વાડિયા, મેહરૂ (Wadia Mehroo) (જ. 19 જાન્યુઆરી 1920, સિકન્દરાબાદ, આંધ્રપ્રદેશ) : ભારતીય મહિલા-ચિત્રકાર. દિલ્હી ખાતેની દિલ્હી કૉલેજ ઑવ્ આર્ટમાં અભ્યાસ કરીને 1922માં વાડિયાએ ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ પછી લંડન જઈ ‘લંડન કૉલેજ ઑવ્ આર્ટ’માંથી અભ્યાસ કરી ફરીથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ પછીની લંડન ખાતેની રીજેન્ટ સ્ટ્રીટ પૉલિટૅકનિક ઍન્ડ સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાં અભ્યાસ કરીને ઇન્ટિરિયર ડિઝાઇન(આંતરિક સુશોભન)નો ડિપ્લોમા મેળવ્યો.
અભિવ્યક્તિવાદી લસરકા વડે પુષ્પોનું નિરૂપણ કરતાં ચિત્રોનું વાડિયાએ મુખ્યત્વે સર્જન કર્યું છે. તેમણે બાટિક માધ્યમ વડે કાપડ પર પણ ચિત્રકામ કર્યું છે.
તેમણે 1959, 1961, 1966, 1972, 1974 અને 1975માં દિલ્હી ખાતે તથા 1948 અને 1949માં લંડન ખાતે પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. પુસ્તકોનાં આવરણો માટે પણ તેમણે ચિત્રો ચીતર્યાં છે.
લંડનની રોયલ સોસાયટી ઑવ્ આર્ટનાં તેઓ 1952થી 1955 સુધી ફેલો રહી ચૂક્યાં છે.
નબળી તબિયતને કારણે હાલમાં તેમણે ચિત્રકલા બંધ કરી છે.
અમિતાભ મડિયા