિધ વિહારો આદિનાં વર્ણનોમાં કવિની હથોટી ખૂબ પ્રભાવક લાગે છે. (સર્ગ 5-9). અર્જુનની પરીક્ષા અર્થે ઇન્દ્ર તપસ્વી વેશે આવ્યો અને અર્જુનના સંયમપૂર્ણ તપથી પ્રસન્ન થઈ તેણે અર્જુનને આશીર્વાદ આપ્યો (સર્ગ 10-11). દુર્યોધનનો સહાયક મૂક નામે દાનવ અર્જુનને હણવા સારુ વરાહરૂપે તેના ઉપર ધસી આવ્યો ત્યારે અર્જુને તેને બાણથી વીંધી હણ્યો, પણ વરાહની પાછળ પડેલા કિરાતરાજ વેશધારી શિવે પણ તે જ સમયે બાણથી વરાહને વીંધ્યો. બંનેનાં બાણ એકસાથે તેના પર પડ્યાં. અહીં અર્જુન અને કિરાતરાજ બંનેએ એ શિકાર પર પોતાનો જ અધિકાર હોવાનો દાવો કર્યો. આ વિવાદ યુદ્ધ સુધી પહોંચ્યો. અર્જુન અને કિરાત સૈન્યનું યુદ્ધ, અર્જુન અને કિરાતરાજનું યુદ્ધ, શસ્ત્રાસ્ત્ર યુદ્ધ પછી દ્વન્દ્વયુદ્ધ વગેરે વર્ણનોમાં કવિના વર્ણનકૌશલનો સરસ પરિચય થાય છે. અંતે અર્જુનની પ્રાણશક્તિથી પ્રસન્ન થયેલા શિવે તેને પાશુપતાસ્ત્રનું પ્રદાન કર્યું (સર્ગ 12-18).
આમ સાવ ઓછા કથાવસ્તુમાંથી કવિએ અઢાર સર્ગનું મહાકાવ્ય રચ્યું છે. વનેચર, દ્રૌપદી, ભીમ અને યુધિષ્ઠિરની ઉક્તિઓમાં કવિએ કુશલતાપૂર્વક રાજનીતિના સિદ્ધાન્તોનું આલેખન કર્યું છે. ઋતુવર્ણન, નિસર્ગવર્ણન, તપશ્ચર્યા, અપ્સરાઓ અને ગન્ધર્વોના ભવ્ય પ્રવાસનું વર્ણન, શિવ અને અર્જુનના દ્વન્દ્વનું વર્ણન આદિને લીધે કાવ્યવસ્તુ સરસ રીતે વિસ્તર્યું છે અને વિસ્તાર નીરસ કે અપ્રતીતિકર લાગતો નથી. સમગ્ર કાવ્યમાં કવિએ ગૌડી શૈલીનો આશ્રય લીધો છે. તેથી ભારવિની કવિતાને વિવેચકોએ ‘નારિકેલફલસમ્મિતવચન’ કહીને બિરદાવી છે. કાલિદાસની પ્રસન્નમધુર શૈલી કરતાં ભારવિની અર્થગૌરવવાળી શૈલી જુદી પડે છે.
રમેશ બેટાઈ