વિજયવર્ગીય, રામગોપાલ
February, 2005
વિજયવર્ગીય, રામગોપાલ (જ. 1905, બલેર, જિ. સવાઈ માધોપુર, રાજસ્થાન) : હિંદી કવિ, લેખક અને ચિત્રકાર. તેમણે ચિત્રકારનો ડિપ્લોમા મેળવ્યા બાદ રાજસ્થાન લલિતકલા અકાદમીના અધ્યક્ષ તરીકે કામગીરી કરી. ત્યારબાદ લેખનકાર્ય અને ચિત્રકામને વર્યા. તે અગાઉ 1960-66 સુધી તેઓ રાજસ્થાન સ્કૂલ ઑવ્ આર્ટ્સ, જયપુરના આચાર્યપદે રહ્યા હતા.
તેમણે અત્યાર સુધીમાં 13 ગ્રંથો આપ્યા છે. 1941માં ‘શતદલ’; 1949માં ‘અલકાવલી’, ‘ચિંગેરિયન’; 1959માં ‘અભિસાર નિશા’; 1985માં ‘વૈદેહી વિરહ’ જેવા જાણીતા કાવ્યસંગ્રહો તેમણે આપ્યા છે. 1947માં તેમણે ‘ચિત્રકલા કી રૂપરેખા’ નામક નિબંધસંગ્રહ પ્રગટ કરેલો. ‘મધ્યમ માર્ગ’ અને ‘ઢલતી રાત’ તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહો છે.
લલિત કલાના ક્ષેત્રે તેમજ સાહિત્યક્ષેત્રે તેમના પ્રદાન બદલ 1970માં રાજસ્થાન લલિત કલા અકાદમી તરફથી ‘કલાવિદ’નો ખિતાબ, 1958માં રાજસ્થાન લલિત કલા અકાદમી ઍવૉર્ડ, 1959-60માં રાજસ્થાન સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને 1984માં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’નો ખિતાબ તેમને પ્રાપ્ત થયા છે. 1990માં તેમને ‘કલારત્ન’નો ઇલકાબ આપવામાં આવ્યો. વળી લલિત કલા અકાદમી, નવી દિલ્હી તરફથી તેમને ફેલોશિપ પણ એનાયત થયેલી.
બળદેવભાઈ કનીજિયા