વિદ્યાપતિ : ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલ તે નામે એક વિખ્યાત મૈથિલ કવિ. ચૈતન્યદેવના અનુયાયી વૈષ્ણવ ભક્તકવિ. સંસ્કૃતના પ્રકાંડ પંડિત. ગણપતિના પુત્ર અને જયદત્તના પૌત્ર. તેઓ મુખ્યત્વે મિથિલાનરેશ શિવસિંહના આશ્રિત કવિ તેમજ સભાપંડિત હતા. મહારાજાએ તેમને બિસપી ગામ ભેટ ધર્યું હતું. તેમના વંશજો ઘણા લાંબા કાળ પર્યંત આ ગામમાં રહ્યા હતા, પરંતુ પછીથી અંગ્રેજ સરકારે આ દાનપત્રને બનાવટી સમજી છીનવી લીધું, તેથી તેઓ તે ગામ છોડી મધુવની પાસે સોરઠ ગામે રહેવા લાગ્યા.
તેમના જીવન વિશે સંપૂર્ણપણે આધારભૂત માહિતી સુનિશ્ચિતતયા આપી શકાય તેમ નથી, છતાં તેમના ગ્રન્થોને આધારે કે તેમના નિવાસસ્થાનના ભગ્નાવશેષ, શિલાલેખ, દાનપત્ર વગેરેની મદદથી કે પછી મિથિલામાં વહેતી તેમના અંગેની દંતકથાઓ ઉપરથી તેમના વિશે કંઇક ખ્યાલ મેળવી શકાય છે.
વિદ્યાપતિનો જન્મ સંસ્કારી મૈથિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું કુળ ધર્મનિષ્ઠા, માનમર્યાદા અને વિદ્વત્તા માટે જાણીતું હતું. તેમનો વંશ સરસ્વતીનો કૃપાપાત્ર હતો. તેમના પૂર્વજો વિદ્યાપ્રેમી હોવાની સાથે રાજનીતિકુશલ હતા. તે જ વારસો વિદ્યાપતિએ પણ જાળવ્યો હતો. બ્રાહ્મણ હોવાનું ગૌરવ ધરાવતા વિદ્યાપતિ વિદ્યાવ્યાસંગી હોવાની સાથે જ રાજકાર્યમાં પણ પલોટાયા હતા, પિતાની સાથે બાળપણથી જ રાજસભામાં જતા-આવતા હોવાથી, રાજસભાના લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાનો સાથે તેઓ સંપર્કમાં આવ્યા અને પરિણામે વિકસેલી રાજકીય કુનેહ તથા પારિવારિક વિદ્યાસંસ્કાર એ બંનેનો સમુચિત યોગ તેમનામાં થયો.
વિદ્યાપતિના વ્યક્તિત્વવિકાસમાં પારિવારિક સંસ્કાર કે વંશપરંપરા ઉપરાંત વિદ્વત્સમાજ તથા રાજદરબારનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તત્કાલીન સામાજિક, ધાર્મિક, આર્થિક સ્થિતિનો પણ તેમના વ્યક્તિત્વઘડતરમાં ફાળો રહ્યો છે.
કુશાગ્રબુદ્ધિ અને પ્રતિભાસંપન્ન વિદ્યાપતિએ પંડિત હરિમિશ્ર પાસે અધ્યયન કર્યું હતું. ‘ચિન્તામણિ’ પરના ‘આલોક’ના રચયિતા પ્રસિદ્ધ નૈયાયિક પક્ષધરમિશ્ર તેમના સહપાઠી હતા. વિદ્યાપતિ અનેક શાસ્ત્રો-જેવાં કે, કાવ્યશાસ્ત્ર, રાજનીતિ, ધર્મશાસ્ત્ર, દર્શન, મનોવિજ્ઞાન, કામશાસ્ત્ર ઇત્યાદિનું જ્ઞાન ધરાવતા હતા. નૈસર્ગિક કવિત્વશક્તિથી વરાયેલા તેમણે શૈશવકાળથી જ પદોની જે રચના આરંભી હતી તે છેક જીવનભર ચાલુ રહી. તેઓ દરબારી કવિ હતા. કીર્તિસિંહ, શિવસિંહ વગેરે અનેક રાજાઓને આશ્રયે રહીને ચાલેલી તેમની કવિતાપ્રવૃત્તિ સદૈવ સન્માનિત થતી રહી. રાજા શિવસિંહ અને રાણી લખિમાદેવી તેમની કવિતાનાં ચાહક હતાં. રાજાએ સુમતિ નામના કાયસ્થને કવિનાં પદો સ્વરબદ્ધ કરવા નિયુક્ત કર્યા હતા. મુસલમાન શાસકો પણ તેના પર મુગ્ધ હતા. દિલ્હીશ્વર દ્વારા કેદ કરાયેલા રાજાને વિદ્યાપતિએ પોતાની કવિપ્રતિભાથી જ મુક્ત કરાવેલ. તેમની મધુર-કોમલ પદરચનાએ તો ચૈતન્યદેવને પણ મુગ્ધ કરેલા. તેમનાં પદો એટલાં તો પ્રસિદ્ધિ પામ્યાં કે બંગાળીઓ તેમને બંગાળી માનવા લાગ્યા !
તત્કાલીન સમાજમાં પ્રચલિત વિભિન્ન દેવદેવીઓની પૂજા અનુસાર વિદ્યાપતિ સ્માર્ત પંચોપાસક હતા. તેઓ ગણેશ, સૂર્ય, શિવ, વિષ્ણુ તથા દુર્ગાના ઉપાસક હતા; પરંતુ સાંપ્રદાયિક કટ્ટરતાથી તેઓ પર હતા. અલબત્ત, સર્વ દેવોમાં શિવ પ્રત્યે તેમને વિશેષ આસ્થા હતી.
સંસ્કૃત વિદ્વાનોના પરિવારમાં જન્મ તથા સંસ્કૃતપ્રેમી સમાજ સાથે સંબંધ હોવાને પરિણામે વિદ્યાપતિને સંસ્કૃતનું જ્ઞાન સવિશેષ હતું. સંસ્કૃત ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. તેમના સંસ્કૃત ગ્રન્થોમાં તેમનું પાંડિત્ય વિશેષતયા પ્રગટે છે. તેમના ગ્રન્થો મોટેભાગે શાસ્ત્રીય તેમજ સ્તુતિપરક છે.
વિદ્યાપતિ સંધિકાળમાં અને દાર્શનિક યુગમાં થઈ ગયા. તે સમયે સંસ્કૃત વિદ્વાનોની ભાષા હતી અને લોકોમાં અપભ્રંશ વગેરે ભાષાઓ પ્રચલિત બની હતી. તેથી તેમણે સંસ્કૃત ગ્રન્થોની રચના સાથે જ જનભોગ્ય ભાષાઓમાં પણ ગ્રન્થો રચ્યા.
‘ભૂપરિક્રમા’, ‘પુરુષપરીક્ષા’, ‘લિખનાવલી’, ‘ગંગાવાક્યાવલી’, ‘દાનવાક્યાવલી’, ‘શૈવસર્વસ્વસાર’, ‘દુર્ગાભક્તિતરંગિણી’ વગેરે અનેક ગ્રન્થો તેમણે સંસ્કૃતમાં રચ્યા છે તે સાથે કીર્તિસિંહનું વર્ણન કરતી ‘કીર્તિલતા’ અપભ્રંશમાં અને ‘પદાવલી’ તથા ‘કીર્તિપતાકા’ જેવા ગ્રન્થો મૈથિલી ભાષામાં રચેલા છે.
આ સર્વમાં ‘પુરુષપરીક્ષા’ અને ‘પદાવલી’ એ બે ગ્રન્થો સવિશેષ નોંધપાત્ર છે. ‘પુરુષપરીક્ષા’ એ ગદ્યમાં રચાયેલ છે, જેમાં નીતિપ્રધાન ને રાજનીતિને લગતી કથાઓ છે; તો ‘પદાવલી’ એ તેમની કાવ્યરચનાઓનો સંગ્રહ છે. આ ગ્રન્થે કવિને અક્ષય કીર્તિ અપાવી છે. તેમાં કવિત્વશક્તિની સાથે કવિનું વ્યક્તિત્વ પણ પ્રગટે છે. તેઓ દરબારી કવિ હોવા છતાં જનકવિ વિશેષ છે. તેમની કવિતા રાજાઓ દ્વારા સન્માનિત છે, તો સાથે જ જનમાનસનું રંજન કરી તેમને સહજ રીતે જ વશીભૂત કરનારી છે.
વિદ્યાપતિનાં કાવ્યોમાં ભાષાનું અદ્ભુત સૌન્દર્ય, છન્દ:શાસ્ત્રનું વિસ્તૃત જ્ઞાન, કોમલકાંતપદાવલી, રસનિરૂપણ, અદ્ભુત વાગ્વૈદગ્ધ્ય વગેરે છે. તેઓ બહુશ્રુત વિદ્વાન હોઈ વિવિધ શાસ્ત્રોના અભ્યાસ થકી તેમની કવિતા પરિષ્કૃત થયેલી છે. તેમનામાં કવિપ્રતિભા અને પાંડિત્યનો સુભગ સમન્વય થયેલો છે. ઉત્પ્રેક્ષા એ તેમનો પ્રિય ને મુખ્ય અલંકાર છે. તેમાં કલ્પનાનો સુચારુ વિકાસ થયેલો છે. કવિનું નિસર્ગવર્ણન પણ અદ્ભુત ને સૌન્દર્યસભર છે. તેમની કવિતામાં અનુભૂતિ અને અભિવ્યક્તિનું અનોખું સામંજસ્ય જોવા મળે છે. તેઓ એક પ્રતિષ્ઠિત કવિ છે. રાજ્યાશ્રય પામેલા છે; છતાં તેમના કાવ્યમાં સામન્તીય જીવન કરતાં જનજીવન જ વિશેષ અભિવ્યક્તિ પામ્યું છે. પોતે સંસ્કૃતના પ્રકાંડ પંડિત છતાં અપભ્રંશ-મૈથિલી જેવી લોકભાષા પ્રત્યેનો આદર તેમની ઉદાર દૃષ્ટિનો પરિચય કરાવે છે. લોકસાધારણને સ્પર્શતી ભાષામાં રચના તે તેમની સહૃદયતા દર્શાવે છે. તેમની આ સહૃદયતા, પ્રતિભા અને લોકભાષાગત માધુર્યને લીધે જ તેમની લોકભાષાની કવિતા વિશેષે પ્રસાર પામી છે. તેમણે રચેલ સંસ્કૃત કાવ્યોમાં તેમની કવિપ્રતિભાનો સહજ ઉન્મેષ જણાતો નથી. તેમના સંસ્કૃત ગ્રન્થો રાજનૈતિક કે ઐતિહાસિક દૃષ્ટિએ જેટલા મહત્વપૂર્ણ છે તેટલા સાહિત્યિક દૃષ્ટિથી નથી. આમ છતાં, સહૃદય, વિનોદપ્રિય, સંગીતપ્રેમી કવિ વિદ્યાપતિની કવિતાને બિરદાવતાં અનેક નામ તેમને માટે પ્રયોજાયાં છે (જેવાં કે, ‘કવિરાજ’, ‘કવિરંજન’, ‘સુકવિ’, ‘નવકવિશેખર’, ‘દશાવધાન’, ‘સુકવિકંઠહાર’, ‘ખેલનકવિ’, ‘કવિશેખર’, ‘રાજપંડિત’ વગેરે…).
કલાપ્રેમી આશ્રયદાતાઓના કૃપાપાત્ર કવિ વિદ્યાપતિએ જીવનમાં અનેક ચઢાવ-ઉતાર અનુભવ્યા છે. એક તરફ રાજાશ્રિત ઐશ્વર્યસંપન્ન જીવન પ્રાપ્ત થયું છે, તો બીજી તરફ શિવસિંહના મૃત્યુ પછી સંકટનો સામનો કરવો પડ્યો છે. સુખદુ:ખના ઝંઝાવાતમાં એકમાત્ર આશાને આધારે જ તેઓ ટકી શક્યા છે. આર્થિક ઉદ્દેશથી તેમણે શ્રીમદ્ ભાગવતની પ્રતિલિપિ તૈયાર કરી તથા જીવનનિર્વાહ માટે અધ્યાપન પણ કર્યું. ઉદાર, ગુણગ્રાહી ને કલાપ્રેમી આશ્રયદાતા શિવસિંહના મૃત્યુ બાદ કવિ ધર્મ, નીતિ ને ભક્તિ તરફ વળ્યા હોય તેમ જણાય છે. જીવનસંધ્યામાં તેમણે શિવ, દુર્ગા, વિષ્ણુ, ગંગા વગેરેનાં સ્તુતિપરક પદો રચ્યાં. તેમનાં કેટલાંક પદો દૈન્ય ને આત્મગ્લાનિભર્યાં જણાય છે; પરંતુ તે તો પ્રભુની સર્વશક્તિમત્તા તથા ભક્તની નિ:સહાયતાના નિરૂપણ માટે છે એમ કહી શકાય. વિદ્યાપતિ મૂળે એક આશાવાદી કવિ છે.
આવા ઉત્તમ કવિનો સમય નિશ્ચિત નથી. પરંતુ તેઓ ચૈતન્યદેવના પુરોગામી ચંડીદાસના સમકાલીન હશે. તેમના ‘કીર્તિલતા’ કાવ્યમાં જૌનપુરના ઇબ્રાહીમ શાહ(ઈ. સ. 1401-1440)નો નિર્દેશ છે. રાજા શિવસિંહ દ્વારા તેમને ઈ. સ. 1412માં તામ્રપત્ર સાથે દાન પ્રાપ્ત થયું હતું. તે સમયે તેઓ 52 વર્ષના હતા. આમ, અંદાજે તેમને ચૌદમી સદીના પૂર્વાર્ધથી માંડી પંદરમી સદીના પૂર્વાર્ધ સુધીમાં ગોઠવી શકાય. તેઓ દીર્ઘાયુ હતા. રાજા શિવસિંહના મૃત્યુ પછી 32 વર્ષે તેમને સ્વપ્નદર્શન થયેલ એ બાબત પણ તેમના સમયનિર્ણયમાં ઉપકારક નીવડે તેમ છે.
જાગૃતિ પંડ્યા, આલોક ગુપ્તા