વાર્ત્તિક : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં પાણિનિનાં સૂત્રો પર મૂળ સૂત્ર જેવું જ પ્રમાણભૂત વિધાન. આચાર્ય પાણિનિએ પોતાની અષ્ટાધ્યાયીમાં સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના નિયમો પ્રસ્તુત કર્યા છે. એના પર કાત્યાયન વગેરેએ પાછળથી વાર્ત્તિકો લખ્યાં છે. જે નિયમ સૂત્રમાં ન કહ્યો હોય (અનુક્ત) અને પોતે ઉમેર્યો હોય તે વિધાન ‘વાર્ત્તિક’ કહેવાય. સૂત્રમાં નિયમ બરાબર ન કહ્યો હોય (દુરુક્ત) તો તેને સુધારીને કરાયેલા વિધાનને પણ ‘વાર્ત્તિક’ કહેવાય અથવા સૂત્રમાં કહેલા નિયમની પૂર્તિ કરે કે સમજ આપે (ઉક્ત) તેવા વિધાનને પણ ‘વાર્ત્તિક’ કહેવાય. આમ સૂત્રમાં ઉક્ત, અનુક્ત અથવા દુરુક્તનો વિચાર કરનારું વિધાન એટલે વાર્ત્તિક – એવી તેની વ્યાખ્યા આપવામાં આવી છે. મૂળ સૂત્રો અને તેનાં પરનાં વાર્ત્તિકો – બંનેની વિસ્તૃત ચર્ચા કરનારા ગ્રંથને ભાષ્ય કહે છે. પાણિનિનાં સૂત્રો અને તેના પરનાં વાર્ત્તિકોને ચર્ચતું ભાષ્ય પતંજલિ નામના આચાર્યે લખ્યું છે અને તે ભાષ્ય ખૂબ મોટું હોવાથી તેને ‘મહાભાષ્ય’ કહે છે. આ ‘મહાભાષ્ય’ ફક્ત બારસો જેટલાં સૂત્રો પરનું જ ઉપલબ્ધ છે. બાકીનાં 2,800 જેટલાં સૂત્રો પરનું મહાભાષ્ય ઉપલબ્ધ નથી. જેટલું ‘મહાભાષ્ય’ મળે છે એમાં વાર્ત્તિકકાર કાત્યાયનનાં વાર્ત્તિકો ઉપરાંત અન્ય વિદ્વાનોનાં વાર્ત્તિકો પણ મળે છે. પાણિનિનાં બધાં સૂત્રો પર કાત્યાયન કે અન્ય વિદ્વાનોનાં વાર્ત્તિકો પ્રાપ્ત થતાં નથી, કારણ કે તેઓએ પોતાનાં વાર્ત્તિકોના ગ્રંથો લખ્યા હશે, પરંતુ સ્વતંત્ર રૂપે તે હાલ ઉપલબ્ધ નથી. ‘મહાભાષ્ય’માં કાત્યાયનનાં વાર્ત્તિકો થોડાં અને અન્ય વિદ્વાનોનાં વાર્ત્તિકો વધારે હશે એમ માની શકાય. એનું કારણ એ છે કે પતંજલિ ફક્ત કાત્યાયનને વાર્ત્તિકકાર માને છે અને તેમણે અન્ય વિદ્વાનોનાં નામ આપ્યા વગર વાર્ત્તિકો રજૂ કર્યાં છે. મહાભાષ્યના ટીકાકાર કૈયટે વાર્ત્તિકની વ્યાખ્યા ‘સૂત્રમાં રહેલી વાતને સાર રૂપે વર્ણવે તે વાર્ત્તિક’ – એવી આપી છે. જ્યારે મહાભાષ્ય પર કૈયટની ‘પ્રદીપ’ ટીકા પર ‘ઉદ્યોત’ ટીકા લખનારા નાગેશે ‘વાર્ત્તિક એટલે અનુક્ત અથવા દુરુક્તની વિચારણા કરનારાં વિધાન’ – એવી તેની વ્યાખ્યા આપી છે. ખુદ ‘મહાભાષ્ય’માં ‘વાર્ત્તિક’ શબ્દ અષ્ટાધ્યાયીના 2/2/24 અને 3/4/37 – એ બે સૂત્રો પરના ભાષ્યમાં જ વપરાયો છે. વાર્ત્તિકો સૂત્ર જેવાં જ ટૂંકાં ગદ્યમાં લખાયાં હોવાથી તેના સ્વતંત્ર ગ્રંથો જળવાયા નથી. વ્યાકરણશાસ્ત્ર સિવાય મીમાંસા, વેદાંત વગેરે શાસ્ત્રગ્રંથોમાં ‘વાર્ત્તિક’ શબ્દ ભાષ્ય જેવી વિસ્તૃત સિદ્ધાન્ત-વ્યાખ્યાના અર્થમાં પણ પ્રયોજાયો છે.
પ્ર. ઉ. શાસ્ત્રી