વાટાનાબે, કઝાન (Watanabe, Kazan)
January, 2005
વાટાનાબે, કઝાન (Watanabe, Kazan) [જ. 20 ઑક્ટોબર 1793, એડો (ટોકિયો) જાપાન; અ. 23 નવેમ્બર 1841, ટાહારા, જાપાન] : જાપાનના અગ્રણી ચિત્રકાર. ચિત્રિત વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રગટ કરી શકે તેવાં વ્યક્તિચિત્રો (portraits) સર્જવા માટે તેમને ખ્યાતિ મળેલી. પશ્ચિમી ચિત્રકલાના પરિષ્કૃત પરિપ્રેક્ષ્ય(perspective)નો જાપાનમાં ઉપયોગ કરનાર તેઓ પ્રથમ ચિત્રકાર હતા.
આજીવિકા રળવા માટે જ તેઓ ચિત્રકલા શીખેલા. એમના ગુરુઓમાં એક ચિત્રકાર નાન્ગા ખ્યાતનામ હતા. દક્ષિણ ચીનની ‘વેન્જેન્વા’ (Wenjenhua) ચિત્રશૈલીમાં સર્જન કરવા માટે નાન્ગા જાણીતા હતા. આ શૈલીમાં વિદ્વાન ચિત્રકારો સાહિત્યિક વિષયોનું નિરૂપણ કરતા.
1832માં વાટાનાબેને એડો (હવે ટોકિયો) ખાતે એક અગત્યનો લશ્કરી હોદ્દો આપવામાં આવેલો. સમુદ્રકિનારાનું રક્ષણ કરવાની જવાબદારી પણ તેમને મળેલી. રાજકર્તા તોકુગાવા રાજકુટુંબની પરદેશી-વિરોધી નીતિનો તેમણે વિરોધ કરેલો, જેને પરિણામે તેમની નજરકેદ થઈ. પછીથી તેમના શિષ્યોએ તેમનાં ચિત્રોનું પ્રદર્શન કરવા માટે વિચાર્યું. આ યોજનાની જાણ થતાં વાટાનાબે વ્યાકુળ થઈ ઊઠ્યા. તેમને દહેશત પેઠી કે આ રીતે પોતાની ઉપર ધ્યાન કેન્દ્રિત થવાને પરિણામે રાજસત્તા પોતાને અને પોતાના કુટુંબને કદાચ રંજાડે પણ ખરી. તેથી તેમણે આપઘાત દ્વારા જીવનનો અંત આણ્યો.
પ્રણાલીગત જાપાની ચિત્રકલાનો પશ્ચિમ વાસ્તવવાદી શૈલી સાથે સમન્વય કરવાનું પ્રથમ શ્રેય વાટાનાબેને મળે છે. વ્યક્તિચિત્રોમાં મૂળ વ્યક્તિનાં હૂબહૂ લક્ષણોને આલેખવામાં તેઓ માહેર હતા. વિદ્વાન ટાકામી સેન્સેકી તથા સુલેખનકાર ઇચિકાવા બેઇયાનનાં તેમણે આલેખેલાં વ્યક્તિચિત્રો તેમના કલાના શ્રેષ્ઠ નમૂના ગણાય છે.
અમિતાભ મડિયા