કિયાન્ગ્સુ (જિયાંગ્સુ) : ચીનના પૂર્વ તરફના કિનારા પર આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : 33o ઉ. અ. અને 120o પૂ. રે.. તે પીળા સમુદ્ર અને યાન્ગ્ઝે નદીના મુખત્રિકોણના કાંપવાળા ફળદ્રૂપ પ્રદેશ પર આવેલો છે. તેની પૂર્વે તથા દક્ષિણે પીળો સમુદ્ર, પશ્ચિમે અન્હુઇ પ્રાંત તથા ઉત્તરે શાંગડોંગ પ્રાંત આવેલા છે. તેનો કુલ વિસ્તાર 1,02,300 ચોકિમી. છે. યાન્ગ્ઝે નદી પરનું મોટું બંદર તથા ઔદ્યોગિક નગર નાનકિંગ તેનું પાટનગર છે.
પીળો સમુદ્ર તથા યાન્ગ્ઝે નદીની રેતી અને કાદવથી બનેલી કાંપભૂમિવાળો આ પ્રાંત યાન્ગ્ઝે નદી દ્વારા બે વિભાગમાં વહેંચાઈ ગયેલો છે : (1) નદીના દક્ષિણ તરફનો ઝેચિયાંગ પ્રદેશ યાન્ગ્ઝે નદીનો મુખત્રિકોણનો ખૂબ ફળદ્રૂપ વિસ્તાર છે. તે રેશમ અને હસ્તકળાના ઉદ્યોગ માટે વિખ્યાત છે. વિશ્વનાં મોટાં નગરોમાં ગણાતાં શાંઘાઈ તથા નાનકિંગ, સુચાઓ અને વુ-સી જેવાં ચીનનાં મોટાં શહેરો આ વિભાગમાં આવેલાં છે. (2) નદીના ઉત્તર તરફનો સુ-પેઈ પ્રદેશ પ્રમાણમાં અલ્પવિકસિત અને ગરીબ છે.
આ પ્રાંત કૃષિ-ઉત્પાદનની દૃષ્ટિએ ચીનનો સૌથી સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. ડાંગર તથા ઘઉં મુખ્ય પેદાશ છે. અન્ય પેદાશોમાં મકાઈ, મગફળી, શક્કરિયાં, જવ તથા કઠોળ છે. યાન્ગ્ઝે નદીના મુખત્રિકોણના પ્રદેશમાં મોટા પાયા પર કપાસની ખેતી થાય છે. તાઈ-હુના આસપાસના વિસ્તારમાં ઊંચી ગુણવત્તા ધરાવતા રેશમની પેદાશ થાય છે. પ્રાંતમાં પશુસંવર્ધન, મરઘાં-બતકાંઉછેર, મત્સ્યઉછેર તથા રેશમના કીડાઉછેરનાં કેન્દ્રો વિકસ્યાં છે. પીળા સમુદ્રના કાંઠા વિસ્તારમાં મોટા પાયા પર મીઠાનું ઉત્પાદન થાય છે. સમગ્ર પ્રાંતમાં અસંખ્ય જળાશયો, નહેરો તથા ઝરણાં હોવાથી સિંચાઈની ઘણી પ્રાકૃતિક સગવડો પ્રાપ્ત થાય છે.
ઔદ્યોગિક ક્ષેત્રે કૃષિઓજારો, રાસાયણિક ખાતરો, લોખંડ અને પોલાદ, વીજળીનાં ઉપકરણો, યાંત્રિક સાધનો, કાપડ તથા સ્વયંસંચાલિત વાહનોનું ઉત્પાદન કરતા એકમો આ પ્રાંતમાં વિકસ્યાં છે. નાનકિંગ ખાતેનો મોટર-ઉદ્યોગ વિશ્વમાં જાણીતો છે.
સામાન્ય રીતે તે સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે. સરેરાશ વાર્ષિક વરસાદ દક્ષિણમાં 1145 મિમી. તથા ઉત્તરમાં 760 મિમી. છે.
આ પ્રાંતમાં થોડાક હુઈ (ચીની મુસલમાનો) બાદ કરતાં લગભગ બધી જ પ્રજા હાન વંશની છે. ચીનનો આ પ્રાંત સૌથી વધુ ગીચ વસ્તીવાળો છે. 2020 મુજબ આ પ્રાંતની વસ્તી 8,47,00,000 જેટલી છે.
પ્રાંતનાં ઘણાં પ્રાચીન નગરો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્મારકો તથા વિખ્યાત મંદિરો માટે જાણીતાં છે. મિંગ વંશના સમ્રાટોના સ્મારકો તથા સુન યાત-સેનની વિશ્વવિખ્યાત કબર (mousoleum) પણ આ જ પ્રાંતમાં છે.
મોટાભાગના વાહનવ્યવહાર માટે જળમાર્ગોનો ઉપયોગ થાય છે. પ્રાંતના રેલમાર્ગો મહદ્ અંશે પૂર્વથી પશ્ચિમ તરફ વિસ્તરેલા છે.
પ્રાચીન કાળમાં આ પ્રાંત વુ સામ્રાજ્યનો ભાગ હતો. મિંગ વંશના શાસન (1368-1644) દરમિયાન તે તેના સામ્રાજ્યનો ભાગ બન્યો હતો તથા તેને સામ્રાજ્યના પાટનગર નાનકિંગના વહીવટી વિભાગ હેઠળ મૂકવામાં આવેલ. 1667થી તે અલગ પ્રાંત બન્યો છે. તાઇપિંગ બળવા દરમિયાન (1850-64) તે બળવાખોરોનું મુખ્ય કેન્દ્ર હતું. 1937-45 દરમિયાન તે જાપાનના કબજા હેઠળ રહેલ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ પ્રાંતમાં મોટા પાયા પર ખુવારી થઈ હતી. 1949માં ચીનની મુખ્ય ભૂમિ પર સામ્યવાદી શાસન દાખલ થતાં હવે તે ચીની પ્રજાસત્તાકનો ભાગ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે