વાડકર, સુરેશ (જ. 7 ઑગસ્ટ 1955, મુંબઈ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક, ચલચિત્રજગતના પાર્શ્ર્વગાયક તથા કુશળ તબલાંવાદક. માત્ર દસ વર્ષના હતા ત્યારે મુંબઈની જાણીતી શાસ્ત્રીય સંગીતની તાલીમ સંસ્થા આચાર્ય જિયાલાલ વસંત સંગીત નિકેતનમાં હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવા દાખલ થયા અને તરત જ તેમનામાં રહેલી ગાયક તરીકેની જન્મજાત કુશળતાનો પરિચય તેમના ગુરુઓને થયો. તાલીમના પ્રથમ વર્ષના અંત સુધીમાં એક સારા ઊગતા ગાયક તરીકેની છાપ તેઓ ઊભી કરી શક્યા. સાથોસાથ તબલાંવાદનના કૌશલ્યથી પણ તેમણે તેમના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની શરૂઆત કરી. ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં તેમની ખ્યાતિ પ્રસરી, જેને કારણે તેમના એકલ કાર્યક્રમો ઠેરઠેર થવા લાગ્યા.
‘પહેલી’ નામના ચલચિત્ર દ્વારા માત્ર બાવીસ વર્ષની ઉંમરે તેમણે પાર્શ્ર્વગાયક તરીકેની કારકિર્દી શરૂ કરી, જેનું સંગીતનિર્દેશન હિંદી ચલચિત્રજગતના વિખ્યાત સંગીતનિર્દેશક રવીન્દ્ર જૈને કર્યું હતું. ત્યારબાદ ઘણાં હિંદી અને મરાઠી ચલચિત્રોમાં પાર્શ્ર્વગાયક તરીકે તેમણે પોતાની ગાયનકલાનો પરિચય આપ્યો છે. ‘સૂરસિંગાર સંસદ’ નામની ગાયનને વરેલી સંસ્થાએ વીસમી સદીના આઠમા દાયકામાં આયોજિત કરેલ પ્રથમ ચલચિત્ર સંગીત સંમેલનમાં પુરુષવર્ગમાં તેમણે સર્વશ્રેષ્ઠ ગાયક તરીકેનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ વિદેશમાં પણ તેમના કાર્યક્રમો થવા લાગ્યા. મરાઠી સુગમ સંગીતના પણ તેઓ પ્રથમ પંક્તિના ગાયક ગણાય છે.
તેઓ સત્ય સાંઈબાબાના સંનિષ્ઠ અનુયાયી હોવા ઉપરાંત ભગવાન ગણેશમાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે. તેઓ કર્મના સિદ્ધાંતમાં માને છે. સંગીત ઉપરાંત ચિત્રકલા, ક્રિકેટ અને પ્રવાસમાં પણ તેઓ સક્રિય રુચિ ધરાવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે