વાસવાણી, ખુશીરામ નેભરાજ

January, 2005

વાસવાણી, ખુશીરામ નેભરાજ (જ. 19 મે 1911, હૈદરાબાદ, સિંધ [હાલ પાકિસ્તાનમાં]) : સિંધી અને ભારતીય અંગ્રેજીના લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1934માં ઇતિહાસ સાથે એમ.એ. અને 1936માં એલએલ.બી.ની પદવી મેળવી. તેઓ નૅશનલ કૉલેજ, હૈદરાબાદમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ વિવેકાનંદ રોક મેમૉરિયલના ઉપપ્રમુખ; ગાંધી સોસાયટી, દિલ્હીના નિયામક; 1956-57માં સિંધુ સમાજના સ્થાપક-પ્રમુખ; 1955-57 સુધી ‘ભારતસેવક’ અને 1973-75 દરમિયાન અંગ્રેજી માસિક ‘યુવાભારતી’ના સંપાદક રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં સિંધી તેમજ અંગ્રેજીમાં 30 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કલાકાર જી દુનિયા’ (1947), ‘પુષ્પાંજલિ’ (1968) – એ બંને તેમના સિંધીમાં નિબંધસંગ્રહો છે. તેમની ઉલ્લેખનીય અંગ્રેજી કૃતિઓમાં ‘ગ્લિમ્પ્સિસ ઑવ્ એન્શિયન્ટ ગ્લૉરી’ (1939, વ્યંગ્ય), ‘‘લીવ્ઝ ફ્રૉમ લાઇફ’સ બુક’’ (1945, કાવ્યસંગ્રહ) ઉપરાંત ‘પ્લાનિંગ ફૉર અ ન્યૂ ઇન્ડિયા’ (1948) અને ‘સર્વોદય ઔર સોશિયાલિઝમ ?’ (1956) બંને નિબંધસંગ્રહો; ‘ગ્લિમ્પ્સિસ ઑવ્ ધ ગ્રેટ’ (1971) અને ‘થ્રી મેસિંજર્સ ઑવ્ લવ’ (1979) – એ બે ચરિત્રોનો સમાવેશ થાય છે. આ માટે તેમને સિંધુ રતન ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

બળદેવભાઈ કનીજિયા