કિરણન (irradiation) : ભૌતિક વિજ્ઞાન તથા વૈદકમાં અવરક્ત (infra-red), પારજાંબલી (ultra-violet), એક્સ-કિરણો અથવા રેડિયો-ઍક્ટિવ પદાર્થમાંથી ઉત્સર્જાતાં આલ્ફા, બીટા કે ગૅમા કિરણો પ્રત્યે થતું ઉદભાસન (exposure). ઇલેક્ટ્રૉન, પ્રોટૉન અને ન્યૂટ્રૉન જેવા પરમાણ્વીય કણના પ્રચંડ પ્રતાડન(bombardment)ને પણ તે આવરી લે છે. ભિન્ન ભિન્ન પ્રકારનાં આ વિકિરણો, સામૂહિક રીતે આયનકારક વિકિરણો (ionising radiations) તરીકે ઓળખાય છે, કારણ કે માંસપેશીઓ(tissues)માંથી પસાર થાય ત્યારે તેમના પથમાં આયન તરીકે ઓળખાતા વિદ્યુતભારિત અણુઓ અને પરમાણુઓને તેમની પાછળ છોડતાં જાય છે. આયનકારક વિકિરણો વડે જીવંત કોષો ઉપર થતી હાનિકારક અસરોની આ એક પ્રમાણભૂત હકીકત છે. તેમની વેધનશક્તિ (power of penetration) તથા તેમના વડે મુક્ત થતાં આયનોની સંખ્યા બદલાતી રહે છે. વિકિરણનો પ્રકાર તથા તેની માત્રા ઉપર આધારિત, માંસપેશીના કોષોને, તેમના સંપૂર્ણ વિસંગઠન(disorganization)થી લઈને તેમના કાર્યમાં થતી અલ્પકાલીન અવ્યવસ્થા સુધીનું નુકસાન થતું હોય છે. કોષનાં આનુવંશિક (genetic) લક્ષણોમાં ફેરફાર ઉપજાવીને, બીજી રીતે પણ આયનકારક વિકિરણો હાનિકારક નીવડતાં હોય છે. સ્થિર કે સ્થાયી કોષો કરતાં, સક્રિય રીતે વિભાજિત થતા કોષોમાં નુકસાનની માત્રા વધુ જણાય છે.

પુખ્ત ઉંમરની વ્યક્તિઓ કરતાં શિશુ અને બાળકો માટે આયનકારક વિકિરણોનું જોખમ વધારે રહેલું છે. પુખ્ત વયની વ્યક્તિ તથા બાળકમાં સૌથી વધુ સંવેદી માંસપેશીઓ હોય છે. તેમના કોષોનું ઘણીવાર સૂત્રીય વિભાજન (mitosis) થતું હોય છે. વિશેષત: અસ્થિમજ્જા (bone-marrow), લસિકાતંત્ર (lymphatic system) અને જનનીય કોષો (reproductive cells), તેમની ઉપર કિરણનનું સફળ આક્રમણ થઈ શકે તેવાં હોય છે. કિરણન વડે કોષને થતી આનુવંશિક હાનિ, દુર્દમ્ય વૃદ્ધિ (malignant growth) ઉપજાવીને કૅન્સરનો રોગ લાગુ પાડી શકે છે. આમ, કિરણનથી લ્યુકેમિયા (રક્તના લાલ કણોનું કૅન્સર) ઉદભવી શકે છે. રેડિયમ જેવી રેડિયો-ઍક્ટિવ ધાતુમાંથી મળતું કિરણન ત્વચાનું કૅન્સર નિપજાવી શકે છે. એક્સ-કિરણો ઉપર કામ કરનારા પ્રારંભિક વિજ્ઞાનીઓને ત્વચાના કૅન્સરનો આવો રોગ થયો હતો.

ન્યૂક્લિઇ યુક્તિઓ, પરમાણુઓ તથા હાઇડ્રોજન બૉમ્બના વિસ્ફોટ દ્વારા કુદરતી રીતે જ મળતા અને પશ્ચાદભૂમિમાં આવેલા કિરણનના સંદર્ભમાં રંગસૂત્રો (chromosomes) ઉપર થતી તેમની અસરો વિશે ઘણો બધો અભ્યાસ કરવામાં આવેલો છે. મનુષ્ય જેને ઉદભાસિત (exposed) થઈ રહ્યો છે, તેવાં આવરણ-પ્રાપ્ય કિરણનના જથ્થામાં કોઈ સ્રોત દ્વારા વધારો થતાં, આનુવંશિક નુકસાનમાં વધારો થાય છે અને જન્મથી જ વિકૃતિ સાથે જન્મતાં બાળકોની સંખ્યામાં ઉમેરો થાય છે, પરંતુ આજદિન સુધી ન્યૂક્લિયર વિસ્ફોટથી મળતું કુલ પશ્ચ-વિકિરણન (background radiation) બીજા માનવકૃત સ્રોતોથી મળતા કિરણનની સરખામણીએ ઘણું ઓછું રહ્યું છે. તબીબી તપાસમાં વપરાતાં એક્સ-કિરણોનો ફાળો તેમાં સૌથી વિશેષ છે.

કાળજીપૂર્વક નિયંત્રિત કરેલાં તથા સીમિત ઉદભાસનવાળાં કિરણનને રોગના ઉપચાર માટે મુખ્યત્વે કૅન્સરની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોષોના ત્વરિત વિભાજનને લઈને કૅન્સરની વૃદ્ધિ થતી હોવાથી, આજુબાજુની માંસપેશી કરતાં, આવા કોષો કિરણનથી વધુ પ્રભાવિત થતા હોય છે.

એરચ મા. બલસારા