વિજયમોહન, એમ.
February, 2005
વિજયમોહન, એમ. (જ. 1947, તામિલનાડુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1970માં વિજયમોહન ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટસમાંથી શિલ્પકલામાં સ્નાતક થયા. 1972માં તેમણે અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનમાંથી સિરામિક ડિઝાઇનના વિષયમાં પોસ્ટ ડિપ્લોમા ઉપાધિ મેળવી. 1969થી 1975 સુધીમાં તેમણે ચેન્નાઈમાં ત્રણ વૈયક્તિક પ્રદર્શનો કર્યાં.
વિજયમોહનનાં ચિત્રોમાં ખીચોખીચ ઠાંસેલી આકૃતિઓ જોવા મળે છે. તેમાં માનવચહેરા, માનવઆકૃતિઓ, મશીનો, વનસ્પતિઓ, મકાનો, પશુપંખીઓ અટપટી રીતે એકબીજા સાથે સંકળાયેલાં જોવા મળે છે. વિજયમોહન એકરંગી (monochrome) અને બહુરંગી (multichrome) બંને પ્રકારનાં ચિત્રો કરે છે. હાલમાં તેઓ દિલ્હીમાં રહીને કલાસર્જન કરે છે.
અમિતાભ મડિયા