કિઓન્જાર (Keonjhar) : ઓડિસાના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 11’થી 22o 10′ ઉ. અ. અને 85o 11’થી 86o 22′ પૂ.રે. વચ્ચેનો 8337 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઝારખંડ રાજ્યનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો, પૂર્વ તરફ મયૂરભંજ, બાલેર અને ભદ્રક જિલ્લા, દક્ષિણ તરફ જાજપુર અને ધેનકાનલ જિલ્લા તથા પશ્ચિમ તરફ અંગૂલ અને સુંદરગઢ જિલ્લા આવેલા છે. જિલ્લામથક કિઓન્જાર જિલ્લાની મધ્યમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ બે કુદરતી વિભાગોથી બનેલું છે, પૂર્વ તરફનો ભૂમિપ્રદેશ લગભગ સમતળ છે, જ્યારે પશ્ચિમ તરફનો ભૂભાગ ઊંચી ટેકરીઓ ધરાવતી હારમાળાથી બનેલો છે. માનકર્ણ, ગંધમાદન, ગોન્શિખા અને ઠકુરાણી જેવાં ઓરિસાનાં ઊંચાં શિખરો ધરાવતી આ હારમાળા ઉત્તર તરફની વૈતરણી અને દક્ષિણ તરફની બ્રાહ્મણી નદીનો જળવિભાજક રચે છે. આ બે ભિન્ન કુદરતી વિભાગોને કારણે જિલ્લાનું સ્થળર્દશ્ય ત્રણ પ્રકારોમાં વહેંચી શકાય છે : (i) વૈતરણી નદીપટ્ટાથી બનતો સમતળ પ્રદેશ; (ii) ભુયનપીઢનો પહાડી પ્રદેશ અને (iii) ઉત્તર અને પશ્ચિમ તરફનો અર્ધ-પહાડી પ્રદેશ.
જળપરિવાહ : વૈતરણી અહીંની એકમાત્ર મુખ્ય નદી છે. તે બંગાળની ખાડીને મળે છે. આ નદીને બીજી નાની નાની નદીઓ પણ મળે છે.
આબોહવા : આ જિલ્લો ભૂમિબદ્ધ હોવાથી ઉનાળા-શિયાળા વિષમ રહે છે. ઉનાળા અને શિયાળાનાં તાપમાન અનુક્રમે 30oથી 40o સે. અને 15oથી 5o સે. વચ્ચેનાં રહે છે. જુલાઈથી ઑક્ટોબર દરમિયાન અહીં મધ્યમસરનો વરસાદ પડે છે.
જંગલો : જિલ્લાનો આશરે 2500 ચોકિમી જેટલો વિસ્તાર જંગલ-આચ્છાદિત છે. ઉત્તર તરફ ભેજવાળાં ખરાઉ જંગલો આવેલાં છે; તેમાં સાલ, અર્જુન, આસન જેવાં વૃક્ષો જોવા મળે છે.
ખેતી–પશુપાલન : જિલ્લામાં રવી અને ખરીફ બંને જાતના પાક લેવાય છે. ડાંગર આ જિલ્લાનો મુખ્ય પાક છે. આ ઉપરાંત શણ, બાજરી અને તેલીબિયાંના પાક પણ લેવાય છે. પહાડી ઢોળાવોમાં જમીનોનું ધોવાણ થતું રોકવા વૃક્ષ-વાવેતર શરૂ કરાયું છે. અહીં કેરી, જૅકફ્રૂટ, જામફળ, પપૈયાં, કેળાં, નાળિયેર અને શાકભાજીની બાગાયતી ખેતી પણ થાય છે. રેશમ અને ટસરના કોશેટા તૈયાર કરવામાં આવે છે. માછલીઓનો વ્યવસ્થિત ઉછેર કરાય છે.
જિલ્લાના પશુધનમાં ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, ઘોડા, ગધેડાં, ભુંડ, ખચ્ચર તથા મરઘાં-બતકાંનો સમાવેશ થાય છે. તાજેતરમાં દૂધમંડળીઓ ચાલુ કરવામાં આવી છે તથા તેનાં શીતાગાર-કેન્દ્રો વિકસાવાયાં છે.
ઉદ્યોગ–વેપાર : રાજ્ય અને જિલ્લાના સંદર્ભમાં જોતાં, અહીં લોહઅયસ્ક મૅંગેનીઝ અને ક્રોમિયમનાં ધાતુખનિજો તેમજ કેઓલિન(ચીની માટી)ના વિશાળ જથ્થા આવેલા હોવા છતાં મોટા પાયા પરના ઉદ્યોગો વિકસ્યા નથી. પરંતુ અહીં વણાટકામના, તેલ-ઘાણીના, સુથારી અને લુહારીકામના, માટીનાં અને ગૃહવપરાશનાં પાત્રોના, વાંસની ટોપલીઓ તથા દોરડાં બનાવવાના, લાખ-પ્રક્રમણ તથા સલાટકામના પરંપરાગત એકમો ચાલે છે.
જિલ્લામાંથી થતી મુખ્ય નિકાસી ચીજોમાં શણ, તેલીબિયાં, લાખ, રાઈ, લાકડાં, મહુડાં, લોહ-અયસ્ક, મૅંગેનીઝ, ક્રોમાઇટ અને ક્વાર્ટ્ઝાઇટનો સમાવેશ થાય છે; જ્યારે ચોખા, ઘઉં અને ઘઉંની પેદાશો, ખાંડ, ખાતર, કરિયાણું, લોહ-પોલાદનો સામાન, સિમેન્ટ, કેરોસીન, મીઠું, દવાઓ, ફૅન્સી ચીજવસ્તુઓ, ખેતીનાં ઓજારો, યંત્રસામગ્રી, પેટ્રોલ, ખાદ્યતેલ, કાપડ, કપડાં, વીજળીનો સામાન, વાસણો, વાહનો તેમજ અન્ય ચીજવસ્તુઓની આયાત થાય છે. ખરીદ-વેચાણ માટે આનંદપુર, બાલાગોડા (બોલાની), બાર્બિલ, દૈતારી, જોડા અને કેન્દુઝાર નગરો ખાતે બજારો કાર્યરત છે.
પરિવહન : આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 6 પસાર થાય છે. એ જ રીતે રાજ્ય ધોરી માર્ગ પણ પસાર થાય છે. આ બંને માર્ગો જિલ્લામથક કિઓન્જારમાં થઈને જાય છે. રાજ્ય ધોરી માર્ગને લગભગ સમાંતર રેલમાર્ગ આવેલો છે. તે કટક અને પારાદીપ(બંદર)ને જોડે છે.
પ્રવાસન : આ જિલ્લામાં પર્યટનસ્થળો તરીકે ઉપયોગમાં લેવાતા ચાર જળધોધ આવેલા છે. જિલ્લામથક કિઓન્જારથી 45 કિમી. અંતરે આવેલા ગોન્શિખા પહાડમાંથી વૈતરણી નદી નીકળે છે અને થોડા અંતર માટે ભૂગર્ભમાર્ગે વહેતી હોવાથી તેને ‘ગુપ્તગંગા’ કહે છે. દેશી રાજ્યના એક શાસક નારાયણ ભાનજાએ અહીં તળેટીમાં એક તળાવ બંધાવેલું છે. તે અહીંના સ્થાનિક લોકો માટે ધર્મસ્થાનક છે. આનંદપુર નજીક કુશલેશ્વરનું મંદિર છે. અહીં અવલોકિતેશ્વરની 1.5 મીટર ઊંચી મૂર્તિ છે. આ ઉપરાંત વાર-તહેવારે મેળા અને ઉત્સવોનું આયોજન થાય છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 18,02,777 જેટલી છે. હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે; જ્યારે શીખ, બૌદ્ધ અને જૈનોની વસ્તી ઓછી છે. જિલ્લામાં મુખ્યત્વે ઊડિયા અને બંગાળી ભાષાઓ વધુ બોલાય છે. અહીં આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાતી સ્થાનિક વસ્તીને કારણે જિલ્લાનો વિકાસ પૂરતો થઈ શકેલો નથી. રાજ્યસરકાર તરફથી આ માટે પ્રયાસો ચાલુ છે. સાક્ષરતાનું પ્રમાણ 45% જેટલું છે.
ઇતિહાસ : ઓડિસાનાં અન્ય રાજ્યોની જેમ તેનો સળંગ ઇતિહાસ મળતો નથી. અપર કિઓન્જાર અને મયૂરભંજ મળીને હરિહરપુરા રાજ્યનો કેટલોક ભાગ બનતો હતો. આશરે ઈ.સ. 1128માં કિઓન્જાર અલગ રાજ્ય બન્યું. ત્યાં ભાનૂજા રાજાઓ શાસન કરતા હતા. છતાં બ્રિટિશ રાજ દરમિયાન 1907-1928 દરમિયાન કિઓન્જારનો વહીવટ બ્રિટિશ સરકાર કરતી હતી. જાન્યુઆરી 1929માં ગોપીનાથ નારાયણ ભાન્જાના પુત્ર બલભદ્ર નારાયણ ભાન્જાને રાજગાદી સોંપવામાં આવી. તેના સમયમાં 1 જાન્યુઆરી 1948માં ઓરિસા રાજ્ય સાથે તેનું વિલીનીકરણ થયું અને ઓરિસા રાજ્યનો અલગ જિલ્લો બનાવવામાં આવ્યો.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ