વિચ્છેદન (amputation)
February, 2005
વિચ્છેદન (amputation) : શરીરના અંગ(હાથ કે પગ)ને પૂરેપૂરો કે તેનો કોઈ ભાગ ઈજાને કારણે કે શસ્ત્રક્રિયા વડે કપાઈને દૂર થવો તે. તેને અંગોચ્છેદન અથવા અંગવિચ્છેદન (amputation) પણ કહે છે. સારવારની એક પદ્ધતિ રૂપે તે ઘણા પુરાણા કાળથી ઉપયોગમાં છે; પરંતુ સારવાર તથા ચેપના પૂર્વનિવારણ(prevention)ની આધુનિક અને સુચારુ (sophasticated) પદ્ધતિઓના વિકાસને કારણે હવે તેની જરૂરિયાત ઘટી છે. ઇતિહાસપૂર્વ કાળમાં તીક્ષ્ણ ધારવાળા સાધન વડે આ પ્રકારની શસ્ત્રક્રિયા થતી હતી. મળેલી સાબિતી પ્રમાણે નવાશ્મરી કાળ(neolithic times)માં પથ્થર અને હાડકાંની બનેલી કરવતથી અંગવિચ્છેદન કરાતું હતું. કેટલાક દેશોમાં, ખાસ કરીને ઇસ્લામિક કાનૂન આધારિત ન્યાયવ્યવસ્થાના ભાગ રૂપે ગુનેગારોને સજા કરવા માટે આંગળી-હાથ વગેરેના અંગવિચ્છેદન સહિત અન્ય કુરૂપતાકારક (mutilating) પ્રક્રિયાઓ કરાય છે. હાથપગની કોઈ ધમની સાંકડી થાય અને તેથી અંગના છેડા પરના કોષો લોહીની ઊણપને કારણે મૃત્યુ પામે છે. તેને અવાહિતાજન્ય કોષનાશ (ischaemic necrosis) કહે છે. તેને કારણે ચામડી કાળી પડે છે અને સંવેદના વગરની બને છે. તેની સાથે આંગળીના ટેરવાની અન્ય પેશી પણ નાશ પામવા માંડે છે. તેને પેશીનાશ અથવા કોથ (gangrene) કહે છે. મધુપ્રમેહ, ઈજા, તમાકુના વ્યસનમાં થતો ધમનીનો વિકાર, ધમનીતંતુકાઠિન્ય (arteriosclerosis), લોહીનું નસમાં ગંઠાવું (thrombosis) વગેરે વિકારોમાં ધમની સાંકડી થાય અથવા તેમાં અંત:રોધ (occlusion) થાય છે. તેથી અંગના જે તે ભાગમાં લોહી વહેતું અટકે છે અને તેમાં કોથ થાય છે. સામાન્ય રીતે કોથ હાથપગમાં થાય છે પણ ક્યારેક તે અન્ય સ્થળે પણ થાય છે; જેમ કે, ફેફસાના ગૂમડામાં ત્યાંની પેશીનો કોથ થાય છે. પેશીનાશ અથવા કોથની સારવારમાં એક મહત્વનું પાસું જે તે ભાગનું વિચ્છેદન છે. અતિશય ઠંડા વાતાવરણમાં શીતદાહ (frost bite) થાય છે. ખાસ કરીને હાથ, પગ, કાન અને નાક તેમાં અસરગ્રસ્ત થાય છે. અતિશય ઠંડીને કારણે જે તે ભાગની નસો એકદમ સંકોચાય છે. તેથી જે તે ભાગમાં અરુધિરવાહિતા (ischaemia) થાય છે, એટલે કે ત્યાં લોહી વહેતું બંધ થાય છે. તેને કારણે જે તે ભાગમાં પેશીનાશ (કોથ) થાય છે. જો સમયસરની પૂરતી સારવાર મળે તો ક્યારેક વિચ્છેદનની જરૂર પડે છે. જો શલ્યસ્થાનાંતરતા(embolism)ના વિકાર રૂપે લોહીનો ગઠ્ઠો કે વાયુ કે હવાનો પરપોટો વહીને હાથપગની કોઈ નાની ધમનીમાં ફસાઈ જાય તો જે તે ભાગમાં પેશીનાશ (કોથ) થઈ આવે છે. આવા સંજોગોમાં વિચ્છેદનની જરૂર પડે છે. આ ઉપરાંત તે કૅન્સરની સારવારમાં તથા ક્યારેક જન્મજાત કુરચનાની સારવારમાં પણ અંગનું વિચ્છેદન કરાય છે; જોકે સૌથી વધુ પ્રમાણ થતું વિચ્છેદન મધુપ્રમેહને કારણે મોટી ઉંમરની વ્યક્તિમાં પરિઘીય ધમનીનો વિકાર થાય છે અને તે સાંકડી થઈ જાય છે તે છે. તેથી અંગવિચ્છેદિત વ્યક્તિઓમાંની 60 % વ્યક્તિઓ 60 વર્ષથી વધુ વયની હોય છે.
પ્રકારો : જે અંગ કે ઉપાંગનું વિચ્છેદન થવાનું હોય અથવા તો અંગને કાપીને કે સાંધામાંથી છૂટો પાડીને વિચ્છેદન થવાનું હોય તો તેને આધારે તેના વિવિધ પ્રકારો પાડવામાં આવેલા છે. તે રીતે થતા વિવિધ પ્રકારનાં વિચ્છેદનો છે : અંગુલિવિચ્છેદન, પાદાંશ-વિચ્છેદન (partial foot amputation), ઘૂંટીમાંથી અથવા ગુંફીય અપસંધાન (disarticulation of ankle), અધોજાનુ(below knee)વિચ્છેદન અથવા પારનલાસ્થિ(transtibial)-વિચ્છેદન, અધિજાનુ(above knee)-વિચ્છેદન અથવા પારજંઘાસ્થિ(transfermoral)-વિચ્છેદન, કટિમાંથી અથવા કટીય અપસંધાન (disarticulation of hip), અર્ધશ્રોણિ-ઉચ્છેદન (hemipelvectomy), હસ્તાસ્થિ-વિચ્છેદન (metacarpal amputation), મણિબંધીય અપસંધાન (wrist articulation), અગ્રબાહુ (forearm) અથવા પારારીય-(transradial)-વિચ્છેદન, કોણીય અપસંધાન (elbow disarticulation), અધિકોણીય (above elbow) અથવા પારભુજાસ્થિ(transhumergus)-વિચ્છેદન, સ્કંધીય અપસંધાન (shoulder disarticulation) વગેરે. જો આખા ખભા સાથે આખો હાથ કાઢી નંખાય તો તેને અગ્રાંગી ઉચ્છેદન (forequarter amputation) કહે છે. ક્યારેક ઈજા, ચેપ કે રોગ સિવાયના કારણે જનનાંગી વિચ્છેદન (genital amputation) કે અન્ય પ્રકારનાં કુરૂપતાકારક (mutilating) વિચ્છેદન થાય છે. શક્ય હોય ત્યાં આંશિક વિચ્છેદન કરીને સાંધાની ક્રિયાશીલતા જાળવી રાખવા પ્રયત્ન કરાય છે, પરંતુ કૅન્સરની સારવારમાં ઘણી વખત સંધીય અપસંધાન (disarticulation of joint) કરાય છે.
વિચ્છેદનની પ્રક્રિયામાં સૌપ્રથમ જે તે ભાગની ધમની અને શિરાઓને બાંધવામાં આવે છે; જેથી લોહી વહી ન જાય. ત્યારબાદ સ્નાયુઓને આડા કાપવામાં આવે છે. તેને સ્નાયુઓનું પારછેદન (trans section) કહે છે. છેલ્લે હાડકાંને લોલનશીલ કરવત વડે કાપવામાં આવે છે. ત્યારબાદ સ્નાયુ અને ચામડીના પટ્ટાઓ વડે હાડકાંના કપાયેલા છેડા ઢાંકીને સાંધવામાં આવે છે. કપાયેલા અંગના રહી ગયેલા ભાગને સ્થાણુ (stump) કહે છે. જો કૃત્રિમાંગ-(presthesis)ને તેની સાથે જોડવાનું હોય ત્યારે તે સ્થાણુમાં ચામડી અને સ્નાયુને સાંધતાં પહેલાં કૃત્રિમાંગના જરૂરી અંશોનું અંત:રોપણ કરવામાં આવે છે. ક્યારેક કેટલાક દર્દીઓ જે ભાગ કપાઈ ગયો હોય તે ભાગ હજુ શરૂ સાથે જોડાયેલો છે અને તેમાં દુખાવો, ખૂજલી કે તેના હલનચલનને અનુભવે છે. તેને છદ્માંગતા(phantom limb)ની સ્થિતિ કહે છે. ક્યારેક સ્થાણુ પર સોજો, ચેપ કે ઘસારાથી ફોલ્લા કે ચાંદું પડે છે. તેનું કારણ હાડકાની તીક્ષ્ણ ધાર કે પ્રવર્ધ, હાડકાની વૃદ્ધિ કે ચેતા(nerve)માં ચેતાર્બુદ (neurosis) નામની પીડાકારક ગાંઠ થાય છે તે છે. તેવે સમયે ક્યારેક ફરીથી શસ્ત્રક્રિયા કરવી પડે છે. બીજા અંગ પર વધુ ભારણ ઊભું થવાથી ક્યારેક તેમાં ઘસારાને કારણે વિકારો થાય છે. નીચલા અંગ(પગ)ના વિચ્છેદન પછી કરોડસ્તંભ વાંકો થવાની સંભાવના વધે છે. તેથી પીઠ અને કમરમાં દુખાવો થાય છે.
સંભાળ અંગેની નોંધ : વિચ્છેદન પછી બાકી રહેલા અંગના પ્રાકૃતિક કાર્ય પર તથા તેની સાથે જોડાયેલા કૃત્રિમાંગ પર કેવી સંભાળ રાખવાની જરૂર પડશે તે બાબત નિર્ભર છે. જો બંને ઉપલાં અંગો(હાથ)ના ભાગો વિચ્છેદિત કરાયેલા હોય તો સૌથી વધુ સંભાળની જરૂર પડે છે. આ ઉપરાંત વ્યક્તિ ડાબોડી છે કે જમોડી તે જાણવું જરૂરી છે; કેમ કે, જો પ્રભાવી અંગ(dominant limb)નું વિચ્છેદન થયેલું હોય તો તેને વધુ સંભાળની જરૂર રહે છે. તેવી રીતે આંગળી કરતાં અંગૂઠો જાય તો વધુ અગવડ પડે છે. જો તે સાથે દર્દીને હાથના હાડકામાં સંધિશોથીય (arthritic) વિકાર થયો હોય તો વધુ સંભાળની જરૂર રહે છે. ક્યારેક એકાદ મદદરૂપ સાધન (દા.ત., એક પગમાં વિચ્છેદન થયું હોય તો ઘોડી) પૂરતું થઈ રહે છે; પરંતુ ક્યારેક વધુ મદદરૂપ સાધન કે પ્રયુક્તિઓ(device)ની જરૂર પડે છે. જો સક્રિય કૃત્રિમાંગ (functional presthesis) વાપરવામાં આવે તો જરૂર પ્રશિક્ષણ આપવું જરૂરી બને છે. એક નિમ્નાંગ (lower limb) અથવા પગનો કોઈ ભાગ વિચ્છેદિત થયેલો હોય તો સમતોલન માટે મદદની જરૂર પડે છે. દર્દી લાકડી, ઘોડી કે કૃત્રિમાંગ વડે ચાલવાનું શીખે ત્યારે તેને મદદની જરૂર રહે છે. વ્યક્તિની ઉંમર, શારીરિક અને માનસિક સ્વચ્છતા, આંતરિક પ્રેરણા, વિચ્છેદનનું સ્થાન, સ્થાણુની રચના તથા પુનર્વસન કાર્યક્રમની ગુણવત્તાને આધારે ક્રિયાશીલતા પાછી આવે છે; તેથી મોટી ઉંમરે જાંઘમાંથી કરાવેલું (ઢીંચણની ઉપરનું) અથવા અધિજાનુવિચ્છેદન હોય તો તેવા દર્દીને પૈડાખુરશી(wheel chair)ની જરૂર પડે છે. જોકે યુવાન દર્દી સક્રિય કૃત્રિમાંગ વાપરી શકે છે. વ્યક્તિની ઉંમર, સામાન્ય સ્વાસ્થ્ય, વિચ્છેદન કરવાનું કારણ, વિચ્છેદનનું સ્થાન તથા અન્ય કુરચનાઓની હાજરી પર ક્યાં સુધી સંભાળ લેવી પડશે તે બાબત નિર્ભર છે.
કૃત્રિમાંગ (presthesis) : વ્યક્તિનું અંગ, ઉપાંગ કે અન્ય શારીરિક ભાગ ન હોય કે કાઢી નાંખવામાં આવ્યો હોય ત્યારે જે કૃત્રિમ પ્રયુક્ત-(device)ને પહેરીને તેની દેખાવ પૂરતી કે કાર્ય અંગેની ક્ષતિ પૂરી કરાય છે તેને કૃત્રિમાંગ કહે છે; દા.ત. આંખનાં ચશ્માં, દાંતનું ચોકઠું, કૃત્રિમ હાથ કે પગ વગેરે. વિચ્છેદિત અંગ કે ઉપાંગને સ્થાને કૃત્રિમાંગ ગોઠવી શકાય છે. રબર અને ધાતુ વડે બનાવેલો કૃત્રિમ પાદ (artificial foot), દા.ત., જયપુર પાદ(Jaipur foot)ને લગભગ સામાન્ય પગના ઘાટ અને રંગનો બનાવાય છે; જેને પહેરીને પગનું વિચ્છેદન થયેલું હોય તો તેમાં થતી દેખાવ અને સમતોલનની ક્ષતિને પૂરી કરી શકાય છે. ભારતમાં હાલ એક જાણીતી નર્તકી-અભિનેત્રી સુશ્રી સુધાચંદ્રને તેની મદદથી નૃત્ય તથા અભિનય કરી બતાવીને તેની સાર્થકતા સ્પષ્ટ કરેલી છે.
શિલીન નં. શુક્લ