વંસ-સાહિત્ય
January, 2005
વંસ-સાહિત્ય : બૌદ્ધ ધર્મના જાણીતા ગ્રંથો. પાલિ ભાષામાં રચાયેલ વંસ(સં. વંશ)-સાહિત્ય બૌદ્ધોના ધાર્મિક સાહિત્યમાં એક વિશેષ સ્થાન અને મહત્વ ધરાવે છે. વંસ એટલે પરંપરા. વંસ-સાહિત્યમાં ભગવાન બુદ્ધની પરંપરા, તેમને અનુસરતા રાજાઓની પરંપરા કે તેમની સાથે સંબંધ ધરાવતાં સ્થાન ઇત્યાદિની પરંપરાનો ઇતિહાસ આલેખવામાં આવ્યો હોય છે. મુખ્યત્વે શ્રીલંકામાં રચાયેલા આ સાહિત્યમાં જોકે પ્રાચીન પુરાણોની રચનાશૈલી જોવા મળે છે અને આ સમગ્ર સાહિત્યનો હેતુ પણ બૌદ્ધ ધર્મના માહાત્મ્યગાનનો છે, છતાં શ્રીલંકાના બૌદ્ધ ધર્મનો કડીબદ્ધ ઇતિહાસ તેમાં મળે છે, સાથે જ ભારતની બૌદ્ધ ધર્મપરંપરાની અનેક વિગતો તેમાં પ્રાપ્ત થાય છે.
પાલિમાં ‘વંસ’-સાહિત્યની પરંપરા બુદ્ધઘોષ-યુગ પહેલાંથી ચાલી આવતી હતી અને છેક ઓગણીસમી-વીસમી સદી સુધી તે જળવાઈ રહેલી જોવાય છે. પાલિના મુખ્ય વંસ-ગ્રંથો આ પ્રમાણે છે : (1) ‘દીપવંસ’, (2) ‘મહાવંસ’, (3) ‘ચૂલવંસ’, (4) ‘બુદ્ધઘોસુપ્પત્તિ’, (5) ‘સદ્ધમ્મસંગહ’, (6) ‘મહાબોધિવંસ’, (7) ‘થૂપવંસ’, (8) ‘અત્તનગલુવિહારવંસ’, (9) ‘દાઠાવંસ’, (10) ‘જિનકાલમાલિની’, (11) ‘છકેસધાતુવંસ’, (12) ‘નળાટધાતુ વંસ’, (13) ‘સન્દેસ-કથા’, (14) ‘ગન્ધવંસ’, (15) ‘સંગીતિવંસ’, (16) ‘સાસનવંસ’ અને (17) ‘સાસનવંસદીપ’.
‘દીપવંસ’ : તે પાલિ વંસ-સાહિત્યની પ્રથમ રચના છે. તેમાં લંકાદ્વીપનો ઇતિહાસ છે. ‘દીપવંસ’ બુદ્ધઘોષના સમય પૂર્વેની રચના છે, તેના કર્તા અજ્ઞાત છે કદાચ તે એક કરતાં વધુ લેખકોની રચના છે. તેમાં પરંપરાથી પ્રાપ્ત થતા બૌદ્ધ ધર્મને લગતાં ઐતિહાસિક કથાનકોનું સંકલન છે. તેમાં ઈ. પૂ. ત્રીજી શતાબ્દીથી ઈ. સ. ચોથી શતાબ્દી સુધીના સમયની ઘટનાઓનું આલેખન પાલિ પદ્યમાં પૌરાણિક રીતે કરવામાં આવ્યું છે. સાહિત્યદૃષ્ટિએ મહત્વપૂર્ણ ન હોવા છતાં અને પુનરુક્તિદોષથી યુક્ત હોવા છતાં શ્રીલંકાના પ્રાચીન ઇતિહાસનું આલેખન હોવાથી ‘દીપવંસ’ એક મહત્વપૂર્ણ વંશકાવ્ય છે.
‘મહાવંસ’ : તે પણ ‘દીપવંસ’ની જેમ જ શ્રીલંકાનો એક સુવ્યવસ્થિત ઇતિહાસગ્રંથ છે. સમાન વિષયવસ્તુ અને તેનું તે જ ક્રમે આલેખન સૂચવે છે કે ‘મહાવંસ’નો આધાર ‘દીપવંસ’ હોઈ શકે; પરંતુ ‘મહાવંસ’માં વિષયવસ્તુ અધિક વિસ્તારથી, ક્રમબદ્ધ રીતે અને સરસ સાહિત્યિક શૈલીથી આલેખાયેલ છે. તેને એક ઐતિહાસિક મહાકાવ્ય ગણી શકાય. ‘મહાવંસ’નો રચના-સમય વિદ્વાનો ઈસુની પાંચમી શતાબ્દીનો અંતભાગ હોવાનું માને છે.
‘મહાવંસ’ના રચયિતાનું નામ ‘મહાવંસ-ટીકા’ અનુસાર ‘મહાનામ’ હતું. સ્થવિર મહાનામ દેવાનાંપ્રિય તિસ્સના મુખ્ય સેનાપતિ દીઘસન્દ દ્વારા નિર્મિત દીઘસંદ-વિહાર નામે વિહારમાં રહેતા હતા. સ્થવિર મહાનામ લંકાનરેશ ધાતુસેન(ઈ. સ. 460-478)ના મામા હતા.
‘દીપવંસ’ અને ‘મહાવંસ’નો વિષય એકસમાન છે. ઈ. પૂ. પાંચમી શતાબ્દીથી ઈ. સ. ચોથી શતાબ્દી સુધીનાં લગભગ નવસો વર્ષના શ્રીલંકાના ઇતિહાસનું વર્ણન બંનેનો વિષય છે. બંને પ્રાચીન સિંહલ અટ્ટકથાઓ – પૌરાણિક કથાઓમાં આવતા ઐતિહાસિક અંશોના આધારે રચાયેલ છે. ‘દીપવંસ’ની અપેક્ષાએ ‘મહાવંસ’નું વિષયવસ્તુ વધુ વિસ્તૃત, વધુ વ્યવસ્થિત અને વધુ કાવ્યમય છે. ‘મહાવંસટીકા’ અનુસાર ‘મહાવંસ અથવા મહાન પુરુષો(રાજાઓ અને આચાર્યો)નો વંશ ઇતિહાસ લખવામાં લેખકનો હેતુ તેમના ઉદય-અંત બતાવી પાઠકોના હૃદયમાં નિર્વેદ ઉત્પન્ન કરવાનો જ હતો.’
‘દીપવંસ’ અને ‘મહાવંસ’ બંને ઇતિહાસની સાથે જ પુરાણોમાં આવતા અતિરંજિત અને અલૌકિક વર્ણનો જેવાં વર્ણનોથી ભરેલા ગ્રંથો છે, આથી તેમને શુદ્ધ ઇતિહાસ ન માની શકાય; તેમ છતાં શ્રીલંકાનો રાજકીય અને ધાર્મિક ઇતિહાસ આપવાની સાથે જ ભારતીય ઇતિહાસના ઘણા કૂટ પ્રશ્નોને ઉકેલવામાં સહાયરૂપ હોવાના કારણે તેમનું મહત્વ ઓછું ન આંકી શકાય.
‘ચૂલવંસ’ : ‘મહાવંસ’ મૂળ 37મા પરિચ્છેદની 50મી ગાથા સાથે સમાપ્ત થાય છે, જેમાં લંકાના ઇતિહાસનું મહાસેનના સમય (ઈ. સ. 325-352) સુધીનું વર્ણન છે. ત્યારબાદનો લંકાનો ક્રમબદ્ધ ઇતિહાસ પણ આ જ ગ્રંથના પરિવર્ધિત અંશ રૂપે પછીના કાળમાં તેની સાથે જોડી દેવામાં આવ્યો, જે ‘ચૂલવંસ’ તરીકે ઓળખાય છે. તેમાં અઢારમી સદીના ઉત્તરાર્ધ સુધી અથવા તો જો તેના આધુનિકતમ સ્વરૂપને પણ તેના ભાગરૂપ માનીએ તો છેક ઈ. સ. 1935 સુધીના લંકાના ઇતિહાસનું ક્રમબદ્ધ નિરૂપણ છે. ‘ચૂલવંસ’ની રચના જુદા જુદા પાંચ કાળે થઈ છે
(1) પ્રસિદ્ધ સિંહલ રાજા પરાક્રમબાહુ દ્વિતીય(ઈ. સ. 1236-1268)ના સમકાલીન હતા. નંબરનિવાસી ધર્મકીર્તિ નામક સ્થવિરે મહાનામ દ્વારા 37મા પરિચ્છેદની 50મી ગાથાથી અધૂરા મુકાયેલ ‘મહાવંસ’નું પરિવર્ધન કર્યું. તેમણે 198 ગાથાઓ નવી રચી, 79 પરિચ્છેદ સુધી વિસ્તાર કર્યો. તેણે 78 રાજાઓનું કાળક્રમાનુસાર વર્ણન કર્યું.
(2) બીજું પરિવર્ધન બુદ્ધરક્ષિત નામક ભિક્ષુએ કર્યું. તેમણે 80મા પરિચ્છેદથી 90મા પરિચ્છેદ સુધીની રચના કરી.
(3) ત્રીજું પરિવર્ધન તિબ્બોતુવાબે સુમંગલ સ્થવિરે કર્યું. તેમણે 91મા પરિચ્છેદથી 100મા પરિચ્છેદ સુધીની રચના કરી.
(4) ચોથું પરિવર્ધન હિક્કડુબે સિરિ સુમંગલ તથા દેવરક્ષિતે કર્યું. તેમણે માત્ર 101મા પરિચ્છેદની રચના કરી, જેમાં લંકાધિરાજકિત્તિ સિરિ રાજસિંહથી લઈ ઈ. સ. 1815 સુધીનું વર્ણન છે.
(5) અંતિમ પાંચમું પરિવર્ધન સિંહલી સ્થવિર યુગિરલ પંજાનંદ નાયકથેરે કર્યું, જેમાં ઈ. સ. 1815થી 1935 સુધીના ઇતિહાસનું વર્ણન છે.
આમ ‘મહાવંસ’ અને ‘ચૂલવંસ’ મળી શ્રીલંકાના સમગ્ર ઇતિહાસનું આલેખન કરે છે.
‘બુદ્ધઘોસુપ્પત્તિ’ (સં. ‘બુદ્ધઘોષોત્પત્તિ’) : આ બુદ્ધઘોષનું જીવનચરિત્ર છે. તેના કર્તા મહામંગલ નામે સિંહલ ભિક્ષુ હતા. તેનો રચનાકાળ ઈ. સ.ની ચૌદમી સદીનો માનવામાં આવે છે. તેમાં બુદ્ધઘોષના જન્મ, બાલ્યાવસ્થા, પ્રારંભિક શિક્ષણ, ધર્મ-પરિવર્તન, ગ્રંથરચના વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ રચના વિશ્વસનીય નથી તેમ વિદ્વાનોનું મંતવ્ય છે.
‘સદ્ધમ્મસંગહ’ (સં. ‘સદ્ધર્મસંગ્રહ’) : અગિયાર પરિચ્છેદોમાં રચાયેલ આ એક ગદ્ય-પદ્ય મિશ્રિત રચના છે, જેમાં બુદ્ધશાસનની પરંપરા સાથે પ્રારંભિક કાળથી તેરમી સદી સુધીના ભિક્ષુસંઘના ઇતિહાસનું વર્ણન છે. આના નવમા પરિચ્છેદમાં બુદ્ધશાસન સંબંધી ગ્રંથોની તેમના લેખકોનાં નામો સાથેની સૂચિ આપવામાં આવી છે, જે પાલિસાહિત્યના ઇતિહાસની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. આના લેખક સંઘરાજ ધર્મકીર્તિ નામક પ્રસિદ્ધ સિંહલ ભિક્ષુના શિષ્ય હતા, જેનું પોતાનું નામ પણ ધર્મકીર્તિ મહાસ્વામી હતું. લેખક ચૌદમી શતાબ્દીના ઉત્તર ભાગમાં થઈ ગયાનું વિદ્વાનો માને છે.
‘મહાબોધિવંસ’ (સં. ‘મહાબોધિવંશ’) : તેનું અપરનામ ‘બોધિવંસ’ (સં. ‘બોધિવંશ’) છે. અનુરાધાપુરમાં આરોપિત બોધિવૃક્ષની આ કથા છે. આ મૂળ સિંહાલી ભાષાની રચનાનો પાલિ અનુવાદ છે, ગદ્ય-પદ્યમિશ્રિત રચના છે. મોટાભાગની ગાથાઓ ‘મહાવંસ’માંથી લીધી છે. બોધિવૃક્ષના ઇતિહાસ રૂપે લેખકે આમાં બૌદ્ધ ધર્મના પ્રારંભિક ઇતિહાસનું વર્ણન કર્યું છે. આના રચયિતા સિંહલ ભિક્ષુ ઉપતિષ્ય હતા, જેમનો સમય દસમી કે અગિયારમી સદી માનવામાં આવે છે. આના પર વિવિધ ટીકાઓ પણ મળે છે.
‘થૂપવંસ’ (સં. ‘સ્તૂપવંશ’) : જે ચૈત્યમાં ચાર પ્રકારના સ્તૂપાર્હ વ્યક્તિઓ-તથાગત, પ્રત્યેક બુદ્ધ, તથાગતના શિષ્ય અને ચક્રવર્તી રાજા-ના શરીરનાં અવશેષરૂપ ચિહ્નો રાખવામાં આવે તેને સ્તૂપ કહેવામાં આવે છે. અહીં ગૌતમ બુદ્ધના પૂર્વવર્તી બુદ્ધોનું અને તેમના સંબંધી બનાવવામાં આવેલા સ્તૂપોનું વર્ણન તથા ભગવાન બુદ્ધનું જીવનચરિત્ર ને તેમનાં શરીર-ચિહ્નો ઉપર નિર્મિત સ્તૂપોનું વર્ણન છે. વિશેષપણે લંકાધિપતિ દુટ્ઠગામણિ (ઈ. પૂ. 101-77) દ્વારા અનુરાધાપુરમાં બનાવાયેલા મહાસ્તૂપનું વિસ્તૃત વિવરણ છે. ‘થૂપવંસ’ સિંહલભિક્ષુ સારિપુત્તના શિષ્ય વાચિસ્સરની રચના છે. સ્થવિર વાચસ્સિર સિંહલ રાજા પરાક્રમબાહુ પ્રથમ(ઈ. સ. 1153-1186)ના ધાર્મિક ગ્રંથાલયના અધ્યક્ષ હતા. ગદ્ય-પદ્ય મિશ્રિત પાલિભાષાબદ્ધ 16 પરિચ્છેદના આ ગ્રંથની રચના બારમી શતાબ્દીના અંતભાગમાં કે તેરમી શતાબ્દીના આદિ ભાગમાં થયાનું મનાય છે. તેરમી શતાબ્દીમાં આનું સિંહાલી રૂપાન્તર પણ થયેલ. શ્રીલંકાના ધાર્મિક ઇતિહાસમાં ‘થૂપવંસ’નું ઘણું મહત્વ છે. આજ ખંડેરરૂપ બની ગયેલ સ્થળો કે નગરોની ભૂમિ નીચે વિલીન થઈ ગયેલ પુરાતત્વ-સંબંધી સામગ્રીનો આ ગ્રંથ દ્વારા પરિચય મળે છે.
‘અત્તનગલુવિહાર–વંસ’ : તેનું બીજું નામ ‘હત્થવનગલ્લવિહારવંસ’ છે. આ તેરમી શતાબ્દીના મધ્યભાગમાં રચાયેલ ગદ્ય-પદ્યમિશ્ર રચના છે. 11 અધ્યાયની આ રચના સરળ, સ્વાભાવિક વર્ણનશૈલીમાં થયેલ ઐતિહાસિક નવલકથા સમાન છે. પ્રથમ આઠ અધ્યાયમાં લંકાધિપતિ સિરિ-સંઘબોધિ(શ્રીસંઘબોધિ)નું વર્ણન છે. અંતિમ ત્રણ અધ્યાયમાં તેણે રચાવેલા અનેક વિહારોનું વર્ણન છે. અત્તનગલ્લ કે અત્તનગલુ નામે સ્થાન પર નિર્મિત વિહાર તેમાં વધુ પ્રસિદ્ધ હોવાના કારણે ગ્રંથનું નામ ‘અત્તનગલુવિહાર-વંસ’ પડ્યું છે. સિંહલ ભિક્ષુ અનોમદસ્સી સંઘરોજના અનુરોધથી તેના કોઈ શિષ્યે આની રચના કરી હતી. રચનાકાળ તેરમી સદી હોવાનું મનાય છે.
‘દાઠાવંસ’ (સં. ‘દંષ્ટ્રા–વંશ’) : તેની રચના બારમી શતાબ્દીના અંતમાં કે તેરમી શતાબ્દીની શરૂઆતમાં, પુલત્થિપુર(પોલોન્નરુવા)- વાસી સિંહલ ભિક્ષુ સારિપુત્તના શિષ્ય ધર્મકીર્તિ મહાસ્થવિરે કરી હતી. આ ભિક્ષુ સંસ્કૃત, પાલિ ભાષાઓ અને ન્યાય, વ્યાકરણ, કાવ્ય અને આગમના નિષ્ણાત હતા. તેઓ પોતાના સમકાલીન સિંહલ રાજા પરાક્રમબાહુ પ્રથમ(ઈ. સ. 1197-1200)ના રાજગુરુ હતા. ‘દાઠાવંસ’ ભગવાન બુદ્ધના દાંત-ધાતુની કથા છે. સંસ્કૃત કાવ્યશૈલીમાં રચાયેલ આ કૃતિમાં પાંચ પરિચ્છેદ છે. બુદ્ધના દાંતના ઇતિહાસની ચોપાસ આમાં બૌદ્ધ ધર્મના વિકાસના ઇતિહાસનું વર્ણન છે. મૂળ સિંહલ ભાષામાં રચાયેલ ‘દળદાવંસ’નું કર્તાએ પાલિમાં રૂપાન્તર કર્યું હતું તથા પોતે જ તેના પર એક વ્યાખ્યા સિંહલી ભાષામાં રચી હતી.
‘જિનકાલમાલિની’ : થાઇલૅન્ડમાં સોળમી સદી(ઈ. સ. 1516)માં સ્થવિર રતનપંજ દ્વારા રચાયેલ આ ગ્રંથમાં બુદ્ધશાસન અને તેના ઐતિહાસિક વિકાસ સંબંધી તથ્યોનું કાલક્રમિક વર્ણન છે. થેરવાદની પરંપરાનો આશ્રય લઈ કર્તાએ બુદ્ધના જીવન-ચરિત્રનું આલેખન કર્યું છે. સિંહલ (લંકા) અને થાઇદેશ(સિયામ)ના પારસ્પરિક સંબંધોની દૃષ્ટિએ પણ આ ગ્રંથનું મહત્વ છે.
‘છકેસધાતુવંસ’ : આ ઓગણીસમી શતાબ્દીની રચના છે. આ કોઈ બ્રહ્મદેશીય અનામી ભિક્ષુની રચના છે. આમાં ભગવાન બુદ્ધના છ કેશ ઉપર બનાવવામાં આવેલ સ્તૂપોનું વર્ણન છે. સરળ શૈલીમાં ગદ્ય-પદ્ય મિશ્રિત પાલિ ભાષામાં આ રચના થયેલ છે. ‘કેસધાતુવંસ’ નામક એક અન્ય પ્રાચીન રચના હોવાની પણ ‘ચૂલવંસ’માં નોંધ મળે છે.
‘નળાટધાતુવંસ’ (સં. ‘લલાટધાતુવંશ’) : આમાં પાંચ અધ્યાયોમાં ભગવાન બુદ્ધના લલાટનો અસ્થિ-વિષયક ઇતિહાસ આલેખાયો છે. તેનો રચનાસમય અજ્ઞાત છે.
‘સન્દેસકથા’ (સં. ‘સન્દેશ–કથા’) : આ કૃતિ એક પત્ર રૂપે છે, જે કેટલીક સિંહલ વ્યક્તિઓએ બ્રહ્મદેશના રાજા મિન્-દોન્-મિન્(ઈ. સ. 185-272)ને લખ્યો હતો. ઈ. સ. 1858માં લખાયેલ આ પત્ર સદ્ધર્મ સંબંધી એક સંદેશ રૂપે છે. પત્રના લખનાર દશ વ્યક્તિઓએ બૌદ્ધ ધર્મના પુનરુત્થાન માટે શ્રીલંકાના એક વિસ્તારમાં સંઘારામ સ્થાપવા માટે રાજાની મદદ માંગી છે. ‘સંદેસકથા’ નામે કેટલીક અન્ય રચનાઓ પણ લંકા અને બ્રહ્મદેશમાં મળે છે.
‘ગન્ધવંસ’ (સં. ‘ગ્રન્થ–વંશ’) : બ્રહ્મદેશમાં ઓગણીસમી સદીમાં રચાયેલ આ એક નાનો ગદ્યમય ગ્રંથ છે. સંક્ષિપ્ત અને ઉત્તરકાલીન રચના હોવા છતાં પાલિ-સાહિત્યના ઇતિહાસ માટે આ એક આધારરૂપ રચના છે. તેમાં પાલિ-ગ્રંથોનો ઇતિહાસ છે. તેમાં પાલિ-ગ્રંથો, ગ્રંથકારો, રચનાસ્થાન અને રચનાના ઉદ્દેશ સંબંધી મળતી વિગતો અત્યંત મહત્વપૂર્ણ છે.
‘સંગીતિવંસ’ : થાઇદેશમાં અઢારમી સદી(ઈ. સ. 1789)માં ભદન્ત વનરતન દ્વારા વિરચિત આ એક મહત્વપૂર્ણ ગ્રંથ છે.
‘સાસનવંસ’ (સં. ‘શાસનવંશ’) : પાલિ-ગદ્યમાં ઓગણીસમી સદી(ઈ. સ. 1861)માં બ્રહ્મદેશમાં ભિક્ષુ પંઞ્ સામિ (પ્રજ્ઞાસ્વામી) દ્વારા રચાયેલ આ ગ્રંથ છે. પ્રાચીન પાલિ-સાહિત્યના આધારે આની રચના થઈ હોવાથી તે મહત્વપૂર્ણ છે. બુદ્ધના સમયથી છેક ઓગણીસમી સદી સુધીના સ્થવિરવાદ બૌદ્ધ ધર્મના વિકાસનું આમાં દશ પરિચ્છેદમાં વર્ણન છે. છઠ્ઠા પરિચ્છેદમાં આવતું બ્રહ્મદેશમાં બૌદ્ધ ધર્મના વિકાસનું વર્ણન સૌથી અગત્યનો ભાગ છે. બ્રહ્મદેશમાં બારમી સદીથી ઓગણીસમી સદી સુધીમાં રચાયેલ પાલિ-ભાષામય બૌદ્ધ સાહિત્યનું વર્ણન વિશેષ મહત્વપૂર્ણ છે.
‘સાસનવંસદીપ’ (સં. ‘શાસનવંશદીપ’) : શ્રીલંકામાં ઓગણીસમી સદીમાં રચાયેલ પદ્યબદ્ધ રચના છે. તેના લેખક આચાર્ય વિમલસાહતિસ્સ થેર છે. વંશગ્રંથોની શૈલીમાં રચાયેલ 12 અધિકારો – 1671 ગાથાઓનું આ મહાકાવ્ય ભગવાન બુદ્ધના જીવનચરિત્ર ઉપરાંત ત્રણ ધર્મ-સંગીતિઓનાં વર્ણન ઉપરાંત અનેક ઐતિહાસિક ઘટનાઓનું આલેખન કરે છે.
આ રીતે મુખ્યત્વે શ્રીલંકા અને ગૌણ રૂપે બ્રહ્મદેશ તથા થાઇદેશમાં અનેક વંશકાવ્યોની રચના થયેલી, જે બૌદ્ધ ધર્મના વિવિધ તબક્કાઓ પર પ્રકાશ પાડે છે; એટલું જ નહિ, ભારતીય સંસ્કૃતિ, ભાષા અને સાહિત્યનાં અનેક પાસાંઓ વિશે પણ મહત્વપૂર્ણ સામગ્રી ધરાવે છે.
રમણીક શાહ