વાટાઘાટ : મંત્રણા દ્વારા સંઘર્ષો ઉકેલવાની પ્રમુખ પદ્ધતિ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સંઘર્ષો, વિવાદો અને સમસ્યાઓના નિરાકરણની પ્રક્રિયામાં વાટાઘાટ એક અનિવાર્ય સાધન છે. સાંસ્કૃતિક, ભૌગોલિક, રાજકીય અને ઐતિહાસિક પરિબળોથી પ્રભાવિત આંતરરાષ્ટ્રીય સ્તરની વાટાઘાટ આંતરિક વાટાઘાટ કરતાં વધુ જટિલ અને સંકુલ હોય છે. વાટાઘાટ દ્વિપક્ષીય કે બહુપક્ષીય હોઈ શકે અને તે પક્ષોની સીધી સંડોવણીથી અથવા તો મધ્યસ્થીના સહકારથી કરવામાં આવે છે. આજે સંયુક્ત રાષ્ટ્રસંઘ પ્રાદેશિક સંગઠનો અને બિનરાજ્ય સંસ્થાઓ પણ આંતરરાષ્ટ્રીય વાટાઘાટોમાં મહત્વની ભૂમિકા બજાવે છે.

વાટાઘાટની સફળતાનો આધાર વાટાઘાટ કરનાર વ્યક્તિઓની સજ્જતા, જાણકારી અને ઇચ્છાશક્તિ પર હોય છે. કોઈ પણ અર્થપૂર્ણ વાટાઘાટમાં ઉભય પક્ષે પોતપોતાનાં વલણો અને દૃષ્ટિબિંદુઓમાં બાંધછોડ થાય તે આવશ્યક છે. માટે જ વાટાઘાટનો આરંભ કરતાં પહેલાં તેની પૂર્વતૈયારી પણ એટલી જ મહત્વની છે. બંને પક્ષોને વાટાઘાટ દ્વારા પ્રશ્નના ઉકેલને શોધવા તૈયાર કરવા, વાટાઘાટની વ્યૂહરચના, વાટાઘાટમાં હિસ્સો લેનાર વ્યક્તિઓનું દિશાદર્શન અને તેમની વ્યક્તિગત ભૂમિકા અંગે સ્પષ્ટતા કેળવવી  આ બધું વાટાઘાટો ઔપચારિક રીતે શરૂ થાય તે પૂર્વેની પ્રક્રિયામાં સમાવિષ્ટ થાય છે. વળી જે રાજકીય અને સામાજિક માહોલમાં વાટાઘાટ થઈ રહી હોય તેના પર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે. સામાન્ય રીતે જો વાટાઘાટોની શૃંખલાને અંતે કોઈ લેખિત કરાર થાય તો વાટાઘાટ સફળ માની શકાય. સામાજિક ન્યાય, જૂથોની ઓળખ અથવા રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા પ્રશ્ર્નોનો નિવેડો આવા કરાર કે વાટાઘાટ દ્વારા લાવવો ઘણો મુશ્કેલ છે; પરંતુ તે માટેના અસરકારક માર્ગ તરીકે શ્રેણીબદ્ધ વાટાઘાટો હાથ ધરવામાં આવે છે.

રાજકારણમાં અને દેશો વચ્ચેના મતભેદો કે સંઘર્ષોમાં પ્રશ્ર્નોનો નિવેડો લાવવાની આ એક પ્રમુખ પદ્ધતિ છે. એવી જ રીતે યુદ્ધોનો નિવેડો લડાઈના મેદાન પર લાવવા કરતાં વિશેષત: વાટાઘાટો અને મંત્રણા દ્વારા લાવવાના પ્રયાસો થાય છે. સંઘર્ષોની તીવ્રતા ઘટાડવા અને અસરકારકતા ઓછી કરવા માટે પણ વાટાઘાટો હાથ ધરાય છે.

એક અસરકારક વાટાઘાટકર્તામાં વૈચારિક સ્પષ્ટતા, ત્વરિત નિર્ણય લેવાની શક્તિ, લાગણીઓ પરનું નિયંત્રણ, વાટાઘાટના વિષયનું પૂરું જ્ઞાન, સમાધાનવૃત્તિ, વક્તૃત્વશક્તિ અને જરૂરી વાતો ગુપ્ત રાખવાની ક્ષમતા હોવી ખૂબ જરૂરી છે. પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે સામાન્ય રીતે વાટાઘાટકારો ધમકી, વાયદો, નૈતિક મૂલ્યોનો સંદર્ભ, અંગત લાલચ, સમાધાનકારી છૂટછાટ  એમ ઘણી તરકીબો અપનાવતા હોય છે.

અમિત ધોળકિયા