કિરપાણ : શીખ ધર્મની દીક્ષા લેતી વેળાએ યુવાને તેના શરીર પર ધારણ કરવાની પાંચ વસ્તુઓમાંની એક. નાની કટાર જેવું તે શસ્ત્ર હોય છે. શીખ ધર્મનો અંગીકાર કરવા માટે દીક્ષા લેવાનો સંસ્કાર દરેક યુવાન માટે અનિવાર્ય હોય છે. શીખ ધર્મના વડા દ્વારા દીક્ષા આપવામાં આવે છે. દીક્ષાસંસ્કારને અમૃતદીક્ષા અથવા પોલ નામથી ઓળખાય છે. લોઢાના પાત્રમાં પાણી અને પતાસાં નાખીને બે ધારવાળા ખંજરથી તે હલાવવામાં આવે છે. તેમાંથી અમૃત તૈયાર થાય છે તેવી શીખ ધર્મની શ્રદ્ધા છે. આમ કરતી વેળાએ ગુરુગ્રંથ-સાહેબમાંથી નિત્યોપાસનાના પાંચ મંત્રોનો પાઠ કરવામાં આવે છે. તે પછી દીક્ષાર્થીને ખાલસા પંથના સોગંદ લેવડાવવામાં આવે છે અને તેના શરીર પર એ અમૃત છાંટવામાં આવે છે અને સાથોસાથ તેને તેના શરીર પર કાયમને માટે ધારણ કરવા સારુ જે પાંચ ‘ક’થી શરૂ થતી વસ્તુઓ આપવામાં આવે છે તેમાં કેશ, કંગા, કચ્છ, કડું અને કિરપાણનો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે