ઉપગ્રહ શિક્ષણપ્રયોગ : ઉપગ્રહ દ્વારા દૂરદર્શનના માધ્યમથી શિક્ષણ માટે કરવામાં આવતો પ્રયોગ તે(Satellite Instructional Television Experiment – SITE) ભારત અને અમેરિકાની ‘નાસા’ સંસ્થાના સહકારથી, 1 ઑગસ્ટ, 1975થી 31મી જુલાઈ, 1976ના એક વર્ષના સમય દરમિયાન કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં અમેરિકન ઉપગ્રહ ATS-6 અને ઇસરો દ્વારા નિર્માણ કરેલ ભૂમિસ્થિત તંત્ર અને ખાસ પ્રકારની સામગ્રી ઉપયોગમાં લેવામાં આવ્યાં હતાં. આવો પ્રયોગ આદરવાનું સૌપ્રથમ સૂચન ડૉ. વિક્રમ સારાભાઈએ કર્યું હતું. આ પ્રયોગમાં ભારતના આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓરિસા અને રાજસ્થાન રાજ્યોનાં 2,400 ગામડાંમાં નિયમિત રીતે દરરોજના ચાર કલાક માટે પ્રશિક્ષણ અર્થે તૈયાર કરેલા દૂરદર્શન કાર્યક્રમો બતાવવામાં આવ્યા હતા. અમદાવાદ અને દિલ્હીમાં સ્થાપેલાં ભૂમિમથકો દ્વારા દૂરદર્શન કાર્યક્રમો ATS-6 ઉપગ્રહને મોકલવામાં આવતા હતા અને ત્યાંથી આ કાર્યક્રમોનું સીધું પ્રસારણ કરાતું હતું. ATS-6 દ્વારા પ્રસારિત થતા સંકેતો ગ્રહણ કરવા માટે દરેક ગામડામાં એક ‘સીધું ગ્રહણતંત્ર’ (direct broadcast receiver) રાખવામાં આવ્યું હતું. આ પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ કૃષિ, આરોગ્ય, કુટુંબનિયોજન, શિક્ષણ અને રાષ્ટ્રીય એકતા જેવાં જુદાં જુદાં ક્ષેત્રોમાં અને ખાસ કરીને ગ્રામવિકાસને અનુલક્ષીને, કાર્યક્રમો રચવાની કામગીરી શીખવાનો અને તેની ગ્રામવાસીઓ ઉપર પડેલી અસર અને ઉપયોગિતાનું મૂલ્યાંકન કરવાનો હતો. આ પ્રયોગ માટેનાં 2,400 ગામડાં નીચેનાં ધોરણ મુજબ નક્કી કરવામાં આવ્યા હતાં : ગામોનું પછાતપણું.
પાયારૂપ સુવિધાઓની પ્રાપ્યતા અને અનુકૂળતા (જેવી કે વીજળી, નિશાળ, ગ્રામશિક્ષક)
એક વર્ષનો પ્રયોગ પૂરો થયા પછી પણ દૂરદર્શન કાર્યક્રમોનું પ્રસારણ ચાલુ રાખવાની અનુકૂળતા. SITE પ્રયોગ દુનિયામાં આજે એક મહત્વનો ઉપગ્રહ શિક્ષણ પ્રયોગ ગણાયેલ છે.
પ્રફુલ્લ દ. ભાવસાર