વિચિત્રોતકી (chimera)
February, 2005
વિચિત્રોતકી (chimera) : એકથી વધારે યુગ્મનજ(zygote)માંથી ઉત્પન્ન થયેલ અથવા જનીનિક રીતે (genetically) અલગ વનસ્પતિ અથવા પ્રાણી.
પ્રાણીઓ : જોકે કેટલાંક વિચિત્રોતકી કુદરતી રીતે ઉત્પન્ન થાય છે, છતાં મોટાભાગનાં પ્રાયોગિક રીતે ઉત્પન્ન કરવામાં આવે છે; જેમાં કાં તો જુદા જુદા પૂર્વ ભ્રૂણ(preembryo)ના કોષોનું મિશ્રણ કરવામાં આવે છે અથવા પક્વ ભ્રૂણ કે પુખ્ત સજીવમાં પેશીય આરોપણ કરવામાં આવે છે. પ્રાયોગિક ભ્રૂણવિકાસ દરમિયાન કોષોની વંશ-પરંપરાઓ(lineages)નો ઉદ્ભવ અને તેમનું ભાવિ, પ્રતિરક્ષાત્મક (immunological) સ્વ-સહિષ્ણુતા (self-tolerance), અર્બુદીય સંવેદનશીલતા (tumor susceptibility) અને દુર્દમ્યતા(malignancy)ની પ્રકૃતિ સહિત અનેક જૈવિક સમસ્યાઓના અભ્યાસ માટે વિચિત્રોતકીઓનો ઉપયોગ થાય છે.
ભ્રૂણના કોષોનું મિશ્રણ : જુદાં જુદાં ભ્રૂણના કોષોનું મિશ્રણ કરવા માટે બે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે : (1) સમુચ્ચયન (aggregation), અને (2) અંત:ક્ષેપણ (injection).
સમુચ્ચયન : એન્ડ્રેઇ તરકૉવ્સ્કી અને બિયટ્રિસ મિન્ટ્ઝે 1960ના દશકામાં ઉંદરનાં ભ્રૂણોમાંથી સૌપ્રથમ વાર વિચિત્રોતકીઓ પ્રાપ્ત કર્યાં. આ પદ્ધતિમાં ઉંદરના વિવિધ વિભેદો(strains)નાં 816 કોષીય ભ્રૂણોમાંથી પારદર્શી અંડાવરણ (zona pellucida) દૂર કરી મોરુલા (morula) અવસ્થા ધરાવતા ભ્રૂણના કોષોને એકસાથે ધકેલવામાં આવે છે, જેથી કોષોનું સમુચ્ચયન થઈ શકે. પ્રાયોગિક સંવર્ધન દરમિયાન આ સમુચ્ચય (aggregate) એક મોટા ગર્ભકોષ્ઠ(blastocyst)માં પરિણમે છે. હવે આ ગર્ભની અંત:સ્રાવી સજ્જતા ધરાવતી પોષી (foster) માતામાં સ્થાપન કરવામાં આવે છે. વિચિત્રોતક (chimeric) સંતતિઓ કેટલીક પદ્ધતિઓ દ્વારા ઓળખી શકાય છે. જો ભ્રૂણ રંજકદ્રવ્યયુક્ત અને રંજકહીન (albino) વિભેદોમાંથી ઉત્પન્ન થયાં હોય તો તેઓ ત્વચા ઉપર રંજકદ્રવ્યની પટ્ટીઓ ધરાવે છે અને આંખોમાં રંજકદ્રવ્યનાં ટપકાં ધરાવે છે. રંગસૂત્રીય ચિહ્નકો (markers) કે જનીનિક રીતે નિર્ધારિત ઉત્સેચકીય વિભિન્નકો(variants)ના ઉપયોગ દ્વારા પણ આંતરિક વિચિત્રોતકતા (chimerism) શોધી શકાય છે. A અને B વિભેદનાં ભ્રૂણોમાંથી બનતાં વિચિત્રોતકીઓને A ઠ B તરીકે દર્શાવવામાં આવે છે. બે ભ્રૂણમાંથી વિકસતાં વિચિત્રોતકીને ચતુર્પૈતૃક (tetraparental) પ્રાણીઓ તરીકે ઘણી વાર ઓળખાવવામાં આવે છે. એક મહાકાય ગર્ભકોષ્ઠ બનાવવા વધુમાં વધુ ઉંદરના 15 ગર્ભોનું સમુચ્ચયન કરી શકાયું છે. જોકે આવા પ્રયોગોથી ઉદ્ભવતી સંતતિ હમેશાં સામાન્ય હોય છે. આમ, કદનું નિયમન ભ્રૂણ-સ્થાપન પછી જ થાય છે. લિંગનિશ્ર્ચયન(sex determination)નો આધાર ભ્રૂણના જનનપિંડોમાં XX કોષો અને XY કોષોની સંખ્યાના પ્રમાણ પર રહેલો છે. જોકે ઉંદરમાં મોટેભાગે આ વિચિત્રોતકીઓનું લક્ષણપ્રરૂપ (phenotype) નર તરીકે અભિવ્યક્ત થાય છે.
અંત:ક્ષેપણ પદ્ધતિ : આ પદ્ધતિ સૌપ્રથમ રિચાર્ડ ગાર્ડનરે (1968) ઉંદરનાં ભ્રૂણો માટે આપી. યજમાન ઉંદરની ગર્ભકોષ્ઠી અવસ્થા તેના પારદર્શી અંડાવરણમાંથી કાઢવામાં આવે છે અને તેને શોષક પિપેટની મદદથી પકડી રાખવામાં આવે છે. દાતા વિભેદના કોષો કાચની સૂક્ષ્મ સોય દ્વારા કાં તો ગર્ભકોષ્ઠમાં અથવા અંદરના કોષોના સમૂહના કેન્દ્રમાં અંત:ક્ષેપિત કરવામાં આવે છે. સંવર્ધન માધ્યમમાં થોડોક સમય તેને ઉછેર્યા પછી પોષી માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. અંત:ક્ષેપણથી ઉદ્ભવતાં વિચિત્રોતકીઓને A ડ્ડ તરીકે દર્શાવવામાં આવે છે. આ પ્રમાણે, ગર્ભકોષ્ઠી અવસ્થા દરમિયાન વિવિધ પ્રકારના કોષોનું અંત:ક્ષેપણ થઈ શકે છે. પુખ્તમાંથી મેળવેલા કોષો કાં તો વૃદ્ધિ પામવામાં નિષ્ફળ જાય છે, અથવા ભ્રૂણ સાથે સમાવેશ પામે છે. વિખંડન-અવસ્થા ધરાવતાં ભ્રૂણોને મહાકાય ગર્ભકોષ્ઠી અવસ્થામાં અંત:ક્ષેપિત કરતાં મહાકાય ગર્ભકોષ્ઠમાં ગર્ભકોષ્ઠો વિકાસ પામે છે. તેને બદલે યજમાનના ગર્ભમાં તેની ઉંમરનાં અન્ય અલગ કરેલા ભ્રૂણના વ્યક્તિગત કોષો કે કોષ-સમૂહોનો સમાવેશ કરતાં તેઓ વૃદ્ધિ પામી યજમાન ગર્ભની સાથે સાથે વિભેદનો પામે છે. દાતા ભ્રૂણમાંથી જુદાં જુદાં સ્થાનોએથી લીધેલા અને યોગ્ય રીતે ચિહ્નિત કરેલા કોષોને યજમાનના ગર્ભકોષ્ઠી ભ્રૂણમાં જુદાં જુદાં સ્થાનોએ મૂકતાં અને ગર્ભાવધિ (gestation) સુધી કે પુખ્તાવસ્થા સુધી અનુસરતાં તેઓમાં થતી આંતરક્રિયાઓ, વિભેદનો અને ઉંદરના વિકાસમાં વંશપરંપરાઓ વિશેની મહત્વની માહિતી મેળવી શકાય છે.
ઉંદરના ટેરેટોકાર્સિનોમાના બહુશક્તિમાન (pluripotent) સ્તંભકોષો(stem cells)નું ઉંદરના ગર્ભકોષ્ઠમાં અંત:ક્ષેપણ કરતાં પુખ્ત વિચિત્રોતકીઓમાં સામાન્ય પેશીઓનું નિર્માણ કરે છે. ટેરેટોકાર્સિનોમા એવા પ્રકારનાં અર્બુદ (tumor) છે, જે પુખ્ત અને ભ્રૂણીય પેશીઓનું વિઘટિત મિશ્રણ ધરાવે છે. તેઓ ઉંદરના કેટલાક વિભેદોના જનનપિંડમાં આવેલા જનનકોષોમાંથી અથવા પ્રારંભિક ભ્રૂણના કોષોમાંથી સ્વયંભૂ વિકાસ પામે છે. તેમનું અપસ્થાનિક (ectotopic) આરોપણ કરવામાં આવે છે. અર્બુદમાં જોવા મળતી બધી વિભેદિત પેશીઓ બહુશક્તિમાન સ્તંભકોષોમાંથી ઉત્પન્ન થાય છે, જેમને ભ્રૂણીય કાર્સિનોમા કોષો કહે છે. આ ભ્રૂણીય કાર્સિનોમા કોષો યજમાનની જનીનિક રીતે ચિહ્નિત ગર્ભકોષ્ઠી અવસ્થામાં અંત:ક્ષેપિત કરતાં તેઓમાં વિભાજનો ચાલુ રહે છે અને સામાન્ય વિકાસમાં ભાગ લે છે અને પુખ્તની ત્વચા, સ્નાયુ, ચેતા, મૂત્રપિંડ અને રુધિરસહિત બધી જ પેશીઓમાં પૂર્ણપણે વિભેદિત કોષો ઉત્પન્ન કરે છે.
વિશિષ્ટ પ્રકારની વિકૃતિઓ પ્રેરવા પસંદ કરેલાં સ્વત: (spontaneous) અને ભ્રૂણ-નિગમિત (embryo-derived) અર્બુદો અને સંવર્ધિત વંશપરંપરાઓ સહિતના કેટલાક સ્રોતોમાંથી પ્રાપ્ત કરેલા ભ્રૂણીય કાર્સિનોમા કોષોએ અથવા મનુષ્યનાં રંગસૂત્રોએ સામાન્ય વિચિત્રોતકીઓના સર્જનમાં ફાળો આપ્યો છે. જોકે બીજા કેટલાક સ્રોતોમાંથી મેળવેલા ભ્રૂણીય કાર્સિનોમા કોષો સંકલન કરવામાં નિષ્ફળ નીવડે છે અને નવા જન્મેલા પુખ્ત પ્રાણીમાં ટેરેટોકાર્સિનોમા ઉત્પન્ન કરે છે. સફળ સંકલનનું નિયમન કરતાં પરિબળો હજુ પૂર્ણપણે સમજી શકાયાં નથી, પરંતુ આ પરિબળોમાં ભ્રૂણીય કાર્સિનોમા કોષોના વિભાજનનો સાપેક્ષ દર, તેમની અંદરના કોષસમૂહ સાથે જૈવરાસાયણિક સમાનતા અને તેમના રંગસૂત્રીય બંધારણનો સમાવેશ થાય છે. કેટલાક ભ્રૂણીય કાર્સિનોમા કોષો શરીરગુહામાં કે ત્વચાની નીચે અંત:ક્ષેપિત કરતાં અર્બુદ ઉત્પન્ન કરે છે, પરંતુ ગર્ભકોષ્ઠી અવસ્થામાં અંત:ક્ષેપણ કરતાં તેઓ સામાન્ય વર્તણૂક દર્શાવે છે. આમ, કૅન્સર માત્ર જનીનિક વિકૃતિઓને કારણે નહિ, પરંતુ સામાન્ય કોષવિભેદનનું નિયમન કરતાં પર્યાવરણીય પરિબળોમાં થતી ખલેલોને પરિણામે પણ વિકાસ પામે છે.
આંતરજાતીય (interspecies) વિચિત્રોતકી : ઘેટા અને બૅંકરાનાં ભ્રૂણોનું સમુચ્ચયન કરી અને તેમનું ઘેટામાં પુન:સ્થાપન કરી અનેક આંતરજાતીય વિચિત્રોતકીઓ ઉત્પન્ન કરવામાં આવ્યાં છે. તેમની સંતતિઓમાં ઘેટા અને બૅંકરાના બંને પ્રકારના કોષોનું મિશ્રણ ધરાવતી પેશીઓ હોય છે. દા.ત., તેમની ત્વચા પર ઊન અને વાળ બંનેના સમૂહો જોવા મળે છે. Rattus (rat) અને Mas musculis(mouse)માંથી પણ આંતરજાતીય વિચિત્રોતકીઓ બનાવવામાં આવે છે, પરંતુ તેઓ પ્રતિરક્ષાત્મક અસ્વીકૃતિને કારણે પોષી માતાના ગર્ભાશયમાં વિકાસ નહિ પામતાં હોવાની સંભાવના છે. આવી અસ્વીકૃતિ ઘેટામાં જોવા મળતી નથી.
પેશી–આરોપણ (tissue grafting) : જે પ્રાણીઓ ત્વચા કે અંગોનું આરોપણ સ્વીકારે છે, તેઓ પણ વિચિત્રોતકી છે. પ્રાણીને ‘ઍક્સ’ કિરણો આપતાં વિકિરણી વિચિત્રોતકી ઉત્પન્ન થાય છે; જેથી અસ્થિમજ્જામાં રુધિરનું સર્જન કરતા સ્તંભકોષો નાશ પામે છે અને જનીનિક રીતે જુદા પ્રાણીમાંથી અસ્થિમજ્જાનું આરોપણ કરી શકાય છે. દાતા અસ્થિમજ્જાના સ્તંભકોષોમાંથી વિભેદન પામી રહેલા લસિકાકોષો યજમાન કોષોની સામે કોઈ પ્રતિરક્ષાત્મક પ્રતિક્રિયા દર્શાવતા નથી. અસ્થિમજ્જાના આરોપણ પહેલાં કિરણિત (irradiated) યજમાનમાંથી થાયમસ કાઢી લઈ અન્ય પ્રાણીમાંથી થાયમસનું સ્થાપન કરતાં એવું જાણવા મળ્યું છે કે આ અંગ પ્રતિરક્ષાત્મક સ્વ-સહિષ્ણુતા(self-tolerance)ના સર્જનમાં મહત્વનો ભાગ ભજવે છે.
નૈસર્ગિક વિચિત્રોતકીઓ : મનુષ્યમાં નૈસર્ગિક વિચિત્રોતકીઓ ભાગ્યે જ થાય છે. જો તેમના કેટલાક કોષો XX અને બીજા કોષો XY હોય તો સહેલાઈથી ઓળખી શકાય છે. આવી વ્યક્તિઓ સામાન્યત: દ્વિલિંગી હોય છે. તેઓ અંડકોષ અને શુક્રકોષના ફલન તેમજ દ્વિતીય ધ્રુવકાય(polar body)ના શુક્રકોષ દ્વારા, ફલન દ્વારા ઉત્પન્ન થાય છે. આ બંને દ્વિગુણિત (diploid) કોષો ભ્રૂણના સર્જનમાં ભાગ લે છે. (સામાન્ય રીતે નાના ધ્રુવકાયોનું વિઘટન થઈ જતું હોય છે.) ગાય જેવાં પ્રાણીઓમાં રુધિર-વિચિત્રોતકીઓ વધારે સામાન્ય છે. જુદા જુદા ગર્ભની રુધિરવાહિનીઓ જરાયુઓમાં જોડાઈ જતાં એક વિકાસ પામતા ગર્ભમાંથી બીજા ગર્ભમાં રુધિરના કોષો જઈ શકે છે. નર અને માદા જોડકા(fraternal twins)માં માદા સહોદર (sibling) વંધ્ય હોય છે [તેને ‘ફ્રી માર્ટિન’ (free martin) કહે છે], કારણ કે નર-ગર્ભમાંથી સ્રવતા લિંગી અંત:સ્રાવો માદામાં લિંગ-વિભેદન અટકાવે છે. નખર વાનર(marmoset)માં રુધિર વિચિત્રોતકતા સામાન્ય છે. તે લગભગ દરેક ગર્ભાધાન વખતે જોડકાં ઉત્પન્ન કરે છે, પરંતુ તેઓમાં લિંગી કાર્યમાં કોઈ અસાધારણતાઓ જોવા મળતી નથી.
વનસ્પતિઓ : જે વનસ્પતિ જનીનિક રીતે બે કે તેથી વધારે પ્રકારના કોષો ધરાવે છે, તેને ‘વિચિત્રોતકી’ કહે છે. જ્યાં વનસ્પતિના કોષો વિભાજનો પામતા હોય ત્યાં કોષોમાં વિકૃતિ પ્રેરવાથી અથવા બે જુદી જુદી વનસ્પતિઓના કોષોને લગોલગ રાખતાં તેમના કોષો વિભાજાઈ એક નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે. તેઓ રંગબેરંગી છાંટવાળા કે શોભા આપે છે માટે જ નહિ, પરંતુ તેઓ વનસ્પતિના વિકાસનાં અનેક લક્ષણો સમજવામાં મદદ કરે છે, તેથી વિચિત્રોતકીઓનો અભ્યાસ કરવામાં આવે છે.
આરોપણ : પ્રથમ પ્રકારનાં વિચિત્રોતકીઓ આરોપણ દ્વારા મેળવવામાં આવે છે. કલમ (scion) અને સ્કંધ(stock)ના જોડાણ પાસે જ્યાં બંનેના કોષો એકબીજા સાથે ભળતા હોય ત્યાં કેટલીક વાર કલિકાઓ ઉત્પન્ન થાય છે. આ કલિકાઓ બંને પ્રકારની વનસ્પતિઓના કોષો હંમેશ માટે ધરાવે છે. Cytisus purpureusનું Laburnum anagyroides પર આરોપણ કરી 1825માં Laburnocytisus adamiનું સર્જન કરવામાં આવ્યું. તેના પર કલમ અને સ્કંધની જેમ જાંબલી કે પીળાં પુષ્પો ઉત્પન્ન થવાને બદલે બદામી પુષ્પો ઉત્પન્ન થાય છે. તે લૅબર્નમની જેમ વૃક્ષસ્વરૂપ ધરાવે છે. તેનાં પર્ણો સપાટીઓને બાદ કરતાં લૅબર્નમ સાથે સામ્ય ધરાવે છે. પર્ણની સપાટીઓ સાયટિસસ જેવી હોય છે, અને તેના બીજમાંથી હમેશાં લૅબર્નમ વૃક્ષનો વિકાસ થાય છે. તેની શાખાઓ ઘણે ભાગે લૅબર્નમ જેવી તો ક્વચિત્ સાયટિસસ જેવી હોય છે.
આ વનસ્પતિની ત્વચા સાયટિસસના કોષોની બનેલી હોય છે, જે મધ્યભાગમાં આવેલા લૅબર્નમના કોષોને આવરે છે. ત્વચા માત્ર એક કોષની જાડાઈની બનેલી હોય છે. પુષ્પોનો બદામી રંગ હોય છે કારણ કે દલપત્રના અધિસ્તરના બદામી રંગના કોષો અંદરની તરફના પીળા રંગના કોષોને આવરે છે. બીજમાં ભ્રૂણનું સર્જન કરતા કોષો હમેશાં પ્રરોહના બીજા સ્તરમાંથી ઉત્પન્ન થાય છે. તેથી તેઓ હમેશાં લૅબર્નમ ઉત્પન્ન કરે છે. કેટલીક કલિકાઓમાં પ્રત્યાવર્તન (reversion) જોવા મળે છે, કારણ કે તેનો વિકાસ સંપૂર્ણપણે સાયટિસસના કોષોમાંથી થાય છે.
અગ્રસ્થ વર્ધનશીલ પેશી (Apical meristem) : Laburno-cytisus adamiનું એક જ વાર સર્જન થયું છે અને તેના હાલમાં જોવા મળતા નમૂનાઓ મૂળ વિચિત્રોતકીમાંથી વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલા છે. આમ, વિચિત્રોતકીઓ બંધારણની દૃષ્ટિએ ખૂબ સ્થાયી છે. ઘણા લાંબા સમય સુધી જનીનિક રીતે વિભિન્ન કોષોેની આવી સ્થાયી ગોઠવણી માટેની ક્રિયાવિધિ જાણી શકાઈ નહિ. સપુષ્પ વનસ્પતિઓમાં અગ્રસ્થ વર્ધનશીલ પેશીના બહારના કોષોના સ્તરો સપાટીને સમાંતરે ગોઠવાયેલા હોય છે. આ પરિનતિક (periclinal) સ્તરીકરણ બહારના કોષો દ્વારા થતાં માત્ર અપનતિક (anticlinal) વિભાજનો(વર્ધી બિંદુની સપાટીને લંબવર્તી રીતે થતાં વિભાજનો)ને કારણે જોવા મળે છે. ઘણી વનસ્પતિઓમાં ત્વચા(tunica)નાં બે સ્તરો હોય છે અને તેમનાં કોષવિભાજનો અપનતિક સમતલોમાં થતાં હોવાથી તેનું પ્રત્યેક સ્તર બીજા સ્તરથી અને તેની નીચે રહેલી સ્તરવિહીન કાય(corpus)ની પેશીથી અલગ પડે છે. પર્ણો, પ્રકાંડ અને દલપત્રોનું અધિસ્તર વર્ધીબિંદુના બાહ્યસ્તર(ત્વચા)માંથી ઉત્પન્ન થાય છે. આ સ્તરની અલગતા Laburnocytisus વિચિત્રોતકીના સ્થાયિત્વ (stability) માટે જવાબદાર છે.
અગ્રસ્થ વર્ધનશીલ પેશીનાં આ ચિરસ્થાયી સ્તરોના અસ્તિત્વનો સુંદર પુરાવો Datura અને Vacciniumમાં બહુરંગસૂત્રી (polyploid) વિચિત્રોતકીઓના સર્જનથી પ્રાપ્ત થયો છે. આ માટે ભ્રૂણ અથવા કલિકાઓને કોલ્ચિસિનની ચિકિત્સા આપવામાં આવતાં સમવિભાજન(mitosis)ની ભાજનાવસ્થા (metaphase) દરમિયાન ત્રાકતંતુઓનું સર્જન થતું નથી; જેથી રંગસૂત્રોની સંખ્યા બેવડાય છે અને કોષો ચતુર્ગુણિત (tetraploid) બને છે. આ કોષો સામાન્ય દ્વિગુણિત (diploid) કોષો કરતાં વધારે મોટા હોય છે; તેથી વર્ધીબિંદુમાંથી પસાર થતા છેદમાં સરળતાથી ઓળખી શકાય છે. ચિકિત્સા આપ્યા પછી વર્ધનશીલ પેશીના કોષોની વૃદ્ધિ થવા દેતાં પાર્શ્ર્વીય કલિકાઓ ઉત્પન્ન થાય છે. આ કલિકાઓમાં ત્વચાનું પ્રત્યેક સ્તર તે જ પ્રકારની સૂત્ર-ગુણતા (ploidy) ધરાવે છે; પરંતુ કેટલીક વાર ત્વચાના એક સ્તરમાં ત્વચાના બાકીના સ્તરો અને કાયના કોષો કરતાં જુદા પ્રકારની સૂત્ર-ગુણતા જોવા મળે છે. ત્વચાના કોષોનાં અપવાદરહિત અપનતિક વિભાજનો થતાં હોવાથી અન્ય સૂત્ર-ગુણતા ધરાવતા કોષોને મિશ્ર થતાં તેમની વચ્ચે થતી સ્પર્ધા અટકાવે છે અને વિચિત્રોતકીને અસ્થાયી બનતાં અવરોધે છે.
પરિનતિક વિચિત્રોતકી : વિચિત્રોતકીના આ પ્રકારમાં તેમના કદને આધારે વિવિધ પ્રકારના કોષો સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા ઓળખી શકાય છે. પ્રકાંડ, પર્ણ અને પુષ્પની વિવિધ પેશીઓ વર્ધીબિંદુના કયા સ્તર દ્વારા વિભેદન પામે છે, તે આરેખી શકાય છે. બહુવર્ણી (variegated) વિચિત્રોતકીઓનાં પર્ણોમાં આ વિભેદન આરેખવામાં આવે છે. આ પ્રકારનાં વિચિત્રોતકીઓ કોષો વચ્ચે રહેલા જનીનિક તફાવતોને કારણે ઉત્પન્ન થાય છે. તેમના હરિતકણોમાં વિકૃતિને લીધે ક્લોરોફિલનું સંશ્ર્લેષણ અવરોધાય છે. પર્ણના જે ભાગોમાં હરિતકણોમાં આ દ્રવ્ય ઉત્પન્ન થતું નથી, તે ભાગો લીલાને બદલે પીળા કે સફેદ બને છે.
બહુવર્ણી વિચિત્રોતકીના એક સામાન્ય સ્વરૂપમાં પર્ણકિનારી સફેદ અને તેનો મધ્ય ભાગ લીલો હોય છે. આ સફેદ પર્ણકિનારી ત્વચાના બીજા સ્તરમાંથી અને લીલો મધ્ય ભાગ વર્ધીબિંદુના અંદરના કોષોમાંથી ઉત્પન્ન થાય છે. બહારનું ત્વચાનું સ્તર મોટાભાગની વનસ્પતિઓમાં પર્ણને કોઈ રંગ આપતું નથી, કારણ કે તે અધિસ્તરનું સર્જન કરે છે; તેના કોષોમાં સામાન્ય રીતે હરિતકણોનો વિકાસ થતો નથી. કેટલાંક વિચિત્રોતકીઓમાં પર્ણકિનારી લીલી અને મધ્ય ભાગ સફેદ હોય છે. તેઓમાં પર્ણકિનારી પર જનીનવિદ્યાની દૃષ્ટિએ લીલી ત્વચા અસાધારણપણે ક્રમપ્રસરણ (proliferation) પામે છે; જ્યારે પર્ણના મધ્યમાં આવેલા સફેદ ભાગમાં તેથી ઊલટું બને છે.
વર્ધીબિંદુના વિવિધ ભાગોનું ભાવિનું નિર્ધારણ કરવા અને પર્ણોનું નિર્માણ કેવી રીતે થાય છે તે માટે પરિનતિક વિચિત્રોતકીઓનો ઉપયોગ થાય છે; પરંતુ વિચિત્રોતક વનસ્પતિઓ સામાન્ય વનસ્પતિની જેમ સર્વથા વર્તતી નથી; છતાં તેઓ મહત્વના પુરાવા પૂરા પાડે છે અને વિકાસીય સમસ્યાઓ માટે સમજૂતી પૂરી પાડે છે.
ત્રિજ્યખંડી (sectorial) વિચિત્રોતકી : મોટાભાગનાં બહુવર્ણી અને બહુરંગસૂત્રી વિચિત્રોતકીઓમાં વર્ધીબિંદુ કે ભ્રૂણમાં કાયિક (somatic) વિકૃતિ એક જ કોષમાં થાય છે, જે પ્રસર્જન પામી વનસ્પતિમાં એક ત્રિજ્યખંડ (sector) ઉત્પન્ન કરે છે. જો આ ખંડમાં વિકૃતિને લીધે હરિતદ્રવ્ય ઉત્પન્ન ન થાય તો તે સફેદ બને છે. આવાં વિચિત્રોતકીને ત્રિજ્યખંડી કહે છે, પરંતુ તેઓ સામાન્ય રીતે અસ્થાયી હોય છે, કારણ કે વિકૃત ત્રિજ્યખંડને અલગ કરવાની કોઈ ક્રિયાવિધિ નથી.
ત્રિજ્યખંડ–અંશી (mericlinal) વિચિત્રોતકી : વિચિત્રોતકીના એક વર્ગમાં એક ક્રિયાવિધિ ત્રિજ્યખંડી ગોઠવણીને સ્થાયી બનાવી શકે છે. તે પ્રરોહમાં વિકૃતક (mutant) પેશીની પટ્ટીઓ ઉત્પન્ન કરે છે; પરંતુ ત્વચા અને કાય એકબીજાથી ભિન્ન હોવાથી વનસ્પતિ સંપૂર્ણપણે વિભાજિત થતી નથી. તેને ત્રિજ્યખંડ-અંશી વિચિત્રોતકી કહે છે.
આ પ્રકારનાં ઘણાં વિચિત્રોતકીઓ ત્વચાનું એક જ સ્તર ધરાવે છે. તેઓ પર્ણોમાં લીલી અને સફેદ પટ્ટીઓ ધરાવે છે. તેમના કાયના ખંડોમાં વિકૃતક કોષો હોય છે. આવી વનસ્પતિઓમાં પર્ણો હમેશાં બે પંક્તિમાં ગોઠવાયેલાં હોય છે અને પરિણામરૂપ વર્ધીબિંદુની પાર્શ્ર્વીય વૃદ્ધિ એકાંતરિક પર્ણોને જોડતા સમતલમાં કોષવિસ્તરણ દ્વારા થાય છે. કાયના કોષોનાં લંબવર્તી વિભાજનો પર્ણોના સમતલના કાટખૂણે થાય છે. તેથી એક કોષમાં થયેલી વિકૃતિ વિકૃતક કોષોના લંબવર્તી પટમાં પરિણમે છે; જે હરિતકણની વિકૃતિમાં પ્રત્યેક ભાવિ પર્ણમાં સફેદ પટ્ટી સ્વરૂપે પ્રગટ થાય છે.
મૂળ : મૂળનાં વર્ધીબિંદુઓ પણ વિચિત્રોતક બને છે, પરંતુ મૂળમાં પ્રરોહની જેમ જનીનિક રીતે વિવિધ પેશીઓને અલગ કરવાની કોઈ ક્રિયાવિધિ નથી અને તેથી વિચિત્રોતકીઓ અસ્થાયી હોય છે. જોકે પ્રેરિત મૂળ વિચિત્રોતકીઓ (induced root chimeras) સાથે કોષના ભાવિના નિર્ધારણ માટે પ્રયોગો કરવા પૂરતું સ્થાયિત્વ હોઈ શકે છે.
કૃષ્ટ (cultivated) વનસ્પતિઓ : ઘણી શોભન અને વિકસાવેલી વનસ્પતિઓ વિચિત્રોતક હોય છે. લાલ પુષ્પ ધરાવતી જાતોમાંથી સફેદ પુષ્પો ધરાવતી જાતો ઉત્પન્ન થઈ શકે છે. લાલ પુષ્પની જાત પરિનતિક સફેદ-લાલ વિચિત્રોતકી હોય છે. તેના સામાન્ય સ્થાયિત્વમાં અવ્યવસ્થા ઊભી થતાં આમ બને છે. બટાટાના ગ્રંથિલમાં પણ રંગપરિવર્તન આ રીતે થાય છે, કારણ કે તે પરિનતિક વિચિત્રોતકી છે.
બળદેવભાઈ પટેલ