વસ્તી

પૃથ્વી પર વસવાટ કરતી જનસંખ્યા. વીસમી સદીમાં વિશ્વના દેશોએ બે વિશ્વયુદ્ધો જોયાં, તેની ગંભીરતા જાણી અને અનુભવી. અનેક દેશોને ઓછુંવત્તું સહન કરવું પડ્યું. શાંતિ જાળવી રાખવામાં યુદ્ધ કેટલું નુકસાનકારક છે તેનો પણ ખ્યાલ આવ્યો. અણુબૉમ્બથી થયેલી ખુવારી તેમજ તેની દૂરગામી અસરો જોયા પછીથી વિશ્વના દેશો યુદ્ધનો વિરોધ કરતા રહ્યા છે. વીસમી સદીના ઉત્તરાર્ધ કાળથી વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વિકટ પ્રશ્ન વસ્તીવધારાનો આવીને ઊભો છે; દુનિયાના લગભગ બધા જ દેશો વધતી જતી વસ્તીને ખાળવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.

ગુજરાતી ભાષામાં જેને આપણે ‘વસ્તી’ કહીએ છીએ તે અંગ્રેજી ભાષાના ‘people’ શબ્દ પરથી બનેલા ‘population’ – શબ્દનો પર્યાય છે. વસ્તી માટેનો મૂળ ગ્રીકભાષી ‘demo’ શબ્દ છે. વસ્તી અંગેનો અભ્યાસ કરતું વિજ્ઞાન તે demography – વસ્તીવિજ્ઞાન. એ વસ્તી-અંકવિષયક માહિતી, તેનું ઉદભવસ્થાન, તેની ગુણવત્તા, ઉપલબ્ધિ તેમજ પૃથક્કરણની પદ્ધતિઓ સાથે સંબંધ ધરાવે છે. વસ્તીનાં સ્થળ, સમય અને વર્ગને લક્ષમાં લીધા સિવાય વસ્તીની લાક્ષણિકતાઓની તરેહનો તથા રાજકીય એકમોની વસ્તીનો અભ્યાસ પણ વસ્તીવિજ્ઞાનમાં થાય છે.

વસ્તીવિજ્ઞાનનો સૌથી વધુ ગાઢ સંબંધ સમાજશાસ્ત્ર સાથે છે, તદુપરાંત તે અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ભૂગોળ, પરિસ્થિતિવિજ્ઞાન, જીવવિજ્ઞાન, ઔષધશાસ્ત્ર તેમજ માનવીય જનીનવિદ્યા સાથે પણ સંબંધ ધરાવે છે. વસ્તીવિજ્ઞાન વસ્તીવિતરણ, વસ્તીગીચતા; વસ્તીની સંરચના, સંયોજન અને વિભાજન; જન્મપ્રમાણ, મૃત્યુપ્રમાણ, વસ્તીવૃદ્ધિ, વસ્તીની જૈવ-શારીરિક લાક્ષણિકતાઓ, વસ્તીની સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ, વસ્તીનું વ્યાવસાયિક માળખું, વસ્તીનીતિ અને વસ્તી-વિષયક સમસ્યાઓની પણ સમજ આપે છે.

વસ્તીવિતરણ :

વિશ્વની 90 % વસ્તી પૃથ્વીના 10 % ભૂમિવિસ્તાર પર વસે છે. વિશ્વની 90 % વસ્તી વિષુવવૃત્તની ઉત્તરના ભૂમિભાગોમાં, જ્યારે 10 % વસ્તી વિષુવવૃત્તની દક્ષિણના ભૂમિભાગોમાં વસે છે. વિશ્વની 75 % વસ્તી સમુદ્રકિનારાથી 1,000 કિમી. સુધીના પ્રદેશોમાં વસે છે. ભૂપૃષ્ઠની ઊંચાઈ વધતાં વસ્તીનું પ્રમાણ ઘટે છે. વિશ્વની 56 % વસ્તી સમુદ્રસપાટીથી 200 મીટર સુધીની ઊંચાઈવાળા ભાગોમાં વસે છે. વિશ્વની 80 % વસ્તી 20°થી 60° ઉત્તર અક્ષાંશ વચ્ચેના પ્રદેશોમાં વસે છે. ખંડોના સંદર્ભમાં જોતાં, વિશ્વની 60.46 % વસ્તી એશિયામાં, 12.57 % વસ્તી આફ્રિકામાં, 12.9 % વસ્તી રશિયા સહિતના યુરોપમાં, 13.57 % વસ્તી ઉત્તર-મધ્ય-દક્ષિણ અમેરિકામાં તથા 0.05 % વસ્તી ઑસ્ટ્રેલિયા-ન્યૂઝિલૅન્ડમાં વસે છે. બાકીની 0.45 % વસ્તી જુદા જુદા ટાપુઓ પર વસે છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ બને છે કે વસ્તીનું પ્રાદેશિક વિતરણ ખૂબ જ અસમાન છે. વિશ્વની ગીચ વસ્તીવાળા પ્રદેશોમાં દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા, પશ્ચિમ યુરોપ તથા પૂર્વ-મધ્ય અમેરિકાનો સમાવેશ થાય છે. દક્ષિણ એશિયાના ગીચ વસ્તીવાળા પ્રદેશોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, કંબોડિયા અને થાઇલૅન્ડનો સમાવેશ થાય છે; પૂર્વ એશિયામાં ચીન, કોરિયા, જાપાન અને ફિલિપાઇન્સનો સમાવેશ થાય છે. આ એશિયાઈ ભાગોમાં વિશ્વની 50 % વસ્તી વસે છે. વિશ્વની દર પાંચ વ્યક્તિ પૈકી એક વ્યક્તિ ચીનમાં વસે છે. પશ્ચિમ યુરોપની ગીચ વસ્તીવાળા પ્રદેશોમાં કૉમનવેલ્થના સ્વતંત્ર દેશો, યુ.કે., જર્મની અને અન્ય કેટલાક યુરોપીય દેશોનો સમાવેશ થાય છે. ઉત્તર અમેરિકાનો ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર પ્રમાણમાં નાનો છે. વિશ્વમાં બધાં મળીને ગીચ વસ્તી ધરાવતાં 228 દેશો/રાજ્યો આવેલાં છે.

સારણી 1

વસ્તીની દૃષ્ટિએ વિશ્વના સૌથી મોટા 10 દેશો

ક્ર દેશ વસ્તી (દસ લાખમાં) વિશ્વવસ્તીના %
(2001 મુજબ)
 1. ચીન 1288 21.5
 2. ભારત 1065 16.3
 3. યુ.એસ. 291 4.6
 4. ઇન્ડોનેશિયા 219 3.5
 5. બ્રાઝિલ 178 2.8
 6. રશિયા 144 2.6
 7. પાકિસ્તાન 149 2.4
 8. જાપાન 127 2.2
 9. બાંગ્લાદેશ 133 2.1
10. નાઇજિરિયા 125 1.9

સારણી 2

વિસ્તારની દૃષ્ટિએ વિશ્વના સૌથી મોટા 10 દેશો

ક્ર દેશ વિસ્તાર (લાખ ચોકિમી.માં) વિશ્વવસ્તીના %
 1. રશિયા 171 11.5
 2. કૅનેડા 998 6.7
 3. ચીન 96 6.4
 4. યુ.એસ. 94 6.3
 5. બ્રાઝિલ 85 5.7
 6. ઑસ્ટ્રેલિયા 77 5.2
 7. ભારત 33 2.2
 8. આર્જેન્ટિના 28 1.9
 9. કઝાખિસ્તાન 28 1.8
10. સુદાન 25 1.7

વસ્તીનાં વિતરણ અને કદ પર અસર કરતાં પરિબળો અને પ્રક્રિયાઓ :

પ્રાકૃતિક પરિબળોમાં ભૂપૃષ્ઠ, આબોહવા, જળપરિવાહ, જમીનો, ખનિજો વગેરેનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક પરિબળોમાં સામાજિક વલણ, સામાજિક સંસ્થાઓ, આર્થિક વિકાસ અને રાજકીય બાબતોનો સમાવેશ થાય છે. વસ્તીવિષયક પરિબળોમાં જુદા જુદા પ્રદેશોનાં જન્મપ્રમાણ, મૃત્યુપ્રમાણ અને સ્થળાંતરનો સમાવેશ થાય છે.

માનવ-વસવાટો પર પર્યાવરણની સ્પષ્ટ અસર જોઈ શકાય છે. તેમાં પ્રાકૃતિક, સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણનાં પરિબળોનો સમાવેશ કરી શકાય.

1. પ્રાકૃતિક પરિબળો : અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા, જળસંપત્તિ, જમીનો, સંચાલનશક્તિનાં સાધનો-ખનિજો

2. આર્થિક પરિબળો : સિંચાઈની સગવડો, કૃષિવિકાસ, પરિવહન, ઔદ્યોગિક વિકાસ, ટૅકનૉલૉજિકલ વિકાસ, વેપાર-વિકાસ

3. સામાજિક પરિબળો : રીતરિવાજો, ધર્મ

4. રાજકીય પરિબળો : સરકારી નીતિ, રાજકીય રક્ષણ અને આર્થિક સલામતી

5. ઐતિહાસિક પરિબળો : વસ્તીવસવાટનો સમયગાળો, યુદ્ધમાં વિજય કે પરાજય

6. અન્ય પરિબળો : વસ્તીવિતરણની મોજણીની સૌથી સરળ પદ્ધતિ ટકાવારી છે, તેમાં જે તે પ્રદેશમાં કુલ વસ્તીના કેટલા ટકા વસે છે તે દર્શાવાય છે. બીજી પદ્ધતિમાં જુદા જુદા વિસ્તારને વસ્તી અનુસાર ક્રમ અપાય છે. જુદી જુદી વસ્તી- ગણતરી દરમિયાન તેમનો ક્રમ કઈ રીતે બદલાય છે તે દર્શાવાય છે.

વિશ્વમાં વસ્તીનું વિતરણ સમજાવવા વિશ્વને બે ભાગમાં વહેંચી નાખવામાં આવે છે : (i) વસવાટી પ્રદેશો અને (ii) બિનવસવાટી પ્રદેશો.

માનવ-વસવાટ માટે અનુકૂળ હોય તથા જ્યાં વસ્તી મોટા પ્રમાણમાં વસવાટ કરતી હોય એવા પ્રદેશોને વસવાટી (Ecumene) પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. માનવ-વસવાટ માટે પ્રતિકૂળ હોય અથવા નિર્જન હોય અથવા તદ્દન ઓછી વસ્તીવાળા હોય એવા પ્રદેશોને બિન વસવાટી (Non-ecumene) પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.

વિશ્વના વસવાટી પ્રદેશો :

દુનિયાની લગભગ અડધી વસ્તી તેના 5 % ભૂમિપ્રદેશમાં રહે છે, જ્યારે 5 % 57 % ભૂમિપ્રદેશ પર વસે છે; પૃથ્વી પર માનવવિકાસને અસર કરતાં અનેક પ્રાકૃતિક, સાંસ્કૃતિક, આર્થિક અને વસ્તીવિષયક તથા ઐતિહાસિક પરિબળોએ વસ્તીના પ્રાદેશિક વિતરણને ખૂબ જ વિષમ બનાવી દીધું છે.

દુનિયામાં ગીચ વસ્તીના ચાર પ્રદેશો જોવા મળે છે : (i) પૂર્વ એશિયા, (ii) દક્ષિણ એશિયા, (iii) યુરોપ, (iv) પૂર્વ ઍંગ્લો-અમેરિકા. દક્ષિણ ગોળાર્ધમાં ત્રણ ભૂમિખંડોમાં દુનિયાની કુલ વસ્તીના 20 % કરતાં પણ ઓછી વસ્તી વસે છે.

પૂર્વ એશિયા :

પૂર્વ એશિયામાં વિશ્વની કુલ વસ્તીની 25 % વસ્તી રહે છે. અહીં આશરે 141 કરોડ જેટલી વસ્તી છે, તે પૈકી ચીનમાં 121 કરોડ, જાપાનમાં 12 કરોડ, ઉત્તર અને દક્ષિણ કોરિયા તથા તાઇવાનમાં 8 કરોડ લોકો વસે છે. જાપાન સિવાયના પૂર્વ એશિયાના ઘણાખરા દેશો ખેતીપ્રધાન છે, તેમ છતાં વર્તમાન સમયમાં ઔદ્યોગિકીકરણનો ઝોક વધ્યો છે. અહીંની 60 % કરતાં વધુ વસ્તી ગ્રામીણ છે, તેઓ ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે. અહીંની વસ્તી મોટેભાગે નદીઓના મુખત્રિકોણોની આજુબાજુ કેન્દ્રિત થયેલી છે, આ ઉપરાંત નદીખીણો, કિનારાનાં મેદાનો અને નદીઓ દ્વારા સિંચાઈ મેળવતાં મેદાનોમાં પણ લોકો વસે છે. અહીંની ગીચ વસ્તી માટે ફળદ્રૂપ જમીનો, પાણીની સગવડ તેમજ પરિવહનની સુવિધા પણ જવાબદાર છે.

દક્ષિણ એશિયા :

દક્ષિણ એશિયામાં પણ વિશ્વની કુલ વસ્તીની 25 % વસ્તી વસે છે. આ વિભાગમાં દક્ષિણ-પૂર્વ  એશિયા, મધ્ય-દક્ષિણ એશિયા અને દક્ષિણ-પશ્ચિમ એશિયાને ગણતરીમાં લેવાય છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં વિશ્વની 8.5 % અર્થાત્ 45 કરોડ જેટલી વસ્તી વસે છે. તે પૈકી ઇન્ડોનેશિયામાં 19 કરોડ, વિયેટનામમાં 7.1 કરોડ, ફિલિપાઇન્સમાં 6.6 કરોડ, થાઇલૅન્ડમાં 5.9 કરોડ, મ્યાનમારમાં 4.5 કરોડ અને મલેશિયામાં 2 કરોડ લોકો વસે છે.

મધ્ય-દક્ષિણ એશિયામાં વિશ્વની 24 % જેટલી વસ્તી છે; અર્થાત્ ત્યાંની કુલ વસ્તી અંદાજે 136 કરોડ જેટલી છે. તે પૈકી ભારતમાં 1 અબજ, પાકિસ્તાનમાં 13.7 કરોડ, બાંગ્લાદેશમાં 11.8 કરોડ અને શ્રીલંકા-નેપાળમાં બે, બે કરોડ જેટલી વસ્તી છે.

દક્ષિણ-પશ્ચિમ એશિયાની કુલ વસ્તી આશરે 16 કરોડ જેટલી છે, તેમાં મુખ્યત્વે ઈરાનમાં 6.7 કરોડ, તુર્કીમાં 6 કરોડ, ઇરાકમાં 2 કરોડ, સીરિયામાં 1.4 કરોડ અને સાઉદી અરેબિયામાં 1.7 કરોડ જેટલી વસ્તી રહેલી છે.

યુરોપ :

એશિયા પછીના ક્રમે યુરોપ ખંડ વિશ્વનો ગીચ વસ્તી ધરાવતો ભૂમિભાગ છે. યુરોપની કુલ વસ્તી આશરે 73 કરોડ જેટલી છે; તે પૈકી પૂર્વ યુરોપમાં 31 કરોડ, પશ્ચિમ યુરોપમાં 18 કરોડ, દક્ષિણ યુરોપમાં 14 કરોડ અને ઉત્તર યુરોપમાં 9 કરોડ જેટલી વસ્તી છે. અહીંના મહત્ત્વના દેશોમાં રશિયા (15 કરોડ), જર્મની (9 કરોડ), ફ્રાંસ (7 કરોડ), ગ્રેટ બ્રિટન (6 કરોડ), ઇટાલી (6 કરોડ) અને યુક્રેન (5 કરોડ)નો સમાવેશ થાય છે.

પૂર્વ ઍંગ્લો-અમેરિકા :

આ વિભાગ હેઠળ યુ.એસ. અને કૅનેડાનો સમાવેશ થાય છે. તેની કુલ વસ્તી 29 કરોડ જેટલી છે. અહીંની વસ્તી મુખ્યત્વે ઈશાન યુ.એસ., ઓહાયો નદીનો ખીણપ્રદેશ, સરોવરોની આજુબાજુના વિસ્તારો તથા કૅનેડાના સેન્ટ લૉરેન્સ નદીના ખીણ-વિસ્તારોમાં વસે છે.

દક્ષિણ ગોળાર્ધના ત્રણ ભૂમિખંડોમાં વિશ્વની કુલ વસ્તીના 18.65 % લોકો વસે છે. તે પૈકી આફ્રિકામાં 70.8 કરોડ, દક્ષિણ અમેરિકામાં 31.4 કરોડ તથા ઑસ્ટ્રેલિયામાં 2.8 કરોડ જેટલી વસ્તી છે.

વિશ્વના બિનવસવાટી પ્રદેશો :

પૃથ્વીની સપાટી પર ચાર પ્રકારના બિનવસવાટી પ્રદેશો છે : (i) અતિ ઠંડા પ્રદેશો, (ii) સૂકા રણપ્રદેશો, (iii) વિષુવવૃત્તીય જંગલોના ભેજવાળા પ્રદેશો અને (iv) ઊંચા પહાડી પ્રદેશો.

અતિ ઠંડા પ્રદેશો :

ઊંચા અક્ષાંશો પર આવેલા પ્રદેશો અતિ ઠંડી આબોહવાને લીધે નિર્જન છે. બંને ગોળાર્ધોમાં લગભગ બધા જ ભૂમિખંડોમાં તે આવેલા છે. ઍન્ટાર્કિટ્કા અને ગ્રીનલૅન્ડ કાયમી હિમાચ્છાદિત રહેતા હોવાથી વસ્તીવિહીન છે. અહીં આબોહવાની વિષમતાને કારણે ખેતી પણ શક્ય નથી. અસ્થાયી જીવન જીવતા લોકો પ્રાણીઓના શિકાર અને મત્સ્યઉત્પાદન માટે અહીં અવરજવર કરતા નજરે પડે છે. આ ઠંડા પ્રદેશોમાં, વિશેષે કરીને ઍન્ટાર્કિટકામાં ખનિજ, જંગલપ્રવૃત્તિ, લશ્કરી મથકો તેમજ વૈજ્ઞાનિક સંશોધનમથકો ખાતે મર્યાદિત વસ્તી જોવા મળે છે. અહીં કાયમી વસાહતો ઊભી થવાના સંજોગો ખૂબ ઓછા છે.

સૂકા રણપ્રદેશો :

સૂકા રણપ્રદેશોમાં ઓછો વરસાદ અને વધુ બાષ્પીભવનને કારણે પાણીની તંગી રહેતી હોવાથી માત્ર કાંટાળી તેમજ આછાં પાનવાળી અલ્પજીવી વનસ્પતિ ઊગી નીકળે છે. ગરમ રણપ્રદેશોનો ઘણોખરો વિસ્તાર આ કારણે નિર્જન રહે છે. જ્યાં રણદ્વીપો છે ત્યાં થોડા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થતું હોવાથી કેટલીક સ્થાયી વસાહતો જોવા મળે છે ખરી. સહરા, અરબસ્તાન, થરપારકર, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા, કલહરી, અતકામા અને નેવાડાના ગરમ રણપ્રદેશો તદ્દન આછી વસ્તી ધરાવે છે.

મધ્ય અક્ષાંશોમાં સમશીતોષ્ણ રણપ્રદેશો આવેલા છે. મંગોલિયા, ગોબી, સિક્યાંગ, મધ્ય એશિયા, પેટાગોનિયાનો તેમાં સમાવેશ થાય છે; તેમ છતાં રશિયન વૈજ્ઞાનિક પૉક્સિશેવના મત મુજબ આ પ્રદેશોમાં ટૅકનૉલૉજીના વિકાસ તથા ખનિજસંપત્તિની શોધને કારણે વસ્તી-વસવાટની શક્યતા છે.

ગરમ ભેજવાળા જંગલપ્રદેશો :

આ પ્રદેશોની આબોહવા રોગિષ્ઠ છે. તે સૂર્યાઘાત, ગરમી અને વરસાદ વધુ મેળવે છે. વિષુવવૃત્તીય ભેજવાળાં જંગલો તરીકે ઓળખાતા આ પ્રદેશોમાં ઍમેઝોન થાળું, કૉંગોનું થાળું, તથા ઈસ્ટ ઇન્ડિઝ ટાપુઓનો સમાવેશ થાય છે. રોગિષ્ઠ આબોહવા, ગીચ જંગલો, ફળદ્રૂપતાવિહીન જમીન, અલ્પ ખનિજસંપત્તિ, સંચાલનશક્તિનાં ઓછાં સાધનો, મજૂરોની અછત વગેરે પરિબળોને કારણે અહીં વસ્તીનું પ્રમાણ તદ્દન ઓછું  છે.

ઊંચા પહાડી પ્રદેશો : 6000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડી પ્રદેશો પર માનવવસવાટની અનુકૂળતાઓ ઉપલબ્ધ ન હોવાથી ત્યાં વસ્તી-વસવાટ જોવા મળતો નથી.

વસ્તીગીચતા :

વસ્તીગીચતામાં વસ્તીનું કદ અને પ્રાદેશિક વિસ્તાર વચ્ચેનો ગુણોત્તર જોવા મળે છે. કોઈ પણ પ્રદેશની વસ્તીગીચતા તે પ્રદેશની કુદરતી સંપત્તિ અને આર્થિક વિકાસ પર આધાર રાખે છે. વસ્તીગીચતા એ કોઈ પણ પ્રદેશમાંના વસ્તીના કેન્દ્રીકરણની માત્રા ગણાય.

વસ્તીગીચતા દર્શાવવાની સર્વપ્રથમ પદ્ધતિ ઈ. સ. 1837માં હેન્રી ડ્રુરી હાર્નેસે ઉપયોગમાં લીધી.

વસ્તીગીચતા માપવાની પદ્ધતિઓ :

1. ગાણિતિક વસ્તીગીચતા (arithmetical density)

2. કાયિક વસ્તીગીચતા (physiological density)

3. ખેતીવિષયક વસ્તીગીચતા (agricultural density)

4. પૌદૃષ્ટિકતા સંબંધિત વસ્તીગીચતા (nutritional density)

5. આર્થિક વસ્તીગીચતા (economic density)

6. સમીક્ષાત્મક વસ્તીગીચતા (critical density)

7. તુલનાત્મક વસ્તીગીચતા (comparative density)

ઉપર્યુક્ત પદ્ધતિઓથી વસ્તીગીચતા નિર્ધારિત શકાય છે, તેમ છતાં કોઈ પણ પદ્ધતિ ટીકાથી પર નથી.

વસ્તીગીચતાની અગત્ય :

ખેતીના ઝડપી વિકાસમાં વસ્તીગીચતાનું પરિબળ પ્રેરક બની રહેલું છે. પાશ્ચાત્ય દેશોમાં વધુ વસ્તીગીચતાને લીધે કૃષિપેદાશોની સુધારેલી પ્રથા તેમજ વિકસિત કૃષિપદ્ધતિઓ શક્ય બની છે. તેમ છતાં વિકાસ કે ગરીબાઈને વસ્તીગીચતા સાથે કોઈ સીધો સંબંધ નથી. વાસ્તવમાં વસ્તીગીચતા માનવસંપત્તિનો ખ્યાલ આપે છે. આ ઉપરાંત, કુદરતી સંપત્તિ, મૂડી, ટૅક્નૉલૉજીનો વિકાસ જેવાં પરિબળો ઓછીવત્તી વસ્તીગીચતા પરની અસરો નક્કી કરે છે. જો આર્થિક વિકાસ ઘણો ધીમો હોય તો વધુ વસ્તીગીચતા દેશ પર બોજારૂપ બને છે. વધુ વસ્તીગીચતા સાંસ્કૃતિક અને સામાજિક આંતરપ્રક્રિયાઓ શક્ય બનાવે છે. કેટલીક વાર વસ્તીગીચતાની સાનુકૂળ આર્થિક અસરો પણ જોઈ શકાય છે, વાહનવ્યવહારનો એકમદીઠ ખર્ચ ઘટે છે, સંપત્તિનો ઉપયોગ શક્ય બને છે. આ સંદર્ભથી જોતાં વસ્તી સ્વયં એક સંપત્તિ જ છે એવો ખ્યાલ સ્પષ્ટ બની જાય છે.

વિશ્વમાં વસ્તીગીચતાનું વિતરણ :

વિશ્વની ગાણિતિક વસ્તીગીચતા દર ચોકિમી. દીઠ 42 જેટલી છે. એશિયા વિશ્વભરમાં સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો ખંડ છે. જ્યારે ઑસ્ટ્રેલિયા તદ્દન ઓછી વસ્તીગીચતા ધરાવતો ખંડ છે, વૈશ્વિક વસ્તીગીચતાનું વિતરણ નીચે મુજબ દર્શાવી શકાય :

1. વધુ વસ્તીગીચતાવાળા પ્રદેશો;

2. મધ્યમ વસ્તીગીચતાવાળા પ્રદેશો;

3. ઓછી વસ્તીગીચતાવાળા પ્રદેશો;

4. લગભગ નિર્જન પ્રદેશો.

1. વધુ વસ્તીગીચતાવાળા પ્રદેશો :

આ વિભાગમાં દર ચોકિમી.દીઠ 100 કરતાં વધુ વસ્તીગીચતા ધરાવતા પ્રદેશોનો સમાવેશ થાય છે. દુનિયામાં એવા પણ પ્રદેશો છે જ્યાં દર ચોકિમી.દીઠ 400થી 800 જેટલા લોકોની વસ્તીગીચતા જોવા મળે છે. ચીન, વિયેટનામ, થાઇલૅન્ડના નદી-મુખત્રિકોણ પ્રદેશો તથા દક્ષિણ જાપાનને આ પ્રકારના ઉદાહરણ તરીકે લઈ શકાય. એ જ રીતે ભારતનાં સતલજ-ગંગાનો મેદાની પ્રદેશ તેમજ ગંગા-બ્રહ્મપુત્રનો ત્રિકોણપ્રદેશ, પૂર્વ-પશ્ચિમ કિનારાનાં મેદાનો, દક્ષિણ-પશ્ચિમ શ્રીલંકા તથા જાવામાં વસ્તીગીચતાનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે. આ બધા પ્રદેશોમાં સઘન ખેતી-આધારિત ગ્રામીણ વસ્તી વસે છે.

યુરોપમાં વધુ વસ્તીગીચતા 50° ઉત્તર અક્ષાંશના પ્રદેશમાં જોવા મળે છે. યુરોપમાં જ્યાં ઔદ્યોગિક વિકાસ વધુ થયેલો છે ત્યાં તેમજ નદીના ખીણપ્રદેશોમાં વસ્તીગીચતા વધુ જોવા મળે છે. પો નદીનો થાળાવિસ્તાર આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. યુરોપમાં નેધરલૅન્ડ સૌથી વધુ ગીચ વસ્તીવાળો પ્રદેશ ગણાય છે. યુરોપની વસ્તીગીચતા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ સાથે સંકળાયેલી છે, જ્યારે એશિયાની વસ્તીગીચતા ખેતીના વ્યવસાય પર આધારિત છે. ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ તેમજ ખેતીના વ્યવસાય સાથે વાહનવ્યવહાર, વેપારવાણિજ્ય તેમજ અન્ય સેવાઓ પણ સંકળાયેલાં છે.

ઉત્તર અમેરિકા તથા દક્ષિણ ગોળાર્ધના ત્રણ ભૂમિખંડો (દ. અમેરિકા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલૅન્ડ)ના સમુદ્રકાંઠાના પ્રદેશોમાં ગીચ વસ્તીના છૂટાછવાયા વિસ્તારો આવેલા છે. મોટેભાગે ત્યાં ઔદ્યોગિક કેન્દ્રો વધુ છે અને શહેરી વસ્તીનું પ્રમાણ વિશેષ છે.

2. મધ્યમ વસ્તીગીચતાવાળા પ્રદેશો :

આ વિભાગમાં દર ચોકિમી.દીઠ 50થી 100 લોકોની વસ્તીગીચતા ધરાવતા પ્રદેશોનો સમાવેશ થાય છે. આવા પ્રદેશો વધુ વસ્તીગીચતાવાળા પ્રદેશોની આજુબાજુ આવેલા છે. એશિયા ખંડની ખેતી-વ્યવસાય પર નભતી ગ્રામીણ વસ્તી આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય. યુરોપની મધ્યમ વસ્તીગીચતાવાળો પ્રદેશ ઉદ્યોગો તેમજ વિકસિત ખેતી પર આધારિત છે. આફ્રિકાના દેશોમાં મધ્યમ વસ્તીગીચતાવાળા પ્રદેશો મોટેભાગે વેપાર તથા અન્ય સેવાઓ પર આધારિત રહીને વિકસેલા છે.

3. ઓછી વસ્તીગીચતાવાળા પ્રદેશો :

આ વિભાગમાં બે પ્રકારના પ્રદેશોનો સમાવેશ થાય છે : (1) દર ચોકિમી.દીઠ 11થી 50 વ્યક્તિઓની વસ્તીગીચતા ધરાવતા પ્રદેશો અને (2) દર ચોકિમી.દીઠ 1 થી 10 જેટલી વ્યક્તિઓની તદ્દન ઓછી વસ્તીગીચતા ધરાવતા પ્રદેશો.

આ પ્રકારની વસ્તીગીચતાવાળા પ્રદેશો મધ્યમ વસ્તીગીચતા ધરાવતા પ્રદેશોની આજુબાજુ તેમજ ભૂમિખંડોના અંતરિયાળ ભાગોમાં આવેલા છે. ચીન-મંચુરિયાનો પશ્ચિમ ભાગ, થાઇલૅન્ડ અને મ્યાનમારનો મધ્ય અને ઉત્તર ભાગ, ઈરાનનો પશ્ચિમ ભાગ તેનાં ઉદાહરણો છે. યુરોપમાં યુરોપીય રશિયાનો ઉત્તર ભાગ, સ્વીડનનો મેદાની પ્રદેશ અને સ્પેનનો ઉચ્ચ પ્રદેશ પણ તેનાં ઉદાહરણો છે. યુ.એસ.માં મિસિસિપી નદીનો પૂર્વભાગ તથા મેક્સિકોમાં પણ આછી વસ્તી રહેલી છે. આફ્રિકાના ઘણા વિસ્તારોમાં પણ આછી વસ્તી જોવા મળે છે.

દર ચોકિમી.દીઠ માત્ર 1થી 10 વ્યક્તિઓની વસ્તી હોય એવા પ્રદેશોમાં પૂર્વ ઈરાન, અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, કઝાખિસ્તાન, પશ્ચિમ સાઇબીરિયાનો સમાવેશ કરી શકાય. યુરોપમાં આવેલો ટૈગાનો જંગલ-વિસ્તાર પણ આછી વસ્તીવાળો છે. આ જ રીતે ઉત્તર અમેરિકાનો પ્રેરીનો પ્રદેશ, કૅલિફૉર્નિયાનો પ્રદેશ, દક્ષિણ અમેરિકાનો એન્ડિઝનો મધ્ય તથા ઉત્તર ભાગ પણ તદ્દન આછી વસ્તીવાળા છે. આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાના ઘણાખરા પ્રદેશો પણ તદ્દન આછી વસ્તીવાળા છે; પાંખી વસ્તી હોવાનું મુખ્ય કારણ ત્યાંની સૂકી આબોહવા છે.

4. લગભગ નિર્જન પ્રદેશો :

પૃથ્વીની સપાટીના લગભગ 70 % વિસ્તાર પર દર ચોકિમી.દીઠ એક વ્યક્તિ જેટલી વસ્તીગીચતા જોવા મળે છે. આબોહવા તથા પહાડી ભૂપૃષ્ઠ તેને માટે જવાબદાર છે. આવા પ્રદેશોમાં ચાર પ્રકારના પ્રદેશોને મૂકી શકાય :

(1) અતિ ગરમ અને ભેજવાળા પ્રદેશો : કોંગો તેમજ ઍમેઝોનના થાળાના જંગલપ્રદેશો તેના ઉદાહરણ તરીકે લઈ શકાય. (2) અતિ ગરમ સૂકા પ્રદેશો : દુનિયાનાં ગરમ રણોનો તેમાં સમાવેશ થાય છે. (3) અતિ ઠંડા પ્રદેશો : ઉત્તર અને દક્ષિણ ધ્રુવના વિસ્તારો. (4) અતિ ઊંચા પહાડી પ્રદેશો :

હિમાલય, આલ્પ્સ, રૉકીઝ, એન્ડિઝ તેમજ મધ્ય એશિયાની ઊંચી પર્વતમાળાઓનો તેમાં સમાવેશ થાય છે. તેમ છતાં આવા કેટલાક પ્રદેશોમાં ખનિજસંપત્તિ પ્રાપ્ત થવાથી ત્યાં થોડીક સ્થાયી વસ્તી જોવા મળે છે, જોકે ત્યાં વસ્તીવધારો થવાની કોઈ શક્યતા જણાતી નથી.

ભારતમાં વસ્તીવિતરણ અને વસ્તીગીચતા :

2001ની વસ્તીગણતરી અનુસાર ભારતની વસ્તી 1 અબજ પાંચ લાખની હતી. ભારતમાં વસ્તીનું વિતરણ ખૂબ જ અસમાન છે. ભારતના 25 % જિલ્લાઓમાં વસ્તીના કેન્દ્રીકરણનો આંક 0.5 કરતાં પણ ઓછો છે; 20 % જિલ્લાઓમાં 1.5 % કરતાં વધારે કેન્દ્રીકરણ છે એટલે કે દેશના 50 % જેટલા જિલ્લાઓમાં વસ્તી ખૂબ જ ગીચ છે; બાકીના 50 % જિલ્લાઓમાં વસ્તી તદ્દન આછી છે. ભારતની લગભગ 40 % વસ્તી સતલજ, ગંગા અને બ્રહ્મપુત્રના મેદાની પ્રદેશોમાં વસે છે. 20 % જેટલી વસ્તી પૂર્વ અને પશ્ચિમ કિનારાના પ્રદેશોમાં વસે છે. ટૂંકમાં, એમ કહી શકાય કે દેશની 60 % વસ્તી ફળદ્રૂપ મેદાની પ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે.

વિશાળ ભારતના 32.87 લાખ ચોકિમી. વિસ્તારમાં એક અબજ, પાંચ લાખ લોકો વસે છે. 2001 મુજબ વસ્તીગીચતા દર ચોકિમી. દીઠ 324 વ્યક્તિઓની થઈ ગણાય; જોકે આ પ્રમાણ ભારતના બધા પ્રદેશોમાં સમાન જળવાતું નથી. પશ્ચિમ બંગાળમાં દર ચોકિમી.દીઠ 904 વ્યક્તિઓની વસ્તીગીચતા છે. ભારતમાં પ. બંગાળની વસ્તીગીચતાનું પ્રમાણ સૌથી વધુ છે. આથી ઊલટું સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતું રાજ્ય અરુણાચલ પ્રદેશ છે, ત્યાં વસ્તીગીચતા દર ચોકિમી.દીઠ માત્ર 13 વ્યક્તિઓની છે.

ભારતમાં અતિ ગીચ વસ્તી મુખ્યત્વે ચાર પ્રદેશોમાં જોવા મળે છે; જ્યાં વસ્તીગીચતા દર ચોકિમી.દીઠ 800 કરતાં પણ વધુ છે. તેમાં કેરળ રાજ્યનો મલબાર કિનારો, પશ્ચિમ બંગાળમાં ગંગાનું નીચલું મેદાન, મધ્ય ગંગાનું મેદાન, ઉત્તર પ્રદેશનો પૂર્વ ભાગ, ઉત્તર બિહારનો મધ્યભાગ તેમજ દિલ્હી રાજ્ય અને તેની આજુબાજુના પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચંડીગઢ, લખનૌ, કાનપુર, મુંબઈ, હૈદરાબાદ, બૅંગલોર અને ચેન્નઈ શહેરોવાળા જિલ્લાઓમાં અતિશય ગીચ વસ્તી છે.

દર ચોકિમી.દીઠ 400થી 800 જેટલી વસ્તીગીચતા ધરાવતા પ્રદેશોમાં મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત અને પશ્ચિમ બંગાળ રાજ્યોના કેટલાક પ્રદેશોનો સમાવેશ થાય છે.

દર ચોકિમી.દીઠ 200થી 400 જેટલી વસ્તીગીચતા ધરાવતા પ્રદેશોમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, ઝારખંડ, છત્તીસગઢ અને આસામ રાજ્યના કેટલાક પ્રદેશોનો સમાવેશ થાય છે.

દર ચોકિમી.દીઠ 100થી 200 જેટલી વસ્તીગીચતા ધરાવતા મોટાભાગના પ્રદેશો દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશીય વિસ્તારોમાં જોવા મળે છે. તેમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક પ્રદેશોનો સમાવેશ થાય છે.

ભારતના સરહદી પ્રદેશોમાં વસ્તી ખૂબ જ ઓછી છે. અહીં દર ચોકિમી.દીઠ માત્ર 50 જેટલી વસ્તીગીચતા જોવા મળે છે. આવા પ્રદેશોમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને ઉત્તર-પૂર્વનાં રાજ્યોના ભાગોનો સમાવેશ થાય છે. લદ્દાખ, લાહુલ અને સ્પિટિ વિસ્તારમાં દર ચોકિમી.દીઠ માત્ર 2 જેટલી વ્યક્તિઓ છે.

ભારતનાં વિવિધ રાજ્યોમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરપ્રદેશ છે. તેની વસ્તી 16,60,52,859 (2001) જેટલી છે. આ વસ્તી પાકિસ્તાન (15,64,83,000 2000 મુજબ) કરતાં પણ વધુ છે, જ્યારે સિક્કિમમાં સૌથી ઓછી વસ્તી 5,40,493 (2001) છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી રાજ્યની વસ્તી 1,37,82,976 (2001) જેટલી છે. અહીંની વસ્તીગીચતા દર ચોકિમી.દીઠ 9,294ની છે. ભારતનાં કેન્દ્રશાસિત રાજ્યોમાં સૌથી વધુ વસ્તી પૉંડિચેરીમાં છે, ત્યાં વસ્તીગીચતા દર ચોકિમી. દીઠ 2,029 જેટલી છે. ચંડીગઢની વસ્તી પૉંડિચેરી કરતાં ઓછી હોવા છતાં વસ્તીગીચતા 7,903 જેટલી છે. ભારતનું સૌથી ઓછી વસ્તી ધરાવતું કેન્દ્રશાસિત રાજ્ય લક્ષદ્વીપ છે, તેની વસ્તી 60,595 છે અને વસ્તીગીચતા 1,894 જેટલી છે. સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતું રાજ્ય અરુણાચલ પ્રદેશ છે, તેની વસ્તીગીચતા દર ચોકિમી. દીઠ માત્ર 13 વ્યક્તિઓની જ છે. બહોળી દૃષ્ટિએ જોતાં ભારતમાં વસ્તીગીચતામાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે.

વસ્તીમાં સ્ત્રીપુરુષ પ્રમાણ :

વસ્તીની સંરચના તેના વાસ્તવિક અર્થમાં વ્યક્તિઓનાં લિંગ અને વયનાં જન્મજાત લક્ષણોને આધારે થયેલા વર્ગીકરણને સૂચવે છે. વસ્તીની સંરચના બંને લિંગોની સમતુલાની માત્રા બતાવે છે; સાથે સાથે નર-નારી વિભાગોમાંનાં શિશુઓ, બાળકો, કિશોર-કિશોરીઓ, યુવાન-યુવતીઓ, પ્રૌઢો અને વૃદ્ધોના સાપેક્ષ અનુપાતો સૂચવે છે. વસ્તી-સંરચનાનું આવું પૂરું વિશ્લેષણ સામાજિક, આર્થિક અને પ્રાદેશિક જાતિ-નિર્ધારણ માટેના વિવિધ વસ્તીવિષયક નિહિતાર્થો સમજવામાં ઉપયોગી થાય છે. વસ્તી-સંરચના જન્મ, મૃત્યુ અને સ્થળાંતરના વીતેલા સ્તરો અને પ્રવાહોનો ખ્યાલ આપે છે.

ભારત જેવા વિકાસશીલ દેશોની નમૂનારૂપ વસ્તી-સંરચના લોકોમાં મહિલાઓની ન્યૂનતા સૂચિત કરતો નીચો લિંગાનુપાત રજૂ કરે છે. 1901માં રાષ્ટ્રીય સ્તરે દર 1000 પુરુષોએ સ્ત્રી-પ્રમાણ 972નું હતું, તે ઘટીને 1991માં 927નું થયું હતું. 2001માં તે થોડુંક વધીને 933 જેટલું થયું છે. 1991થી 2001માં સ્ત્રીઓનું પ્રમાણ જ્યાં ઘટ્યું છે એવાં રાજ્યોમાં પંજાબ, ચંડીગઢ, દિલ્હી, ગુજરાત, દીવ-દમણ, હિમાચલ પ્રદેશ, દાદરા નગર હવેલી, ગોવા અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 1991માં તે 934 હતું તે 2001માં 920 થયું છે. ગુજરાતના 25 જિલ્લાઓમાં સૌથી નીચું સ્ત્રી-પ્રમાણ સૂરત જિલ્લાનું (835) છે. અમદાવાદમાં 1991ની સરખામણીમાં જે 889 હતું તે ઘટીને 2001માં 886 જેટલું થયું છે. આ માટે સ્ત્રી-ભ્રૂણ-હત્યા વધુ જવાબદાર લેખાઈ છે. આ પ્રકારનું માનસ ધરાવતા લોકોનું પ્રમાણ જો ક્રમશ: વધતું જશે તો આવનારા ભવિષ્યમાં તેનાં પરિણામો નવી સમસ્યાઓ ઊભી કરશે. 1991થી 2001ની વસ્તીગણતરીની સરખામણીમાં જે રાજ્યોમાં સ્ત્રીઓનું પ્રમાણ વધ્યું છે તેમાં ઝારખંડ, કેરળ, તમિલનાડુ, પૉંડિચેરી, ઉત્તરાંચલ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, આસામ, જમ્મુ-કાશ્મીર મુખ્ય છે. આમાં મોટેભાગે તો નવાં રાજ્યો અને સીમાંત રાજ્યો વધુ છે. ગુજરાતમાં ડાંગ અને અમરેલી જિલ્લામાં 987 જેટલું ઊંચું સ્ત્રીપ્રમાણ જોવા મળે છે.

સારણી

ભારતમાં 1,000 પુરુષોએ સ્ત્રી-પ્રમાણ (કેન્દ્રશાસિત પ્રદેશો) 2001 મુજબ

દિલ્હી

821

આંદામાન-નિકોબાર

846

ચંડીગઢ

773

દમણ-દીવ

709

દાદરા-નગરહવેલી

811

પૉંડિચેરી

1001

લક્ષદ્વીપ

947

સારણી

રાજ્ય

1,000 પુરુષોએ સ્ત્રી-પ્રમાણ 2001 મુજબ

 1. અરુણાચલ પ્રદેશ

901

 2. આસામ

932

 3. આંધ્રપ્રદેશ

978

 4. ઉત્તરપ્રદેશ

898

 5. ઉત્તરાંચલ

964

 6. ઓરિસા

972

 7. કર્ણાટક

964

 8. કેરળ

1058

 9. ગુજરાત

921

10. ગોવા

960

11. છત્તીસગઢ

990

12. જમ્મુ-કાશ્મીર

920

13. ઝારખંડ

941

14. તામિલનાડુ

986

15. ત્રિપુરા

950

16. નાગાલૅન્ડ

909

17. પશ્ચિમ બંગાળ

934

18. પંજાબ

874

19. બિહાર

921

20. મણિપુર

978

21. મધ્યપ્રદેશ

920

22. મહારાષ્ટ્ર

922

23. મિઝોરમ

938

24. મેઘાલય

975

25. રાજસ્થાન

922

26. સિક્કિમ

875

27. હરિયાણા

861

28. હિમાચલ પ્રદેશ

970

વિશ્વમાં સ્ત્રીઓ કરતાં પુરુષોનું પ્રમાણ સામાન્યત: વધુ છે. સમગ્ર વિશ્વમાં દર 100 સ્ત્રીઓએ 102 પુરુષોનું પ્રમાણ છે, તેને સંતુલિત ગણી શકાય; પરંતુ વિશ્વના બધા પ્રદેશોમાં આ સંતુલન જોવા મળતું નથી. તેમાં ઘણી વિભિન્નતા રહેલી છે. જ્યાં વિશ્વયુદ્ધો ખેલાયાં છે, ત્યાં સ્ત્રીઓ કરતાં પુરુષોનું પ્રમાણ ઓછું છે. રશિયા અને જર્મનીમાં દર 100 સ્ત્રીઓએ પુરુષોનું પ્રમાણ અનુક્રમે 88 અને 92નું છે. આબોહવા અને ઊંચા જન્મદરને કારણે ચીન અને કોરિયામાં અનુક્રમે પુરુષોનું પ્રમાણ 106 અને 101 જેટલું છે. ભારતમાં સૌથી નીચું સ્ત્રી-પુરુષ પ્રમાણ કોલકાતામાં દર 100 સ્ત્રીઓએ 140 પુરુષો જેટલું છે.ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તીમાં, જુદાં જુદાં ધાર્મિક જૂથોમાં તેમજ સામાજિક જૂથોમાં તથા વિવિધ પ્રદેશોમાં સ્ત્રી-પુરુષ પ્રમાણમાં તફાવત જોવા મળે છે. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં દર 1000 પુરુષોએ 951 જેટલું સ્ત્રી-પ્રમાણ છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 880 જેટલું છે. ધાર્મિક જૂથોમાં પણ સ્ત્રી-પુરુષ પ્રમાણમાં તફાવત છે. ખ્રિસ્તીઓમાં 1000 પુરુષોએ 986, શીખોમાં 860, હિન્દુઓમાં 930 જ્યારે મુસ્લિમોમાં તે 922 જેટલું જોવા મળે છે. આદિવાસીઓમાં તે 982 જેટલું છે. (જુઓ સારણી).

વયજૂથો :

વસ્તીનું માળખું વય અનુસાર ગોઠવવું એ પણ વસ્તીની એક લાક્ષણિકતા છે. તેમાં જન્મપ્રમાણ, મૃત્યુપ્રમાણ, સ્થળાંતર, લગ્ન વગેરે પણ સંકળાયેલાં છે.

કોઈ પણ પ્રદેશનાં વયજૂથો પર ત્રણ બાબતોની અસર થતી હોય છે : (i) જન્મપ્રમાણ, (ii) મૃત્યુપ્રમાણ, (iii) વસ્તીની ગતિશીલતા.

ઊંચો જન્મદર એ એક પેઢી જેટલા ગાળામાં વસ્તી કેટલી ઝડપથી વધશે તેનો અંદાજ આપે છે. કુમળી વય વિતાવી ચૂકેલા યુવા અને પ્રૌઢ વર્ગો વસ્તીમાંથી ઉપલબ્ધ શ્રમશક્તિનું માપ બતાવે છે. આ જ યુવા અને પ્રૌઢ વયના લોકોનું ઘટક વસ્તીવધારાની સંભાવના પણ સૂચિત કરે છે.

વસ્તીનાં વયજૂથો પર અસર કરતાં પરિબળોમાં સૌથી મહત્ત્વનું પરિબળ જન્મપ્રમાણ છે. ઊંચું જન્મપ્રમાણ અને નીચું મૃત્યુપ્રમાણ ધરાવતા પ્રદેશોમાં વસ્તીનો મોટોભાગ શૈશવ અને બાલ્ય-અવસ્થામાં હોય છે. આવી પરિસ્થિતિ ઓછા વિકસિત દેશોમાં જોવા મળે છે. એશિયા, આફ્રિકા અને લૅટિન અમેરિકાના દેશોમાં 0થી 15 વર્ષની વયના  લોકોનું પ્રમાણ 35થી 50 % જેટલું જોવા મળે છે. ભારતમાં 2001ની વસ્તીગણતરી પ્રમાણે આશરે 35 % જોવા મળે છે. આવા દેશોમાં બાલ્યાવસ્થા પર આધારિત વસ્તી વધુ હોવાથી પ્રદેશના સામાજિક અને આર્થિક વિકાસ પર અસર થાય છે. વળી આવા દેશોમાં આયુ-મર્યાદા ઓછી હોવાથી વૃદ્ધોના વયજૂથમાં વધુ વસ્તી જોવા મળતી નથી. આથી વિરુદ્ધ નીચું જન્મપ્રમાણ અને લાંબી આયુ-મર્યાદા ધરાવતા દેશોમાં 25 % કરતાં પણ ઓછી વસ્તી બાળકોની હોય છે; જેમ કે, પોલૅન્ડ, રુમાનિયા, જાપાન વગેરે.

મૃત્યુપ્રમાણ પણ વયજૂથોના માળખા પર અસર કરે છે, પરંતુ તેનો આધાર જુદી જુદી ઉંમરની વસ્તીમાં મૃત્યુદરમાં રહેલા તફાવત પર છે. જો બાળમૃત્યુદરના પ્રમાણમાં ઘટાડો થાય તો બાળકોનું પ્રમાણ વધે; પરંતુ વૃદ્ધોનું પ્રમાણ ઘટે. પરંતુ વૃદ્ધોના મૃત્યુદરમાં ઘટાડો થાય તો વૃદ્ધોનું પ્રમાણ વધે, તો બાળકોનું પ્રમાણ ઘટે. જો બાળકો અને વૃદ્ધો બંનેનો મૃત્યુદર નીચો રહે તો કામ કરી શકે એવા એટલે કે 16થી 64 વર્ષની વયની વસ્તીનું પ્રમાણ વધે.

જન્મપ્રમાણ અને મૃત્યુપ્રમાણની જેમ સ્થળાંતર પણ વયજૂથોના માળખા પર અસર કરે છે. યુવા લોકો હમેશાં વધુ સ્થળાંતર કરે છે. આથી શહેરોમાં યુવાવર્ગનું પ્રમાણ વધુ રહે છે. નિવૃત્ત થયેલા લોકો શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરવાનું વધુ પસંદ કરતા હોવાથી ગામડાંમાં વૃદ્ધોનું પ્રમાણ વધુ જોવા મળે છે.

આમ જન્મપ્રમાણ, મૃત્યુપ્રમાણ અને સ્થળાંતર ઉપરાંત યુદ્ધ, કુદરતી આફતો, વસ્તીવિષયક નીતિ વગેરેની પણ વયજૂથો પર અસર થાય છે.

વયજૂથો અનુસાર વસ્તીનું વિશ્વવિતરણ :

વસ્તીને ત્રણ વયજૂથોમાં વહેંચી શકાય :

1. બાળકોનું વયજૂથ : 0-14 વર્ષ;

2. યુવાનોનું વયજૂથ : 15-64 વર્ષ;

3. વૃદ્ધોનું વયજૂથ : 65 અને તેથી વધુ.

દરેક દેશ પોતાની જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર આ વયજૂથોમાં ફેરફાર કરે છે. આ ત્રણેય વયજૂથોની વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરી શકાતી નથી.

1. બાળકોનું વયજૂથ :

જે દેશોમાં બાળકોના વયજૂથમાં દેશની કુલ વસ્તીના 40 %થી વધુ વસ્તી છે તે દેશો આ વિભાગમાં સ્થાન પામે છે. આવા દેશોમાં મુખ્યત્વે એશિયા, આફ્રિકા અને લૅટિન અમેરિકાનો સમાવેશ થાય છે. આ દેશોમાં જન્મદર હજારે 40 કરતાં વધુ તથા વસ્તીવૃદ્ધિનો દર વાર્ષિક 2.5 % કરતાં વધુ છે. આવા દેશો સામાજિક અને આર્થિક દૃષ્ટિએ અવિકસિત અથવા અલ્પવિકસિત છે. વિશ્વની 20 % વસ્તી આ પ્રકારમાં આવે છે.

જે દેશોમાં બાળકોના વયજૂથમાં કુલ વસ્તીના 30થી 40 % વસ્તી છે. એવા દેશો આ વિભાગમાં સ્થાન પામે છે. આ વિભાગમાં વિકાસશીલ દેશોનો સમાવેશ થાય છે, જેમ કે ઇજિપ્ત, મોરોક્કો, ભારત, મલેશિયા, પનામા, સુરિનામ, તુર્કી વગેરે. વિશ્વની 35 % વસ્તી આ વિભાગમાં આવે છે. અહીં જન્મદર હજારે 25થી 30 અને વસ્તીવૃદ્ધિનો દર 1.5થી 2.00 % જેટલો છે.

જે દેશોમાં બાળકોનું પ્રમાણ 25 % કરતાં ઓછું છે, તેમાં બધા જ વિકસિત દેશો સ્થાન પામે છે. તે સિવાય ચીન, કોરિયા, ચીલી, ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલૅન્ડ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ પ્રદેશોમાં જન્મ દર હજારે 10થી 18 % જેટલો છે અને વસ્તીવૃદ્ધિનો દર 1 % કરતાં પણ ઓછો છે. આવા દેશોમાં વસ્તી લગભગ સ્થિર છે, અથવા વસ્તીવૃદ્ધિ અતિ અલ્પ છે. વિશ્વની લગભગ 44 % વસ્તી આ વિભાગમાં આવે છે.

2. યુવા-વયજૂથ :

આ વયજૂથની વસ્તીના પ્રમાણમાં વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. વિશ્વની વસ્તીમાં સરેરાશ 62 % યુવાવસ્તી જોવા મળે છે. આફ્રિકા ખંડમાં તે 53 %, લૅટિન અમેરિકામાં 61 %, એશિયામાં 63 %, ઑસ્ટ્રેલિયાન્યૂઝીલૅન્ડમાં 64 %, ઉત્તર અમેરિકા અને યુરોપમાં અનુક્રમે 65 % અને 67 % છે.

3. વૃદ્ધ વયજૂથ :

વૃદ્ધ વયજૂથનું વસ્તીવિતરણ બાળકોના વસ્તીવિતરણ કરતાં વિરુદ્ધ પ્રમાણમાં જોવા મળે છે. જે પ્રદેશોની 10 % કરતાં વધુ વસ્તી વૃદ્ધ વયજૂથની છે એવા પ્રદેશો આ વિભાગમાં સ્થાન પામે છે; જેમકે, ઉત્તર અમેરિકાની 12 %, રશિયાની 12 %, યુરોપની 14 %, જાપાનની 12.3 %. આ બધા દેશો આર્થિક અને સામાજિક દૃષ્ટિએ વિકસિત છે. અહીં મૃત્યુદર હજારે 10થી 12 જેટલો છે, જ્યારે આયુમર્યાદા 70 વર્ષ કરતાં વધુ છે. આ જૂથમાં 15 % કરતાં પણ વધુ વસ્તી છે. અહીં આ જૂથમાં પુરુષો કરતાં સ્ત્રીઓની વસ્તી વધુ છે.

જે પ્રદેશોમાં વૃદ્ધોના વયજૂથમાં 5થી 9 % વસ્તી જોવા મળે છે, તેમાં ખાસ કરીને વેસ્ટ ઇન્ડિઝમાં 7 %, આર્જેન્ટીના, ચિલી અને ઉરુગ્વે – પ્રત્યેકમાં 9 % વસ્તી વૃદ્ધોની છે. આ દેશો આર્થિક દૃષ્ટિએ અલ્પવિકસિત છે. અહીં જન્મદર હજારે 22થી 25 જેટલો છે. આયુમર્યાદા લગભગ 60 વર્ષ છે.

જે પ્રદેશોમાં વૃદ્ધોના વયજૂથમાં 3થી 4 % વસ્તી જોવા મળે છે, તેમાં ખાસ કરીને આફ્રિકા, દક્ષિણ અમેરિકા, દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોનો સમાવેશ થાય છે. આ બધા દેશો આર્થિક અને ઔદ્યોગિક દૃષ્ટિએ અત્યંત પછાત છે. ત્યાંની માથાદીઠ આવક પણ ઓછી છે. અહીં મૃત્યુદર ઊંચો તથા આયુમર્યાદા ટૂંકી છે. આ કારણે વૃદ્ધ વયજૂથની વસ્તી પણ ખૂબ જ ઓછી છે.

ભારતની વસ્તીમાં વયજૂથો :

ભારતમાં જન્મપ્રમાણનો દર ઊંચો છે, તેથી બાળકોના વયજૂથમાં વસ્તીનું પ્રમાણ 36 % જેટલું છે. આ વયજૂથમાં પુરુષ-બાળકોનું પ્રમાણ વધુ છે. પુરુષ-બાળક કરતાં સ્ત્રી-બાળકોનો મૃત્યુદર ઊંચો છે. આ વયજૂથની વધુ વસ્તીને લીધે શિક્ષણ, રોજગારી અને આરોગ્યને લગતી બાબતો દિનપ્રતિદિન સમસ્યારૂપ બનતી જાય છે.

યુવા વયજૂથમાં ભારતની 38.1 % વસ્તીનો સમાવેશ થાય છે. આ વયજૂથમાં પુરુષોનું પ્રમાણ વધુ છે. ભારતનું આ વયજૂથ વિકસિત દેશોની તુલનામાં ઘણું મોટું છે. આ વયજૂથમાં પણ બેરોજગારી, વહેલાં લગ્ન વગેરે જેવી સમસ્યાઓ છે. પ્રૌઢ વયજૂથમાં ભારતની 15.5 % વસ્તીનો સમાવેશ થાય છે. આ વયજૂથની વસ્તી યુવાવયજૂથની વસ્તી કરતાં અડધી છે, તેનાં કારણમાં ટૂંકી આયુમર્યાદા છે. વળી આ વયજૂથમાં પુરુષોનું પ્રમાણ વધુ જોવા મળે છે.

ભારતમાં લોકોની આયુમર્યાદા ઓછી હોવાથી 60 વર્ષ કરતાં વધુ ઉંમરની વસ્તીને આ વયજૂથમાં ગણવામાં આવે છે. આ વયજૂથમાં પણ પુરુષોનું પ્રમાણ વધુ જોવા મળે છે.

વયજૂથ-વર્ગીકરણ (ભારત) :

1. બાળકોનું વયજૂથ (0-14 વર્ષ);

2. યુવા વયજૂથ (15-39 વર્ષ);

3. પ્રૌઢ વયજૂથ (40-59 વર્ષ);

4. વૃદ્ધ વયજૂથ (60 + વર્ષ).

બાળકોના વયજૂથની વસ્તી યુવા-વસ્તી પર આધારિત હોય છે. સામાજિક અને આર્થિક પછાતપણાને લીધે બાળમજૂરોની સંખ્યા કુલ મજૂરોની સંખ્યાના 6 % જેટલી છે. આ વયજૂથમાં પુરુષ-બાળકોનું પ્રમાણ વધુ છે, અર્થાત્ સ્ત્રી-બાળકોનો મૃત્યુદર ઊંચો રહે છે. આ વયજૂથમાં વધુ વસ્તીને લીધે શિક્ષણ, રોજગારી અને આરોગ્યને લગતી બાબતો દિનપ્રતિદિન સમસ્યારૂપ બનતી જાય છે.

યુવાવયના વસ્તીજૂથમાં ભારતમાં 38.1 % જેટલી વસ્તી છે. આ વયજૂથની વસ્તી સૌથી વધુ ક્રિયાશીલ હોવાથી દેશના સંરક્ષણ તથા ઉત્પાદનનો આધાર તેમના પર રહેલો છે. આ વયજૂથમાં પણ પુરુષોનું પ્રમાણ વધુ છે. ભારતનું આ વયજૂથ વિકસિત દેશોની તુલનામાં ઘણું મોટું છે. આ વયજૂથની મુખ્ય સમસ્યાઓ છે બેરોજગારી, વહેલાં લગ્ન અને તેથી વધુ બાળકો જેવી સમસ્યાઓ.

પ્રૌઢ વયજૂથમાં ભારતની 15.8 % વસ્તીનો સમાવેશ થાય છે. આ વયજૂથની વસ્તી યુવાવયજૂથ કરતાં લગભગ અડધી છે. તેનું મુખ્ય કારણ લોકોની ટૂંકી આયુમર્યાદા છે. આ વયજૂથના લોકો તેમના કાર્ય-અનુભવનો લાભ યુવાવયના જૂથને આપે છે.

વૃદ્ધ વયજૂથની વસ્તી ભારતની કુલ વસ્તીના 6.5 % જેટલી છે. આ વયજૂથની વસ્તી ‘આધારિત વસ્તી’ ગણાય છે. ભારતમાં વરિષ્ઠ નાગરિકનો આ વર્ગ વિકસિત પાશ્ચાત્ય દેશોની તુલનામાં ઘણો નાનો છે.

જન્મપ્રમાણ અને મૃત્યુપ્રમાણ :

વસ્તીવૃદ્ધિનો આધાર ત્રણ બાબતો પર રહેલો છે : (1) જન્મપ્રમાણ; (2) મૃત્યુપ્રમાણ અને (3) સ્થળાંતર.

જન્મપ્રમાણ માટે અંગ્રેજીમાં ફર્ટિલિટી (fertility) શબ્દ વપરાય છે. તેનો અર્થ ‘‘જન્મીને જીવતાં રહેતાં બાળકોના જન્મનું પ્રમાણ’’ થાય છે. જન્મપ્રમાણ એ વસ્તીવૃદ્ધિ નક્કી કરનારું પરિબળ છે. જન્મપ્રમાણની અસર વસ્તીવિતરણ પર થાય છે. મૃત્યુપ્રમાણ ઉપર અંકુશ મૂકી શકાતો નથી, પરંતુ જન્મપ્રમાણ પર અંકુશ મૂકી શકાય છે. સ્ત્રી સામાન્ય રીતે 15થી 50 વર્ષની ઉંમર સુધીના સમયગાળા દરમિયાન 14થી 15 બાળકોને જન્મ આપી શકે છે; જોકે દરેક દેશની સ્ત્રીઓની પ્રજોત્પાદનક્ષમતા જુદી જુદી હોય છે. બ્રાઝિલની સ્ત્રી સરેરાશ 8થી 9 બાળકોને જ્યારે ભારતીય સ્ત્રી સરેરાશ 6થી 8 જેટલાં બાળકોને જન્મ આપી શકે છે.

જન્મપ્રમાણ પર અસર કરતાં પરિબળો :

વસ્તીના જન્મપ્રમાણ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામાજિક, આર્થિક, રાજકીય, ભૌગોલિક અને જીવશાસ્ત્રીય પરિબળો અસર કરે છે. બીજી રીતે જોતાં, જન્મપ્રમાણ પર અસર કરતાં પરિબળોને ચાર વિભાગમાં વહેંચવામાં આવેલાં છે :

(1) જૈવિક પરિબળો : (i) જાતિ, (ii) લગ્નવય, (iii) જાતીય સંબંધનું પ્રમાણ, (iv) પતિ-પત્નીનું અલગ રહેવું, (v) બાળકને માતાનું દૂધ આપવાનો સમયગાળો, (vi) ગર્ભપાત, (vii) વંધ્યત્વ, (viii) કુટુંબ-નિયોજનનાં સાધનોનો ઉપયોગ.

(2) સામાજિકઆર્થિક પરિબળો : (i) બાળકનું સામાજિક-આર્થિક મૂલ્ય, (ii) સ્ત્રીનું સામાજિક-આર્થિક સ્થાન, (iii) વ્યક્તિગત મહત્તા, (iv) પુત્રપ્રાપ્તિની ઇચ્છા, (v) કુટુંબની આવક અને જીવનધોરણ, (vi) ખોરાક, (vii) સ્વાસ્થ્ય.

(3) સંસ્થાકીય પરિબળો : (i) સરકારી નીતિ, (ii) ધાર્મિક તત્ત્વજ્ઞાન.

(4) પર્યાવરણીય પરિબળો : વિશ્વમાં કુલ પ્રજનનક્ષમતા (‘ફર્ટિલિટી’) દરનું વિતરણ.

સામાન્ય રીતે વસ્તીવિજ્ઞાની વસ્તીમાં કુલ ફર્ટિલિટીનો દર જાણવા 15થી 44 વર્ષની ઉંમરની દર હજાર સ્ત્રીઓએ તેમના સંપૂર્ણ પ્રજનનકાળ દરમિયાન કુલ કેટલાં બાળકોને જન્મ આપ્યો તેને ગણતરીમાં લે છે. ધારો કે 1,000 સ્ત્રીઓએ તેમના સંપૂર્ણ પ્રજનનકાળ દરમિયાન 4,000 બાળકોને જન્મ આપ્યો હોય તો દરેક સ્ત્રીનો કુલ ફર્ટિલિટી-દર 4000/1000 = 4 જેટલો થાય.

ફર્ટિલિટીના આ દરમાં પણ દુનિયાભરમાં અસમાનતા જોવા મળે છે. વિશ્વનો સરેરાશ ફર્ટિલિટી-દર 1991માં 3.55 બાળકો જેટલો હતો. વિકસિત દેશોમાં તે દર 1.98 બાળકોનો, જ્યારે વિકાસશીલ દેશોમાં 4.91 બાળકોનો જોવા મળેલો. કુલ ફર્ટિલિટીનો દર વસ્તીવૃદ્ધિનો પણ સૂચક છે. 4 કે 4થી વધુનો દર હોય તો તે વસ્તીમાં ભારે વધારો સૂચવે છે.

વિશ્વમાં કુલ ફર્ટિલિટીના દરનું વિતરણ નીચે મુજબ દર્શાવી શકાય :

1. અતિશય ઊંચી ફર્ટિલિટીના પ્રદેશો (દર સ્ત્રીએ 6 બાળકો કરતાં વધુ) : વિશ્વમાં સામાજિક અને આર્થિક દૃષ્ટિએ પછાત એવા આફ્રિકાના દેશો તથા મુસ્લિમ વસ્તીવાળા દેશોમાં વધુ ઊંચો ફર્ટિલિટી દર જોવા મળે છે. તેમાં પશ્ચિમ, મધ્ય અને પૂર્વ આફ્રિકાના દેશો, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, સિરિયા, સાઉદી અરેબિયા, ઓમાન અને યેમેનનો સમાવેશ થાય છે. વિશ્વની આશરે 14 % વસ્તીમાં ફર્ટિલિટીનો અતિશય ઊંચો દર જોઈ શકાય છે.

2. ઊંચો ફર્ટિલિટીદર ધરાવતા પ્રદેશો (દર સ્ત્રીએ 4થી 6 બાળકો) : આ વિભાગમાં વિશ્વની લગભગ 6 % વસ્તીનો સમાવેશ થાય છે. ઊંચો ફર્ટિલિટી દર ધરાવતા પ્રદેશોમાં ઉત્તર આફ્રિકાના ઇજિપ્ત, અલ્જીરિયા, ટ્યૂનિશિયા, મોરૉક્કો, દક્ષિણ આફ્રિકા, લેસોથો, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે, બોલિવિયા, તઝાખિસ્તાન, ઉઝબેકિસ્તાન, મંગોલિયા, ઇરાક, સંયુક્ત આરબ અમીરાત, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને કંબોડિયાનો સમાવેશ થાય છે.

3. મધ્યમ ફર્ટિલિટીદર ધરાવતા પ્રદેશો (દર સ્ત્રીએ 2થી 4 બાળકો) : વિશ્વની લગભગ 60 % વસ્તીમાં મધ્યમ ફર્ટિલિટીનો દર જોવા મળે છે. તેમાં પૂર્વ એશિયાના મંગોલિયા, ઉત્તર કોરિયા, દક્ષિણ-પૂર્વ એશિયામાં ઇન્ડોનેશિયા, ભારત, મલેશિયા, થાઇલૅન્ડ, વિયેટનામ, ફિલિપાઇન્સ, મધ્ય અમેરિકામાં મેક્સિકો, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, નિકારાગુઆ, દક્ષિણ-પૂર્વ એશિયાના ચીન, દક્ષિણ કોરિયા તથા હૉંગકૉંગનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં આ પ્રદેશોનો ફર્ટિલિટી-દર હજી પણ નીચો જવાની શક્યતાઓ છે.

4. નીચો ફર્ટિલિટીદર ધરાવતા પ્રદેશો (દર સ્ત્રીએ 2 કરતાં ઓછાં બાળકો) : વિશ્વના વિકસિત દેશોમાં ફર્ટિલિટી-દર 2 કરતાં પણ ઓછો જોવા મળે છે. વિશ્વની લગભગ 20 % વસ્તીનો ફર્ટિલિટીનો દર નીચો છે. આ પ્રદેશોમાં યુ.એસ., કૅનેડા, યુરોપના બધા દેશો, ચીન, જાપાન, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, દક્ષિણ કોરિયા અને હાગકાગનો સમાવેશ થાય છે.

ભારતમાં જન્મદર :

ભારતમાં જન્મદરનું પ્રાદેશિક વિતરણ સમાન નથી. આ પ્રાદેશિક વિતરણ નીચે મુજબ દર્શાવી શકાય :

1. અતિશય ઊંચા જન્મદરવાળા પ્રદેશો (હજારે 35થી 40) :

આ વિભાગમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મેઘાલય, બિહાર અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ કરી શકાય. આ રાજ્યોમાં ભારતની કુલ વસ્તીના 34 % લોકો વસે છે, અર્થાત્ ભારતની ત્રીજા ભાગની વસ્તીનો જન્મદર અતિશય ઊંચો છે.

2. ઊંચા જન્મદરવાળા પ્રદેશો (હજારે 30થી 35) :

આ વિભાગમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, આસામ, સિક્કિમ, ઓરિસા, રાજસ્થાન વગેરેનો સમાવેશ કરી શકાય. ભારતની કુલ વસ્તીના 15 % લોકો આ રાજ્યોમાં વસે છે.

3. મધ્યમ જન્મદરવાળા પ્રદેશો (હજારે 25થી 30) :

મધ્યમ જન્મદરવાળા પ્રદેશોમાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને લક્ષદ્વીપ ટાપુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાં પંજાબ, પશ્ચિમ બંગાળ, મણિપુર, ત્રિપુરાને પણ લઈ શકાય. ભારતનાં આ રાજ્યોમાં દેશની 40 % જેટલી વસ્તી રહે છે.

4. નીચા જન્મદરવાળા પ્રદેશો (હજારે 20થી 25) :

ભારતનાં ગોવા, પૉંડિચેરી, કેરળ અને તમિલનાડુમાં જન્મદર સૌથી નીચો છે. આ સિવાય નાગાલૅન્ડ, આંદામાન-નિકોબારમાં પણ જન્મદર નીચો છે. આ રાજ્યોમાં ભારતની 11 % વસ્તી વસે છે.

તુલના :

વિશ્વમાં સૌથી ઊંચો જન્મદર ધરાવતા દેશોમાં 2000 મુજબ દર હજારે પ્રમાણ જોતાં સોમાલિયા 47.7, અંગોલા 46.9, કૉંગો રિપબ્લિક 46.4, માયોટે 45.3 અને ઇથિયોપિયા 45.1 જેટલો રહ્યો છે; જ્યારે ભારતનો જન્મદર 24.8 જેટલો નોંધાયો છે.

મૃત્યુદર :

યુનોની વ્યાખ્યા અનુસાર જન્મ પછી કોઈ પણ સમયે જીવનના બધા જ પુરાવા કાયમ માટે અદૃશ્ય થઈ જાય તેને મૃત્યુ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના ઘણા દેશોમાં મૃત્યુની નોંધણીને કાયદા દ્વારા ફરજિયાત બનાવાઈ નથી, પરિણામે મૃત્યુપ્રમાણના આંકડા પૂરતા ઉપલબ્ધ થતા નથી. તેથી તેની અસર વસ્તીવૃદ્ધિ, વસ્તીમાળખું અને વયજૂથ પર થાય છે.

18મી સદીમાં સર્વપ્રથમ વાર મૃત્યુદર નીચો ગયો હતો. 19મી સદીમાં બ્રિટનમાં મૃત્યુદર નીચો ગયેલો. ત્યારબાદ યુરોપના દેશોમાં પણ મૃત્યુદર નીચો ગયેલો. 20મી સદીમાં લૅટિન અમેરિકા અને એશિયામાં મૃત્યુદર નીચો ગયેલો. મૃત્યુદર નીચો જવાનો અર્થ લોકોની આયુમર્યાદામાં થયેલો વધારો સૂચવે છે; અર્થાત્, વૃદ્ધોની વસ્તીનું પ્રમાણ વધ્યું એમ કહી શકાય. એક અંદાજ મુજબ 2025 સુધીમાં વિશ્વની 14 % વસ્તી 60 વર્ષ કરતાં વધુ ઉંમરની હશે.

મૃત્યુપ્રમાણ પર અસર કરતાં પરિબળો નીચે મુજબ ગણાવી શકાય :

(1) વસ્તીવિષયક પરિબળો, (2) સામાજિક પરિબળો અને (3) આર્થિક પરિબળો.

વિશ્વમાં મૃત્યુદરનું પ્રાદેશિક વિતરણ નીચે મુજબ છે :

1. ઊંચા મૃત્યુદરવાળા પ્રદેશો (હજારે 15થી 20 કે તેથી વધુ) : સૌથી ઊંચા મૃત્યુદરવાળા પ્રદેશો આફ્રિકા ખંડમાં આવેલા છે. ત્યાં મૃત્યુદર 20 કે તેથી વધુ છે. વિશ્વમાં ઊંચો મૃત્યુદર આફ્રિકાના રુઆન્ડા, સેનેગલ, નાઇજિરિયા, નાઇજર, મોઝામ્બિક, માલાવી, ગિની, ઝામ્બિયા, બુરુન્ડી, ઇથિયોપિયા, સોમાલિયા, યુગાન્ડા વગેરે ધરાવે છે. એશિયા ખંડમાં અફઘાનિસ્તાન, ભુતાન, પૂર્વ તિમોર વગેરેમાં પણ ઊંચો મૃત્યુદર છે. વળી આ પ્રદેશોમાં બાળમૃત્યુપ્રમાણ પણ ઊંચું (હજારે 100 કરતાં વધુ) છે.

2. મધ્યમ મૃત્યુદરવાળા પ્રદેશો (હજારે 10થી 15) : આ વિભાગમાં વિશ્વની લગભગ 50 % વસ્તીનો સમાવેશ થાય છે. તેમાં એશિયા ખંડના મ્યાનમાર, નેપાળ, બાંગ્લાદેશ, કંબોડિયા, ઇરાક, કઝાખિસ્તાન વગેરે તથા આફ્રિકાના બોત્સ્વાના, કૅમેરુન, કૉંગો, ઘાના, માડાગાસ્કર, મોરેશિયસ, સુદાન, તાન્ઝાનિયા વગેરે તેમજ ઉત્તર અમેરિકાના હૈતી, યુરોપના બેલ્જિયમ, બેલારુસ, બલ્ગેરિયા, ચેક પ્રજાસત્તાક, ડેન્માર્ક, જર્મની, હંગેરી, લેટવિયા, નૉર્વે, પોલૅન્ડ, રુમાનિયા અને યુ.કે.નો સમાવેશ થાય છે.

3. નીચા મૃત્યુદરવાળા પ્રદેશો (હજારે 10 કરતાં ઓછો) : વિશ્વનો સરેરાશ મૃત્યુદર 9 જેટલો છે. વિશ્વના નીચા મૃત્યુદરવાળા પ્રદેશોમાં ઉત્તર અમેરિકાના કૅનેડા અને યુ.એસ. જેવા દેશો, મધ્ય અને દક્ષિણ અમેરિકા, એશિયામાં પૂર્વ, દક્ષિણ-પૂર્વ તેમજ પશ્ચિમ એશિયા તથા ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલૅન્ડ, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ આફ્રિકામાં સરેરાશ મૃત્યુદર હજારે 10 કરતાં પણ ઓછો છે. આ પ્રદેશોમાં વિશ્વની લગભગ 51 % જેટલી વસ્તી વસે છે. આ પ્રદેશોમાં આયુમર્યાદા 63થી 75 વર્ષ જેટલી અંદાજેલી છે.

વિશ્વમાં મૃત્યુદરનું વિતરણ :

વિશ્વના બધા જ ભૂમિખંડો પૈકી આફ્રિકામાં હજારે 16 જેટલો, સૌથી ઊંચો મૃત્યુદર જોવા મળે છે. બીજા ક્રમે યુરોપ આવે છે, તેમાં હજારે 11 જેટલો મૃત્યુદર છે. તે પછી હજારે 10ના મૃત્યુદરમાં એશિયાખંડ તૃતીય સ્થાને તથા હજારે 9ના મૃત્યુદરમાં યુ.એસ., તેમજ હજારે 8ના મૃત્યુદરમાં લૅટિન અમેરિકા અને ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલૅન્ડ આવે છે. આ આંકડાકીય માહિતીમાં સમય અનુસાર ફેરફાર થતો રહે છે. 1995માં કતાર દેશનો મૃત્યુદર 1.6 જેટલો હતો; જ્યારે કુવૈતમાં 2.1, યુનાઇટેડ આરબ અમીરાતમાં 2.7, ઓમાનમાં 4.7, અફઘાનિસ્તાનમાં 21.7 અને રુઆન્ડામાં 44.5 જેટલો હતો. તે સમયે ભારતનો મૃત્યુદર 9 હતો. 2000 મુજબ સૌથી નીચો મૃત્યુદર ઉત્તર મરિયાના ટાપુનો 2.2, કુવૈતનો 2.4, જૉર્ડનનો 2.6, બ્રુનેઈનો 2.8, ઓમાનનો 4.2, અફઘાનિસ્તાનનો 18, રુઆન્ડા, 21 હતો. ભારતનો મૃત્યુદર ત્યારે 8.9 રહેલો.

ભારતનો મૃત્યુદર :

ભારતની વસ્તીના અભ્યાસમાં મૃત્યુદરની માહિતી અગત્યની છે. ભારતમાં જે વસ્તીવધારો થઈ રહ્યો છે, તે માટે ઝડપથી ઘટતો જતો મૃત્યુદર કારણભૂત છે. 1901-11 દરમિયાન મૃત્યુદર હજારે 42.6 જેટલો હતો. 2001માં તે ઘટીને 8.9 જેટલો થયો છે, તેને માટે સ્વાસ્થ્યસંબંધી સેવાઓમાં વધારો અને જુદા જુદા રોગો પર મેળવાયેલો અંકુશ કારણભૂત છે. શિક્ષણનું પ્રમાણ વધતાં લોકોમાં જાગૃતિ અને સભાનતા આવ્યાં છે. આ બધાં કારણોથી મૃત્યુદરમાં પાંચ ગણો ઘટાડો થયો છે.

ભારતમાં મૃત્યુદરનું પ્રાદેશિક વિતરણ :

1. ઊંચા મૃત્યુદરવાળા પ્રદેશો (હજારે 12 કરતા વધુ) : ભારતમાં ઊંચા મૃત્યુદરવાળા પ્રદેશોમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાંચલ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઓરિસાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં બાળમૃત્યુનું પ્રમાણ સૌથી વધુ છે.

2. મધ્યમ મૃત્યુદરવાળા પ્રદેશો (હજારે 9થી 12) : ભારતમાં મધ્યમ મૃત્યુદર આસામની ખીણ, મેઘાલય, ત્રિપુરા, હરિયાણા, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. આ રાજ્યોમાં બાળમૃત્યુદર તેમજ સામાન્ય મૃત્યુદર પણ ઊંચો છે.

3. નીચા મૃત્યુદરવાળા પ્રદેશો (હજારે 6થી 9) : ભારતમાં નીચા મૃત્યુદરવાળા પ્રદેશો પૂર્વ અને પશ્ચિમ કિનારાનાં રાજ્યો તથા પૂર્વના સીમાંત પ્રદેશો છે. ઉત્તરમાં પંજાબ તથા જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ મૃત્યુદર નીચો છે.

વિશ્વમાં બાળમૃત્યુપ્રમાણ :

વિશ્વના લગભગ બધા જ દેશોમાં બાળમૃત્યુનું પ્રમાણ ઘણું ઊંચું છે. આજે તેનો સરેરાશ આંક હજારે 60 જેટલો છે. વિશ્વના પછાત દેશોમાં જન્મદરની સાથે મૃત્યુદર પણ ઊંચો જોવા મળે છે, જ્યારે વિકસિત દેશોમાં મૃત્યુદર અત્યંત નીચો છે. વિશ્વમાં સૌથી ઊંચું બાળમૃત્યુપ્રમાણ લાઇબેરિયામાં હજારે 240 જેટલું છે, જ્યારે સૌથી નીચું બાળમૃત્યુપ્રમાણ આઇસલૅન્ડ (2.4) દેશમાં જોવા મળે છે.

ભારતમાં બાળમૃત્યુનું પ્રમાણ 1991માં 79 જેટલું હતું. ઓરિસામાં તે સૌથી ઊંચું (હજારે 120 જેટલું) છે, જ્યારે સૌથી નીચું બાળમૃત્યુપ્રમાણ કેરળમાં (હજારે માત્ર 20 જેટલું) છે.

ઊંચા બાળમૃત્યુદર માટે પૂરતા પ્રમાણમાં ડૉક્ટરોની અનુપલબ્ધિ, ગર્ભાવસ્થા દરમિયાન માતાઓની પૂરતી કાળજીનો તથા પૌદૃષ્ટિક આહારનો અભાવ તેમજ સામાજિક-આર્થિક કારણોને જવાબદાર ઠેરવી શકાય.

વસ્તીવૃદ્ધિ :

પૃથ્વી પર માનવ-અસ્તિત્વના મોટાભાગના સમયગાળા દરમિયાન વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું હતું. એક એવું અનુમાન મુકાયું છે કે આજથી 10 લાખ વર્ષ પૂર્વે વિશ્વની વસ્તી માત્ર 1,25,000 જેટલી હતી. માનવઇતિહાસના કાળગાળા દરમિયાન વસ્તીવધારો ઘણો ધીમો રહેલો, ત્યારે વસ્તીનો વાર્ષિક વૃદ્ધિદર 0.1 % કરતાં વધુ ન હતો. યુરોપિયનોએ જ્યારે ઑસ્ટ્રેલિયા ખંડ શોધી કાઢ્યો ત્યારે ત્યાં માત્ર 1 લાખ જેટલા જ આદિવાસીઓની વસ્તી હતી.

માનવસંસ્કૃતિના ઇતિહાસમાં ખેતીનો પ્રારંભ થયો, માટીનાં પાત્રો બનાવવાનું શરૂ થયું, કાપડના વણાટકામની શરૂઆત થઈ – સંસ્કૃતિના આ વિકાસની સાથે સાથે સ્થાયી માનવજીવન સલામત બનતું ગયું, વસ્તી વસાહતો રૂપે શરૂ થતી ગઈ, વસવાટોની સાથે સાથે જન્મપ્રમાણ વધતું ગયું. માનવોના સામાજિક-સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં વિનિમયપ્રથા, બજારવ્યવસ્થા અને શહેરી સમાજના ઉદ્ભવના નવા તબક્કાનાં પગરણ મંડાયાં.

સમય વીતવા સાથે વસ્તીવૃદ્ધિ ચાલુ રહી. બજારો વધુ વિકસ્યાં. વેપારનો તે સાથે વિકાસ થયો. સર્વપ્રથમ વેપાર મધ્યપૂર્વમાં ઇજિપ્ત અને મેસોપોટેમિયા વચ્ચે શરૂ થયો. વેપારમાંથી તેનાં મથકો ઊભાં થયાં અને તેમાંથી શહેરોનું નિર્માણ થયું, તેની સાથે વસ્તીવૃદ્ધિ પણ થતી ગઈ. એક અંદાજ મુજબ ઈ. સ.ની શરૂઆતમાં વિશ્વની વસ્તી 25 કરોડ જેટલી થઈ હતી. તે વખતે વસ્તીવૃદ્ધિનો દર 0.05 % હતો. ઇતિહાસના મધ્યયુગના ગાળા(ઈ. સ. 400થી 1500)માં વસ્તીવધારો ધીમો પડેલો. તેનું મુખ્ય કારણ નવી શોધખોળોનો અભાવ ગણાય. મધ્યયુગના પાછલા ભાગમાં કુદરતી હોનારતો, ખેતીની નિષ્ફળતા, રોગચાળો અને યુદ્ધો થવાથી વસ્તીવૃદ્ધિને બદલે વસ્તીઘટાડો થયેલો.

1650 સુધીમાં વિશ્વની વસ્તી 55 કરોડ જેટલી થઈ; તે પૈકી 33 કરોડ એશિયા, 10 કરોડ આફ્રિકા તથા બાકીની અન્ય ભૂમિખંડોમાં વસતી હતી. 1750 પછીનો સમયગાળો સામાજિક-આર્થિક વિકાસનો ગાળો ગણાય. આ ગાળા દરમિયાન ખેતી, ઉદ્યોગો અને વિજ્ઞાનક્ષેત્રે પ્રગતિ થઈ. તે સમય દરમિયાન મૃત્યુદરમાં ઘટાડો થવાથી વસ્તી- વૃદ્ધિનો આંક ઝડપી બનેલો.

એક અંદાજ મુજબ 1800ની સાલ સુધીમાં વિશ્વની વસ્તી 1 અબજ સુધી તો પહોંચી ન હતી. તે પછી જ વસ્તીવૃદ્ધિનો દર 10 ગણો થયો. 1930માં વિશ્વની વસ્તી 2 અબજની થઈ. 1987માં 5 અબજ, 1996માં 5.7 અબજ અને 2000માં તે 6.2 અબજ પર પહોંચી ગઈ.

1837થી 2000 સુધીમાં દુષ્કાળને કારણે 3 કરોડ અને 1910થી 2000 સુધીમાં થયેલાં યુદ્ધો તેમજ સંઘર્ષોને કારણે આશરે 7 કરોડનો વસ્તીઘટાડો નોંધાયેલો. 18મી અને 19મી સદીમાં ઔદ્યોગિક વિકાસ થતાં યુરોપમાં વસ્તીવૃદ્ધિ ઝડપી બની અને ત્યાં અતિવસ્તીનો અનુભવ થયો. અમેરિકામાં પણ વસ્તીમાં વધારો થયો. 19મી સદીમાં એશિયા અને આફ્રિકામાં વસ્તીવૃદ્ધિનો દર ઘણો નીચો હતો; પરંતુ 1900થી 1950 સુધીમાં પૂર્વ અને દક્ષિણ એશિયામાં વસ્તીનો વધારો જોવા મળ્યો. આ રીતે 19મી સદી યુરોપ અને અમેરિકા માટે જ્યારે 20મી સદી એશિયા અને આફ્રિકા માટે વસ્તીવૃદ્ધિના સમયગાળા રહ્યા.

આજે એશિયા, આફ્રિકા અને લૅટિન અમેરિકામાં વસ્તીવૃદ્ધિ ખૂબ જ ઝડપી છે. અહીંના દેશો વિકસતા જતા દેશો છે. અહીં વિશ્વની 75 % વસ્તી વસે છે. છેલ્લાં 25 વર્ષમાં આ દેશોમાં મૃત્યુપ્રમાણ ઘણું નીચું ગયું છે. આજે વિશ્વની વસ્તીમાં દર વર્ષે 9 કરોડનો વધારો થઈ રહ્યો છે, તેમાં એશિયાનો ફાળો 5.4 કરોડ જેટલો છે. આફ્રિકા ખંડમાં દર વર્ષે 2 કરોડનો વધારો નોંધાતો રહ્યો છે. વર્તમાન સમયમાં વિશ્વની વસ્તીનો વૃદ્ધિદર 1.7 % જેટલો છે. જો આ દરે વિશ્વમાં વસ્તી વધતી રહેશે તો આવતાં 2050 વર્ષે વસ્તી બમણી થઈ જશે. યુનોના અંદાજ મુજબ 2025માં વિશ્વની વસ્તી 8.5 અબજ અને 2050માં 10 અબજનો અંક વટાવી જશે. આ પ્રકારનો વસ્તીવિસ્ફોટ થવાથી વસ્તી અને કુદરતી સાધનસંપત્તિ વચ્ચેની સમતુલા ખોરવાઈ જશે.

ભારતમાં વસ્તીવૃદ્ધિ :

ભારતમાં વિશ્વની આશરે 16 % વસ્તી વસે છે. દર વર્ષે ભારતની વસ્તીમાં 1.60 કરોડનો વધારો થતો જાય છે, જે ઑસ્ટ્રેલિયાની કુલ વસ્તી જેટલો ગણાય. 2001 મુજબ ભારતની વસ્તી 1 અબજ 5 લાખ જેટલી હતી.

1881માં અખંડ (અવિભાજિત) ભારતની પ્રથમ વસ્તીગણતરી થયેલી, તે મુજબ ભારતની વસ્તી 25 કરોડની હતી. 1891થી 1991 દરમિયાન ભારતની સીમાઓમાં ઘણું પરિવર્તન થતું રહ્યું. 1891માં ભારતની વસ્તી 26.89 કરોડની હતી, જે વધીને 1991માં 84.39 કરોડ થવા પામેલી.

1891થી 1921 દરમિયાન કુદરતી હોનારતો થવાથી અને આરોગ્યની સુવિધાઓ ન મળવાથી વસ્તીમાં ઘટાડો થયો હતો. આ સમયગાળામાં જન્મદર 48થી 49 જ્યારે મૃત્યુદર 42થી 48 જેટલો હતો. આ સમયગાળામાં વસ્તીમાં માત્ર 1.54 કરોડનો જ વધારો નોંધાયેલો. 1921થી 1951ના ત્રણ દાયકામાં વસ્તીવધારો અનુક્રમે 2.8, 4.0 અને 4.2 કરોડ જેટલો નોંધાયેલો. સંશોધનો, ટૅકનૉલૉજી અને કૃષિવિકાસને કારણે જન્મદર કરતાં મૃત્યુદર વધુ ઝડપથી ઘટવાને કારણે વસ્તીવૃદ્ધિ જોવા મળી.

1951થી 1991ના ચાર દાયકામાં ભારતની વસ્તીમાં 48.28 કરોડનો વધારો નોંધાયેલો, અર્થાત્ 1991માં ભારતની વસ્તી 84.39 કરોડ થઈ હતી, જ્યારે 2001માં તે 1 અબજના આંકને વટાવી ગઈ હતી.

ભારતના બધા પ્રદેશોમાં વસ્તીવૃદ્ધિનો દર સમાન નથી. ઔદ્યોગિક પ્રદેશો, ખનિજસંપત્તિનાં ક્ષેત્રો, વેપારી પાકોની ખેતીના પ્રદેશો તેમજ જ્યાં રોજગારીની તકો ઉપલબ્ધ છે ત્યાં વસ્તીવૃદ્ધિનો દર 30થી 50 % જેટલો રહ્યો છે. જ્યારે સૂકા-અર્ધસૂકા પ્રદેશો, પહાડી-જંગલ પ્રદેશોમાં વસ્તીવૃદ્ધિનો દર 40 % જેટલો જોવા મળે છે. જ્યાં શિક્ષણનો વ્યાપ વધુ છે ત્યાં વસ્તીવૃદ્ધિનો દર 20 % કરતાં પણ ઓછો છે.

વસ્તીવૃદ્ધિના સિદ્ધાંતો :

વિશ્વની વસ્તી અને સંપત્તિ વચ્ચેનો સંબંધ સમજાવવા ગ્રીક વિદ્વાન પ્લેટોના સમયથી પ્રયાસો થયા છે, પરંતુ થૉમસ રૉબર્ટ માલ્થસે સર્વપ્રથમ વસ્તી અને સંપત્તિ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કર્યો, તે માલ્થસના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. વસ્તીવૃદ્ધિને સમજાવવા અન્ય વિદ્વાનોએ પણ પોતપોતાના વિચારો રજૂ કર્યા છે. તે પૈકી ઍડવિન કૅનન ડબ્લ્યૂ. એસ. થૉમસન, હેનરી જ્યૉર્જ, કાર્લ માર્કસ વગેરે વધુ જાણીતા છે. વસ્તીવૃદ્ધિને સમજાવતા મુખ્ય ચાર સિદ્ધાંતો અગત્યના છે :

1. માલ્થસનો વસ્તીવૃદ્ધિનો સિદ્ધાંત,

2. ઈસ્ટ વસ્તીનો સિદ્ધાંત,

3. વસ્તીસંક્રમણનો સિદ્ધાંત,

4. ટૅકનીકલ વિકાસ સંબંધી સિદ્ધાંત.

વસ્તીની સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ :

ધર્મ, ભાષા, લગ્નવિષયક સ્થાન તેમજ સાક્ષરતા જેવી વસ્તીની સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ વસ્તીના વિકાસ પર અસર કરે છે. જન્મપ્રમાણ, મૃત્યુપ્રમાણ, વસ્તીવૃદ્ધિ, સ્થળાંતર જેવાં વસ્તીનાં વિવિધ પાસાં ટૅક્નૉલૉજિકલ વિકાસ, આર્થિક વિકાસ માટે જરૂરી માનવમૂડીની રચના વગેરે બાબતો પર અસર કરે છે.

ધર્મ અને વસ્તીનું વિતરણ :

વિશ્વમાં ખ્રિસ્તી, બૌદ્ધ, હિન્દુ અને ઇસ્લામ જેવા ચાર મુખ્ય ધર્મોની વસ્તીસંખ્યા કરોડોમાં મુકાય તેમ છે. જુદા જુદા ધર્મ પાળનારી વસ્તીનું વિતરણ નીચે મુજબ છે :

1. ખ્રિસ્તી ધર્મ : વિશ્વમાં સૌથી વધુ વિસ્તાર અને વસ્તી આવરી લેતો ધર્મ ખ્રિસ્તી ધર્મ છે. તેમની કુલ વસ્તી 100 કરોડ જેટલી છે, જે વિશ્વની કુલ વસ્તીના આશરે 20 % થાય છે. તેમાં 60 % રોમન કૅથલિક, 26 % પ્રોટેસ્ટંટ અને 14 % ઑર્થૉડૉક્સ છે. આ ધર્મનો ઉદ્ભવ ભૂમધ્ય સમુદ્રના કિનારાના પ્રદેશમાં થયેલો, પરંતુ તેનો વ્યાપ યુરોપ, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા ભૂમિખંડોમાં થયો છે.

2. બૌદ્ધ ધર્મ : બૌદ્ધ ધર્મની શરૂઆત ભારતમાં થઈ, પરંતુ તેનો ફેલાવો અગ્નિએશિયાના દેશોમાં વધુ થયો છે. આ ધર્મની બે શાખાઓ છે : હીનયાન અને મહાયાન. આ સિવાય પછીથી ઉદ્ભવેલા ન્ક્યુફ્યુશિયસવાદી (57 કરોડ), તાઓવાદી (6 કરોડ) અને શિન્ટોવાદીઓ(5 કરોડ)ની સંખ્યા કરોડોમાં છે. વિશ્વમાં બૌદ્ધધર્મીઓની સંખ્યા 93 કરોડ જેટલી છે.

3. હિન્દુ ધર્મ : વિશ્વમાં હિન્દુ ધર્મની સૌથી વધુ વસ્તી ભારત અને નેપાળમાં છે. વિશ્વની તેમની કુલ વસ્તી આશરે 80 કરોડ જેટલી છે.

4. ઇસ્લામ ધર્મ : વિશ્વમાં ઇસ્લામ ધર્મનો વ્યાપ એશિયા અને આફ્રિકાના સૂકા-અર્ધસૂકા પ્રદેશોમાં જોવા મળે છે. આ સિવાય તે અગ્નિએશિયા, ચીન અને રશિયામાં પણ જોવા મળે છે. વિશ્વમાં તેમની કુલ વસ્તી 70 કરોડ જેટલી છે. શિયા અને સુન્ની – એ આ ધર્મની બે મુખ્ય શાખાઓ છે.

5. અન્ય : જીવાત્મવાદીઓ : મધ્ય આફ્રિકાના દેશોમાં વસતા નિગ્રો જાતિના લોકો કોઈ વિશિષ્ટ ધર્મ ન પાળતાં ભૂત-પ્રેત વગેરેમાં શ્રદ્ધા ધરાવે છે. તેમના જીવન પર પર્યાવરણની વધુ અસર છે. ભારતના આદિવાસી પણ આ પ્રકારમાં જ આવે. વિશ્વમાં તેમની વસ્તી 42 કરોડ જેટલી છે.

યહૂદી નામના પ્રાચીન ધર્મને અનુસરનારી વસ્તી વિશ્વમાં છૂટીછવાઈ વસે છે. 1948 પછી ઇઝરાયલમાં તેઓ એકત્રિત થઈને વસે છે. વિશ્વમાં તેમની સંખ્યા 1.4 કરોડ જેટલી છે.

વિશ્વની ભાષાઓ :

દુનિયાના જુદા જુદા પ્રદેશોમાં સેંકડો ભાષાઓ બોલાય છે. ભાષાઓમાંથી સ્થાનભેદે અનેક બોલીઓ ઉદ્ભવેલી છે. તે ગુજરાતી કહેવત ‘બાર ગાઉએ બોલી બદલાય’ને સાર્થક કરે છે. ભાષાઓને કારણે સંઘર્ષો થયા છે; જોકે સ્વિટ્ઝર્લૅન્ડમાં ચાર ભાષાઓ બોલતી પ્રજા હોવા છતાં ત્યાં સંઘર્ષો થયા નથી. ભાષા પ્રમાણે વસ્તીનું વિતરણ ઘણું લાંબું થાય તેમ છે. ભારતમાં ભાષાઓને માન્યતા આપવામાં આવેલી છે. ભારતમાં બોલાતી બોલીઓની સંખ્યા 1,600 જેટલી છે.

લગ્નવિષયક સ્થાન :

લગ્ન એ બે વિજાતીય વ્યક્તિઓનું કાયદાકીય જોડાણ છે. જુદા જુદા દેશોમાં લગ્નવય જુદી જુદી હોય છે. ભારતમાં કાયદા દ્વારા છોકરીની 18 વર્ષની  અને છોકરાની 21 વર્ષની વય લગ્ન માટે નક્કી કરાઈ છે. જે દેશમાં નાની ઉંમરે લગ્ન થાય છે ત્યાં જન્મપ્રમાણ ઊંચું હોય છે. બ્રિટનમાં લગ્ન પર હંમેશાં યુદ્ધ અને આર્થિક પરિબળોની અસરો જોવા મળી છે. યુ.એસ.માં કુંવારી સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે; પરંતુ વિધવા સ્ત્રીઓનું પ્રમાણ વિશેષ છે, ત્યાં સ્ત્રીઓની આયુમર્યાદા વધુ છે. દુનિયામાં વસ્તીની લગ્ન સંબંધી માહિતી મેળવવાનું કામ અઘરું છે, કારણ કે વિશ્વના દેશોના વસ્તીગણતરી અહેવાલોમાં તેનો ઉલ્લેખ થતો હોતો નથી.

સાક્ષરતા :

ઈ. પૂ. 4000થી ચિત્રાત્મક લિપિની શરૂઆત થઈ હોવાનું ગણાય છે, તેમાંથી ક્રમશ: સાક્ષરતા માટે વર્ણલિપિ શરૂ થઈ હોવાનું મનાય છે. લેખન-વાચનની વિદ્યાના વિકાસ પછી સાંસ્કૃતિક વિકાસમાં સાક્ષરતાનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું જણાય છે. દેશભેદે સાક્ષરતાની વ્યાખ્યા પણ જુદી જુદી અપાય છે. યુનોની વ્યાખ્યા અનુસાર ‘‘કોઈ પણ ભાષામાં એક સામાન્ય સંદેશને સમજીને વાંચી તથા લખી શકવાની ક્ષમતા ધરાવનાર વ્યક્તિને સાક્ષર કહેવામાં આવે છે.’’

વિશ્વના દેશોને સાક્ષરતાની દૃષ્ટિએ ત્રણ ભાગમાં વહેંચી શકાય :

1. પૂર્ણ તબક્કાની સાક્ષરતાવાળા દેશો,

2. મધ્યમ તબક્કાની સાક્ષરતાવાળા દેશો,

3. એવા દેશો કે જ્યાં સાક્ષરતાના વિકાસની શરૂઆત થઈ છે.

વિશ્વમાં સાક્ષરતાની સ્થિતિ :

યુનેસ્કો દ્વારા સાક્ષરતા સંબંધી આંકડા એકત્ર કરાય છે. આ આંકડા 15 વર્ષ કરતાં વધુ ઉંમરની નિરક્ષર વ્યક્તિઓને લગતા હોય છે. યુનેસ્કોના અનુમાન મુજબ ઈ. સ. 1992માં 15 વર્ષથી વધુ ઉંમરની 373 કરોડની વસ્તીમાંથી 2/3 સાક્ષર અને 1/3 નિરક્ષર હતી. ઈ. સ. 2000માં 124.5 કરોડ લોકો નિરક્ષર હતા. આ નિરક્ષર વસ્તીમાંથી 72 % એશિયામાં, 21 % આફ્રિકામાં હતા. વિકસિત દેશોમાં આશરે 98 % સાક્ષર અને વિકાસશીલ દેશોમાં 62 % સાક્ષર છે, 38 % વસ્તી સમજીને વાંચવાનું લખવાનું જાણતી નથી. અલ્પવિકસિત દેશોમાં 68 % વસ્તી નિરક્ષર છે.

ભારતમાં સાક્ષરતા :

19મી સદીના સો વર્ષના ગાળા દરમિયાન ભારતમાં 5 % કરતાં પણ ઓછી સાક્ષરતા હતી. એ રીતે સાક્ષરતાના સંદર્ભમાં ભારતનો સમાવેશ પછાત દેશોમાં થાય છે. 20મી સદીમાં ભારતની કુલ વસ્તીમાંથી 52.21 % લોકો સાક્ષર હતા. 1950 પછી દેશમાં શિક્ષણ માટેની જાગૃતિ આવી છે. સાક્ષરતા અભિયાનમાં પ્રજા અને સરકારના સહયોગથી આ વિકાસ જોઈ શકાય છે. ભારતમાં પુરુષ-સાક્ષરતાની સરખામણીમાં સ્ત્રી-સાક્ષરતા ખૂબ ઓછી છે. એ જ રીતે શહેરી અને ગ્રામીણ વસ્તી વચ્ચે પણ સાક્ષરતામાં તફાવત રહેલો છે. ગ્રામીણ વિસ્તારોમાં 70 % સ્ત્રીઓ અને શહેરી વિસ્તારોમાં 36 % સ્ત્રીઓ નિરક્ષર હતી. ભારતમાં સાક્ષરતાનું સૌથી ઊંચું પ્રમાણ કેરળ (હજારે 90.92 %) છે, જ્યારે મિઝોરમ અને ગોવા અનુક્રમે દ્વિતીય (હજારે 88.49 %) સ્થાને અને તૃતીય (હજારે 82.32 %) સ્થાને આવે છે. કેન્દ્રશાસિત રાજ્યોમાં આ પ્રમાણ લક્ષદ્વીપ (હજારે 87.52 %) ધરાવે છે; જ્યારે ગુજરાતમાં તે હજારે 69.97 % છે. સાક્ષરતાનું સૌથી નીચું પ્રમાણ ધરાવતાં રાજ્યોમાં બિહાર (હજારે 47.53 %), ઝારખંડ (હજારે 54.13 %), જમ્મુ-કાશ્મીર (હજારે 54.46 %) અને કેન્દ્રશાસિત રાજ્યોમાં દાદરા નગર હવેલી(60.03 %)નો સમાવેશ થાય છે.

વસ્તીની સામાજિક લાક્ષણિકતાઓ :

જાતિ (race) એ વસ્તીનો આકારકીય ગુણ છે. સમાન લોહીનો વર્ગ ધરાવતી તથા વિશિષ્ટ શારીરિક લક્ષણોવાળી વ્યક્તિઓનો એ સમુદાય છે. માનવીને તેનાં શારીરિક લક્ષણો વારસાગત પ્રાપ્ત થતાં હોય છે. વિવિધ જાતિઓ વચ્ચે સદીઓથી મિશ્રણ થતાં આવ્યાં છે. તેથી તદ્દન શુદ્ધ જાતિ શોધવી આજે મુશ્કેલ છે. તેમ છતાં માનવવિજ્ઞાનીઓએ મુખ્ય ત્રણ જાતિઓ અને તેના પેટાપ્રકારો પાડ્યા છે :

1. કૉકેશિયન            : યુરોપિયન, ઇન્ડોઈરાનિયન, સેમાઇટ અને હેમાઇટ

2. નિગ્રો                   : એશિયાઈ શાખા, આફ્રિકન શાખા

3. મૉંગોલ                : પ્રાચીન મૉંગોલૉઇડ, આર્કટિક મૉંગોલૉઇડ,

                                  અમેરિકન ઇન્ડિયન, ઇન્ડોનેશિયન મલય.

ભારતમાં વસતી જાતિઓ :

1901માં હર્બટ રિસલે ભારતમાં વસતી જાતિઓનું નીચે મુજબ વર્ગીકરણ કરી આપેલું :

જાતિ પ્રદેશ
1. ઇન્ડો-આર્યન પંજાબ, રાજસ્થાન, આસામ
2. સિંધો-દ્રવિડિયન ગુજરાત, મહારાષ્ટ્ર
3. આર્ય-દ્રવિડિયન ઉત્તરપ્રદેશ, પૂર્વરાજસ્થાન, બિહાર
4. મૉંગોલ-દ્રવિડિયન બંગાળ-ઓરિસા કિનારો
5. મૉંગોલૉઇડ હિમાચલ પ્રદેશ, આસામ
6. દ્રવિડિયન તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, મધ્ય-
પ્રદેશનો પૂર્વભાગ, ઝારખંડ

ભારતની વસ્તીમાં મિશ્રિત જાતિઓનું પ્રમાણ વિશેષ છે. જુદા જુદા કાળગાળે બહારથી આવીને વસેલી વિવિધ જાતિઓ સાથે મૂળ જાતિનું ખૂબ જ મિશ્રણ થયેલું છે. આ રીતે અનેક નવી જાતિઓ તૈયાર થયેલી છે.

અનુસૂચિત જાતિઓ : સામાન્ય વ્યવહારમાં આ જાતિઓને ‘હરિજન’ તરીકે ઓળખવામાં આવે છે.

ભારતમાં જુદી જુદી 542 અનુસૂચિત જાતિઓ વસે છે; પરંતુ તેમની અડધી વસ્તુ 10 મુખ્ય જાતિઓમાં સમાવિષ્ટ થાય છે. તેમાં ચમાર, આદિ દ્રવિડ, પાસી, મડિગા, દુસાઢ, માલા, પરાઇન, ધોબી આદિ કર્ણાટક અને નામશૂદનો સમાવેશ થાય છે.

2001ની વસ્તીગણતરી મુજબ આ જાતિઓની કુલ વસ્તી આશરે 14 કરોડ છે, જે ભારતની કુલ વસ્તીના 16.48 % થાય છે. અનુસૂચિત જાતિના લોકોની સૌથી વધુ વસ્તી ઉત્તરપ્રદેશ, પ. બંગાળ, બિહાર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં છે.

અનુસૂચિત જનજાતિઓ :

નૃવંશશાસ્ત્રીઓ આ જનજાતિઓને ‘આદિવાસી’, ‘આદિમ જાતિ’, ‘પર્વતીય જનજાતિ’ જેવાં નામોથી ઓળખે છે. ભારતીય બંધારણમાં આશરે 550 જેટલી જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરેલી છે. 2001 મુજબ, તેમની વસ્તી આશરે 7 કરોડ જેટલી છે, જે દેશની કુલ વસ્તીના 8.8 % જેટલી થાય છે.

વસ્તીનું વ્યાવસાયિક બંધારણ :

વસ્તીનું વ્યાવસાયિક માળખું તેની આર્થિક વિશેષતા દર્શાવે છે. દેશ ખેતીપ્રધાન છે, ઉદ્યોગપ્રધાન છે કે વ્યાપારપ્રધાન તે તેના માળખાના અભ્યાસને આધારે નક્કી કરી શકાય. કોઈ પણ દેશની કુલ વસ્તી અને માનવશક્તિમાં તફાવત છે. માનવશક્તિનો અર્થ એમ કરી શકાય કે વસ્તુઉત્પાદન કે સેવાના ઉત્પાદન માટે તેઓ કાર્યક્ષમ છે કે નહિ.

માનવશક્તિને બે ભાગમાં વહેંચી શકાય : 1. આર્થિક દૃષ્ટિએ ક્રિયાશીલ વસ્તી; 2. આર્થિક દૃષ્ટિએ નિષ્ક્રિય વસ્તી. ક્રિયાશીલ વસ્તીને રોજગાર મેળવતી અને બેરોજગાર જેવા બે ભાગોમાં વિભાજિત કરી શકાય; જ્યારે નિષ્ક્રિય વસ્તીમાં બાળકો, વિકલાંગ લોકો, વૃદ્ધો, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, નિવૃત્તિ-વેતન અને ભાડા પર નભતી વસ્તીનો સમાવેશ કરી શકાય. ક્રિયાશીલ અને નિષ્ક્રિય વસ્તીને શ્રમિક અને અશ્રમિક વસ્તી તરીકે પણ ઓળખી શકાય. શ્રમિક વસ્તી માટે ભારતીય વસ્તીગણતરીમાં સ્પષ્ટતા કરી છે કે ‘‘કોઈ પણ વ્યક્તિ શારીરિક અથવા માનસિક દૃષ્ટિએ આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલી હોય, તેને શ્રમિક કહેવામાં આવે છે’’; જોકે આ વ્યાખ્યામાં સમયાનુસાર ફેરફારો થતા રહેલા છે.

કોઈ પણ પ્રદેશમાં શ્રમશક્તિના કદ પર કેટલાંક આર્થિક, સામાજિક અને વસ્તીવિષયક પરિબળો પણ અસર કરતાં હોય છે. આ બધાં પરિબળોની અસર માત્ર શ્રમના કદ પર જ નહિ, પરંતુ તેના સ્તર પર પણ થાય છે.

શ્રમશક્તિના પ્રમાણમાં તફાવત હોવા માટે નીચે મુજબનાં કારણો પણ જવાબદાર છે :

1. શહેરી અને ગ્રામીણ વસાહત;

2. વયજૂથો;

3. ક્રિયાશીલ વસ્તીમાં સ્ત્રી અને પુરુષના સંખ્યા-પ્રમાણમાં તફાવત.

કોઈ પણ દેશ કે પ્રદેશની ક્રિયાશીલ વસ્તીને મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય :

1. પ્રાથમિક કક્ષાની આર્થિક પ્રવૃત્તિમાં રોકાયેલી વસ્તી,

2. દ્વિતીય કક્ષાની આર્થિક પ્રવૃત્તિમાં રોકાયેલી વસ્તી,

3. તૃતીય કક્ષાની આર્થિક પ્રવૃત્તિમાં રોકાયેલી વસ્તી.

જોકે આ ત્રણેય પ્રકારની આર્થિક પ્રવૃત્તિમાં લાંબે ગાળે પરિવર્તન જોવા મળે છે.

વિકસિત દેશોમાં કુલ શ્રમશક્તિના 50 % કરતાં વધુ વસ્તી તથા પછાત દેશોમાં 10 %થી 30 % વસ્તી તૃતીય કક્ષાની આર્થિક પ્રવૃત્તિમાં રોકાયેલી છે. આજે તૃતીય કક્ષાની પ્રવૃત્તિમાં રોકાયેલી વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે.

વિશ્વની વસ્તીનું આવકનું સ્તર :

વિશ્વના જુદા જુદા દેશોમાં આવકનું સ્તર જુદું જુદું છે. વિકસિત દેશોમાં માથાદીઠ આવક સૌથી ઊંચી છે, તો અલ્પવિકસિત દેશોમાં તે એકદમ નીચી છે. વ્યક્તિની માથાદીઠ આવક ઘણી બાબતો પર અસર કરે છે; જેમાં જન્મપ્રમાણ, મૃત્યુપ્રમાણ, સ્થળાંતર, શહેરીકરણ, સાક્ષરતા, વ્યાવસાયિક માળખું વગેરેનો સમાવેશ થાય છે. વિકસિત અને અલ્પવિકસિત દેશોને જુદા પાડવાનો માપદંડ આવક ગણાય છે; તેમ છતાં તે પરિવર્તનનું સાધન હંમેશ માટે તો બની શકે નહિ; જેમ કે, ઉત્તર આફ્રિકાના તથા મધ્યપૂર્વના કેટલાક દેશોની માથાદીઠ આવક ઘણી ઊંચી છે તેમ છતાં તેમની વસ્તી સામાજિક દૃષ્ટિએ પછાત છે. તેમનો ઔદ્યોગિક વિકાસ પણ ઓછો છે.

વિશ્વની વસ્તીવિષયક સમસ્યાઓ :

વિશ્વના બધા પ્રદેશોમાં વસ્તી અને સંપત્તિનું વિતરણ સમાન રીતે થયેલું નથી. પ્રાદેશિક સંપત્તિના સંદર્ભમાં વસ્તી વધુ છે કે ઓછી છે તેને આધારે વિશ્વના પ્રદેશોને ત્રણ ભાગમાં વહેંચી શકાય : 1. અતિ-વસ્તીવાળા પ્રદેશો; 2. ઓછી વસ્તીવાળા પ્રદેશો અને 3. આદર્શ વસ્તીવાળા પ્રદેશો.

અતિવસ્તી તેને કહેવાય જ્યાં ઉપલબ્ધ સંપત્તિ અને વસ્તીને પોષવાની ક્ષમતા કરતાં વસ્તી વધારે હોય,

ઓછી વસ્તી તેને કહેવાય, જ્યાં ઉપલબ્ધ સંપત્તિનો અસરકારક (અથવા પૂરેપૂરો) ઉપયોગ કરવા કરતાં તે ઓછી હોય.

આદર્શ વસ્તી એટલે વસ્તીનું એવું કદ જે પ્રદેશની સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી માથાદીઠ વધુમાં વધુ ઉત્પાદન શક્ય બનાવે તેમજ સૌથી ઊંચું જીવનધોરણ પ્રાપ્ત કરાવે.

આદર્શ વસ્તી આર્થિક વિકાસ અને ટૅક્નૉલૉજિકલ વિકાસની સાથે બદલાતી રહે છે. સંપત્તિમાં વધારો થતાં આદર્શ વસ્તીનું જીવનધોરણ ઊંચું જાય છે. પૂરેપૂરી રોજગારી, ઊંચું સરેરાશ જીવનધોરણ અને વસ્તીનું સંતુલિત માળખું વગેરે બાબતો આદર્શ વસ્તીની સૂચક છે.

વિશ્વમાં અતિવસ્તી, ઓછી વસ્તીના પ્રશ્નો જુદા જુદા છે; પરંતુ ઓછી વસ્તીવાળા પ્રદેશો કરતાં અતિવસ્તીવાળા પ્રદેશોની સમસ્યાઓ વધુ હોય છે. તે નીચે મુજબ છે :

1. ખોરાક મેળવવાની; 2. પીવાના પાણીની; 3. ખેતી માટે પૂરતું પાણી મેળવવાની; 4. વસવાટની; 5. આરોગ્યની અને પ્રદૂષણની; 6. પરિવહનની તથા 7. સામાજિક-આર્થિક.

વસ્તીની અન્ય સમસ્યાઓ :

1. વૃદ્ધોની વધતી જતી સંખ્યા;

2. સ્ત્રી-પુરુષની વસ્તીની અસમતુલા;

3. નિરક્ષરતા અને 4. શહેરીકરણ.

વિશ્વવસ્તી દિન :

11 જુલાઈનો દિવસ. 1987ના આ દિવસે વિશ્વની વસ્તી પાંચ અબજના આંકને આંબી ગઈ (સ્પર્શી ગઈ) તે ઘટનાની યાદમાં દર વર્ષે 11 જુલાઈને ‘વિશ્વવસ્તી દિન’ તરીકે ઊજવવાનું નક્કી કરેલું છે. છેલ્લી વસ્તીગણતરી મુજબ વિશ્વની સૌથી વધુ વસ્તી ચીનમાં છે; ભારત બીજા ક્રમે આવે છે.

1850માં વિશ્વની વસ્તી એક અબજ થઈ. જ્યારે બીજો અબજ ઉમેરાતાં 80 વર્ષ, ત્રીજો અબજ ઉમેરાતાં 50 વર્ષ, ચોથો અબજ ઉમેરાતાં 15 વર્ષ લાગ્યાં હતાં. છેલ્લો છઠ્ઠો અબજ ઉમેરાવા માટે માત્ર 12 જ વર્ષ લાગ્યાં છે.

વધતી વસ્તીને નાથવાના આયોજન અંગે 1954થી 1994 સુધી પાંચ વિશ્વ પરિષદ ભરાઈ ગઈ. 1974માં બુખારેસ્ટમાં મળેલી ત્રીજી વિશ્વ પરિષદમાં વધતી જતી વસ્તી પ્રત્યે સભાનતા કેળવવા 11મી જુલાઈને વિશ્વવસ્તી દિન તરીકે ઊજવવાનું નક્કી કરાયેલું.

વિશ્વની કુલ વસ્તીના 16 % વસ્તી ભારતમાં છે, જ્યારે વિસ્તાર માત્ર 2.4 % જેટલો જ છે. આઝાદી સમયે ભારતની વસ્તી માત્ર 34 કરોડ જેટલી હતી, જે આજે એક અબજના આંકને વટાવી ગઈ છે, અર્થાત્ આઝાદી પછીનાં 50 વર્ષમાં તે લગભગ ત્રણ ગણી થઈ ગઈ છે.

એક હકીકત મુજબ, 1950માં ભારતમાં સામાન્ય માનવીનું આયુષ્ય સરેરાશ 32 વર્ષનું હતું. તે આજે બમણું એટલે કે સરેરાશ 64 વર્ષનું થયું છે.

ગુજરાતની વસ્તી અંગે વિશેષ માહિતી :

2001ની વસ્તીગણતરી મુજબ ગુજરાત રાજ્યની વસ્તી 5.07 કરોડ જેટલી નોંધાયેલ છે. વસ્તીવૃદ્ધિ દર 1981-91ના દાયકામાં 21.19 %થી વધીને 1991-2001ના દાયકામાં 22.66 % થયેલ છે.

ગુજરાત રાજ્ય 1960થી અમલમાં આવ્યા બાદ રાજ્યમાં વસ્તીઆંક 1961માં 206 લાખ, 1971માં 267 લાખ, 1981માં 341 લાખ, 1991માં 413 લાખ અને 2001માં 507 લાખ થયો છે.

2001ની વસ્તીગણતરી વખતે ઉપલબ્ધ માહિતી અનુસાર રાજ્યનો સાક્ષરતા-દર (0.6 વયજૂથનાં બાળકોને બાદ કરતાં) 1991ના 61.29 ટકાથી વધીને 2001માં 69.14 ટકા થયેલ છે. તે પૈકી પુરુષો માટેનો સાક્ષરતા-દર 1991ના 73.13 ટકાથી વધીને 2001માં 79.66 ટકા થયેલ; જ્યારે સ્ત્રીઓનો સાક્ષરતા-દર 1991ના 48.64 ટકાથી વધીને 2001માં 57.80 ટકા થયેલ છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સાક્ષરતા-દર અનુક્રમે 61.29 ટકા અને 81.84 ટકા થયેલ છે. 2001 મુજબ સૌથી વધુ સાક્ષરતા-દર અમદાવાદ જિલ્લામાં 79.50 ટકા અને સૌથી ઔછો સાક્ષરતા-દર દાહોદ જિલ્લામાં 45.15 ટકા નોંધાયેલ છે.

1991માં ગુજરાતમાં વસ્તીગીચતા પ્રતિ ચોકિમી.દીઠ 211 વ્યક્તિઓની હતી, જે 2001માં વધીને પ્રતિ ચોકિમી.દીઠ 258 વ્યક્તિઓની થયેલી. વસ્તીની સૌથી વધુ ગીચતા અમદાવાદ જિલ્લામાં પ્રતિ ચોકિમી.દીઠ 719 વ્યક્તિઓની હતી, જ્યારે ઓછી વસ્તીગીચતા કચ્છ જિલ્લામાં પ્રતિ ચોકિમી.દીઠ 35 વ્યક્તિઓની હતી.

2001ની વસ્તીગણતરીની માહિતી મુજબ ગુજરાતની કુલ વસ્તીના 37.36 ટકા વસ્તી શહેરી છે. 1991નો શહેરીકરણનો આ દર 1991માં 34.49 ટકા જેટલો હતો. રાજ્યમાં સૌથી વધુ શહેરીકરણ અમદાવાદ જિલ્લામાં છે, જ્યારે 80.18 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે; જ્યારે ડાંગ જિલ્લો સંપૂર્ણપણે ગ્રામીણ વિસ્તારવાળો છે.

1991માં ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું જાતિપ્રમાણ 934 હતું તે ઘટીને 2001માં 920 જેટલું થયું છે. ડાંગ અને અમરેલી જિલ્લાઓમાં સૌથી ઊંચું જાતિપ્રમાણ 947નું છે, જ્યારે સૂરત જિલ્લામાં તે સૌથી નીચું 835નું છે.

2001ની વસ્તીગણતરીની ઉપલબ્ધ માહિતી મુજબ વસ્તીની આર્થિક પ્રવૃત્તિ અનુસારનું વર્ગીકરણ દર્શાવે છે કે રાજ્યની કુલ 506.71 લાખની વસ્તી પૈકી 170.25 લાખ (33.60 %) મુખ્ય કામ કરનારા, 42.31 લાખ (8.35 %) સીમાન્ત કામ કરનારા અને 294.15 લાખ (58.05 %) કામ નહિ કરનારા હતા. પુરુષોમાં 51.09 ટકા મુખ્ય કામ કરનારા, 3.78 ટકા સીમાન્ત કામ કરનારા; સ્ત્રીઓમાં 19.59 ટકા મુખ્ય કામ કરનારા અને 13.31 ટકા સીમાન્ત કરનારા હતા. મુખ્ય કામ કરનારા પૈકી 27.57 % ખેડૂતો અને 17.91 % ખેતમજૂરો હતા; 1.80 % ગૃહઉદ્યોગોમાં અને 52.62 % અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા હતા. કામ કરતી વસ્તીના લગભગ 45.58 % ખેતી(ખેડૂત અને ખેતમજૂર)માં પ્રવૃત્ત હતા. ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રમાણ 67.84 ટકાનું હતું.

2001ની વસ્તીગણતરીની ઉપલબ્ધ માહિતી અનુસાર રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી અનુક્રમે 35.93 લાખ (7.09 %) અને 74.81 લાખ (14.76 %) જેટલી હતી. અનુસૂચિત જાતિની વસ્તીના લગભગ 60.69 % વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં અને બાકીની 39.31 ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં હતી. અનુસૂચિત જનજાતિ માટેનું આ પ્રમાણ અનુક્રમે 91.79 % અને 8.21 % જેટલું હતું.

ગુજરાત રાજ્યમાં પ્રતિવર્ષ આઠ લાખની વસ્તીનો વધારો થયો છે :

અમદાવાદની વસ્તી

વર્ષ વસ્તી વિસ્તાર (ચોકિમી.)
1872 1,19,672 5.72
1881 1,27,621 5.95
1891 1,48,412 11.42
1901 1,85,889 14.93
1911 2,16,777 23.08
1921 2,74,007 23.96
1931 3,82,768 25.29
1941 8,37,163 52.47
1951 8,37,163 52.47
1961 11,49,918 92.98
1971 15,85,544 92.98
1981 20,59,725 98.15
1991 28,76,710 190.84
2001 45,19,278

વસ્તીવિષયક ભૂગોળ :

વીસમી સદીના મધ્યકાળમાં વિકસેલી ભૂગોળની એક મહત્ત્વની વિષયશાખા. આ વિષયશાખાના કાર્યક્ષેત્રમાં જે તે પ્રદેશની કુલ વસ્તી, વસ્તીવૃદ્ધિ અને તેના પ્રકારો, જન્મપ્રમાણ અને મૃત્યુપ્રમાણ તથા તેના પર અસર કરતાં પરિબળો, વસ્તીનું સ્થળાંતર તથા તેનાં કારણો, પ્રકારો અને અસરો તેમજ સ્થળાંતરથી થતો વધારો કે ઘટાડો જેવી માહિતી મેળવાય છે. આ ઉપરાંત તેમાં જન્મપ્રમાણ; મૃત્યુપ્રમાણ અને વસ્તીવૃદ્ધિ શોધવાની વિવિધ પદ્ધતિઓના અભ્યાસનો પણ સમાવેશ થાય છે.

વસ્તીવિષયક ભૂગોળમાં વિશ્વમાં વસ્તીનું વિતરણ તથા વસ્તીગીચતાનો પણ ખ્યાલ મેળવાય છે, તેમાં સામાન્ય વિતરણ તેમજ વસવાટી-બિનવસવાટી પ્રદેશો અનુસાર વસ્તી-વિતરણની માહિતી મેળવાય છે. વિશ્વના વસ્તી-વિતરણ પર ભૌગોલિક, આર્થિક, સામાજિક, રાજકીય જેવાં અનેક પરિબળોની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. જુદા જુદા પ્રદેશોમાં જોવા મળતી વસ્તીગીચતા, વસ્તીગીચતા શોધવાની વિવિધ પદ્ધતિઓ વગેરેનો ખ્યાલ વસ્તીવિષયક ભૂગોળમાંથી ઉપલબ્ધ થાય છે.

વસ્તીવિષયક ભૂગોળમાં વયજૂથોનો પણ અભ્યાસ થાય છે. આ અભ્યાસ વસ્તીવૃદ્ધિ સિવાય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ, વસ્તુઓનું ઉત્પાદન અને તેમની માગ, લોકોનું જીવનધોરણ, જન્મપ્રમાણ વગેરે બાબતોને અનુલક્ષીને થાય છે. જે તે દેશમાં જો બાળકો અને વૃદ્ધોનું પ્રમાણ વધુ હોય તો તેનો બોજો યુવાવસ્તી પર વધે છે; પરિણામે લોકોનું જીવનધોરણ નીચું રહે છે, તેની પણ સમજ આપે છે.

વસ્તીવિષયક ભૂગોળમાં સ્ત્રી-પુરુષના પ્રમાણના અભ્યાસનો પણ સમાવેશ થાય છે. સ્ત્રી-પુરુષના પ્રમાણ પર અસર કરતાં પરિબળો, તેમના પ્રમાણની વ્યાવસાયિક જૂથો પર અસર, જન્મપ્રમાણ પર અસર વગેરેનો અભ્યાસ થાય છે. વસ્તીમાં પરિણીત અને અપરિણીત વસ્તી કેટલી છે તેની પણ નોંધ મેળવાય છે; કારણ કે વૈવાહિક દરજ્જો જન્મપ્રમાણ પર અસર કરે છે. પ્રદેશભેદે જોવા મળતી લગ્નપ્રથા, જેવી કે બહુપતિત્વ, બહુપત્નીત્વ, એક પતિ-પત્ની-પ્રથા તથા તેનાં કારણો અને અસરોનો પણ અભ્યાસ થાય છે.

વસ્તીવિષયક ભૂગોળમાં કુટુંબ, કુટુંબ-કદ, સ્વરૂપ, વસ્તીનાં વ્યાવસાયિક જૂથો, તેનાં કારણો, રાષ્ટ્રીયતા, ભાષાજૂથો, ધર્મજૂથો, જાતિજૂથો વગેરેના અભ્યાસને પણ આ ભૂગોળ આવરી લે છે. શહેરી અને ગ્રામીણ વસ્તી, શહેરીકરણનાં કારણો અને અસરોનો અભ્યાસ પણ આ વિષયશાખામાં થાય છે.

જે તે દેશની કુદરતી સંપત્તિ અને વસ્તી વચ્ચેનો સંબંધ, પ્રદેશના વસ્તીવિષયક પ્રશ્નો તેમજ તેના ઉકેલોનો અભ્યાસ પણ વસ્તીવિષયક ભૂગોળમાં થાય છે.

વસ્તીવિષયક ભૂગોળના અન્ય વિષયો સાથેના સંબંધો :

વસ્તીવિષયક ભૂગોળ અને વસ્તીવિજ્ઞાન અન્યોન્ય ગાઢ રીતે સંકળાયેલાં છે. વસ્તીવિજ્ઞાન એ વસ્તીની અંકવિષયક માહિતી, તેનાં ઉદ્ભવસ્થાનો, તેની ગુણવત્તા, પ્રાપ્યતા, અને પૃથક્કરણની પદ્ધતિઓ સાથે સંબંધિત છે; જ્યારે વસ્તીવિષયક ભૂગોળ વસ્તીની વહેંચણી, વસ્તીમાળખું, સ્થળાંતર અને વસ્તીવૃદ્ધિમાં જોવા મળતી પ્રાદેશિક વિભિન્નતા, ભૌગોલિક પરિસ્થિતિની વિભિન્નતા સાથે સંબંધ ધરાવે છે તથા તેનો અભ્યાસ પણ કરે છે.

વસ્તીવિષયક ભૂગોળમાં નકશા પર વધુ ભાર મુકાય છે. વસ્તીવિજ્ઞાનની જેમ વસ્તીવિષયક ભૂગોળ પણ પરિમાણવાચક છે. તે પણ મોટેભાગે વસ્તીની અંકવિષયક માહિતી પર આધાર રાખે છે. વસ્તીવિજ્ઞાન અને વસ્તીવિષયક ભૂગોળ બંને ગુણવાચક દૃષ્ટિ ધરાવે છે. જો વસ્તીવિજ્ઞાની વસ્તીને પ્રદેશ સાથે સાંકળે અને વસ્તીવિષયક ભૂગોળનો અભ્યાસી વસ્તીવિજ્ઞાનમાં આવતી વસ્તીની પૃથક્કરણની પદ્ધતિઓને સ્વીકારી લે તો બંને એકબીજામાં ભળી જઈ શકે તેમ છે.

વસ્તીવિષયક ભૂગોળમાં માનવને પૃથ્વીની સપાટી પરનું મહત્ત્વનું પરિબળ માનવામાં આવે છે. અર્થશાસ્ત્ર માનવીની આર્થિક ઉપાર્જન અને ખર્ચ કરવાની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. આમ અર્થશાસ્ત્ર અને વસ્તીવિષયક ભૂગોળ એ બંનેની પાસે પૃથક્કરણની સમાન ભૂમિકા છે. તેથી જ રશિયામાં વસ્તીવિષયક ભૂગોળને આર્થિક ભૂગોળનો એક ભાગ માનવામાં આવે છે. તેથી કહી શકાય કે વસ્તીવિષયક ભૂગોળ અને અર્થશાસ્ત્ર ગાઢ રીતે સંકળાયેલાં છે.

વસ્તીવિષયક ભૂગોળને સમાજશાસ્ત્રના સંદર્ભમાં જોઈએ તો સમાજશાસ્ત્ર કેટલાંક સામાજિક જૂથોનો, તેમનાં સંસ્થાકીય માળખાંમાં રહીને અભ્યાસ કરે છે; જ્યારે વસ્તીવિષયક ભૂગોળ વસ્તીનાં સામાજિક પાસાં, જેવાં કે લગ્ન, ધર્મ, જ્ઞાતિ, અક્ષરજ્ઞાન, કુટુંબ, જાતીયતા, કુટુંબપ્રથા વગેરેનો ભૌગોલિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરે છે. તેથી કહી શકાય કે વસ્તીવિષયક ભૂગોળ અને સમાજશાસ્ત્ર પણ ગાઢ રીતે સંકળાયેલાં છે.

જીવવિજ્ઞાન જન્મદર, મૃત્યુદર, શારીરિક મર્યાદા, નવજાત શિશુની જાતિ વગેરેનો અભ્યાસ કરે છે; જ્યારે વસ્તીવિષયક ભૂગોળ વસ્તીનાં જૈવિક પાસાં જેવાં કે વય, જાતિ, જન્મ, આરોગ્ય વગેરેનો અભ્યાસ કરે છે. તેથી કહી શકાય કે વસ્તીવિષયક ભૂગોળ અને જીવવિજ્ઞાન પણ ગાઢ સંબંધ ધરાવે છે.

ઇતિહાસ માનવીના વીતેલા યુગોની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય અને ભૌગોલિક સ્થિતિનો અભ્યાસ કરે છે તેમજ ઐતિહાસિક અને પ્રાગૈતિહાસિક સમયની વસ્તીની સંખ્યા તેમજ તેના સ્વરૂપનો અભ્યાસ કરે છે; જ્યારે વસ્તીવિષયક ભૂગોળ માનવવંશશાસ્ત્ર સાથે સંકળાયેલી માનવ-ઉત્ક્રાંતિ, માનવનો શારીરિક વિકાસ અને માનવનીતિઓનો અભ્યાસ કરે છે. તેથી કહી શકાય કે આ બંને વિષયો પણ ગાઢ રીતે સંકળાયેલા છે. આમ વસ્તીવિષયક ભૂગોળ વિવિધ વિષયો સાથે સંકળાયેલી છે.

વસ્તીવિષયક ભૂગોળના અભ્યાસના અભિગમો/પદ્ધતિઓ :

વસ્તીવિષયક ભૂગોળનો અભ્યાસ જુદા જુદા અભિગમો દ્વારા થઈ શકે છે. તેના અભ્યાસનાં ત્રણ અભિગમો કે પદ્ધતિઓ જાણીતી છે :

1. ક્રમબદ્ધ પદ્ધતિ અથવા અભિગમ;

2. પ્રાદેશિક પદ્ધતિ અથવા અભિગમ;

3. ઐતિહાસિક પદ્ધતિ અથવા અભિગમ.

ક્રમબદ્ધ પદ્ધતિમાં કોઈ પણ પ્રદેશનો અભ્યાસ મુદ્દાવિષયક અભિગમ દ્વારા વધુ વ્યવસ્થિત રીતે કરી શકાય. ક્રમબદ્ધ અભિગમ એ સ્વરૂપની દૃષ્ટિએ મુદ્દાવિષયક અભિગમ છે. પદ્ધતિની દૃષ્ટિએ આ અભિગમ સરળ છે, જેમાં આંકડા એકત્ર કરવા, વિતરણ વચ્ચેના સંબંધો શોધવા, સંબંધિત આંકડાની પસંદગી કરવી, આંકડાનું પૃથક્કરણ કરવું, પૃથક્કરણ કરેલી માહિતીને નકશામાં દર્શાવવી તથા નકશામાં ઊપસતા પ્રતિરૂપનું અર્થઘટન કરવું – આ છ મુદ્દાઓ પદ્ધતિસરની ભૂગોળમાં અગત્યના છે. આ અભિગમ દ્વારા નાના અથવા વિશાળ વિસ્તારનો અભ્યાસ થઈ શકે છે. આ પદ્ધતિમાં પ્રદેશને અભ્યાસનો એકમ ગણીને કોઈ પણ મુદ્દાનો અભ્યાસ થઈ શકે છે.

પ્રાદેશિક પદ્ધતિ અથવા અભિગમમાં સર્વપ્રથમ વસ્તી-પ્રદેશોની રચના કરવામાં આવે છે. વસ્તીની વિશેષતાઓની સમાનતા અથવા વિભિન્નતાને આધારે જનસંખ્યા-પ્રદેશો નક્કી થાય છે. આ અભિગમમાં સૌથી મોટી સમસ્યા વસ્તી-પ્રદેશોનું સીમાંકન કરવાની છે. વસ્તીગણતરીમાં વહીવટી કે રાજકીય એકમો અનુસાર આંકડા એકત્ર કરાય છે. આંકડાઓનો ઉપયોગ કરીને વસ્તીપ્રદેશોની રચના નીચે મુજબ કરવામાં આવે છે :

1. સામાન્ય વસ્તીપ્રદેશ;

2. ક્રિયાત્મક વસ્તીપ્રદેશ;

3. વિશિષ્ટ વસ્તીપ્રદેશ.

ઐતિહાસિક પદ્ધતિ અથવા અભિગમ હેઠળ વસ્તીનો કાળક્રમ અનુસાર અભ્યાસ કરાય છે. ભૂતકાળમાં વસ્તીનું કદ અને તેની લાક્ષણિકતાઓ કયા પ્રકારની હતી, વર્તમાન સ્વરૂપ કેવું છે અને ભવિષ્યનું સ્વરૂપ કેવું હશે વગેરે બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. ભૂતકાળની વસ્તી માત્ર અનુમાન-આધારિત ગણાય. એ જ રીતે ભવિષ્યની વસ્તીનું સ્વરૂપ કેવું હશે તે જાણવા આંકડાશાસ્ત્રની વિવિધ પ્રક્ષેપણ-પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. બધાં પ્રક્ષેપણો ભૂતકાળની વસ્તીવૃદ્ધિ દર પર આધારિત રહે છે. સમાજમાં પરિવર્તન થતાં પ્રક્ષેપણો ખોટાં પણ સાબિત થઈ શકે છે. આમ આ અભિગમ નવી દૃષ્ટિ આપે છે; પરંતુ સામે તેમાં કેટલાંક ભયસ્થાનો પણ રહેલાં છે. આમ વસ્તીવિષયક ભૂગોળ જુદી જુદી પદ્ધતિઓ અથવા અભિગમો દ્વારા વસ્તીનો અભ્યાસ કરે છે.

વસ્તીનીતિ

વસ્તીવધારા કે ઘટાડાને નિયંત્રણમાં રાખવા માટે ઘડવામાં આવતી નીતિ. ઔદ્યોગિક ક્રાંતિ પછી વિશ્વમાં અભૂતપૂર્વ વિકાસ સાધી શકાયો છે, પરંતુ તેની સાથે માનવ-વિકાસમાં અવરોધરૂપ અનેક સમસ્યાઓ પણ ઊભી થઈ છે; ઉદાહરણ તરીકે, હવા, પાણી અને અવાજનાં પ્રદૂષણો; શુદ્ધ હવા અને શુદ્ધ જળ-ઉપલબ્ધિની સમસ્યા; અવાજ-ઘોંઘાટની સમસ્યા તેમજ વસ્તી-વિસ્ફોટની સમસ્યા આજે પડકારરૂપ બની રહેલી છે. વસ્તી-વિસ્ફોટને આજે વસ્તીબૉંબ (H-bomb અથવા Human Bomb) તરીકે ઓળખાવાય છે, તે અણુબૉંબ કરતાં પણ વધુ ભયાનક ગણાય છે. વસ્તીવિસ્ફોટની ગંભીરતાને લક્ષમાં રાખીને કેટલાક દેશોએ વસ્તીનીતિ જાહેર કરી છે.

વિશ્વના જુદા જુદા દેશોમાં વસ્તીવૃદ્ધિનો દર એકસરખો નથી. એક બાજુ ત્રીજા વિશ્વના દેશોમાં વસ્તીવિસ્ફોટ જોવા મળે છે, તો બીજી બાજુ કેટલાક પાશ્ચાત્ય દેશોની વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે અથવા તો ત્યાં વસ્તી તદ્દન સ્થગિત થઈ ગઈ છે. ભારત, ચીન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે જેવા કેટલાક વિકસતા દેશોમાં વસ્તીવધારાનો પ્રશ્ન ખૂબ જ મુશ્કેલ બન્યો છે. આવા દેશોમાં અતિવસ્તીના અનેક પ્રશ્નો ઊભા થયા છે અને તેમની વસ્તી તેમના પર્યાવરણ માટે પણ પડકારરૂપ બની ગઈ છે.

વસ્તીવૃદ્ધિ ઓછી કરવા અથવા જ્યાં વસ્તી ઓછી છે ત્યાં વસ્તી વધારવા જુદા જુદા દેશોની સરકારોએ ચોક્કસ વસ્તીવિષયક નીતિ નક્કી કરી છે. તેના અમલ માટે કેટલાક વહીવટી કાર્યક્રમો પણ અપાય છે, કેટલાક કાયદા ઘડે છે; જે પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે જન્મપ્રમાણ, મૃત્યુપ્રમાણ અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર જેવી વસ્તીવૃદ્ધિ માટે જવાબદાર બાબતો પર અસર કરે છે. વસ્તીવિષયક નીતિ એ સામાન્ય રીતે વસ્તીનું કદ, વસ્તીવૃદ્ધિ, વિષમ વિતરણ અથવા વસ્તીના માળખાને અસર કરતા સરકારના આયોજિત પ્રયાસો સાથે સંકળાયેલી છે. એમ પણ કહી શકાય કે કોઈ પણ દેશ કે પ્રદેશના આર્થિક, સામાજિક, રાજકીય, વસ્તીવિષયક તથા અન્ય સામૂહિક હેતુઓની પૂર્તિ માટે વસ્તીનું સ્વરૂપ, વસ્તીવૃદ્ધિ, વિતરણ અને વસ્તીની અન્ય વિશેષતાઓને અસર કરતી જન્મપ્રમાણ, વસ્તીમાળખું, સ્થળાંતર જેવી વસ્તીવિષયક બાબતોને લગતા ઉપાયો અને કાર્યક્રમો આપવામાં આવે તેને વસ્તીનીતિ કહે છે.

વસ્તીનીતિના હેતુઓ :

1. જન્મપ્રમાણ પર નિયંત્રણ મૂકવું.

2. મૃત્યુપ્રમાણમાં ઘટાડો કરવા પ્રયાસો કરવા.

3. વસ્તીવધારાને આયોજિત કરવો.

4. વસ્તીનું ભૌગોલિક વિતરણ સંતુલિત કરવું.

5. વસ્તીમાળખામાં સુધારો કરવો.

6. વસ્તીનો ઝડપી આર્થિક વિકાસ સાધવો.

વિશ્વના દેશોની વસ્તીનીતિનો અભ્યાસ ત્રણ મુદ્દાઓને લક્ષમાં રાખીને થઈ શકે :

1. જન્મપ્રમાણને અસર કરતી નીતિ;

2. મૃત્યુપ્રમાણને અસર કરતી નીતિ;

3. સ્થળાંતરને અસર કરતી નીતિ.

જન્મપ્રમાણને અસર કરતી નીતિના બે પ્રકાર છે : (અ) જન્મપ્રમાણના વધારાની તરફેણ કરતી નીતિ, (આ) જન્મપ્રમાણના ઘટાડાની તરફેણ કરતી નીતિ.

(અ) આ નીતિને પ્રાચીન કાળથી લોકો અપનાવતા આવ્યા છે; કારણ કે ખેતી અને મિલિટરીમાં વસ્તીની જરૂરિયાત વધુ રહેતી હોવાથી વસ્તીવધારાને પ્રોત્સાહન અપાતું; પરંતુ સામે ચેપી રોગો અને યુદ્ધને કારણે મૃત્યુદર પણ વધુ રહેતો. તે સમયે વસ્તીને રાજ્યની શક્તિનું તથા આર્થિક વિકાસનું કારણ માનવામાં આવતું. બીજા વિશ્વયુદ્ધ સુધી ધરી રાજ્યો તેમના જન્મદરને ઊંચો લઈ જવા અને મૃત્યુદરને નીચો લાવવા પ્રયત્નો કરતાં હતાં.

ફ્રાંસની ક્રાંતિ થઈ તે પહેલાં ત્યાં જન્મપ્રમાણ નીચું હતું. તેમાં કોઈ ફેરફાર જોવા ન મળતાં ઈ. સ. 1920માં કાયદા દ્વારા ગર્ભપાત અને ગર્ભનિરોધનાં સાધનોના વેચાણ પર અંકુશ મુકાયો. 1939માં ‘કુટુંબ અંગેનો કાયદો’ (‘code de la famille’) ત્યાં અમલમાં આવ્યો; જે 1967 સુધી ઉઠાવી લેવામાં આવ્યો ન હતો; તેમ છતાં, 1960માં ફ્રાંસે કુટુંબનિયોજનને કાયદેસર બનાવ્યું. આજે પણ ફ્રાંસ ઊંચા જન્મપ્રમાણની તરફેણ કરતી વસ્તીનીતિ ધરાવે છે. 1927માં ઇટાલીમાં ફાસીવાદી સરમુખત્યાર બેનિટો મુસોલિનીએ વસ્તીવધારા માટે જુદી જુદી આર્થિક સહાયની યોજનાઓ અમલમાં મૂકેલી. યુરોપમાં 1930થી 1970ના સમયગાળામાં જ્યારે જન્મપ્રમાણ નીચું ગયું ત્યારે યુરોપના ઘણા દેશોએ જન્મપ્રમાણના વધારાની નીતિ અપનાવી હતી. તે સમયે કેટલાંક રાષ્ટ્રોએ પ્રોત્સાહન રૂપે મોટા કુટુંબને આર્થિક સહાય, આરોગ્યની સુવિધાઓ તથા રોજગારીની તકો પૂરી પાડી હતી.

વીસમી સદીમાં જર્મન સ્ત્રીઓએ ત્રણ ‘K’ની નીતિ અપનાવી હતી : Kinder (બાળક), Kuche (રસોડું) અને Kirche (ચર્ચ)  આ ત્રણમાંથી મુક્તિ મેળવવા પ્રયત્નો કરેલા; આ કારણે ત્યાં જન્મપ્રમાણનો દર નીચો જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધ પછી જન્મદર નીચો ગયો છે. 1991માં બંને જર્મની એક થયાં હોવા છતાં ત્યાં જન્મદર નીચો છે, જેને ઊંચો લઈ જવા સરકાર દ્વારા પ્રયાસો થાય છે, ત્યાં જાહેર કરવામાં આવે છે કે ‘‘નાનો પરિવાર એ સુખી પરિવાર નથી, જર્મનીને શક્તિશાળી બનાવવું હોય તો વધારે બાળકો, વધારે હાથ હોવા જરૂરી છે, તો જ વધુ સમૃદ્ધ અર્થતંત્ર ઊભું થઈ શકે.’’ સરકાર તરફથી દરેક કુટુંબને ઊંચી કિંમતની મોટરકાર, વિશાળ મકાન, પરદેશમાં રજાઓ ગાળવાનું આકર્ષણ અપાતું હોવા છતાં તેઓ બાળક ઇચ્છતાં નથી. પરિણામે જન્મદર નીચો રહે છે. યુ. કે., સ્વીડન, બેલ્જિયમમાં પણ ત્યાંની સરકારોએ વસ્તી વધારવાના પ્રયત્નો કર્યા છે. સ્વીડને લોકશાહી પદ્ધતિએ વસ્તીવિષયક નીતિ ઘડી છે; એમાં જણાવ્યું છે કે વ્યક્તિગત ધોરણે કોઈને પણ વસ્તીનો બોજો ઉપાડવો પડશે નહિ; પરંતુ તે બોજો દેશની સમગ્ર વસ્તી પર વહેંચી દેવાશે. આથી જન્મપ્રમાણ ઝડપથી ઊંચું જઈ રહ્યું છે. તેથી તેને કાબૂમાં રાખવા શાળાઓમાં જાતીય શિક્ષણ, ગર્ભપાત અને કુટુંબનિયોજનની સેવાઓ આપવાનો પ્રારંભ કર્યો છે.

બીજા વિશ્વયુદ્ધ પછી 1951થી 1960ના ગાળામાં યુરોપના દેશોમાં જન્મપ્રમાણ એકદમ ઊંચું જતાં ત્યાંની સરકારોની નીતિ ઊંચા જન્મપ્રમાણ માટે રહી નથી. યુ.એસ.ની વસ્તીનીતિ 1960 સુધી તો વસ્તીવધારાની તરફેણ કરનારી રહી હતી, પરંતુ 1972થી વસ્તીવધારાના ભયને લક્ષમાં રાખીને ગર્ભપાતના કાયદાને ઉદાર બનાવવામાં આવ્યો. કુટુંબ-નિયોજનનાં સાધનો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું. 1969થી કૅનેડામાં પણ કુટુંબ-નિયોજનનો કાયદો અમલમાં મુકાયો છે.

ઇજિપ્ત સિવાય આફ્રિકાના દેશોમાં જન્મપ્રમાણના ઘટાડાની નીતિને કાયદેસર સ્વીકારવામાં આવી નથી, કારણ કે તે દેશોમાં ઊંચું મૃત્યુપ્રમાણ, આંતરરાષ્ટ્રીય અને જાતિગત સંઘર્ષો તથા ઓછું આધુનિકીકરણ વગેરે બાબતો તેમને વસ્તીવધારાની વિરુદ્ધની નીતિ અપનાવતાં રોકે છે.

મધ્યપૂર્વના દેશોમાં ઇસ્લામ ધર્મ, બીજા દેશોમાંથી આવેલા સ્થળાંતરિત મજૂરો અને ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાનમાં થયેલાં યુદ્ધો જન્મપ્રમાણના વધારાની નીતિ તરફ દોરી જાય છે.

મ્યાનમાર, કંબોડિયા, વિયેટનામ અને બીજા કેટલાક દક્ષિણ-પૂર્વના એશિયાઈ દેશોમાં આજે પણ વસ્તીવધારાની તરફેણ કરતી નીતિ અમલમાં છે.

લૅટિન અમેરિકા વસ્તીવધારાનો ઊંચો દર ધરાવતો ભૂમિખંડ હોવા છતાં ત્યાંના બહુ ઓછા દેશો જન્મપ્રમાણ પર અંકુશ-નીતિ અપનાવવા તૈયાર છે.

ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલૅન્ડ ઓછી વસ્તીવાળા પ્રદેશો છે, તેથી તેમની વસ્તીનીતિ વધુ વસ્તી મેળવવા તરફની છે; એટલે કે ઊંચા જન્મપ્રમાણની અને સ્થળાંતરિત વસ્તીની તેઓ તરફેણ કરે છે.

(આ) ત્રીજા વિશ્વના અલ્પવિકસિત અને વિકસતા જતા દેશો જન્મપ્રમાણમાં ઘટાડો લાવવા માટેની નીતિની તરફેણ કરે છે. આ દેશોમાં કુદરતી સંપત્તિનું પ્રમાણ ઓછું છે અથવા તો સંપત્તિનો મર્યાદિત વિકાસ થયો છે. પરિણામે આવા દેશો અતિ વસ્તીના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે.

પૂર્વના દેશો પૈકી માત્ર જાપાન જ એક એવો દેશ છે; જ્યાં ગર્ભપાતના કાયદા દ્વારા જન્મપ્રમાણમાં ઘણો ઘટાડો કર્યો છે. ભારત, ચીન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં વસ્તીવધારાનો પ્રશ્ન ખૂબ જ જટિલ છે. આ દેશોમાં વસ્તીનું પ્રમાણ તથા વસ્તીની વાર્ષિક વૃદ્ધિ વધુ છે. અશિક્ષિત વસ્તી પણ વધુ છે. વળી ખેતી પણ બહુ વિકસિત નથી. આથી વધુ ઉત્પાદન મેળવવા વધુ માનવશ્રમની જરૂર પડે છે. પરિણામે નાના કુટુંબનો અભિગમ અને કુટુંબ-નિયોજન અંગેની યોજના પૂરેપૂરી રીતે સફળ થઈ શક્યાં નથી.

ત્રીજા વિશ્વના કેટલાક દેશોએ જન્મપ્રમાણના ઘટાડાની નીતિ સ્વીકારી છે. જન્મપ્રમાણમાં ઘટાડો કરવા સર્વપ્રથમ 1952માં ભારત સરકારે કુટુંબનિયોજન કાર્યક્રમ અપનાવ્યો. 1964માં ત્રીજા વિશ્વના કેટલાક દેશો જેવા કે ફિજી, પાકિસ્તાન, દક્ષિણ કોરિયા અને ચીને કુટુંબનિયોજનનો કાર્યક્રમ સ્વીકાર્યો.

યુનોએ કરેલી ચોથી વસ્તીવિષયક તપાસમાં 165 દેશોમાંથી 55 % દેશો વસ્તીવધારાના દરમાં ઘટાડો ઇચ્છતા હતા. તેમાં મોટેભાગે દક્ષિણ એશિયા, લૅટિન અમેરિકા અને આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે. 1984 સુધીમાં વિકસતા દેશોમાંથી 45 દેશોએ જન્મપ્રમાણના ઘટાડાની તરફેણ કરતી નીતિને સ્વીકારી છે. 1967થી આફ્રિકાના કૅન્યા, ઘાના, મૉરિશિયસ, નાઇજિરિયા, ઇજિપ્ત, ટ્યૂનિસિયા, મોરૉક્કો જેવા દેશોએ જન્મદર ઘટાડવાની નીતિ સ્વીકારી છે.

વિશ્વની 50 % કરતાં પણ વધુ વસ્તી ધરાવતા એશિયાખંડમાં વસ્તીવિષયક નીતિની બાબતમાં વિવિધતા જોવા મળે છે. ભારત, ચીન, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, શ્રીલંકા, હૉંગકૉંગ, સિંગાપોર, દક્ષિણ કોરિયા વગેરે દેશોએ સામાજિક, આર્થિક અને કુટુંબનિયોજનની નીતિ અપનાવી છે, જે ફળદાયી નીવડી છે; પરંતુ નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા અને ફિલિપાઇન્સે કુટુંબનિયોજન કાર્યક્રમ અપનાવ્યો છે; પરંતુ તેની અસર અને પરિણામ નહિવત્ છે. ઈરાની અખાતના દેશોની નીતિ જન્મદર-ઘટાડાની તરફેણ કરતી નથી. પૂર્વ એશિયાના દેશ ચીનમાં જન્મપ્રમાણને અંકુશમાં રાખવા સરકારી દબાણની નીતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ત્યાંની સરકાર દ્વારા સ્ત્રી અને પુરુષને માટે ચોક્કસ લગ્નવય નક્કી કરેલ છે. આ સાથે કડક નિયમ એ પણ છે કે દરેક સ્ત્રી ફક્ત એક જ બાળકને જન્મ આપી શકે. આ પ્રકારનો કાયદો લાવવાનું કારણ એ છે કે 1970માં સ્ત્રીદીઠ સરેરાશ 5.8 બાળકોનું પ્રમાણ હતું. ચીનમાં 1965માં જન્મદર 6.4 હતો, તે ઘટીને 1992માં 1.8 થઈ ગયો છે. એક જ બાળકની મર્યાદા ધરાવતાં યુગલોને ઘણી રાહતો અપાય છે; જે યુગલને માત્ર સ્ત્રી-બાળક હોય તો તેમને વધારે સુવિધા અપાય છે કે જેથી તેઓ બીજા બાળકની ઇચ્છા ન ધરાવે.

ઇન્ડોનેશિયા ગરીબ દેશ છે, ત્યાં મુસ્લિમ વસ્તી વિશેષ છે, તેમ છતાં જન્મપ્રમાણની વિરુદ્ધની નીતિ માટે સામાજિક સંમતિ મેળવી શક્યું છે.

હૉંગકૉંગ, સિંગાપોર, તાઇવાન, દક્ષિણ કોરિયા, મૉરિશિયસ, ક્યૂબા અને ચીનમાં કુટુંબનિયોજનની નીતિ વધુ સફળ થઈ છે.

વિશ્વમાં વધતી જતી વસ્તી કોઈ એક દેશ માટે નહિ, પરંતુ દુનિયા માટે એક બોજ સમાન બની રહી છે. આથી જન્મપ્રમાણના ઘટાડાની તરફેણ કરતી નીતિને અમલમાં મૂકીને વસ્તી ‘Population Bomb’ ન બને તે માટે જાગ્રત રહેવું જરૂરી બન્યું છે.

સ્થળાંતર અંગેની વસ્તીનીતિ : સ્થળાંતરની નીતિના બે પ્રકાર પાડી શકાય :

1. આંતરિક સ્થળાંતરને લગતી વસ્તીનીતિ;

2. આંતરરાષ્ટ્રીય સ્થળાંતરને લગતી વસ્તીનીતિ.

કોઈ પણ દેશના પ્રાદેશિક વસ્તી-વિતરણમાં ખૂબ જ અસમાનતા જોવા મળે છે. રશિયા, ભારત, ચીન, ઇન્ડોનેશિયા વગેરે મોટા દેશો તેમની અર્થવ્યવસ્થાને વિકેન્દ્રિત કરીને ગીચ વસ્તીવાળા પ્રદેશમાંથી ઓછી વસ્તીવાળા પ્રદેશમાં વસ્તીનું પુન:વિતરણ કરવા પ્રયત્નો કરે છે. ભારતે ભિલાઈ, રૂરકેલા, દુર્ગાપુર, બોકારો જેવા નવાં લોખંડ-પોલાદનાં કારખાનાં ઊભાં કરીને ગીચ વસ્તીવાળા પ્રદેશોમાંથી કુશળ અને અર્ધકુશળ મજૂરો-કારીગરોને સ્થળાંતર કરાવીને ત્યાં વસવાટ કરવા પ્રેર્યા છે. એ જ રીતે ગુજરાતમાં પછાત વિસ્તારોમાં ઔદ્યોગિક કેન્દ્રો નિર્માણ કરીને વસવાટો ઊભા કરવા પ્રયાસો કર્યા છે, તેમાં હાલોલ અને વાપીનો સમાવેશ થાય છે.

[2] મૃત્યુપ્રમાણ પર અસર કરતી વસ્તીનીતિ : બીજા વિશ્વયુદ્ધ પછી વિકાસશીલ દેશોએ મલેરિયા, કૉલેરા, ઇન્ફલુએન્ઝા, પ્લેગ, શીતળા વગેરે રોગોના ફેલાવા દ્વારા થતાં મૃત્યુને અટકાવવા ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરેલા છે. આને માટે વિશ્વઆરોગ્ય સંસ્થા, યુનેસ્કો અને યુનિસેફ જેવી સંસ્થાઓ દ્વારા આર્થિક અને તકનીકી સહાય મળતી રહી છે. પરિણામે વિકાસશીલ દેશોમાં મૃત્યુપ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.

પ્રજાના આરોગ્યની સુધારણાનો હેતુ માત્ર બીમારીઓ દૂર કરવાનો નથી, પરંતુ સમાજને શારીરિક અને માનસિક દૃષ્ટિએ સ્વસ્થ કરવાનો છે. વિકસિત દેશો રાષ્ટ્રની આવકના 10 % જ્યારે વિકસતા જતા દેશો રાષ્ટ્રની આવકના 2 % આવક આરોગ્ય-સેવાઓ માટે વાપરે છે.

મૃત્યુપ્રમાણને લાગેવળગે છે ત્યાં સુધી વિશ્વના મોટાભાગના દેશો તેમની આયુષ્યમર્યાદાથી સંતુષ્ટ નથી. આ પૈકીના મોટાભાગના દેશો આફ્રિકા અને એશિયાના છે.

વિકસિત અને વિકાસશીલ દેશોમાં આંતરિક સ્થળાંતરથી ઊભી થતી બીજી સમસ્યા મોટાં શહેરો અને મહાનગરોના વિકાસની છે. આજે મેક્સિકો સિટી, ટોકિયો, ન્યૂયૉર્ક, લંડન, પૅરિસ, કોલકાતા, મુંબઈ વગેરે મહાનગરોની વસ્તી ખૂબ જ વધી ગઈ છે. પરિણામે નાગરિક સુવિધાઓ તેમજ વહીવટી વ્યવસ્થા ગોઠવવી મુશ્કેલ બનતી જાય છે. ગ્રામ વિસ્તારો અને નાનાં શહેરો તરફથી આવાં મોટાં શહેરો તરફ લોકો સ્થળાંતર કરી રહ્યા છે; આવાં સ્થળાંતરો કોઈ પણ રીતે અટકાવવાં જોઈએ, પરંતુ તે મુશ્કેલ છે.

વસ્તીની ગીચતા ઘટાડવા ભૂમિને નવસાધ્ય કરીને, નવાં શહેરો કે નવી વસાહતો ઊભી કરવા આયોજન કરવું જરૂરી છે; જેમ કે, અમદાવાદની વસ્તીગીચતા ઘટાડવા ગુજરાતના પાટનગર ગાંધીનગરને નવેસરથી વસાવ્યું છે. પંજાબ-હરિયાણાના પાટનગર ચંડીગઢને પણ એ જ રીતે તૈયાર કરાયેલું છે. ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં 28 જેટલાં નવાં શહેરો નિર્માણ કરાયાં છે. નેધરલૅન્ડમાં દરિયાઈની જમીનને નવસાધ્ય કરીને નવી વસાહતો ઊભી કરાઈ છે. મુંબઈમાં પણ દરિયાકિનારાની પટ્ટીને નવસાધ્ય કરીને તેનો વિસ્તાર વધારાયો છે. ઢાકામાંની વસ્તીગીચતા ઘટાડવા સરકાર તરફથી પ્રલોભનો આપીને ઢાકાથી દૂર વસાહતોમાં સ્થળાંતર કરાવવાનું આયોજન કરાયું છે. ઉદ્યોગોના વિકેન્દ્રીકરણની નીતિ સફળ ન થતાં ગ્રામ-વિસ્તારોને સગવડો આપીને ત્યાં જ ઉદ્યોગો સ્થપાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ પ્રકારના પ્રયાસોથી વસ્તીગીચતાનો પ્રશ્ન હળવો થઈ શકે છે.

વિશ્વના જુદા જુદા દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતર અંગેની નીતિમાં ખૂબ જ તફાવત જોવા મળે છે. ઑસ્ટ્રેલિયાએ સ્થળાંતર-વસ્તી માટે ‘સફેદ નીતિ’ અપનાવી હતી, પરંતુ 1957માં તેણે પોતાની રૂઢિચુસ્ત નીતિમાં ફેરફારો કર્યા છે. વિકસિત દેશોએ માત્ર ઉચ્ચ પ્રકારની યોગ્યતા ધરાવતા અથવા ટેક્નીકલ વ્યક્તિઓને વસવાટની છૂટ આપી છે. ગ્રેટબ્રિટનકૉમનવેલ્થ દેશોમાં સ્થળાંતર કરીને આવતા લોકોને વસવાટ માટે મર્યાદિત સંખ્યામાં જ છૂટ આપવામાં આવે છે. 1971માં બ્રિટનમાં ઇમિગ્રેશન ઍક્ટ કરવામાં આવ્યો. યુ.એસ., કૅનેડા, રશિયા અને યુરોપીય દેશોમાં સ્થળાંતરિત વસ્તીનું પ્રમાણ નહિવત્ છે.

બ્રાઝિલ, આર્જેન્ટિના જેવા દક્ષિણ અમેરિકાના દેશો; ઑસ્ટ્રેલિયા, રશિયાનો સાઇબીરિયા પ્રદેશ, યુ.એસ., કૅનેડા તથા પૂર્વ આફ્રિકાના દેશોમાં મોટી સંખ્યામાં એશિયામાંથી સ્થળાંતરિત વસ્તીને વસાવી શકાય તેમ છે; પરંતુ તેને કારણે વિકસિત દેશોમાં બે પ્રકારના પ્રશ્નો ઊભા થાય તેમ છે :

1. સ્થળાંતર મોટા પ્રમાણમાં થાય તો સ્થાનિક લોકોનું જીવનધોરણ નીચું જવા સંભવ છે.

2. મોટી સંખ્યાના સ્થળાંતરને લીધે લોકશાહી યુગમાં રાજકીય સત્તા વિદેશીઓને હસ્તક જવાનો ભય રહેલો છે.

3. સ્થળાંતરિત વસ્તીને કારણે સામાજિક અને રાજકીય પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે; દા.ત., ભારતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં બાંગ્લાદેશના નાગરિકોને કારણે સામાજિક અને રાજકીય અશાંતિ અંશત: નિર્માણ પામી છે. આવો જ પ્રશ્ન શ્રીલંકા અને પાકિસ્તાનમાં પણ ઊભો થયો છે (L.T.T.E. અને મુજાહિદો).

ઉપસ્થિત થતા પ્રશ્નોના સંદર્ભમાં વિચારતાં વિશ્વના દેશો તેમના ભાવિ વિકાસને લક્ષમાં રાખીને સ્થળાંતરિત વસ્તીને આવકાર્ય ગણતા નથી.

ભારતની વસ્તીનીતિ : ભારત એક વિશાળ વસ્તી ધરાવતો દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. વિશ્વની 15 % વસ્તી ભારતમાં વસે છે. 1947 પછી ભારતની વસ્તીમાં ખૂબ જ વધારો થયો છે, તેને માટે મૃત્યુપ્રમાણનો નીચો દર અને ઝડપથી વધતી જતી વસ્તીનાં કારણો જવાબદાર છે; પરિણામે ઉપલબ્ધ કુદરતી સંપત્તિની અસમતુલા તેમજ આર્થિક અને સામાજિક સમસ્યાઓ સર્જાઈ છે.

ઉપર્યુક્ત બાબતને લક્ષમાં રાખીને ભારત સરકારે 1986થી માનવસંસાધન વિભાગ નામનો એક અલગ વહીવટી વિભાગ શરૂ કર્યો છે. ભારતની વસ્તીનીતિના હેતુઓ નીચે પ્રમાણે છે :

1. કુટુંબ-નિયોજન દ્વારા જન્મદર તથા બાળમૃત્યુદરના પ્રમાણમાં ઘટાડો કરવો.

2. આરોગ્યસેવાઓમાં વધારો કરીને મૃત્યુપ્રમાણમાં ઘટાડો કરવો.

3. નવાં ઔદ્યોગિક મથકોની સ્થાપના તેમજ નવાં કૃષિક્ષેત્રોના વિકાસ દ્વારા વસ્તીના ભૌગોલિક વિતરણમાં સમતુલા સ્થાપવી. આ માટે ગીચ વસ્તીવાળા પ્રદેશોમાંથી વસ્તીને ઓછી વસ્તીવાળા પ્રદેશમાં સ્થળાંતર કરે તે માટે પ્રલોભનો ઊભાં કરવાં.

4. વસ્તીની આયુમર્યાદા તથા વ્યાવસાયિક માળખામાં સુધારા કરવા.

5. વસ્તીનો ઝડપી આર્થિક-સામાજિક વિકાસ સાધવો. પછાત જાતિ-જનજાતિ વગેરેનો વિકાસ થાય તે માટે આયોજન કરવું. સમગ્ર વસ્તીની માથાદીઠ આવકમાં વધારો કરી લોકોનું જીવનધોરણ ઊંચું લાવવું.

ભારતમાં આજે ઊંચા જન્મપ્રમાણ અને નીચા મૃત્યુપ્રમાણને લીધે મોટાં કુટુંબો જોવા મળે છે, તેથી કુટુંબ-નિયોજન દ્વારા ભારત વધુમાં વધુ ચાર સભ્યોવાળા કુટુંબની હિમાયત કરે છે. આ પ્રયાસમાં ભારત જો સફળતા મેળવી શકશે તો ભારતની વસ્તી સ્થિર થઈ શકશે.

1951માં દર 1000ની વસ્તીએ જન્મપ્રમાણદર 40 જેટલો હતો, તે ઘટીને 1993માં દર 1000ની વસ્તીએ 28.5 જેટલો થયો છે; જ્યારે 2001માં દર 1000ની વસ્તીએ જન્મપ્રમાણનો દર 26.1 થયો છે. જન્મપ્રમાણ ઘટાડવા ભારત સરકારે એપ્રિલ 1972થી ગર્ભપાતનો કાયદો અમલમાં મૂક્યો છે; પરંતુ વંશવૃદ્ધિ અને સામાજિક પ્રશ્નોને કારણે સ્ત્રી-ભ્રૂણની હત્યાનું પ્રમાણ વધી ગયું છે. તેને પરિણામે ભવિષ્યમાં સ્ત્રી અને પુરુષોના પ્રમાણમાં મોટો ફેરફાર થશે તે બાબતને લક્ષમાં રાખીને ગર્ભપાતના કાયદામાં ફેરફાર કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત કાયદા દ્વારા સ્ત્રીની ઓછામાં ઓછી લગ્નવયમર્યાદા 18 વર્ષ અને પુરુષોની 21 ઠરાવવામાં આવી છે, તથા બાળલગ્ન અને ઓછી વયનાં લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુ બાળકો ધરાવતા સરકારી કર્મચારીઓની બઢતી પર તથા અન્ય લાભો પર પણ રોક લગાવવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.

ભારતે કુટુંબ-નિયોજનની નીતિ અમલમાં મૂકેલી હોવા છતાં માત્ર ત્રીજા ભાગનાં દંપતી જ કુટુંબ-નિયોજનનાં સાધનોનો ઉપયોગ કરે છે. ભારતમાં નિરક્ષરતા, ગરીબાઈ, ઊંચું બાળમૃત્યુપ્રમાણ તથા વધુ ગ્રામીણ વસ્તી જેવાં પરિબળોને લીધે કુટુંબ-નિયોજનની નીતિ અંશત: સફળ થઈ છે. જાપાનની જેમ સ્વૈચ્છિક દૃષ્ટિએ લોકો જ વસ્તીઘટાડા માટે સરકારને સહકાર આપે તો જ ભારતની વસ્તીનીતિ સફળ થઈ શકે એમ છે.

વસ્તી-શિક્ષણ

વસ્તીના બદલાતા ઘટકો અને તેનાથી સર્જાતાં પરિણામોને પહોંચી વળવા માનવજાત માટે ઉપલબ્ધ વિકલ્પોની સમજ. વધતી જતી વસ્તીની જરૂરિયાતો કઈ રીતે પૂરી પાડવી, તેમના જીવનની ગુણવત્તા કઈ રીતે જાળવવી તથા કુદરતી સાધનોના થતા બેફામ વ્યયને રોકવા શું કરવું તે અંગેનું શિક્ષણ. વધતી જતી વસ્તી એ વિશ્વના દેશોનો પ્રાણપ્રશ્ન બની રહેલો છે. વસ્તીવિસ્ફોટથી સર્જાતી ભીષણ સમસ્યાઓ પરત્વે ભાવિ પ્રજાને સજાગ કરવાની આવશ્યકતા ઊભી થયેલી છે અને તે માટે વસ્તી-શિક્ષણ આપવું જરૂરી બન્યું છે.

યુનેસ્કોએ પણ વસ્તી-શિક્ષણને મહત્ત્વ આપતાં જણાવ્યું છે કે ‘વસ્તી-શિક્ષણ એ એક એવો શૈક્ષણિક કાર્યક્રમ છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર બધા જ વિશ્વની વસ્તી-પરિસ્થિતિ પ્રત્યે બૌદ્ધિક અભિગમ કેળવે અને જવાબદારીભર્યું વર્તન કરતાં શીખે’. પૉપ્યુલેશન રેફરન્સ બ્યૂરો પ્રમાણે, વસ્તી-શિક્ષણ માનવ-વસ્તી-વિસ્ફોટની વ્યક્તિ, કુટુંબ, સમાજ અને પર્યાવરણ પર થતી અસર; ઝડપથી બદલાતી વસ્તીની ઘનતા અને વિતરણ વગેરેનો ખ્યાલ સ્પષ્ટ રીતે રજૂ કરે છે.

વસ્તીશિક્ષણના હેતુઓ :

1. વસ્તી-રચના અંગેની પાયાની સમજણ આપવી. વિશ્વવસ્તીના સંદર્ભમાં દેશના વસ્તીવધારાનો દર તેમજ તેનું માળખું સમજાવવું.

2. વર્તમાન વસ્તીની લાક્ષણિકતાનું મહત્ત્વ અને ભાવિ જીવનની ગુણવત્તાનો ખ્યાલ આપવો. આર્થિક વિકાસ અને સ્વાસ્થ્ય, શિક્ષણ, રહેઠાણ, ખોરાક અને જીવનની ઇતર સુવિધાઓની ગુણવત્તા ટકાવવાની સમજ આપવી.

3. વર્તમાન સંદર્ભમાં કુટુંબ-નિયોજનના ફાયદા સમજાવવા.

4. વધુ બાળકોને જન્મ આપતી માતાના તેમજ શિશુના સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે તેની સમજ આપવી.

5. દેશની જરૂરિયાતને લક્ષમાં રાખીને કુટુંબ-નિયોજન અને કુટુંબ-કલ્યાણના કાર્યક્રમની જાણકારી આપવી.

વસ્તીશિક્ષણનું કાર્યક્ષેત્ર : વસ્તી-શિક્ષણના અભ્યાસમાં વસ્તી-વધારાના વલણની માનવજીવનનાં વિવિધ પાસાંઓ પર પડતી અસરોના અભ્યાસનો સમાવેશ થાય છે. વસ્તી માનવજીવનના સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાંને સ્પર્શે છે; એટલું જ નહિ, તેમાં પરિવર્તન પણ લાવે છે તેમજ તેની ગુણવત્તા પર પણ અસર પહોંચાડે છે. આ રીતે જોતાં વસ્તી-શિક્ષણનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તેમાં માનવજીવનની ગુણવત્તાને સ્પર્શતા અન્ન, વસ્ત્ર, આવાસ, રોજગારી, બાળઉછેર, સ્વાસ્થ્ય-સુવિધા, શિક્ષણ અને મનોરંજનનાં સાધનો જેવા વિષયોનો અભ્યાસ કરવાની તક મળે છે.

વસ્તી-શિક્ષણમાં જીવનની ગુણવત્તા, વસ્તીની ઘનતા, રચના અને વિતરણનો અભ્યાસ કર્યા બાદ વધતી જતી વસ્તીના કારણે પર્યાવરણ પર પડતી અસરનો ખ્યાલ મળે છે. આમ વસ્તી-શિક્ષણ મેળવતો વિદ્યાર્થી પર્યાવરણ અને માનવ વચ્ચેનો સંબંધ સમજી શકે છે. કુદરતી સંપત્તિ ખૂટી પડે એવી સ્થિતિ ન સર્જાય તે માટે સજાગ રાખવાનો હેતુ પણ તેમાં રહેલો છે. ટૂંકમાં, કુદરતી પર્યાવરણને હાનિ પહોંચાડ્યા વગર માનવ પોતાના જીવનની ગુણવત્તા કઈ રીતે જાળવી શકે કે સુધારી શકે તેનો ખ્યાલ આ અભ્યાસક્રમ દ્વારા મેળવી શકાય છે.

ગરીબી, બેકારી અને અજ્ઞાન આપણી પ્રગતિમાં કઈ રીતે અવરોધરૂપ બને છે તેનો અભ્યાસ વસ્તી-શિક્ષણમાં થાય છે. પરંપરાગત રૂઢિચુસ્ત પ્રણાલિકાઓને તિલાંજલિ આપવી જોઈએ, તેની સમજ પણ આ અભ્યાસ દ્વારા મળી રહે છે.

વસ્તીશિક્ષણ અને યુવાપેઢી : વસ્તી-શિક્ષણનો મુખ્ય હેતુ એવી પેઢી તૈયાર કરવાનો છે, જે વધુ પ્રગતિશીલ તેમજ જવાબદારીભર્યું વલણ દાખવે; નાના કુટુંબનું મહત્ત્વ અને ફાયદા સમજે તથા સમાજના નવઘડતરમાં સહાયરૂપ થાય.

લગ્નની નાની વય, પુત્રપ્રાપ્તિની ઘેલછા, દહેજપ્રથા, સ્ત્રીઓ પર થતા અત્યાચાર જેવાં સામાજિક દૂષણોનો અંત લાવવાનું યુવાનો માટે શક્ય છે; કારણ કે વસ્તી-શિક્ષણના માધ્યમ દ્વારા ભાવિ પેઢીને તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. સ્ત્રી અને પુરુષ સાચા અર્થમાં સહચર બને અને કૌટુંબિક તેમજ સામાજિક જવાબદારીઓ ઉપાડી લે તો સુખી કુટુંબનું સ્વપ્ન સાકાર થતાં વાર ન લાગે. જેમ વિજ્ઞાને મૃત્યુદર ઘટાડવામાં મદદ કરી છે તેમ વિજ્ઞાન જન્મદર ઘટાડવામાં પણ મદદ કરશે, એવી શ્રદ્ધા યુવાપેઢીમાં જાગે તો વસ્તી-વિસ્ફોટના બિહામણા પ્રલયમાંથી માનવજાતને ચોક્કસ ઉગારી શકાય. આજનો યુવાન કુદરત સાથે સમન્વય સાધી, પ્રદૂષણના પ્રશ્નો હલ કરે અને કુદરતી સંપત્તિને ટકાવવા વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ કરે તે જરૂરી છે. એમાં આ શિક્ષણ ઉપકારક છે.

વસ્તી-શિક્ષણ અંગે જેમનું વધુ પ્રદાન રહ્યું છે એવા વિદ્વાનોમાં વસ્તી-શિક્ષણના પિતા ગણાતા પ્રો. સ્લોન વેલેન્ડ, પ્રો. વિડરમૅન, વી. કે. આર. વી. રાવ, ડૉ. શેષાગિરિ રાવ અને શ્રીમતી આવાબાઈ વાડિયાનો સમાવેશ કરી શકાય.

ટૂંકમાં, વસ્તી-શિક્ષણ માત્ર વસ્તીના આંકડાઓ પૂરતું જ મર્યાદિત ન રહેતાં માનવજીવનની ગુણવત્તાના અભ્યાસ સુધી વિસ્તરેલું છે.

વસ્તીગણતરી

અમુક નિયત સમયગાળા માટેનું લોકવસ્તી અંગેનું આબેહૂબ આંકડાકીય ચિત્ર. વસ્તીગણતરી માટે અંગ્રેજી ભાષામાં વપરાતો ‘census’ શબ્દ મૂળ લૅટિન ભાષાનો છે, જેનો અર્થ માપ કાઢવું-મૂલ્યાંકન કરવું (to assess અથવા to rate) એવો થાય છે. ઈ. પૂ. બીજા કે ત્રીજા સૈકામાં રોમમાં ત્યાંના ન્યાયાધીશો કરવેરા નાખવા માટે તેમજ પુખ્ત વયના સશક્ત પુરુષોને લશ્કરી સેવામાં ફરજિયાત સામેલ કરવા માટે લોકવસ્તીનો અંદાજ મળી રહે તે હેતુથી ચોક્કસ વિસ્તારોમાં વસ્તીગણતરી કરાવતા. એવું પણ માનવામાં આવે છે કે ઈ. પૂ. ત્રીસમા સૈકામાં બૅબિલૉન, ચીન અને ઇજિપ્તમાં પણ વસ્તીગણતરી થતી હતી. ઈસુ ખ્રિસ્તના સમય અગાઉ દેવદૂત મોઝેસે ઇઝરાયલના સૈનિકોની ગણતરી કરેલી હોવાનો ઉલ્લેખ ‘જૂના કરાર’-(Old Testaments)માં જોવા મળે છે. 1086માં વિલિયમે અંગ્રેજોની મિલકતની આંકણી કરવા, જ્યારે ચંગીઝખાને બારમી સદીમાં લોકો પાસેથી કર મેળવવા વસ્તીગણતરી કરાવી હતી.

ભારતમાં ઈ. પૂ. ત્રીજા સૈકામાં મૌર્ય સામ્રાજ્યમાં વસ્તીગણતરી થતી હોવાનો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળે છે. કૌટિલ્યે વસ્તીગણતરીના સિદ્ધાંતો, પદ્ધતિઓ તેમજ વસ્તીગણતરીના આંકડા એકત્ર કરવાની રાજનીતિની પણ છણાવટ કરેલી છે.

વસ્તીગણતરી એ સંસ્કૃત માનવસમાજ માટે કોઈ નવો અનુભવ નથી. માનવજાતનો સર્વપ્રથમ પ્રયાસ માનવ-પ્રવૃત્તિઓને વ્યવસ્થિત કરવા માટેનો હતો. પ્રાચીન સમયમાં રાજાઓ માટે તેમના વિસ્તારનું રક્ષણ કરવા તેમજ નવી નવી વસાહતો કે મુલક જીતવા માટે સશક્ત યુવાનોનું સૈન્ય એકઠું કરવાની આવશ્યકતા હતી. વસ્તીગણતરીની જરૂર આ કારણે ઊભી થઈ હોવાનું મનાય છે.

પ્રાચીન ભારતના સુવર્ણયુગમાં વસ્તીગણતરી થતી હતી, પરંતુ મધ્યયુગમાં માત્ર ભારતમાં જ નહિ, વિશ્વમાં પણ અરાજકતા પ્રવર્તેલી; રાજ્યો-રાજ્યો વચ્ચે સંઘર્ષો થતા રહેલા, તેથી વસ્તીગણતરીનું કાર્ય બંધ પડી ગયેલું, કારણ કે વસ્તીગણતરીનું કાર્ય શાંત સમયમાં સારી રીતે થઈ શકે છે.

સોળમી સદીમાં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રભુત્વ ક્રમશ: વધતું ગયેલું. સંરક્ષણ, મહેસૂલ અને કર-વસૂલાત, વેપાર-વાણિજ્ય-વ્યવસાયમાં વસ્તીની રોજગારી તેમજ માનવ-સંપત્તિના પૂરેપૂરા ઉપયોગ માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વસ્તીગણતરીની આવશ્યકતા જણાઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સનંદી નોકરવર્ગ દ્વારા વસ્તીગણતરીનું કામ થયેલું. ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી જ્યારે બ્રિટિશ સરકારે સત્તા હસ્તગત કરી ત્યારે વસ્તીગણતરીના કામને સુધારવાનું અને તેને આગળ ધપાવવાનું બાકી હતું. આ જ સમયગાળા દરમિયાન એટલે કે 1801માં ઇંગ્લૅન્ડમાં પણ વસ્તીગણતરીનું કામ શરૂ થયેલું. 1830માં હેન્રી વૉલ્ટેરે ભારતમાં સર્વપ્રથમ વાર ઢાકા શહેરની વસ્તીગણતરી કરાવેલી; ભારતમાં શહેરી વસ્તીગણતરી કર્યાની આ સર્વપ્રથમ ઘટના ગણી શકાય. તેમાં વસ્તીનું જાતિ-પ્રમાણ, વયજૂથનાં વર્ગીકરણ, આવાસો, બાંધકામ અને તેના પ્રકાર, મજલા, અન્ય સુવિધાઓ વગેરેનું વર્ગીકરણ, હોટેલો અને સંસ્થાઓમાં રહેતી વસ્તી તેમજ 132 જ્ઞાતિ-વ્યવસાયો વગેરેનું પણ વર્ગીકરણ કરવામાં આવેલું. 1931ની વસ્તી-ગણતરીમાં બ્રિટનના સમાજશાસ્ત્રી વેરિયર એલ્વિને ભારતમાં વસતા આદિવાસીઓને હિન્દુ ગણવા જોઈએ એવો નિર્દેશ કર્યો હતો.

વસ્તીગણતરીના આ પ્રકારના પ્રયાસમાંથી ભારતમાં દર દસ વર્ષે વસ્તીગણતરી કરવાના કાર્યનો જન્મ થયો. 1865માં તત્કાલીન ભારત સરકારે 1871માં સામાન્ય વસ્તીગણતરી યોજવી જોઈએ એ બાબતનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો; તે વર્ષે ભારતમાં કેટલાક ભાગની વસ્તી-ગણતરી થઈ પણ ખરી. 1881માં સમાન ધોરણે આધુનિક પ્રકારની કહી શકાય એવી વસ્તીગણતરી હાથ ધરાઈ; તેને ભારતની પ્રથમ રાષ્ટ્રીય વસ્તીગણતરી તરીકે ઘટાવી શકાય. તે પછીથી દર દસ વર્ષે ભારતમાં વસ્તીગણતરી થતી રહી છે.

આફ્રિકા ખંડના દેશો પૈકી સર્વપ્રથમ વસ્તીગણતરી ઇજિપ્તમાં 1897માં થઈ હતી. 1920 પછી પણ આફ્રિકામાં વસ્તીગણતરીના ઘણા પ્રશ્નો છે, તેથી ત્યાં બે તબક્કે સેમ્પલ-સર્વે હાથ ધરવામાં આવે છે. પૂર્વ આફ્રિકા સિવાયના ત્રીજા વિશ્વના દેશોમાં વસ્તીગણતરી વ્યવસ્થિત રીતે થતી નથી. ઇથિયોપિયા અને વિષુવવૃત્તીય આફ્રિકી દેશો હજી ઘણાં વર્ષો સુધી વસ્તીગણતરી યોજી શકે તેમ નથી. એ જ રીતે અફઘાનિસ્તાન, ભુતાન, લાઓસ, લેબેનૉન, વિયેટનામ, યેમેન અને સોમાલી રિપબ્લિકમાં પણ વસ્તીગણતરી થઈ શકી નથી. લૅટિન અમેરિકામાં પણ વસ્તીગણતરી માટેના, આફ્રિકા જેવા જ પ્રશ્નો રહેલા છે. આર્જેન્ટિના અને બ્રાઝિલમાં અનુક્રમે 1869 અને 1872માં વસ્તીગણતરીનો પ્રારંભ થયો હતો. બોલિવિયા, ઇક્વેડૉર, તુર્કી અને ઇજિપ્તમાં પણ વસ્તીગણતરીનો પ્રારંભ 1950ના સમયગાળામાં થયો હતો. સાઉદી અરેબિયામાં વસ્તીગણતરીનો પ્રારંભ 1962માં થયો હતો, જ્યારે ઈરાની અખાતના નાના દેશોમાં સંપૂર્ણ વસ્તીગણતરી હાથ ધરાતી નથી. યુ.એસ. (1790), રશિયા (1897), કૅનેડા (1920), ન્યૂઝીલૅન્ડ (1851), ઑસ્ટ્રેલિયા (1881) અને જાપાન(1920)માં વસ્તીગણતરીનો પ્રારંભ થયો હતો.

ભારતમાં વસ્તીગણતરીનું કાર્ય ફક્ત વસ્તીની સંખ્યા ગણવા પૂરતું મર્યાદિત નથી. ભારતમાં વસ્તીગણતરી સાથે વસ્તીનાં બીજાં અનેક પાસાં જેવાં કે વિવિધ ભાષાઓ, જ્ઞાતિઓ, સંસ્કૃતિ, ધર્મો, આર્થિક પ્રવૃત્તિઓ તથા વસ્તીને લગતા અભ્યાસના પાયારૂપ બાબતોની માહિતી પણ એકત્રિત કરાય છે.

ભારતમાં 1948માં દર દસ વર્ષે વસ્તીગણતરીને ફરજિયાત બનાવતો ‘સેન્સસ ઍૅક્ટ’ પસાર કરવામાં આવેલ છે. 1961ની વસ્તીગણતરી બાદ વસ્તીગણતરી કાર્યાલયને કાયમી સ્વરૂપ અપાયું છે. વસ્તીગણતરી એ કેન્દ્ર સરકારનો વિષય છે. આ માટે રાષ્ટ્રીય કક્ષાએ રજિસ્ટ્રાર જનરલ ઍન્ડ સેન્સસ કમિશનર ઑવ્ ઇન્ડિયાના આધિપત્ય હેઠળ સેન્સસ કમિશનરનું કાર્યાલય આ કામગીરી કરે છે. રજિસ્ટ્રાર જનરલને વહીવટી અને ટેક્નીકલ બાબતોમાં મદદરૂપ બનવા નાયબ અને મદદનીશ રજિસ્ટ્રાર જનરલો નીમવામાં આવે છે. રજિસ્ટ્રાર જનરલની કચેરીમાં વિવિધ વિભાગો પાડવામાં આવ્યા છે. દરેક વિભાગ ભાષા, સામાજિક અભ્યાસ, નકશાશાસ્ત્ર જેવાં વસ્તીગણતરીનાં મહત્ત્વનાં અંગોના નિષ્ણાતો દ્વારા જરૂરી કામગીરી સંભાળે છે. વસ્તીગણતરીના કાર્ય અંગેની નીતિના દરેક પ્રશ્નો રાષ્ટ્રીય સ્તરે નક્કી થાય છે. રાજ્યકક્ષાએ નિયામક, વસ્તીગણતરીનું તંત્ર સેન્સસ-કમિશનરને આધીન રહીને કાર્ય કરે છે. તેમના દ્વારા વસ્તીગણતરીના આંકડા એકત્રિત કરાય છે. દરેક રાજ્યમાં વસ્તીગણતરીનું કાર્ય રાજ્ય-સરકારના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. દરેક જિલ્લામાં જિલ્લા-વહીવટીતંત્રના વડાની સેન્સસ-અધિકારી તરીકે નિમણૂક કરાય છે. તેમના દ્વારા મામલતદારોની નિમણૂક વસ્તીગણતરીના અધિકારી તરીકે થાય છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન, નગરપાલિકાઓ, જંગલ તળેનાં ગામડાં, રેલવે-કૉલોની વગેરે વિસ્તારો માટે સ્થાનિક સંસ્થાના વડાઓની વસ્તીગણતરી-અધિકારી તરીકે નિમણૂક કરાય છે.

જુદાં જુદાં ખાતાંના કર્મચારીઓને ગણતરીદારો તરીકે નીમી તેમની મારફતે વસ્તીગણતરીનું કાર્ય કરાવવામાં આવે છે. મોટેભાગે આ કર્મચારીઓમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન, નગરપાલિકાઓ, નગરપંચાયતોનો કર્મચારીવર્ગ તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકો, મહેસૂલખાતાના તલાટીઓની મદદ લેવાય છે. સેન્સસ કમિશનરની કચેરી તરફથી રાજ્યકક્ષાના તંત્રને તથા રાજ્યકક્ષાના તંત્ર તરફથી જિલ્લા કક્ષાના તંત્રને વસ્તીગણતરી અંગેની તાલીમ અપાય છે.

વસ્તીગણતરીનું ક્ષેત્રકાર્ય નિશ્ચિત સમયમાં પૂર્ણ થયા બાદ તેને લગતું બધું જ દફતર (રેકર્ડ) રાજ્યકક્ષાના નિયામકશ્રીની કચેરી ખાતે એકત્રિત કરાય છે. વસ્તીગણતરીની રાજ્યકક્ષાની કચેરી આ એકત્રિત કરેલી માહિતી સંકલન તથા વર્ગીકરણ માટે સારણી-કાર્યાલય(‘ટેબ્યૂલેશન-ઑફિસ’)ને સોંપે છે. રાજ્યકક્ષાએ આ માહિતીની ચકાસણી કરાય છે. તે પછીથી પ્રકાશન માટેની તૈયારી થાય છે.

વસ્તીગણતરીનું સમગ્ર કાર્ય ઝીણવટપૂર્વક ગોઠવાતું હોય છે. તેની કોઈ પણ હકીકત પ્રત્યે દુર્લક્ષ સેવાતું નથી. સામાન્ય રીતે તો વસ્તી-ગણતરીના ક્ષેત્રકાર્ય માટે સ્થાનિક વહીવટી માળખું જ વધુ અનુકૂળ પડે છે. રાજ્યના સમગ્ર વિસ્તારને ગણતરીદારોના વિભાગોમાં વહેંચી નાખવામાં આવે છે. ગણતરી માટેના દરેક બ્લૉકને ગણતરીદારની હકૂમત (ચાર્જ) હેઠળ મુકાય છે, જે તે બ્લૉકમાં ગણતરીનું કાર્ય કરવાની જવાબદારી તેને સોંપાય છે. ગણતરી માટેના બ્લૉક બનાવતી વખતે બ્લૉકની હદ સ્પષ્ટપણે અંકિત કરવામાં આવે છે, જેથી કોઈ એક ગણતરીદાર નજીકના બીજા ગણતરીદારની હદમાં ગણતરી ન કરે. ગણતરીનું કાર્ય પૂરું કરવાની સમયમર્યાદા, પ્રશ્નોત્તરીમાં આવરી લેવાયેલ વિગતો, રહેણાકનો પ્રકાર, વસ્તીગીચતા વગેરે જેવી અનેક બાબતો ધ્યાનમાં લઈને, ગણતરીદારના બ્લૉકનું આદર્શ કદ કેટલું હોવું જોઈએ, તે અગાઉથી નક્કી કરવામાં આવે છે; ઉદાહરણ તરીકે, 1971ની વસ્તીગણતરી માટે ગ્રામવિસ્તારમાં આદર્શ બ્લૉકનું કદ 750થી 1000 વ્યક્તિઓને આવરી લેતું તથા શહેરી વિસ્તારમાં તે 600થી 750 વ્યક્તિઓને આવરી લેતું નક્કી કરેલું અથવા તો ગામને જુદા જુદા 125થી 150 ઘરના બ્લૉકમાં તથા શહેરી વિસ્તારને 100થી 150 ઘરના બ્લૉકમાં વહેંચવામાં આવેલું. આ કદ જરૂરિયાત પ્રમાણે વધારી-ઘટાડી શકાય; આ માટે ગ્રામવિસ્તારમાં 600થી 1150 વ્યક્તિઓ તથા શહેરી વિસ્તારમાં 500થી 850 વ્યક્તિઓ સુધી છૂટછાટ મૂકવામાં આવેલી.

વસ્તીગણતરી-અધિકારીને ઘરબાર વગરના લોકોની પણ માહિતી એકત્રિત કરવી પડે છે. ઘરબારવિહીન લોકો ક્યાં ક્યાં વસે છે તેની નોંધ ગણતરીદારો રાખે છે, નિયત સમયે જે તે સ્થળે માણસો હોવાનું માલૂમ પડે તો ત્યાં તેમની નોંધ કરવામાં આવે છે. હોડીઓ, વહાણો કે સ્ટીમરોમાં હોય તેમની પણ નોંધણી કરવામાં આવે છે.

વ્યક્તિગત સ્લિપ એ વસ્તીગણતરીનું મુખ્ય પત્રક છે, જે દરેક વ્યક્તિ માટે ભરવામાં આવે છે. તેમાં પ્રશ્નો તેમજ અમુક પ્રશ્નોના પેટાપ્રશ્નો પણ હોય છે. 2001ની વસ્તીગણતરી વખતે વ્યક્તિગત માહિતી મેળવવામાં આવેલી.

પ્રત્યેક વ્યક્તિ અંગેની આ માહિતી એકત્ર કરી, તેને સારણીબદ્ધ કરીને સમગ્ર રાજ્યની વસ્તી-વિગત મેળવાય છે. તેના આધારે વસ્તી અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે. આ રૂપરેખામાં વસ્તીનું કદ, તેની વહેંચણી અને ગીચતા-વૃદ્ધિ, ગ્રામ-વસ્તી, શહેરી વસ્તી, તેમાં નોંધાયેલો વધારો-ઘટાડો, જાતિપ્રમાણ, અક્ષરજ્ઞાન જેવી હકીકતોને આવરી લેવાય છે. આ ઉપરાંત માતૃભાષા, ધર્મ, રોજગાર વગેરે હકીકતોનો પણ તેમાં સમાવેશ થાય છે. વળી સમાજના નબળા વર્ગો (અનુસૂચિત જાતિ અને જનજાતિ) અંગેની માહિતી મેળવી શકાય છે. અક્ષરજ્ઞાન દ્વારા, સામાજિક આવાસોની સુખ-સગવડોને આધારે આર્થિક સ્તર નક્કી કરી શકાય છે.

ભારતની વસ્તીગણતરીનું વિરાટ વહીવટી કાર્ય સામૂહિક સહકારથી પાર પડાય છે. આ કાર્યની સફળતા માટેનો યશ નાગરિકોના સહકાર, ક્ષેત્રકાર્ય કરતા માનાર્હ કાર્યકરોના સમુદાયને ફાળે જાય છે.

ઘરનોંધણી

1. ઘરના બાંધકામમાં ખાસ કરીને દીવાલમાં અને છાપરાના બહારના ભાગમાં વપરાયેલ મુખ્ય સામગ્રી.

2. જો ઘર આખું કે અંશત: રહેઠાણ તરીકે વપરાતું હોય તો –

(i) કુટુંબના વડાનું નામ; (ii) કુટુંબ અનુસૂચિત જાતિ/જનજાતિનું હોય તો જાતિ/જનજાતિનું નામ; (iii) કુટુંબના કબજામાં આવેલા રહેણાકના ઓરડાની સંખ્યા; (iv) કુટુંબ પોતાની માલિકીના ઘરમાં રહે છે કે ભાડેથી ? (v) નોંધણી-દિવસે એ કુટુંબમાં સામાન્ય રીતે રહેતા સભ્યોની કુલ સંખ્યા અને સ્ત્રી-પુરુષની સંખ્યા; (vi) એ કુટુંબ કોઈ જમીન ખેડે છે ?

ધંધાના એકમની નોંધણી (Establishment Schedule) :

1. ધંધાના એકમનું કે તેના માલિકનું નામ;

2. ધંધાનું એકમ સરકારી છે, અર્ધ-સરકારી છે; સહકારી સંસ્થા છે કે ખાનગી છે ?

3. છેલ્લા અઠવાડિયા કે કામની છેલ્લી મોસમમાં તેમાં દરરોજ કામ કરનારની સરેરાશ સંખ્યા;

4. જો એ એકમમાં કોઈ ઉત્પાદન, પ્રક્રમણ કે સર્વિસિંગ થતું હોય તો –

(i) એ ગૃહઉદ્યોગ છે, રજિસ્ટર્ડ કારખાનું છે કે રજિસ્ટર્ડ થયા વગરનું છે.

(ii) એમાં થતી મુખ્ય પ્રવૃત્તિ-ઉત્પાદન થતી વસ્તુ/વસ્તુઓ, પ્રક્રમણ કે સર્વિસનું વર્ણન;

(iii) વપરાતા બળતણ કે ઊર્જાનો પ્રકાર;

5. જો વેપારના એકમ તરીકે તે ઉપયોગમાં લેવાતું હોય તો –

(i) ખરીદાતા-વેચાતા મુખ્ય માલનું વર્ણન;

(ii) ખરીદ-વેચાણ જથ્થાબંધ છે કે છૂટક;

6. જો તે બીજા કોઈ ધંધાના એકમ તરીકે વપરાતું હોય તો તેનું વર્ણન.

વ્યક્તિગતપત્રક (individual slip)

1. વ્યક્તિનું નામ

2. કુટુંબના વડા સાથે તેનો સંબંધ

3. જાતિ (પુરુષ/સ્ત્રી)

4. ઉંમર

5. વૈવાહિક દરજ્જો

6. માત્ર પરિણીત સ્ત્રીઓ માટે

  (i) લગ્નસમયે ઉંમર

  (ii) છેલ્લા એક વર્ષમાં બાળકનો જન્મ થયો છે કે નહિ ?

7. જન્મસ્થળ

8. છેલ્લો વસવાટ

9. વસ્તીગણતરીના ગામ/શહેરમાં વસવાટની મુદત

10. ધર્મ

11. અનુસૂચિત જાતિ/જનજાતિ

12. અક્ષરજ્ઞાન (જે વ્યક્તિ ગમે તે ભાષામાં સમજપૂર્વક લખી-વાંચી શકે તેને ભણેલી ગણવામાં આવે છે.)

13. શિક્ષણનો સ્તર

14. માતૃભાષા

15. બીજી કોઈ ભાષાની જાણકારી

16. મુખ્ય પ્રવૃત્તિ : (i) વિસ્તૃત પ્રકાર – (અ) કામ કરનારા : શારીરિક/માનસિક પ્રવૃત્તિ દ્વારા કોઈ પણ આર્થિક ઉત્પાદનના કામમાં ભાગ લેવાની મુખ્ય પ્રવૃત્તિ. વ્યવસાય પ્રમાણે તે ખેડૂત/ખેતમજૂર/ગૃહઉદ્યોગમાં કામ કરે છે કે બીજા કોઈ કામમાં રોકાયેલા છે ?

(આ) કામ નહિ કરનારા : વેતનવિહીન ઘરકામ; વિદ્યાર્થીઓ; નિવૃત્ત; નાનાં બાળકો, વૃદ્ધો, અશક્ત જેવા આશ્રિતો; ભિખારીઓ, રખડુઓ અથવા જેની આવકનાં સાધનોનો નિર્દેશ મળતો નથી એવા; જેલ, શિક્ષાત્મક, ગાંડાની કે ધર્માદા-સંસ્થાના રહેવાસીઓ અને જેઓ કામની શોધમાં છે એવી વ્યક્તિઓ.

(ii) કામનું સ્થળ (ગામ/શહેર)

(iii) ધંધાના એકમનું નામ

(iv) ઉદ્યોગ, વેપાર, ધંધા કે નોકરીનો પ્રકાર

(v) કામનું વર્ણન

(vi) કામ કરનારાનો વર્ગ (એ કામે રાખનાર છે, નોકર છે, જાતે એકલો કામ કરે છે, કુટુંબનો કામ કરનાર છે વગેરેની નોંધ થાય છે.)

17. ગૌણ કામ : જો કોઈ વ્યક્તિ કોઈ આર્થિક કામમાં રોકાયેલી હોય તો જ ગૌણ કામ લાગુ પડે. ગૌણ કામ ઘણુંખરું ઓછા સમય માટે (part-time) હોય છે. ઉપરાંત, ‘મુખ્ય પ્રવૃત્તિ’ હેઠળ જે વિગતો એકઠી કરવામાં આવે છે, એ જ વિગતો ‘ગૌણ કામ’ માટે મેળવવામાં આવે છે.

વસ્તીની સમસ્યા :

વધતી જતી વસ્તીને કારણે ઉદ્ભવતા પ્રશ્નો. વિશ્વમાં વસ્તીના ઝડપી વધારાની સાથે સાથે વસ્તી માટે ખોરાક તેમજ અન્ય ચીજવસ્તુઓની જરૂરિયાતોની માંગ વધતાં કુદરતી સંપત્તિ પર દબાણ વધ્યું છે. વસ્તીની સમસ્યાઓને સમજવા તથા તેનો ઉકેલ મેળવવાના હેતુથી આજે ઘણા પ્રાકૃતિક, સામાજિક, આર્થિક વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો વસ્તી અને કુદરતી સંપત્તિ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે.

વિશ્વના બધા પ્રદેશોમાં વસ્તી અને સંપત્તિનું વિતરણ સમાન રીતે થયેલું નથી, તેથી પ્રદેશભેદે વસ્તીની સમસ્યા જુદા જુદા પ્રકારની હોય છે. વસ્તીની અગત્યની સમસ્યાઓ આ પ્રમાણે છે :

(1) વસ્તી અને ખોરાકનો જથ્થો

(2) વસ્તી અને પાણીપુરવઠો

(3) વૃદ્ધોની વધતી જતી સંખ્યા

(4) સ્ત્રી-પુરુષની વસ્તીનું અસંતુલન

(5) નિરક્ષરતા

(6) શહેરીકરણ

1. વસ્તી અને ખોરાકનો જથ્થો :

વિશ્વમાં દુષ્કાળ, રમખાણો કે યુદ્ધોના મૂળમાં પણ મુખ્ય સમસ્યા ખોરાકની છે. આજે તો વિશ્વની વસ્તીવૃદ્ધિનો દર ઘટ્યો છે, પણ ખોરાકની માંગ વર્ષોવર્ષ વધતી જાય છે. અલ્પવિકસિત દેશોની 2/3 વસ્તી અપૂરતા પોષણથી પીડાય છે. વિકાસશીલ દેશો વિશ્વની 70 % વસ્તી ધરાવે છે, પણ ખોરાકનું ઉત્પાદન માત્ર 40 % જેટલું જ કરે છે, તેમાંથી ખોરાકની તંગીની સમસ્યા ઉદ્ભવી છે.

જે દેશમાં લોકોની આવક વધુ હોય ત્યાં અનાજનો સીધો ઉપયોગ ઘટે છે, જ્યારે માંસનો ઉપયોગ વધે છે. ઉદાહરણ તરીકે, યુ.એસ.માં 112 કિલોગ્રામ જ્યારે ભારતમાં 2 કિલોગ્રામ માંસનો વપરાશ થતો જોવા મળે છે. માંસ-ઉત્પાદન માટે વધુ અનાજની જરૂર પડે તે સ્વાભાવિક છે.

વિશ્વના જે દેશોમાં વસ્તીવધારો ઝડપી છે ત્યાં ભૂખમરો પણ વધુ છે. ખોરાકની સાથે વસ્તીના આરોગ્યના પ્રશ્નો પણ સંકળાયેલા છે. પોષણયુક્ત આહારના અભાવને કારણે બાળમૃત્યુદર ઊંચો જાય છે અથવા તો બાળકો શારીરિક કે માનસિક રીતે નબળાં હોય છે.

વિશ્વના ખોરાકની તંગીમાં લોકોની ખોરાકની ટેવો પણ મોટો ભાગ ભજવે છે; જોકે તે માટે સામાજિક-ધાર્મિક કારણો પણ જવાબદાર હોય છે. ખોરાકની સમસ્યાનો ઉકેલ લાવવા જે તે દેશે ઉત્પાદન વધારવા ખાતર પડતર જમીનોને ઉપયોગમાં લેવી, ઉત્તમ બિયારણ, રાસાયણિક ખાતરો, યંત્રો, તથા ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ.

2. વસ્તી અને પાણીનો પુરવઠો :

વિશ્વમાં વિકસિત દેશોની સરખામણીમાં વિકાસશીલ અને અલ્પવિકસિત દેશોનું પ્રમાણ અધિક છે. વિકાસશીલ તેમજ અલ્પવિકસિત દેશો તેમની અતિવસ્તીને કારણે આર્થિક દૃષ્ટિએ સક્ષમ ન હોવાથી તથા ટૅક્નૉલૉજીનો ઉપયોગ ઓછો કરતા હોવાથી પાણીનો પ્રશ્ન હલ કરવા કુદરત ઉપર જ આધાર રાખવો પડે છે. કેટલાક દેશોમાં આજે પણ પીવાના પાણીનો પ્રશ્ન હલ કરી શકાયો નથી. ભારત વિકાસશીલ દેશો પૈકી આગળ પડતું સ્થાન ધરાવતો હોવા છતાં દર વર્ષે અનાવૃદૃષ્ટિ કે અતિવૃદૃષ્ટિનો ભય સતાવતો રહે છે. પાણીની તંગીને કારણે ખેતી અને ઉદ્યોગો પર પણ તેની અસર વરતાય છે.

3. વૃદ્ધોની વધતી જતી સંખ્યા :

વિશ્વમાં ચિકિત્સા તથા ઔષધિઓનું પ્રમાણ વધવાને કારણે મૃત્યુદરમાં ઘટાડો થતો જાય છે, તેથી આયુદર વધેલો જોવા મળે છે. આજે વિશ્વમાં 60 વર્ષથી વધારે ઉંમરની વિધવાઓની સંખ્યા 60 વર્ષથી વધુ ઉંમરના વિધુરો કરતાં વધુ છે. વિશ્વમાં સૌથી વધુ (12 કરોડ જેટલી) વૃદ્ધોની સંખ્યા ચીન ધરાવે છે; જ્યારે ભારતમાં તે આઠ કરોડ જેટલી છે. આવા વૃદ્ધોની સાર-સંભાળ, ભરણ-પોષણની જવાબદારી યુવા-વર્ગ પર આવે છે. પરિણામે વિકાસની બધી ઉપલબ્ધિઓ વૃદ્ધો પાછળ વાપરવી પડે છે. સરકારી પેન્શન પણ બોજારૂપ બને છે. તે આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે. વિકસિત દેશો કરતાં વિકાસશીલ અને અલ્પવિકસિત દેશોને તે વધુ અસર કરે છે.

4. સ્ત્રીપુરુષોની વસ્તીનું અસંતુલન :

ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં સ્ત્રી-પુરુષોની સંખ્યા-સમતુલાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ભારતમાં આજે સ્ત્રી-વર્ગના બાળકને જન્મતું અટકાવી દેવાનું વલણ વધુ પ્રચલિત બન્યું છે. પંજાબમાં આ કારણે જ સ્ત્રીઓનું પ્રમાણ 888 જેટલું નીચું જોવા મળે છે. નવી ટૅક્નૉલૉજીનો દુરુપયોગ થવા લાગે તો સ્ત્રીજાતિનું નિકંદન નીકળી જાય. આજની સ્ત્રીનો દરજ્જો પુરુષ સમકક્ષ બની શકે તેવા આર્થિક, સામાજિક અને રાજકીય પ્રયાસો હાથ ધરવા જોઈએ.

5. નિરક્ષરતા :

ત્રીજા વિશ્વનો અગ્રિમ પ્રશ્ન નિરક્ષરતા છે. ઓછામાં ઓછી નિરક્ષરતા લૅટિન અમેરિકામાં છે. આ વિસ્તારનો આ પ્રશ્ન કેટલેક અંશે સામાજિક, આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિને લીધે છે. ભારતની 52 % જેટલી વસ્તી સાક્ષર છે, પરંતુ સ્ત્રીઓની સાક્ષરતાનું પ્રમાણ 39 % જેટલું છે. શિક્ષણ, ભૌતિક વિકાસ, વૈજ્ઞાનિક-ટૅક્નિકલ વિકાસ અને સારું આરોગ્ય સામાજિક કલ્યાણ વગેરે માટેનો પાયો પૂરો પાડે છે. તે દેશના વિકાસમાં સહાયરૂપ બને છે. પરિણામે કેટલાક દેશોએ પ્રાથમિક શિક્ષણ તો કેટલાક દેશોએ માધ્યમિક કે ઉચ્ચશિક્ષણ મફત આપવાની જવાબદારી સ્વીકારી છે. ભારતમાં સામાજિક પ્રશ્નો હલ કરવા પ્રૌઢ-શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી છે.

6. શહેરીકરણની સમસ્યા :

ત્રીજા વિશ્વના દેશોમાં માત્ર કુલ વસ્તી જ વધે છે એવું નથી, સાથે સાથે શહેરી વસ્તીનો વિસ્ફોટ પણ જોવા મળે છે. વસ્તીની દૃષ્ટિએ ઝડપથી વિકસતાં શહેરો વિકસિત દેશોમાં નહિ, પરંતુ વિકાસશીલ દેશોમાં છે. શહેરી વિકાસ અનેક સમસ્યાઓ સર્જે છે. વિકાસશીલ દેશોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. ખેતીની જમીનો પર વસ્તીનું દબાણ વધી જતાં ગામથી શહેર તરફ સ્થળાંતર થતું જાય છે. શહેરીકરણથી રોજગારી, રહેઠાણ, નાગરિક સુવિધાઓ અને કેટલાક સામાજિક પ્રશ્નો પણ ઉદ્ભવે છે.

શહેરીકરણની સાથે તથા વધેલી વસ્તીની સાથે પ્રદૂષણની સમસ્યા વધુ વકરી છે. હવા, પાણી, ઘોંઘાટનું પ્રદૂષણ મુખ્ય છે. શહેરોમાં વસતા માનવીઓનું આરોગ્ય પણ નબળું જોવા મળે છે. તે હમેશાં તણાવભરી પરિસ્થિતિમાં જ જીવતા હોય છે. શહેરોમાં અવારનવાર ધાર્મિક કે ભાષાના પ્રશ્નો અનેક સંઘર્ષોને જન્મ આપે છે. આમ, આ બધાંનાં મૂળ વસ્તીવૃદ્ધિ સાથે સંકળાયેલાં છે.

નીતિન કોઠારી