વાતાવરણ-જલાવરણ (વાયુ-સમુદ્ર) અંતરાપૃષ્ઠ (air-sea interface)
January, 2005
વાતાવરણજલાવરણ (વાયુ-સમુદ્ર) અંતરાપૃષ્ઠ (air-sea interface) : વાતાવરણ અને મહાસાગર-જળના સંપર્કમાં રહેલો સીમાપટ. પૃથ્વીનાં પારિસ્થિતિક પરિબળો પૈકીનાં ભૌતિક અને રાસાયણિક પરિબળોની સક્રિયતા માટે આ પટનું ઘણું મહત્વ છે. મોટાભાગની દરિયાઈ જીવસૃદૃષ્ટિના નિભાવ માટે તે ઉપયોગી બની રહે છે.
ગરમ થયેલી મહાસાગર-જળસપાટી પરથી પાછાં પડતાં વિકિરણો દ્વારા અયનવૃત્તીય અક્ષાંશોના વિસ્તાર પરનું અંતરાપૃષ્ઠ ત્યાંના વાતાવરણને ગરમી ઉપલબ્ધ કરી આપે છે. ગરમ થયેલું આ વાતાવરણ ઊંચા અક્ષાંશો પરની મહાસાગરની જળસપાટીને ગરમ રાખવામાં મદદરૂપ બને છે. અંતરાપૃષ્ઠ ખાતે વાતાવરણમાંના વાયુઓની ગતિ સમુદ્ર-પ્રવાહો અને મોજાં ઉત્પન્ન કરે છે. તેમાંનો મોટાભાગનો ભેજ વાતાવરણ ગ્રહણ કરે છે; એટલું જ નહિ, તે અંતરાપૃષ્ઠ ખાતે ઉદભવતા જળ-બાષ્પીભવનમાંથી ગુપ્ત ગરમી (latent heat) સ્વરૂપે ઊર્જા-સ્રોત પણ એકઠો કરી રાખે છે. વળી આ અંતરાપૃષ્ઠ ખાતે વાતાવરણ અને મહાસાગર વચ્ચે ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડ વાયુઓનો વિપુલ પ્રમાણમાં વિનિમય પણ થયાં કરે છે. આ પ્રકારની આપલે દરિયાઈ જીવસૃદૃષ્ટિની ગતિવિધિઓમાંથી ઉપલબ્ધ થાય છે, જે છેવટે તેમને તેમજ અન્ય જીવસૃદૃષ્ટિને લાભકારક બની રહે છે.
અંતરાપૃષ્ઠ ખાતે પ્રવર્તતી આબોહવાની અસરથી મહાસાગરની જળસપાટીનાં તાપમાન અને ક્ષારતા નિયંત્રણમાં રહે છે. સમુદ્રજળની ઘનતા આ જ પરિબળોથી નિર્ધારિત થાય છે. પરિણામે સમુદ્રની કઈ ઊંડાઈએ જળજથ્થો કઈ રીતે વહેશે તેના પર પણ નિયંત્રણ આવે છે. આ ઉપરાંત, મહાસાગરીય જીવસૃદૃષ્ટિનો જેના પર મુખ્ય આધાર છે તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા પણ આ અંતરાપૃષ્ઠની તરત જ નીચેના ભાગમાં થાય છે, કારણ કે ત્યાં કાર્બન ડાયૉક્સાઇડ, પોષણક્ષમ સમુદ્રજળ-ક્ષારો તથા સૌર-ઊર્જા જેવા ઘટકો ઉપલબ્ધ હોય છે. પરિણામે સમુદ્રની જીવસૃદૃષ્ટિ માટે જરૂરી પોષણચક્ર અવિરત ચાલ્યાં કરે છે.
ગિરીશભાઈ પંડ્યા