ઉદ્યોગો

જેમાં રોજગારી સર્જાતી હોય એવી ઉત્પાદન-પ્રવૃત્તિ. આ તેનો વ્યાપક અર્થ છે. મર્યાદિત અર્થમાં ખેતી અને સેવાઓનાં (વીમો, વેપાર, શિક્ષણ વગેરે) ક્ષેત્રોને બાદ કર્યાં પછીની ઉત્પાદન-પ્રવૃત્તિ. આ મર્યાદિત અર્થમાં જે ઉત્પાદન-પ્રવૃત્તિઓનો સમાવેશ ઉદ્યોગોમાં કરવામાં આવે છે તેમાં ચાર ક્ષેત્રોનો સમાવેશ થાય છે : (1) યંત્રોત્પાદન (યંત્રો દ્વારા થતું ઉત્પાદન – manufacturing), એટલે કે પ્રાકૃતિક કે માનવ-સર્જિત કાચા માલ પર શ્રમ અને મૂડીનાં સાધનો દ્વારા પ્રક્રિયા કરીને કરવામાં આવતું ઉત્પાદન. કાપડ, ખાંડ, યંત્રો વગેરે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોનો સમાવેશ આ વિભાગમાં કરવામાં આવે છે. (2) ખનિજ-ઉદ્યોગો – ધરતીના પેટાળમાંથી ઉપયોગી ચીજો ખેંચી કાઢવાની પ્રવૃત્તિ કરતા એકમોનો સમાવેશ આ વિભાગમાં થાય છે. ખનિજ કોલસા, પેટ્રોલિયમ, લોખંડ જેવી ધાતુઓ વગેરેનું ઉત્પાદન તેનાં ઉદાહરણો છે. (3) વીજળીના ઉત્પાદનનો સમાવેશ ઉદ્યોગોના વિભાગમાં કરવામાં આવ્યો છે. તેમાં ગૅસ, પાણી-પુરવઠાનો પણ સમાવેશ કરવામાં આવે છે. (4) બાંધકામની પ્રવૃત્તિઓને ઉદ્યોગ ગણવામાં આવે છે. તેમાં વસવાટ માટેનાં મકાનો, વેપારી-ઔદ્યોગિક પ્રવૃત્તિ માટેનાં મકાનો, રસ્તાઓ વગેરેનો સમાવેશ થાય છે.

ભારતની રાષ્ટ્રીય પેદાશ(આવક)માં આ ઉદ્યોગોના વિભાગનો હિસ્સો 1998માં 31.3 ટકા હતો, જ્યારે ખેતીનો ફાળો 24.4 ટકા હતો. જેમને વિકસિત ઔદ્યોગિક દેશો કહેવામાં આવે છે તેમાં ખેતીક્ષેત્રે થતા ઉત્પાદનની તુલનામાં ઉદ્યોગોના ક્ષેત્રે થતું ઉત્પાદન ઘણું વધારે હોય છે; દા. ત., અમેરિકાની રાષ્ટ્રીય પેદાશમાં ખેતીનો ફાળો 1.7 ટકા હતો, ત્યારે ઉદ્યોગોનો ફાળો 26.3 ટકા હતો. બાકીનો 72 ટકા હિસ્સો સેવાનાં ક્ષેત્રોનો હતો. આમ વિકસિત દેશોમાં રાષ્ટ્રીય આવકમાં હિસ્સાની ર્દષ્ટિએ ઉદ્યોગોનો વિભાગ પણ ગૌણ બની જાય છે.

ભારતમાં ઉદ્યોગોના ક્ષેત્રે સમાવિષ્ટ ચાર વિભાગોનું સાપેક્ષ મહત્વ 1997-98ના વર્ષમાં આ પ્રમાણે હતું. ખનિજ-ઉદ્યોગોનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં 1.8 ટકા, યંત્રોત્પાદનનો 22.7 ટકા, વીજળી, ગૅસ વગેરેનો 2.5 ટકા અને બાંધકામનો 4.3 ટકા હતો. આમ ઉદ્યોગોના ક્ષેત્રે થતા કુલ ઉત્પાદનમાં યંત્રોત્પાદનનો ફાળો 72 ટકાથી અધિક હોવાથી સામાન્ય ચર્ચામાં ઉદ્યોગો અને મૅન્યુફૅક્ચરિંગને એકબીજાના પર્યાયો ગણી લેવામાં આવે છે.

ઉદ્યોગોનું વર્ગીકરણ : દેશના ઉદ્યોગોનું જુદા જુદા વર્ગોમાં વિભાજન કરવા માટે જુદાં જુદાં ધોરણો ઉપલબ્ધ છે; જેમ કે, ઔદ્યોગિક એકમમાં સ્થિર મૂડીનું પ્રમાણ, પેદાશનો ઉપયોગ, માલિકીનું સ્વરૂપ અને મુખ્ય નિક્ષેપ(input)નો સ્રોત વગેરે.

ભારતમાં ઔદ્યોગિક એકમમાં પ્લાન્ટ અને યંત્રસામગ્રીમાં થયેલા મૂડીરોકાણના આધારે ઔદ્યોગિક એકમોને નાના પાયાના કે મોટા પાયાના ઉદ્યોગો તરીકે વિભાજિત કરવામાં આવે છે. અન્ય દેશોમાં ઔદ્યોગિક એકમોમાં રોકાયેલા કામદારોની સંખ્યાના આધારે ઔદ્યોગિક એકમોનું મોટા પાયાના અને નાના પાયાના એકમોમાં વિભાજન કરવામાં આવે છે. ભારતમાં નાના પાયાના ગણવામાં આવેલા એકમોને કેટલાક લાભો આપવામાં આવતા હોવાથી વ્યવહારમાં આ વર્ગીકરણ મહત્વનું બને છે.

પેદાશના ઉપયોગના આધારે ઉદ્યોગનું ચાર વર્ગોમાં વિભાજન કરવામાં આવે છે : પાયાના ઉદ્યોગો, મૂડીસર્જક ઉદ્યોગો, મધ્યવર્તી પેદાશો ઉત્પન્ન કરતા ઉદ્યોગો અને વપરાશની વસ્તુઓ ઉત્પન્ન કરતા ઉદ્યોગો. અન્ય ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી નિક્ષેપો પૂરા પાડતા ઉદ્યોગોને પાયાના કે ચાવીરૂપ ઉદ્યોગો કહેવામાં આવે છે; દા. ત.,

લોખંડ અને પોલાદનો ઉદ્યોગ એન્જિનિયરિંગ ઉદ્યોગના વિકાસનો પાયો છે અને રાસાયણિક ખાતરનો ઉદ્યોગ ખેતીક્ષેત્રમાં ઉત્પાદન વધારવા માટે પાયારૂપ ગણાય છે. યંત્રો અને ઓજારો, ઇલેક્ટ્રિક મોટર્સ, ઇલેક્ટ્રિક કેબલો અને વાયર્સ, ભારે વાહનો વગેરે બનાવતા ઉદ્યોગોને મૂડીસર્જક ઉદ્યોગો કહેવામાં આવે છે. પાયાના ઉદ્યોગો અને મૂડીસર્જક ઉદ્યોગોના સમૂહને ભારે ઉદ્યોગો પણ કહેવામાં આવે છે, કારણ કે આ ઉદ્યોગોની સ્થાપના તેમજ વિકાસ કરવા માટે મોટા પાયા પર મૂડીરોકાણ કરવાની જરૂર પડે છે. ઉત્પાદનપ્રક્રિયામાંથી પસાર થઈ ચૂકેલી જે પેદાશો અન્ય ઉદ્યોગોમાં નિક્ષેપ કે કાચા માલ તરીકે વપરાય છે તેમને મધ્યવર્તી પેદાશો કહેવામાં આવે છે; દા. ત., પ્લાસ્ટિક ટાયર્સ, કૃત્રિમ રેસા અને રંગો વગેરે. આવી પેદાશો બનાવતા ઉદ્યોગોને મધ્યવર્તી પેદાશો ઉત્પન્ન કરતા ઉદ્યોગો કહેવામાં આવે છે. સાબુ અને પગરખાં જેવી અંતિમ ઉપભોગની વસ્તુઓ બનાવતા ઉદ્યોગોને વપરાશની વસ્તુઓ ઉત્પન્ન કરતા ઉદ્યોગો કહેવામાં આવે છે.

માલિકીના સ્વરૂપની ર્દષ્ટિએ ઉદ્યોગોનું ચાર વર્ગોમાં વિભાજન કરવામાં આવે છે : ખાનગી ઉદ્યોગો, જાહેર ઉદ્યોગો, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો અને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. જે એકમોનાં માલિકી અને સંચાલન ખાનગી વ્યક્તિઓના હાથમાં હોય તેમના સમૂહને ખાનગી ઉદ્યોગો કહેવામાં આવે છે. ભારતમાં નાના ઉદ્યોગો, કુટિર-ઉદ્યોગો, વેપાર અને વપરાશની વસ્તુઓ ઉત્પન્ન કરતાં મોટાભાગનાં સંગઠિત એકમો (દા. ત., બાટા શૂઝ કંપની) તેમજ કેટલાક પાયાના અને મૂડીસર્જક ઉદ્યોગો (જેમ કે, તાતા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની) ખાનગી ક્ષેત્રમાં છે. જે એકમોનાં માલિકી અને સંચાલન સરકારહસ્તક હોય તેમના સમૂહને જાહેર ઉદ્યોગો અથવા સાહસો કહેવામાં આવે છે. ભારતમાં રેલવે અને હિંદુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ જાહેર સાહસો છે. ભારતમાં ભારે ઉદ્યોગો અને મૂડીસર્જક ઉદ્યોગો મહદ્અંશે જાહેર ક્ષેત્રમાં છે. જે એકમોનાં માલિકી અને સંચાલનમાં વ્યક્તિઓ અને સરકાર બંને ભાગીદાર હોય તેમના સમૂહને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. ભારતમાં કોચીન રિફાઇનરીઝ સંયુક્ત ક્ષેત્ર છે. જે એકમોનાં માલિકી અને સંચાલનમાં સહકારના સિદ્ધાંત મુજબ સભાસદોની ભાગીદારી હોય તેમના સમૂહને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે. ભારતમાં ખાંડનાં કારખાનાં, સ્પિનિંગ મિલો અને દૂધની ડેરી સહકારી ક્ષેત્રોના એકમો છે.

મુખ્ય નિક્ષેપસ્રોતની ર્દષ્ટિએ ખેતી-આધારિત, જંગલ-આધારિત અને રસાયણ-આધારિત ઉદ્યોગો જેવા વર્ગોમાં ઉદ્યોગોનું વિભાજન કરવામાં આવે છે.  જે ઉદ્યોગોમાં મુખ્ય કાચા માલ તરીકે ખેતપેદાશોનો ઉપયોગ થાય છે તેમને ખેતી-આધારિત ઉદ્યોગો કહેવામાં આવે છે; દા. ત., શણ-ઉદ્યોગ, સુતરાઉ કાપડ-ઉદ્યોગ અને ખાંડ-ઉદ્યોગ. જે ઉદ્યોગોમાં મુખ્ય કાચા માલ તરીકે જંગલની પેદાશોનો ઉપયોગ થાય છે તેમને જંગલ-આધારિત ઉદ્યોગો કહેવામાં આવે છે; દા. ત., કાગળ-ઉદ્યોગ અને પ્લાયવૂડ-ઉદ્યોગ. જે ઉદ્યોગોમાં મુખ્ય કાચા માલ તરીકે રસાયણોનો ઉપયોગ થાય છે તેમને રસાયણ-આધારિત ઉદ્યોગો કહેવામાં આવે છે; દા. ત., ખાતર, જંતુનાશક દવાઓ, રંગો, વાર્નિશ અને દવાઓ ઉત્પન્ન કરતા ઉદ્યોગો.

ઉદ્યોગોનું સ્થાનિકીકરણ (localisation) : કોઈ એક ચોક્કસ સ્થળે કે વિસ્તારમાં એકસરખી વસ્તુ અથવા નજીકની અવેજી વસ્તુઓ ઉત્પન્ન કરતી અનેક પેઢીઓનું કેન્દ્રીકરણ; દા. ત., ભારતમાં બંગાળમાં શણ-ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયું છે; ઉત્તર પ્રદેશ, બિહાર તથા મહારાષ્ટ્રમાં ખાંડ-ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયું છે. સામાન્ય રીતે ઉત્પાદકો પેઢીની સ્થાપના કરવા માટે એવું સ્થળ પસંદ કરવાનું વલણ ધરાવે છે, જ્યાં ઉત્પાદનખર્ચ લઘુતમ હોય અને/અથવા નફાકારકતા મહત્તમ હોય. પેઢીનું સ્થળ પસંદ કરતી વખતે તેઓ ઉત્પાદનખર્ચ અથવા નફાકારકતાને અસર કરતાં નીચેનાં મુખ્ય આર્થિક પરિબળો ધ્યાનમાં લે છે : (1) વસ્તુના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ અમુક જ સ્થળોએ ઉપલબ્ધ હોય, કાચો માલ વજનદાર અને ખર્ચાળ હોય અને વસ્તુના ઉત્પાદનમાં તેનું મહત્વ અન્ય સાધનસામગ્રીની તુલનામાં સવિશેષ હોય તો જે સ્થળે કાચો માલ ઉપલબ્ધ હોય ત્યાં ઉદ્યોગનું સ્થાનિકીકરણ થાય છે; દા.ત., લોખંડ અને પોલાદ ઉત્પન્ન કરતાં એકમોનું કેન્દ્રીકરણ કાચા લોખંડની ખાણોની નજીકના વિસ્તારમાં થાય છે, જ્યારે ખાંડની મિલોનું કેન્દ્રીકરણ શેરડી ઉગાડતા પ્રદેશમાં કે તેની નજીકના વિસ્તારમાં થાય છે. (2) ઉદ્યોગની પેદાશ વજનમાં ભારે હોય, જલદી બગડી શકે એવી હોય કે સહેલાઈથી તૂટી શકે એવી હોય તો બજારની નજીકના વિસ્તારોમાં તે પેદાશ ઉત્પન્ન કરતી પેઢીઓનું કેન્દ્રીકરણ થાય છે. મધ્યપ્રદેશ, તમિળનાડુ અને બિહારમાં ખાંડ, લોટ અને સિમેન્ટ-ઉદ્યોગોનો વિકાસ થતાં પૅકિંગ માટે થેલીઓની માંગ વધી છે અને પરિણામે ત્યાં શણની મિલોની સ્થાપના કરવામાં આવી છે. બજારનો વિસ્તાર થવા સાથે શણ-ઉદ્યોગનું વિકેન્દ્રીકરણ થઈ રહ્યું છે. (3) પેદાશના કુલ ઉત્પાદનખર્ચમાં શ્રમખર્ચનું પ્રમાણ ખૂબ ઊંચું હોય તો ઉદ્યોગનું સ્થાનિકીકરણ એવા વિસ્તારમાં થાય છે જ્યાં ઓછા ખર્ચે, પૂરતા પ્રમાણમાં અને જોઈતા પ્રકારનો શ્રમ ઉપલબ્ધ હોય. શરૂઆતમાં મુંબઈ, અમદાવાદ, કાનપુર અને દિલ્હીમાં કેન્દ્રિત થયેલો કાપડ-ઉદ્યોગ હવે બૅંગ્લોર, કોઇમ્બતુર, મદુરાઈ, ઇંદોર અને આગ્રામાં પણ વિકાસ પામી રહ્યો છે; કારણ કે આ શહેરોમાં સસ્તો શ્રમ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. (4) પ્લાન્ટ અને યંત્રોના ચાલકબળ તરીકે વિદ્યુતશક્તિનો નિયમિત પ્રવાહ મળે તે જરૂરી હોવાથી ઓગણીસમી સદીમાં કોલસાની ખાણોની નજીકના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોની સ્થાપના કરવામાં આવતી હતી. પણ વિદ્યુતશક્તિ ઉપલબ્ધ બનતાં શક્તિના સ્રોત તરીકે કોલસાનું મહત્વ ઘટ્યું છે અને ઉદ્યોગના સ્થાનિકીકરણમાં પરિવર્તન આવ્યું છે. દક્ષિણ ભારતમાં પૈકારા હાઇડ્રૉઇલેક્ટ્રિક પ્રૉજેક્ટ પૂરો થયો એ પછી ત્યાં સ્પિનિંગ ઉદ્યોગના વિકાસને ઉત્તેજન મળ્યું છે. (5) ઉત્પાદકોને એવા સ્થળનું પણ આકર્ષણ રહે છે, જ્યાં રસ્તા, રેલવે, હવાઈ વ્યવહાર અને જળવ્યવહારની પૂરતી સગવડો ઉપલબ્ધ હોય; કારણ કે આ સગવડોને લીધે કાચો માલ, શ્રમ, તૈયાર માલ અને યંત્રસામગ્રી વગેરેની ઓછા ખર્ચે અને ઝડપી હેરફેર થઈ શકે છે. ભારતમાં રેલવે-વ્યવહારનો આરંભ થયો એ પહેલાં ભાગ્યે જ કોઈ સંગઠિત ઉદ્યોગ અસ્તિત્વમાં હતો. 1880 પછી રેલવેની લાઇનો નાખવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી અને એની સાથે કોલસા, શણ તથા કાપડ-ઉદ્યોગોનો વિકાસ વેગવાન બન્યો. (6) ઉદ્યોગોના સ્થાનિકીકરણમાં જાહેર સેવાઓની પ્રાપ્યતા અને પૂરતી જમીનની ઉપલબ્ધિ પણ નિર્ણાયક ભાગ ભજવે છે. આ જ કારણસર ઔદ્યોગિક વિકાસનું વિકેન્દ્રીકરણ કરવાના હેતુથી ભારત સરકારે ઔદ્યોગિક ર્દષ્ટિએ પછાત વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો ઊભી કરવાની નીતિ અપનાવી હતી. (7) ઉદ્યોગોના સ્થાનિકીકરણમાં કુદરતી સંજોગોની પણ અસર પડે છે. કોલસા, કાચું લોખંડ અને બૉક્સાઇટ જેવા ખાણ-ઉદ્યોગોનું સ્થાન કુદરતનિર્મિત છે. મુંબઈમાં કાપડ-ઉદ્યોગના વિકાસ માટે અમુક અંશે ત્યાંનું ભેજવાળું હવામાન જવાબદાર છે. (8) સંરક્ષણ-ઉદ્યોગોની સ્થાનપસંદગીમાં વ્યૂહાત્મક બાબતોનું પ્રાધાન્ય હોય છે. શત્રુ દેશોના આક્રમણનો ભોગ બની શકે એવું સ્થળ, આર્થિક ર્દષ્ટિએ અનુકૂળ હોય તોપણ સંરક્ષણ-સામગ્રીના ઉદ્યોગની સ્થાપના માટે વ્યૂહાત્મક ર્દષ્ટિએ યોગ્ય ગણાતું નથી. (9) મોટાભાગનાં જાહેર સાહસોની સ્થાપના માટેનું સ્થળ પસંદ કરવામાં આર્થિક બાબતોની તુલનામાં રાજકીય અને સામાજિક બાબતોને વધુ મહત્વ આપવામાં આવે છે.

વાસ્તવમાં કોઈ પણ ઉદ્યોગના સ્થળની પસંદગીનો પ્રશ્ન ખૂબ જટિલ હોય છે, કારણ કે કોઈ એક ઉદ્યોગના વિકાસ માટે કોઈ એક સ્થળ બધી ર્દષ્ટિએ અનુકૂળ હોય એવું કદી બનતું નથી. ઉત્પાદકોએ સ્થળ પસંદ કરતી વખતે અનુકૂળ તેમજ પ્રતિકૂળ પરિબળો એકસાથે ધ્યાનમાં લઈને તેમની એકંદર અસરનો ક્યાસ મેળવવો પડે છે. વળી વસ્તીના કદ અને બંધારણમાં ફેરફાર, નવાં સાધનોની પ્રાપ્તિ, ટૅકનિકલ પરિવર્તનો અને વાહનવ્યવહારની પ્રગતિ વગેરેને લીધે સમયના વહેણ સાથે કોઈ એક સ્થળે વસ્તુના ઉત્પાદનખર્ચ અને નફાકારકતાને અસર કરતાં આર્થિક પરિબળોનું સાપેક્ષ મહત્વ બદલાતું રહે છે.

ઉદ્યોગો માટે નાણાપ્રબંધ : ઔદ્યોગિક ક્ષેત્રને નાણાં પૂરાં પાડવા માટે ઊભું કરવામાં આવેલું વ્યવસ્થાતંત્ર. ઔદ્યોગિક એકમોને વિવિધ હેતુઓસર અને વિવિધ સમયગાળા માટે જે નાણાંની જરૂર પડે છે તે પૂરાં પાડતી વ્યવસ્થાને ઔદ્યોગિક નાણાપ્રબંધ કહેવામાં આવે છે. સમયગાળાની ર્દષ્ટિએ ઔદ્યોગિક એકમોને ત્રણ પ્રકારની મૂડીની જરૂર પડે છે : ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની મૂડી. ઔદ્યોગિક એકમોને ચાલુ ખર્ચા માટે, માલસામગ્રીની ખરીદી માટે અને શ્રમિકોને વેતન ચૂકવવા માટે ટૂંકા ગાળાની મૂડીની જરૂર પડે છે. દસેક વર્ષમાં જેનાં નાણાં ભરપાઈ થઈ શકે એવું યંત્ર ખરીદવા માટે, માલનો વધુ સંગ્રહ કરવા માટે અને ઉત્પાદનશક્તિનું સાધારણ વિસ્તરણ કરવા માટે મધ્યમ ગાળાની મૂડીની જરૂર પડે છે. મકાન તથા યંત્રો જેવી સ્થિર મિલકતોની ખરીદી માટે, ઉત્પાદનશક્તિનું નોંધપાત્ર વિસ્તરણ કરવા માટે તેમજ એકમના આધુનિકીકરણ માટે લાંબા ગાળાની મૂડીની જરૂર પડે છે.

લાંબા ગાળાની મૂડીનાં પ્રાપ્તિસ્થાનોમાં વૈયક્તિક રોકાણ, આંતરિક સાધનો, વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ અને વિદેશી મૂડીનો સમાવેશ થાય છે. વ્યક્તિગત માલિકીની પેઢીઓ તેમજ ભાગીદારી પેઢીઓમાં માલિકો પોતાની જ કાયમી મૂડી રોકે છે, જેને વૈયક્તિક રોકાણ કહેવામાં આવે છે. કંપનીઓ શૅર બહાર પાડીને વ્યક્તિગત રોકાણકારો પાસેથી માલિકીની મૂડી અને ડિબેન્ચર બહાર પાડીને ઉછીની મૂડી મેળવે છે. આ બંનેનો પણ વૈયક્તિક રોકાણમાં સમાવેશ થાય છે. સામાન્ય રીતે કંપનીઓ વિસ્તૃતીકરણ અને આધુનિકીકરણ માટે આંતરિક સાધનોનો ઉપયોગ કરે છે, જેમાં નફાનું પુન:રોકાણ તેમજ ઘસારાભંડોળના ઉપયોગનો સમાવેશ થાય છે. ભારતમાં 1947 પછી ઔદ્યોગિક એકમોને લાંબા ગાળાની મૂડી પૂરી પાડવા માટે કેટલીક વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે; જેમ કે, ઔદ્યોગિક નાણાનિગમ (IFC), ઔદ્યોગિક શાખ અને નાણાનિગમ (I.C.I.C.I.), ઔદ્યોગિક વિકાસ બૅંક (IDBI), રાજ્ય નાણાનિગમ (S.F.C.) અને રાજ્ય ઔદ્યોગિક વિકાસનિગમ (SIDC) વગેરે.

ટૂંકા ગાળાની મૂડીનાં પ્રાપ્તિસ્થાનોમાં વેપારી બૅંકો, સહકારી બૅંકો, નાણાં ધીરનાર શરાફો, આંતરકંપની થાપણો અને આંતરિક સાધનોનો સમાવેશ થાય છે. વેપારી બૅંકો અને સહકારી બૅંકો લોન, ઓવરડ્રાફ્ટ, કૅશક્રેડિટ અને હૂંડીવટાવની સગવડો પૂરી પાડીને ઔદ્યોગિક એકમોને ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે. વેપારી લેણદારો રોકડ રકમ ધીરતા નથી, પણ શાખ પર માલ આપે છે. ઔદ્યોગિક એકમો જાહેર જનતા પાસેથી થાપણોના સ્વરૂપમાં 6 માસથી 36 માસની મુદત માટે નાણાં ઉછીનાં લે છે અને એના પર વ્યાજ ચૂકવે છે. ખૂબ ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર હોય અને અન્ય પ્રાપ્તિસ્થાનોમાંથી નાણાં મેળવવામાં મુશ્કેલી હોય કે વિલંબ થાય એમ હોય તો મિલકતો ગીરે મૂકીને કે અંગત જામીનગીરી પર દેશી શરાફો પાસેથી નાણાં મેળવવામાં આવે છે, જોકે તેના પર વ્યાજનો દર ઊંચો હોય છે.

ટૂંકા ગાળા માટેની જામીનગીરીઓ, લોનો, સોનું તથા વિદેશી હૂંડિયામણના ખરીદ-વેચાણના કેન્દ્રને નાણાબજાર કહેવામાં આવે છે; જ્યારે લાંબા ગાળાના ધિરાણ ભંડોળના લેવડદેવડના કેન્દ્રને મૂડીબજાર કહેવામાં આવે છે. વેપારી બૅંકો, સહકારી બૅંકો, વેપારી લેણદારો, દેશી શરાફો અને જાહેર જનતાની થાપણો, નાણાબજારના મુખ્ય ઘટકો છે; જ્યારે શૅરબજાર, વીમાકંપની, રોકાણગૃહો અને વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ મૂડીબજારના મુખ્ય ઘટકો છે. હકીકતમાં નાણાબજાર અને મૂડીબજાર વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરવી મુશ્કેલ છે, કારણ કે કેટલાંક પ્રાપ્તિસ્થાનો બંને પ્રકારની મૂડી પૂરી પાડે છે. આ કારણસર ઘણી વાર મૂડીબજારનું વિસ્તૃત અર્થઘટન કરવામાં આવે છે. આ અર્થઘટન અનુસાર નાણાબજાર મૂડીબજારનું અંગ છે.

ઉદ્યોગોમાં કાર્યક્ષમતા : મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે ઉદ્યોગોમાં રોકાયેલાં ઉત્પાદનનાં સાધનોનો કરકસરયુક્ત ઉપયોગ. ઉદ્યોગોની કાર્યક્ષમતા માપવા માટે મોટા ભાગે ઉત્પાદકતાના માપદંડનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્પાદકતા જેમ વધુ તેમ ઉદ્યોગોમાં કાર્યક્ષમતા વધુ છે એમ સ્વીકારવામાં આવે છે. ઉદ્યોગોની ઉત્પાદકતાનાં બે અર્થઘટન શક્ય છે : વિસ્તૃત અર્થઘટન અને મર્યાદિત અર્થઘટન.

વિસ્તૃત અર્થઘટન અનુસાર ઔદ્યોગિક ઉત્પાદકતા એટલે કુલ ઔદ્યોગિક ઉત્પાદન અને એ ઉત્પાદન મેળવવા માટે ઔદ્યોગિક ક્ષેત્રમાં વપરાયેલાં સાધનોના કુલ પ્રમાણનો ગુણોત્તર. સાધનપ્રમાણ સ્થિર હોય અને ઉત્પાદન વધે તો ઉદ્યોગોમાં ઉત્પાદકતા વધી છે એમ મનાય છે. ઉદ્યોગોમાં રોકાયેલાં સાધનોનો કાર્યક્ષમ રીતે પૂર્ણતમ ઉપયોગ થાય અને લોકોને તેમની જરૂરિયાતની વસ્તુઓ ઓછા ખર્ચે અને વધુ પ્રમાણમાં ઉપલબ્ધ બને એ ઉદ્યોગોની ઉત્પાદકતાની અભિવૃદ્ધિ પાછળનો મુખ્ય ઉદ્દેશ હોય છે.

ઔદ્યોગિક ઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદકતા સમાનાર્થી શબ્દો નથી. ઉદ્યોગોમાં ઉત્પાદકતા વધે તો ઉત્પાદન વધે છે, પણ ઉત્પાદનનો પ્રત્યેક વધારો ઉત્પાદકતાનો વધારો સૂચવતો નથી. ‘क’ ઉદ્યોગ અને ‘ख’ ઉદ્યોગમાં ઉત્પાદનનું પ્રમાણ સરખું હોય, પણ એ ઉત્પાદન મેળવવા માટે ‘क’ ઉદ્યોગ કરતાં ‘ख’ ઉદ્યોગમાં બમણાં સાધનો વપરાતાં હોય તો ‘ख’ ઉદ્યોગની સરખામણીમાં ‘क’ ઉદ્યોગની કાર્યક્ષમતા બમણી ગણાય અને તેથી ‘क’ ઉદ્યોગમાં સરેરાશ ઉત્પાદનખર્ચ પચાસ ટકા ઓછું હશે. લોકોના જીવનધોરણમાં વધારો કરવા માટે ઉદ્યોગોમાં ઉત્પાદકતા વધારવી જરૂરી છે. ઉત્પાદકતા વધાર્યા વિના માત્ર ઉત્પાદનમાં વધારો કરવો એ પૂરતું નથી.

મર્યાદિત અર્થઘટન અનુસાર, ઔદ્યોગિક ઉત્પાદકતા એટલે ઔદ્યોગિક એકમમાં ઉત્પાદનનું પ્રમાણ અને કોઈ એક સાધનના પ્રમાણનો ગુણોત્તર. આ સાધન શ્રમ કે મૂડી હોઈ શકે. શ્રમના સંદર્ભમાં કાર્યક્ષમતાનું માપ મેળવવા માટે ઔદ્યોગિક એકમમાં કુલ ઉત્પાદનને શ્રમના કુલ પ્રમાણથી ભાગીને શ્રમના કલાકદીઠ ઉત્પાદન મેળવવામાં આવે છે. મૂડીના સંદર્ભમાં કાર્યક્ષમતાનું માપ મેળવવા માટે ઔદ્યોગિક એકમમાં કુલ ઉત્પાદનને મૂડીના કુલ પ્રમાણથી ભાગીને મૂડીના એકમદીઠ ઉત્પાદન મેળવવામાં આવે છે.

ઉદ્યોગોમાં કાર્યક્ષમતાનો આધાર અનેક પરિબળો પર રહેલો છે. એમાં યોગ્ય ઉત્પાદનપદ્ધતિનો ઉપયોગ, એકમનું આધુનિકીકરણ, શ્રમિકોમાં કામ કરવાની શક્તિ અને વૃત્તિ, કામના અનુકૂળ સંજોગો, સંચાલનની વૈજ્ઞાનિક પદ્ધતિ, શ્રમિકો અને સંચાલકો વચ્ચે એખલાસભર્યો સંબંધ, બજારનું વિશાળ કદ, બજારમાં હરીફાઈનું વાતાવરણ, સરકારની પ્રોત્સાહક નાણાકીય અને રાજકોષીય નીતિઓ, અંકુશો તથા નિયંત્રણોનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે.

ઉદ્યોગોમાં કાર્યક્ષમતા વધે તો વધુ નફાના સ્વરૂપમાં માત્ર નિયોજકોને જ લાભ થાય છે એવી માન્યતા સાચી નથી. હરીફાઈયુક્ત બજારમાં કાર્યક્ષમતામાં વધારો થતાં ચીજવસ્તુઓના ભાવો ઓછા થાય છે અને આ રીતે સમાજ માટે પણ તે લાભદાયી બને છે. ઉદ્યોગોમાં કાર્યક્ષમતા વધે તો શ્રમિકો રોજગારી ગુમાવશે એવી દહેશત પણ નિરર્થક છે. કાર્યક્ષમતાનો વધારો ચીજવસ્તુઓના ભાવોમાં ઘટાડો લાવીને લોકોની ખરીદશક્તિમાં વધારો કરે છે. પરિણામે ચીજવસ્તુઓની માંગ વધે છે, જેને લીધે ઉત્પાદન અને રોજગારી ગુણકના દરે વધે છે. અલબત્ત, શ્રમિકોની વ્યવસાયલક્ષી વહેંચણી બદલાય છે.

ઔદ્યોગિક એકીકરણ : પરસ્પર સહકાર દ્વારા સર્વસામાન્ય ઉદ્દેશ કે ઉદ્દેશો સિદ્ધ કરવાના હેતુથી બે કે તેથી પણ વધુ ઔદ્યોગિક એકમો ઔપચારિક કે અનૌપચારિક કરાર હેઠળ ભેગા મળે તો તેને ઔદ્યોગિક એકીકરણ કહેવામાં આવે છે. ઔદ્યોગિક એકીકરણના પરિણામે એકબીજાથી સ્વતંત્ર રીતે કામ કરતાં ઔદ્યોગિક એકમો કોઈ એક સર્વસામાન્ય નિયંત્રણ હેઠળ મુકાઈ જાય છે. આ નિયંત્રણ સંપૂર્ણ કે આંશિક અને સ્થાયી કે અસ્થાયી હોઈ શકે છે. કોઈ એક કે વધુ આર્થિક ઉદ્દેશને માટે તે હોઈ શકે છે. ટ્રસ્ટ, હોલ્ડિંગ કંપની, એમાલગમેશન અને મર્જર વગેરે ઔદ્યોગિક એકીકરણનાં ઉદાહરણો છે.

એકસરખી વસ્તુનું ઉત્પાદન કરતાં ઔદ્યોગિક એકમો મોટા પાયા પર ઉત્પાદનના લાભો મેળવવા માટે અથવા અંદરોઅંદરની હરીફાઈ નિર્મૂળ કરવા માટે અથવા વસ્તુની બજારકિંમતને ચોક્કસ સપાટીએ જાળવી રાખવા માટે ભેગા થઈને એક જ સંચાલન હેઠળ આવે તો એને સમસ્તરીય (horizontal) સંયોજન અથવા સમકક્ષ સંયોજન કહેવામાં આવે છે. ભારતમાં ઍસોસિયેટેડ સિમેન્ટ કંપની લિમિટેડ સમસ્તરીય સંયોજનનું ઉદાહરણ છે. કોઈ એક જ વસ્તુના ઉત્પાદનના જુદા જુદા તબક્કામાં કામ કરતાં ઔદ્યોગિક એકમો ભેગાં થઈને સમાન સંચાલન હેઠળ આવે તો એને ઊર્ધ્વ (vertical) સંયોજન અથવા ક્રમિક સંયોજન કહેવામાં આવે છે. આ પ્રકારનું સંયોજન રચતા ઔદ્યોગિક એકમો એકબીજાના હરીફ નહિ પરંતુ પરસ્પર પૂરક હોય છે. એક ઔદ્યોગિક એકમનો તૈયાર માલ બીજા ઔદ્યોગિક એકમ માટે કાચો માલ હોય છે. મધ્યસ્થીઓનો નફો દૂર કરીને ઉત્પાદનખર્ચ ઘટાડવા માટે અથવા પરાવલંબન નાબૂદ કરવાના હેતુથી ઊર્ધ્વ સંયોજનની રચના કરવામાં આવે છે. ભારતમાં તાતા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની ઊર્ધ્વ સંયોજનનું ઉદાહરણ છે. તદ્દન ભિન્ન પ્રકારની વસ્તુઓ અથવા કોઈ એક જ જૂથની પણ સ્વરૂપ અને ગુણવત્તામાં એકબીજાથી અલગ પડતી વસ્તુઓ (જેમ કે, રેડિયો અને હીટર જેવી વિદ્યુતપેદાશો) ઉત્પન્ન કરતા ઔદ્યોગિક એકમો ઉત્પાદનની કોઈ એક સર્વસામાન્ય પ્રક્રિયાનો સામૂહિક ઉપયોગ કરીને સંચાલકીય કરકસરોનો લાભ લેવાના હેતુથી અથવા વસ્તુના વિતરણની સર્વસામાન્ય કડીઓનો સામૂહિક ઉપયોગ કરીને વેચાણલક્ષી કરકસરોનો લાભ લેવાના હેતુથી ભેગાં મળીને સમાન સંચાલન હેઠળ આવે તો તેને વૃત્તીય સંયોજન અથવા ચક્રીય (cyclical) સંયોજન કહેવામાં આવે છે. મહદ્અંશે ઔદ્યોગિક સત્તા હાંસલ કરવાના હેતુથી આ પ્રકારના સંયોજનની રચના કરવામાં આવે છે. ભૂતકાળમાં ભારતમાં મૅનેજિંગ એજન્સી પ્રથા અસ્તિત્વમાં હતી. આ પ્રથા ચક્રીય સંયોજનનું ઉદાહરણ છે. ઘણી વાર આ પ્રકારના સંયોજનમાં સમાયેલાં ઔદ્યોગિક એકમો ન તો એકબીજાનાં હરીફ હોય છે, ન તો પૂરક.

નાના પાયાના ઉદ્યોગો : ભારતીય અર્થતંત્રમાં મૂડીની અછત પ્રવર્તે છે. આ હકીકતને લીધે નાના પાયાના ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગોથી જુદા પાડવા માટે ઔદ્યોગિક એકમમાં સ્થિર મૂડી(અર્થાત્ પ્લાન્ટ અને યંત્રસામગ્રી)માં રોકાણનું ધોરણ સ્વીકારવામાં આવ્યું છે અને ચીજવસ્તુઓ તથા સેવાઓની સરેરાશ ભાવસપાટીમાં જેમ વધારો થયો છે તેમ આ રોકાણની મહત્તમ મર્યાદા સતત વધારવામાં આવી છે. મે 1975 અગાઉ નાના પાયાના ઉદ્યોગો અને કુટિર ઉદ્યોગોની વ્યાખ્યામાં પ્લાન્ટ તથા યંત્રોમાં થયેલું રોકાણ વધુમાં વધુ રૂ. 7.5 લાખ હોય એવાં ઔદ્યોગિક એકમોને આવરી લેવામાં આવ્યા હતા. આજે (2000ની સાલથી) રૂપિયા એક કરોડ સુધીનું મૂડીરોકાણ ધરાવતા એકમોને નાના પાયાના ઔદ્યોગિક એકમો ગણવામાં આવે છે. ભારતમાં નાના પાયાના એકમોને આબકારી જકાતમાં રાહત, મજૂરોને સ્પર્શતા કાયદાઓના પાલનમાંથી મુક્તિ વગેરે લાભો આપવામાં આવે છે.

ભારતના અર્થતંત્રમાં નાના પાયાના ઉદ્યોગો અને કુટિર-ઉદ્યોગો મહત્વનું સ્થાન ધરાવે છે. લોકોને રોજગારી પૂરી પાડવામાં આ ઉદ્યોગોનો ક્રમાંક ખેતીક્ષેત્ર પછી બીજો છે. 1984-85માં 3.15 કરોડ વ્યક્તિઓ આ ઉદ્યોગોમાં રોકાયેલી હતી. ભારતમાં કુલ ઔદ્યોગિક રોજગારીમાં આ ઉદ્યોગોનો ફાળો લગભગ 80 ટકા હતો અને કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં તેમનો ફાળો લગભગ 50 ટકા હતો. ભારતની કુલ નિકાસમાં નાના પાયાના ઉદ્યોગો અને કુટિર-ઉદ્યોગોનો ફાળો લગભગ 39 ટકા હતો.

નાના પાયાના ઉદ્યોગો અને કુટિર-ઉદ્યોગોની તરફેણમાં સૌથી વધુ અગત્યની દલીલ એ છે કે આ ઉદ્યોગોમાં થોડુંક મૂડીરોકાણ કરીને વધુ માણસોને રોજગારી આપી શકાય છે.

ગુલામહુસેન પીરભાઈ મલમપટ્ટાવાળા

જે. આર. શાહ