વસ્તીવિદ્યા (Demography) : જીવન-મરણ, આરોગ્ય, વગેરે અંગેનું આંકડાશાસ્ત્ર. તે માનવવસ્તીના આંકડાશાસ્ત્ર (demography) તરીકે જાણીતું છે. તેમાં જન્મ-મરણના દર ઉપરાંત લોકોની હેરફેર અને વસ્તીના ફેરફાર પર અસર કરતાં પરિબળોનો અભ્યાસ પણ કરવામાં આવે છે.

1. વસ્તીવિદ્યાનો ઇતિહાસ અને તેનાં લક્ષણો : પૃથ્વી પર છેલ્લાં વીસથી પચીસ લાખ વર્ષોથી માનવજાતિ વસે છે એમ ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે. માનવજાતિના ઉત્પત્તિકાળથી તેની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ઈ. પૂ. 8000 સુધી માનવવસ્તીની સંખ્યા 2000થી 2500 લાખ જેટલી હશે એમ માનવામાં આવે છે. ઈ. સ. 1ની સાલમાં વિશ્વની માનવવસ્તી 2500 લાખ જેટલી હશે એવો અંદાજ આંકવામાં આવે છે. આ વસ્તીને 5000 લાખ (એટલે કે 50 કરોડ) થતાં લગભગ 1650 વર્ષ લાગ્યાં. ઈ. સ. 1850માં દુનિયાની માનવવસ્તી વધીને 100 કરોડ (એક અબજ) થઈ. આમ વસ્તીને એક અબજનો આંક વટાવતાં લાખો વર્ષનો સમય લાગ્યો. 1930માં માનવવસ્તી વધીને 200 કરોડ(બે અબજ)ની થઈ. એટલે કે 1850ની એક અબજની માનવવસ્તીને બમણી થતાં પૂરાં 80 વર્ષ લાગ્યાં. ઈ. સ. 2000ની સાલમાં વિશ્વની માનવવસ્તી 7 અબજનો આંક વટાવી ગઈ છે. આમ વસ્તીમાં થતો એકધારો વધારો વિશ્વના કેટલાક દેશો માટે એક સમસ્યા બની ગયો છે. અલબત્ત, દુનિયાના બધા દેશોમાં વસ્તીવધારાનો દર એકસરખો નથી. ભારત અને ચીન દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છે. વસ્તીના અભ્યાસીઓ વસ્તીવધારાના વાર્ષિક દરનો અંદાજ ટકાવારીમાં મેળવે છે. નીચે જણાવેલ કોષ્ટકમાં વસ્તીવધારાના દરની વાર્ષિક ટકાવારી અનુસાર વસ્તી બમણી થાય તે માટે લાગતાં સંભવિત વર્ષોની સંખ્યા દર્શાવવામાં આવી છે :

સારણી

વસ્તીવધારાનો દર માનવવસ્તીને બમણી થતાં
(ટકામાં) લાગતાં વર્ષોની સંખ્યા
1 70
2 36
3 24
4 18

ઉપરના કોષ્ટક પરથી જોઈ શકાશે કે જે દેશમાં વસ્તીવધારાના દરની ટકાવારી જેમ ઊંચી હોય તેમ દેશની વસ્તી બમણી થવાનો સમયગાળો ટૂંકો થતો જાય છે. 2001ની વસ્તીગણતરી અનુસાર ભારતદેશની વસ્તી 100 કરોડથી વધુ છે અને જો વસ્તીવધારાનો દર 2 ટકાથી ઓછો નહિ થાય તો અસાધારણ વસ્તીવધારાને કારણે દેશમાં અનેક સમસ્યાઓ ઊભી થવાની શક્યતા રહેલી છે.

દુનિયાની વધતી જતી માનવવસ્તીના નિભાવ અને નિર્ધારણ માટે અન્ન, મકાન તથા અન્ય પાયાની જરૂરિયાતોનું વ્યાપક ધોરણે ઉત્પાદન કરવું જરૂરી છે. વધુમાં ઉદ્યોગો, કારખાનાં, કૃષિ યંત્રો, માલવાહક વાહનોનું ઉત્પાદન તથા માલપરિવહન ઝડપી બને તે માટે રસ્તાઓનું બાંધકામ વગેરેનું આયોજન કરવું પડે. આ બધી સગવડો ઊભી કરવા માટે વધુ કોલસો, ખનીજ-તેલ અને વિદ્યુતશક્તિનો પુરવઠો જોઈએ. આ બધી ચીજોનો પુરવઠો પૂરો પાડવાની પૃથ્વીની ક્ષમતા વિશે પર્યાવરણવાદીઓ, વૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ અને અર્થશાસ્ત્રીઓને શંકા રહે છે. આમ દુનિયાની બેફામ વધતી વસ્તીને નાથવા અને નિયંત્રિત કરવા વિશ્વસંસ્થા UNO વધુ સતર્ક બની છે. આ સંજોગોમાં માનવકલ્યાણની બાબતોમાં આયોજન અને નીતિવિષય નિર્ણયો લેવા, આંતરવિદ્યાશાખાકીય (Inter disciplinary) અભિગમ ધરાવતા શાસ્ત્ર તરીકે વસ્તીવિદ્યાનો અભ્યાસ વધુ મહત્વનો અને પ્રસ્તુત બન્યો છે.

જેમ દરેક માનવીને પોતાનાં આગવાં લક્ષણો હોય છે તેમ માનવવસ્તીને પણ માનવીઓના એક સમૂહ તરીકે આગવાં લક્ષણો હોય છે. આમ જન્મદર, મરણદર, વિવાહ(લગ્ન)-દર, સ્થળાંતર(migration)-દર, વય-જૂથ અનુસાર વસ્તીનું વિતરણ, પ્રજોત્પત્તિ અને પ્રજનન-દર, વગેરે વસ્તીનાં લક્ષણો કહેવાય. આમ વસ્તીનાં કદ, આંતરિક સ્વરૂપ અને વિતરણમાં થતા ફેરફારો તથા તેના જન્મદર, મરણદર, પ્રજનન-દર, વિવાહ-દર, સ્થળાંતર અને ગતિશીલતા જેવાં લક્ષણો પર સમય અને પ્રદેશ અનુસાર એકત્રિત કરેલ માહિતીના આંકડાશાસ્ત્રીય અભ્યાસને વસ્તીવિદ્યા કહેવામાં આવે છે. કુદરતી, ભૌગોલિક, સાંસ્કૃતિક અને રાજકીય હદમાં આવતા પ્રદેશ(જેમ કે દેશ, રાજ્ય)માં અમુક નિશ્ચિત સમયે જીવિત હોય તેવા માનવોના સમૂહને વસ્તી (population) કહેવામાં આવે છે. જોકે વસ્તીના ઘટકો એટલે કે માણસોની આયુઅવધિ મર્યાદિત હોય છે, પરંતુ વસ્તીમાં તેના ઘટકોમાં જન્મ, મરણ અને સ્થળાંતરના કારણે થતા સતત ફેરફારોને આધીન વસ્તીની અમર્યાદિત આયુ-અવધિ (longetivity) એ વસ્તીનું વિશિષ્ટ લક્ષણ છે. વસ્તીવિદ્યાના આંકડાશાસ્ત્રીય અભ્યાસની શરૂઆત 1666માં જ્હૉન ગ્રૉન્ટે (John Graunt) કરી. ગ્રૉન્ટે કારણ અનુસાર થયેલાં મરણોની યાદી પરથી મળતી માહિતીનું પૃથક્કરણ કરી કુટુંબ અને એક ઘરમાં રહેતાં કુટુંબોના સમૂહ(house hold)નું સરેરાશ કદ અને વસ્તીનાં કદ અને સ્વરૂપ તથા તેના સ્થળાંતરમાં થતા ફેરફારોનો અભ્યાસ કર્યો. તેણે તથા તેના સમકાલીન સર વિલિયમ પેટ્ટી(William Petty)એ વસ્તીવિદ્યાના સઘન અભ્યાસ માટે જન્મ, મરણ, સ્થળાંતર જેવાં વસ્તીનાં લક્ષણો અંગે વ્યવસ્થિત માહિતી એકઠી કરવા એક કેન્દ્રીય સંસ્થાની કાયમી ધોરણે રચના માટે ભલામણ કરી. સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જાણીતા ખગોળશાસ્ત્રી એડમન્ડ હેલી(Edmand Halley)એ બ્રેસ્લો(Breslau)ના દેવળે કરેલી વસ્તીવિષયક નોંધનો અભ્યાસ કરી વિવિધ ઉંમર અનુસાર થતાં મરણની સંખ્યા નિશ્ચિત કરી જીવનકોષ્ટક (life table) રચી શકાય તેમ બતાવ્યું. અઢારમી સદીમાં ઉંમર અનુસાર મરણની એકત્રિત માહિતીના આધારે રિચર્ડ પ્રાઇસે (Richard Price) જીવન કોષ્ટકની રચના કરી. આ કોષ્ટકની મદદથી જીવનવીમાની શરૂઆત થઈ. ઈ. પૂ. 300ના અરસામાં કૌટિલ્યે તેના અર્થશાસ્ત્રના ગ્રંથમાં વસ્તીવિદ્યાના કેટલાક ખ્યાલોને આર્થિક વિકાસ સાથે સાંકળી મહત્વનું પ્રદાન કર્યું છે. આ ઉપરથી એમ કહી શકાય કે વસ્તીવિદ્યાના અભ્યાસનો ઇતિહાસ માનવીની સંસ્કૃતિ અને સભ્યતા જેટલો જ પ્રાચીન છે.

2. વસ્તીવિષયક માહિતી મેળવવાની રીતો : વસ્તીવિષયક માહિતી ત્રણ રીતે મેળવવામાં આવે છે : (i) વસ્તીગણતરીની રીત, (ii) જીવન ઘટનાઓની નોંધણીની રીત અને (iii) વસ્તીવિષયક નિદર્શ-સર્વેક્ષણની રીત.

(i) વસ્તીગણતરીની રીતમાં અમુક ચોક્કસ સમય માટે દેશમાં રહેતા લોકોની સંખ્યાની સંપૂર્ણ ગણતરી કરવામાં આવે છે. આ સંપૂર્ણ ગણતરીની રીત દેશની કાયદાકીય જોગવાઈ હેઠળ મોટાભાગના દેશોમાં દર દશ વર્ષે કરવામાં આવે છે. આ રીત દ્વારા જાતિ, ઉંમર, વૈવાહિક દરજ્જો, વ્યવસાય, ઉદ્યોગ, શિક્ષણ અને ધર્મ જેવાં વસ્તીનાં ચલ લક્ષણો વિશે માહિતી એકત્ર કરવામાં આવે છે.

આ રીતમાં વસ્તીની ગણતરી એક જ રાત્રિએ કરવામાં આવે છે. રાત્રિની પસંદગીનો દિવસ મહત્વના રાષ્ટ્રીય કે ધાર્મિક તહેવાર સિવાયનો સામાન્ય દિવસ હોય તેની કાળજી રાખવામાં આવે છે. આ દિવસની રાત્રિએ માણસો જ્યાં જ્યાં મળે ત્યાં ત્યાં તેની ગણતરી કરવામાં આવે છે. આ રીતમાં નિયત કરેલી રાત્રિએ મુસાફરી કરતા, દેશની સરહદો પર ફરજ બજાવતા, જંગલ કે પહાડી પ્રદેશમાં રહેતા લોકો તથા વિચરિત જાતિના લોકોની ગણતરી વ્યવસ્થિત રીતે થઈ શકતી નથી. વધુમાં આ રીતમાં એક જ રાત્રિએ લોકોની ગણતરી કરવાની હોવાથી મોટા પાયા પર તાલીમબદ્ધ અન્વેષકો (enumerators) રોકવા પડે છે. પરિણામે આ રીત ઘણી ખર્ચાળ છે. ભારતમાં આ રીતનો ઉપયોગ 1941 પહેલાંની વસ્તીગણતરીમાં થતો હતો. વસ્તીગણતરી કરવાની એક રાત્રિ રીતને અંગ્રેજીમાં ‘De facto’ રીત કહેવામાં આવે છે. વસ્તીગણતરી એક રાત્રિને બદલે નિયત કરેલ ત્રણ અઠવાડિયાંના ગાળામાં કરવામાં આવે છે. આ રીતને અંગ્રેજીમાં ‘De juge’ રીત કહેવામાં આવે છે. ગણતરીનો સમયગાળો લાંબો હોવાથી તાલીમબદ્ધ અન્વેષકો, ઓછા પ્રમાણમાં રોકવા પડે છે અને તેથી તે ઓછી ખર્ચાળ છે. ભારતમાં 1941ની વસ્તીગણતરીથી આ રીતનો અમલ થાય છે.

(ii) જીવન-ઘટનાઓની નોંધણીની રીતમાં જન્મ, મરણ અને લગ્ન જેવી જીવનની મહત્વની ઘટનાઓની નોંધણી જે તે દેશની કાયદાકીય જોગવાઈ હેઠળ ફરજિયાત ધોરણે દરેક કુટુંબના જવાબદાર માણસે તેના વિસ્તારમાં આવેલી કચેરીમાં કરાવવાની હોય છે. જન્મની નોંધણીમાં નવજાત શિશુનું નામ, જાતિ, જન્મ તારીખ, સમય, માતા-પિતાનું નામ તથા ઉંમર, શિશુના જન્મનો ક્રમ, સરનામું વગેરેની માહિતી આપવાની હોય છે. મરણની નોંધણીમાં મરનાર વ્યક્તિનું નામ, જાતિ, ઉંમર, મરણની તારીખ, મરણનું સ્થળ, વૈવાહિક દરજ્જો, વ્યવસાય, પિતા કે પતિનું નામ, મરણનું કારણ વગેરેની માહિતી દર્શાવવાની હોય છે. તે જ રીતે લગ્ન કરનાર પુરુષ-સ્ત્રીની નોંધણી લગ્નના સબ રજિસ્ટ્રારની કચેરીમાં કરવામાં આવે છે. જીવનની જન્મ, મરણ અને લગ્ન જેવી ઘટનાઓની નોંધણી પરથી જે તે કચેરી તેના હેવાલમાં જે તે વિસ્તારમાં બનેલી જન્મ, મરણ અને લગ્ન જેવી ઘટનાઓને પ્રસિદ્ધ કરે છે. આ ઉપરાંત હૉસ્પિટલો અને સ્વાસ્થ્યકેન્દ્રો પણ આ ઘટનાઓની નોંધ રાખી તેની વિગતો સરકાર દ્વારા સ્થાપિત કચેરીઓને મોકલે છે. ભારતમાં 1886ના કાયદા અનુસાર જન્મ, મરણ અને લગ્નની નોંધણી કરાવવાનું ફરજિયાત છે.

કેટલાક દેશોમાં જન્મ, મરણ અને લગ્ન ઉપરાંત જે તે વિસ્તારના લોકોનાં સ્થળાંતરની માહિતીની નોંધ પણ તૈયાર કરે છે. આ રીતે એકત્રિત થતી માહિતીને વસ્તી રજિસ્ટર કહેવામાં આવે છે.

(iii) વસ્તીવિદ્યા-વિષયક નિષ્ણાતો અથવા સરકાર-સ્થાપિત વસ્તીવિદ્યા-વિષયક સંસ્થાઓ બે વસ્તીગણતરી વચ્ચેના ગાળા દરમિયાન વસ્તીનાં મહત્વનાં લક્ષણોમાં થતા મહત્વના ફેરફારોનો વ્યવસ્થિત અને સઘન અભ્યાસ કરવા તથા જીવનઘટનાઓની નોંધણીમાં રહી જતી અપૂર્ણતાનો ક્યાસ કાઢવા વિશિષ્ટ પ્રકારના વસ્તીવિષયક નિદર્શ-સર્વેક્ષણો પ્રયોજે છે.

3. જાતિ અને ઉંમર અનુસાર વસ્તીનું બંધારણ : કોઈ પણ દેશની માનવવસ્તીની ઓળખ મુખ્યત્વે તેની જાતિ અને ઉંમરના રૂપમાં થાય છે. જાતિ (sex) એક એવું જૈવિક લક્ષણ છે કે જે માનવજાતનું પુરુષ અને સ્ત્રીમાં વિભાજન કરે છે. વ્યક્તિની જાતિ તેના જન્મ-સમયથી જ નક્કી થાય છે. વ્યક્તિની જાતિ નક્કી કરવામાં વિવિધ વિકલ્પનો નિયમ કામ કરતો હોવાથી વ્યક્તિની જાતિ નક્કી કરવામાં કોઈ મુશ્કેલી હોતી નથી. વસ્તીની સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યાને કુલ વસ્તીની ટકાવારીમાં વ્યક્ત કરવાની રીતને વસ્તીનું જાતિવાર વિતરણ (sex distribution) કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તીમાં જે તે સમયે સ્ત્રીઓ અને પુરુષોના સાપેક્ષ સંખ્યાબળને નક્કી કરવાના માપને જાતિ-ગુણોત્તર (sex-ratio) કહેવામાં આવે છે અને તેને સંકેત SR વડે દર્શાવાય છે. આમ

સાદો ગુણોત્તર SR વસ્તીના જાતિ-બંધારણને પર્યાપ્ત રીતે વ્યક્ત કરે છે. જે તે સમયના જાતિ-ગુણોત્તર સાથે સંબંધિત એવા માપને પુરુષોનું વસ્તીમાં પ્રમાણ કહેવામાં આવે છે અને તેનો સંકેત MP (proportion of males) છે. આમ

MPની વિશેષતા એ છે કે તેના પર બૈજીક ક્રિયાઓ સહેલાઈથી થઈ શકે છે. સ્પષ્ટ છે કે MP અને SR નીચેના સંબંધ દ્વારા સંકળાયેલા છે.

જાતિ-ગુણોત્તર SRને કેટલીકવાર વય-જૂથ (age group) અનુસાર પણ દર્શાવવામાં આવે છે, અને તેને સંકેત  વડે દર્શાવાય છે. આમ

જો વય-જૂથનો અંતરાલ 1થી વધુ એટલે કે n (>1) હોય તો ને  વડે દર્શાવવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે વયજૂથ અનુસાર મળતા જાતિ-ગુણોત્તરો બધાં વય-જૂથો માટે સરખા હોય તે જરૂરી નથી.

જાતિ-ગુણોત્તર SRને જન્મ સાથે સાંકળીને જન્મ સાથેનો જાતિ-ગુણોત્તર મેળવવામાં આવે છે અને તેને સંકેત SRb વડે દર્શાવવામાં આવે છે.

આમ,

દુનિયાના મોટાભાગના દેશોની વસ્તીમાં SRbની કિંમત 105ના સામીપ્યમાં હોય છે. નિગ્રોની વસ્તીમાં આ ગુણોત્તરની કિંમત 102ના સામીપ્યમાં હોય છે એમ માલૂમ પડ્યું છે. જન્મ સાથેના જાતિ-ગુણોત્તરની કિંમતમાં થતી વધઘટ 102 અથવા 105ના સામીપ્યમાં થતી હોવાથી જ્યારે કોઈ વસ્તી માટે આ ગુણોત્તરની કિંમત સહેલાઈથી મળતી ન હોય ત્યારે તેની કિંમત સંદર્ભ અનુસાર 102 અથવા 105 લઈ શકાય. જ્યારે જન્મ સાથે સંકળાયેલાં માતાની ઉંમર જેવાં લક્ષણો ધ્યાનમાં લેવાનાં હોય ત્યારે ગુણોત્તર SRbનો ઉપયોગ ઉપકારક નીવડે છે.

એ જ પ્રમાણે જાતિ-ગુણોત્તર મરણ સાથે સાંકળીને મરણ સાથેનો જાતિ-ગુણોત્તર મેળવવામાં આવે છે અને તેને SRd વડે દર્શાવાય છે. આમ,

ગુણોત્તર SRdની કિંમત ગુણોત્તર SRbની માફક અચળ રહેતી નથી; પરંતુ તેના પર વસ્તીના જાતિ અનુસાર મરણનાં વિવિધ જોખમોની અસર પ્રબળ હોય છે. આમ ગુણોત્તર SRd એ સ્ત્રી અને પુરુષો માટે પ્રવર્તતી સ્વાસ્થ્ય-સગવડોમાં રહેલી ભિન્નતા દર્શાવતું એક સારું માપ ગણાય છે.

4. વસ્તીની વયઅવસ્થાનું સ્વરૂપ : વસ્તીવિષયક અભ્યાસમાં વ્યક્તિની વયને પૂર્ણાંક વર્ષમાં જ ગણવામાં આવે છે. વય એ વસ્તીનું એક એવું ચલ લક્ષણ છે કે જે વ્યક્તિની પ્રત્યક્ષ તપાસથી માપી શકાતું નથી. તેથી કોઈ પણ વસ્તીવિષયક પ્રશ્ર્નમાં વય વિશે એકત્રિત કરેલી માહિતીને યોગ્ય વર્ગલંબાઈવાળા વર્ગોમાં વર્ગીકરણ સુધારવાનું જરૂરી બને છે. કુલ વસ્તીની વ્યક્તિઓની સંખ્યાનું 1વર્ષ – 5વર્ષ – 10 વર્ષ અથવા કોઈ પણ સમાન અથવા અસમાન વર્ગલંબાઈ ધરાવતા વર્ગોમાં વિભાજન કરવાની કે ટકાવારીમાં દર્શાવવાની રીતને વસ્તીની વયનું બંધારણ કહેવામાં આવે છે. વસ્તીના આ પ્રકારના સ્વરૂપમાં નિવારક (જેવા કે, 0-5, 5-10 વગેરે) કે અનિવારક વર્ગો (જેવા કે, 0-4, 5-9 વગેરે) લેવા તે પ્રશ્ર્ન ઉદ્ભવે છે. વસ્તીવિષયક અભ્યાસમાં સામાન્ય રીતે વયના અનિવારક વર્ગો લેવાનું સ્વીકારવામાં આવે છે. મરણદરના અભ્યાસમાં પૂરા વર્ષની વયના વર્ગો તરીકે 0, 1-4,

5-9, 10-19, 20-29 વગેરે લેવામાં આવે છે; કારણ કે મરણનું જોખમ આ વર્ગોમાં લગભગ એકસમાન હોય છે; જ્યારે સ્થળાંતર-દરના અભ્યાસમાં વયના વર્ગો તરીકે 0-19, 20-44, 4-5 કે તેથી વધુ લેવાનું પર્યાપ્ત માનવામાં આવે છે. વસ્તીમાં આર્થિક પ્રવૃત્તિઓ અને સામાજિક પ્રશ્ર્નોનાં કારણોની તપાસ કરવા માટે 0-14, 15-64 અને 65 કે તેથી વધુ એવા વર્ગો લેવામાં આવે છે. વસ્તીના જન્મદર અને મરણદરમાં થતા ફેરફારો સામાન્ય રીતે 15થી નીચેના તથા 65થી વધુ વર્ષના વર્ગ જૂથમાં વધારે થતા હોય છે. તેથી વસ્તીના ઉંમરના સ્વરૂપના અભ્યાસમાં આ વર્ગોને વિશેષ મહત્વ આપવામાં આવે છે.

માનવવસ્તી યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં છે તે વસ્તીની મધ્યસ્થ ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે. જે વસ્તીની મધ્યસ્થ ઉંમર 20 વર્ષ કે તેથી ઓછી હોય તે વસ્તી યુવાવસ્થામાં છે એમ કહેવાય. જે વસ્તીની મધ્યસ્થ ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોય તે વસ્તી વૃદ્ધાવસ્થામાં છે એમ કહેવાય. જે વસ્તીની મધ્યસ્થ ઉંમર 20 અને 30 વર્ષની વચ્ચે હોય તે વસ્તી વચગાળાની અવસ્થામાં છે એમ કહેવાય. વસ્તીની ઉંમર-અવસ્થાનું વલણ નક્કી કરવા વસ્તીની મધ્યસ્થ ઉંમર ઉપરાંત નીચેના માપની ગણતરી ટકાવારીમાં કરવામાં આવે છે :

(i) 15 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી વસ્તીનું પ્રમાણ

(ii) વસ્તીમાં વૃદ્ધાવસ્થા ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ

(iii) ઉંમર-અવલંબન-ગુણોત્તર

પ્રથમ બે માપને અનુક્રમે નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય :

15 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિઓની ટકાવારી

     

અને 65 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓની ટકાવારી

જ્યાં oP15 અને P65+ અનુક્રમે 15 વર્ષથી ઓછી ઉંમર અને 65 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વસ્તી અને P કુલ વસ્તી દર્શાવે છે. જે વસ્તીમાં જન્મદર ઊંચો હોય અને મરણદર નીચો હોય તેવી વસ્તી માટે 15 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિઓના પ્રમાણની ટકાવારી 45ની નજીક હોય છે.

ઉંમરઅવલંબનગુણોત્તર(Age-Dependency Ratio)ને સંકેત ADR વડે દર્શાવવામાં આવે છે અને તેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે :

જ્યાં 15P64 15થી 64 વર્ષ સુધીની ઉંમર ધરાવતી વસ્તીની સંખ્યા દર્શાવે છે. ADRની ઓછી કિંમત વસ્તીના આર્થિક વિકાસની ક્ષમતા(Potentiality for Economic Development)નો નિર્દેશ કરે છે.

છેલ્લાં 50 વર્ષ દરમિયાન વિવિધ દેશોની વસ્તી અને તેના વય-જૂથનાં વિતરણમાં વિવિધ પ્રકારના ફેરફારો થતા જોવા મળે છે. આ ફેરફારોમાં બે પ્રકારનાં વલણો જોવા મળે છે. આ વલણો વસ્તીની યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાનો નિર્દેશ કરે છે. વસ્તીની વૃદ્ધાવસ્થા એ એક એવી યાદૃચ્છિક પ્રક્રિયા છે કે જેમાં વસ્તીમાં વૃદ્ધની સંખ્યા વધે છે અને શિશુની સંખ્યા ઘટે છે. પરિણામે વસ્તીની મધ્યસ્થ ઉંમર વધે છે. વસ્તીની વૃદ્ધાવસ્થાનું વલણ ખાસ કરીને યુરોપ અને અમેરિકાના વિકસિત દેશોમાં જોવા મળે છે. તે જ પ્રમાણે વસ્તીની યુવાવસ્થાની પ્રક્રિયામાં શિશુઓની સંખ્યા વધે છે અને વૃદ્ધોની સંખ્યા ઘટે છે અને તેથી વસ્તીની મધ્યસ્થ ઉંમર ઘટે છે.

ત્રીજા વિશ્વના ઓછા વિકસિત અને વિકાસશીલ દેશોની વસ્તીમાં પ્રજનન-દર (fertility rate) અને મરણદર ઊંચા હોવા છતાં, યુવાવસ્થાનું વલણ જોવા મળે છે; જ્યારે મરણદર ઘટે છે ત્યારે શિશુઓની ઉત્તરજીવિતા (survival) વધે છે. પરિણામે 15 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓના પ્રમાણમાં વધારો થાય છે. વિકસિત દેશોની વસ્તીમાં 1950માં વૃદ્ધોની સંખ્યા કુલ વસ્તીના 11 % હતી, તે વધીને 1985માં 16 % થઈ અને આ સમયગાળામાં વસ્તીની મધ્યસ્થ ઉંમર 28.2 વર્ષથી વધીને 32.5 વર્ષ થઈ. ભવિષ્યમાં વિકાસશીલ દેશોની વસ્તીમાં વૃદ્ધાવસ્થાનું વલણ વધે તેવી શક્યતા રહેલી છે અને પરિણામે વૃદ્ધોની સંખ્યા વિકસિત દેશોની તુલનામાં ખૂબ ઝડપથી વધે તેમ બનવા સંભવ છે. વસ્તીની વૃદ્ધાવસ્થા કારણે આર્થિક અને સામાજિક સમસ્યાઓ સર્જાય છે. આ બાબતની વિસ્તૃત છણાવટ UNOના 1988નાં પ્રકાશન ‘Population Projects Report No. 87’માં કરવામાં આવી છે.

  1. વસ્તીના પિરામિડ : વસ્તીના વયજૂથના વિતરણને સ્ત્રી અને પુરુષ એમ બે જાતિમાં દર્શાવવામાં આવે છે. કારણ કે બંને જાતિની જૈવિક અને અન્ય દેહધર્મક્રિયાઓ ભિન્ન છે. કોઈ પણ વસ્તીમાં પુરુષ અને સ્ત્રીના મરણદર જુદા જુદા હોય છે. પ્રજનનની બાબતમાં સ્ત્રીઓ અને ખાસ કરીને 15-49 ઉંમર-જૂથની સ્ત્રીઓ વિશેષ મહત્વ ધરાવે છે. બંને જાતિની સ્થળાંતરીય વર્તણૂક પણ જુદી માલૂમ પડે છે; આમ છતાં બંને જાતિના વય-જૂથ અનુસારના વિતરણનો એકસાથે વિચાર કરવામાં ન આવે તો વસ્તીવિષયક પ્રક્રિયાનું અર્થઘટન સાર્થક રીતે થઈ શકે નહિ.

વસ્તીના વયજૂથ અને જાતિ અનુસાર મળતા વિતરણને આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે. આ આલેખમાં પુરુષ અને સ્ત્રીના વય-જૂથનાં વિતરણોના સ્તંભાલેખો (જુઓ આકૃતિ 5) ઊભી લંબરેખાની બંને બાજુએ મૂકવામાં આવે છે. ઊભી રેખા OX ઉંમર દર્શાવે છે અને આડી રેખા Y´OY વસ્તીની જાતિવાર સંખ્યા ટકાવારીમાં દર્શાવે છે. રેખા Y´OYનો એક ભાગ OY સ્ત્રીઓની સંખ્યા (અથવા ટકા) દર્શાવે છે અને બીજો ભાગ OY´ પુરુષોની સંખ્યા (અથવા ટકા) દર્શાવે છે. આકૃતિ 5.1માં ડાબી બાજુના છેડા પર દર્શાવેલ ઊભી લંબરેખા ઊભી રેખા OXના ઉંમરનાં પ્રમાણમાપ દર્શાવે છે. આકૃતિ 5.1માં દર્શાવેલ વય-જૂથ અને જાતિ અનુસારના વસ્તીના વિતરણના આલેખને વસ્તીનો પિરામિડ (Population Pyramid) કહેવામાં આવે છે, કારણ કે આ આલેખનો આકાર પિરામિડને મળતો આવે છે. વસ્તીના વસ્તીવિદ્યાવિષયક ઇતિહાસને જાણવા વસ્તી પિરામિડનો આલેખ ઉપયોગી બને છે. જે વસ્તીનો પિરામિડ તેના આધાર આગળ પહોળો અને પછી ક્રમશ: સાંકડો થતો હોય તે વસ્તી ઊંચા જન્મ-દર અને નીચા મરણદરની અસર હેઠળ છે એમ કહેવાય. આકૃતિ 5.1માં દર્શાવેલ પિરામિડ વસ્તીમાં જન્મની સંખ્યા અને મરણની સંખ્યા લાંબા સમય સુધી સ્થિર રહે છે તેનો નિર્દેશ કરે છે.

આકૃતિ 5.1 : વસ્તી-પિરામિડ (ઊંચો જન્મદર અને નીચો મરણદર)

જે વસ્તીમાં જન્મદર અને મરણદર બંને ઓછા હોય ત્યારે વસ્તી-પિરામિડનો જે આકાર બને છે તે આકૃતિ 5.2માં દર્શાવ્યો છે.

આકૃતિ 5.2 : વસ્તી-પિરામિડ (નીચો જન્મદર અને નીચો મરણદર)

વસ્તીમાં વ્યાપક ધોરણે સ્થળાંતર થવાથી અથવા કુદરતી હોનારત કે યુદ્ધને કારણે થતાં મરણના કારણે વસ્તીના અમુક વય-જૂથમાં વ્યક્તિઓની સંખ્યામાં ભારે ઘટાડો થાય છે. આના કારણે વસ્તી-પિરામિડનો જે આકાર બને છે તે આકૃતિ 5.3માં દર્શાવ્યો છે. વસ્તી-પિરામિડની આ આકૃતિમાં અમુક વય-જૂથ માટે પિરામિડના સ્તંભોની લંબાઈ અસમાન બને છે.

વસ્તીના પિરામિડના આકાર પરથી વસ્તી વિશેની ઉંમરને લગતી માહિતીની ગુણવત્તાનું પણ મૂલ્યાંકન થઈ શકે છે. ઉંમર સંબંધી માહિતીમાં બે પ્રકારની અભિનતિ (bias) પ્રવેશે છે. મોટાભાગની વ્યક્તિઓ તેમની ઉંમર જણાવતી વખતે ઉંમરના આંકડાનો છેલ્લો અંક શૂન્ય અથવા 1 અથવા 9 આવે તેવું વલણ ધરાવે છે. આ પરિસ્થિતિમાં પિરામિડના ઉંમરનો અંતિમ અંક શૂન્ય અથવા 1 અથવા 9 હોય તેવા વય-જૂથના લંબચોરસો અથવા સ્તંભોની લંબાઈ અસાધારણ રીતે મોટી હોય છે. આના કારણે વસ્તી-પિરામિડનો આકાર વાંકોચૂકો માલૂમ પડે છે. વસ્તીની ઉંમર સંબંધી માહિતીમાં ઉંમરની અમુક સંખ્યા પરત્વે થતી પસંદગી અથવા અમુક સંખ્યા આગળ થતું ગુચ્છન (heaping) દર્શાવતો વસ્તી-પિરામિડ આકૃતિ 5.4માં દર્શાવેલ છે.

આકૃતિ 5.3 : વસ્તી-પિરામિડ (આંતર અને બાહ્ય સ્થળાંતરની અસર)

આકૃતિ 5.4 : વસ્તી-પિરામિડ (ઉંમરનું ગુચ્છન)

  1. મર્ત્યતા-પૃથક્કરણ (mortality analysis) : મરણ-પ્રમાણના આંકડાશાસ્ત્રીય અભ્યાસને મર્ત્યતા-પૃથક્કરણ કહે છે. મર્ત્યતા-પૃથક્કરણના મહત્વના અંગને જીવન-કોષ્ટક (life table) કહે છે. જીવન-કોષ્ટકમાં એક જ સમય અને તારીખે જન્મેલી વ્યક્તિઓના સમૂહમાં દરેક ઉંમરે જીવિત અને મરણ પામતી વ્યક્તિઓની સંખ્યા કોષ્ટના રૂપમાં દર્શાવવામાં આવે છે. જીવન-કોષ્ટકની રચનાના મુખ્ય ઘટકોનો એક નમૂનો નીચે દર્શાવ્યો છે :
ઉંમર x ઉંમરે જીવિત વ્યક્તિઓની x ઉંમરે મૃત વ્યક્તિઓની
x સંખ્યા 1x સંખ્યા dx
0 –             1000 = 10 27 = 10 – 11
1 1000 – 27 = 973 = 11 10 = 11 – 12
2 973 – 10 =  963 = 12 5 = 12 – 13
3 963 – 5 =   958 = 13 4 = 13 – 14

ઉંમરના પ્રથમ સ્તંભમાં xની કિંમત 100 કે 110 સુધી લઈ શકાય અને તેને અનુરૂપ બીજા અને ત્રીજા સ્તંભની સંખ્યા સૈદ્ધાતિક રીતે મેળવી શકાય.

x ઉંમરે જીવિત હોય તેવી વ્યક્તિઓની સંખ્યાને સંકેત lx અને x ઉંમરે મરણ પામતી વ્યક્તિઓની સંખ્યાને સંકેત dx વડે દર્શાવવામાં આવે છે. x ઉંમરે થતાં વ્યક્તિના મરણની ઘટનાની સંભાવનાને સંકેત qx વડે દર્શાવવામાં આવે છે; જ્યાં . આ સંભાવનાને અથવા તેની ટકાવારીને x ઉંમરને અનુરૂપ મર્ત્યતા-દર (mortality rate) કહેવામાં આવે છે. સ્પષ્ટ છે કે x ઉંમરે વ્યક્તિ જીવિત હોય તે ઘટનાની સંભાવના Px = l  qx થશે. જીવન-કોષ્ટકના x, lx, dx, qx, px સિવાયના અન્ય ઘટકો mx, Mx, Lx, Tx અને  છે; જ્યાં mx = વ્યક્તિ ઉંમર-અંતરાલ (x, x + 1) દરમિયાન મરણ પામે તેની સંભાવના.

μx = x ઉંમરે મર્ત્યતાનો વેગ (force of mortality)

Lx = ઉંમર-અંતરાલ(x, x + 1)માં જીવંત રહેતી વ્યક્તિઓએ જીવેલાં વર્ષોની સંખ્યા.

Tx = x ઉંમરે પહોંચ્યા બાદ વ્યક્તિઓ દ્વારા જીવાયેલાં વર્ષોની સંખ્યાનો સરવાળો.

ઉંમરે પહોંચેલી વ્યક્તિઓનું વર્ષમાં અપેક્ષિત આયુષ્ય.

આ ઘટકોનાં સૂત્રો નીચે પ્રમાણે છે :

પુરુષો અને સ્ત્રીઓના મરણદર ભિન્ન હોવાથી પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ જીવન-કોષ્ટક રચવામાં આવે છે. જીવન-કોષ્ટકના ઉપર દર્શાવેલ ઘટકોની કિંમતોમાં દેશ, પ્રદેશ, આબોહવા, વ્યવસાય અને સમાજવ્યવસ્થા અનુસાર ફેરફારો થતા હોય છે. ભારતમાં જીવન-કોષ્ટકોની રચના વસ્તી-પંચના રજિસ્ટ્રાર જનરલ દ્વારા છેલ્લી વસ્તીગણતરીના આધારે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

જીવન-કોષ્ટકો વસ્તીવૃદ્ધિ, શુદ્ધ પ્રજોત્પત્તિ-દર અને વસ્તી-પ્રક્ષેપનનું આગણન કરવા માટે ઉપયોગી છે. જીવનવીમા માટે જુદી જુદી ઉંમરે પ્રીમિયમના દરો જીવન-કોષ્ટકના આધારે નક્કી થાય છે. સરકાર તેના કર્મચારીઓને નિવૃત્તિસમયે મળતા લાભોનાં ધોરણો સુનિશ્ચિત કરવા જીવન-કોષ્ટકોનો ઉપયોગ કરે છે.

જન્મ-મરણની નોંધણી પરથી મળતા ઉંમર xને અનુરૂપ કાચા મરણદર (crude death rate at age X) CDRx અથવા સંશોધિત દરો વિશ્વસનીય હોતા નથી; તેથી આ દરોનું પ્રમાણીકરણ (standardisation) કરવું જરૂરી હોય છે. જીવન-કોષ્ટકોની મદદથી પ્રત્યેક ઉંમર xને અનુરૂપ મળતા મરણદરો (death rate at age X) દ્વારા કાચા મરણદરનું પ્રમાણીકરણ થાય છે. જો આ પ્રમાણિત દરોને સંકેત DRx વડે દર્શાવીએ તો

7. વસ્તીવૃદ્ધિના નિર્ણાયક વિઘટકો અને વસ્તીનું પ્રક્ષેપન : જો Pt1 અને Pt2 એ t1 અને t2 (t1 < t2) સમયે કોઈ દેશ(પ્રદેશ)ની માનવવસ્તી દર્શાવે તો Pt2ની કિંમતનું અનુમાન નીચેનાં સમીકરણ દ્વારા કરી શકાય :

Pt2 = Pt1 + Bt2  t1  Dt2  t1 +  It2  t1  Et2  t1 …………………………………….. (7.1)

જ્યાં

Bt2 – t1 = સમયગાળા t2 – t1 દરમિયાન થયેલા જન્મની સંખ્યા.

Dt2 – t1 = સમયગાળા t2 – t1 દરમિયાન થયેલા મરણની સંખ્યા.

It2 – t1 = સમયગાળા t2 – t1 દરમિયાન દેશ(પ્રદેશ)માં સ્થળાંતર કરીને વસેલી વ્યક્તિઓની સંખ્યા.

It2 – t1 = સમયગાળા t2 – t1 દરમિયાન દેશ(પ્રદેશ)માં દેશ (પ્રદેશ) છોડીને ગયેલ વ્યક્તિઓની સંખ્યા.

આમ જન્મ-મરણ અને સ્થળાંતર એ વસ્તીવૃદ્ધિના નિર્ણાયક વિઘટકો છે. વસ્તીનું કદ નક્કી કરવાનું એક સ્થૂળ સૂત્ર છે. ઘટક વસ્તીની પ્રક્ષેપનપદ્ધતિ આ સૂત્ર પર આધારિત છે. વસ્તીનું કદ નક્કી કરવા વસ્તીવધારાના વાર્ષિક દર rનો ઉપયોગ કરી સમગુણોત્તર શ્રેણી દ્વારા વસ્તીવૃદ્ધિનાં ગાણિતિક મૉડલો વિકસાવવામાં આવ્યાં છે. જો t = 0 સમયે વસ્તીની સંખ્યા Po હોય અને વસ્તીનો વાર્ષિક વધારાનો દર r ટકા હોય, તો કોઈ પણ પૂર્ણાંક-સમય t (> 0) આગળ વસ્તીની સંખ્યા Ptનું સૂત્ર નીચે પ્રમાણે મળે છે :

Pt = P0 (1 + r)  …………………………….     (7.2)

અહીં સમય t અસતત મૂલ્ય ધારણ કરે છે અને tને પૂરા વર્ષમાં દર્શાવવામાં આવે છે. જો સમય t સતત હોય તો Ptને સંકેત P(t) વડે દર્શાવતાં P(t)નું સૂત્ર

P(t) = P(0) e-rt ………………………………. (7.3)

થાય તેમ સાબિત કરી શકાય.

વસ્તીની વર્ષવાર માહિતી આપી હોય તો વસ્તીનું અન્વાયોજન (filting) કરવા માટે ગમ્પર્ટ વક્ર (Gomperty curve) Pt = abct અને લૉજિસ્ટિક વક્ર  નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં a, b અને c અચળાંકો છે. આ વક્રોને વસ્તીનાં અન્વાયોજિત વૃદ્ધિવક્રો કહેવામાં આવે છે. આ અન્વાયોજિત વૃદ્ધિવક્રો વસ્તીનું પ્રક્ષેપન (projection) અથવા પૂર્વાનુમાન (prediction) કરવામાં ઉપયોગી નીવડે છે.

8. સ્થિર વસ્તી : માનવવસ્તીનાં કદ અને સ્વરૂપમાં લાંબા સમય માટે થતાં ફેરફારોનો અભ્યાસ કરવો જરૂરી હોય છે. વસ્તીમાં જન્મ અને મરણદરોમાં થતા સતત ફેરફારોના કારણે વસ્તીના સમગ્ર કદ અને વયજૂથોમાં વસ્તીની સંખ્યામાં સતત વધઘટ થતી રહે છે. વસ્તીનાં જાતિ અને વયજૂથના વિતરણમાં થતા ફેરફારોનો વ્યવસ્થિત અભ્યાસ કરવા વસ્તીશાસ્ત્રીઓએ ગાણિતિક મૉડેલ વિકસાવ્યાં છે. 1941માં આલ્ફ્રેડ લોટકા(Alfred Lotka)એ બતાવ્યું છે કે વિવિધ સમયાંતરે ભિન્ન પરંતુ અચળ જન્મદર અને મરણદર ધરાવતી વસ્તીનું વય-જૂથ અનુસાર વિતરણ સ્થિર બને છે. લોટકાએ પ્રસ્તુત કરેલો આ સિદ્ધાંત લોટકાના સ્થિર વસ્તી સિદ્ધાંત તરીકે ઓળખાય છે. અત્રે એ યાદ રાખવું આવશ્યક છે કે સ્થિર વસ્તીનો સિદ્ધાંત એ એક આદર્શ પરિસ્થિતિ છે. વ્યવહારમાં સંપૂર્ણ રીતે સ્થિર વસ્તી અસ્તિત્વ ધરાવતી નથી. એમ છતાં સ્થળાંતરથી મુક્ત હોય તેવી કેટલાક દેશોની વસ્તીમાં, યાદૃચ્છિક ચલનો બાદ કરતાં લાંબા સમય સુધી જન્મદર અને મૃત્યુદર લગભગ સ્થિર હોય તેવું માલૂમ પડ્યું છે. માનવ-વસ્તીની સ્થિરતાનો, ગુણધર્મ વસ્તી-પ્રક્ષેપન અને અન્ય ગાણિતિક મૉડલો વિકસાવવામાં ઉપયોગી સાબિત થયો છે. તદુપરાંત વસ્તીની સ્થિરતાનો સિદ્ધાંત ગાણિતિક તર્ક પર રચાયેલો હોવાથી તેના પરથી મેળવેલ તારણોનું વસ્તીવિષયક અર્થઘટન થઈ શકે છે. સ્થિર વસ્તીનો સિદ્ધાંત વસ્તીની એક જ જાતિ એટલે કે સ્ત્રીજાતિ માટે જ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. કારણ કે પ્રજોત્પત્તિ દ્વારા સ્ત્રીઓ જ માનવ-વસ્તીને ટકાવી શકે છે. જોકે પુરુષજાતિ માટે પણ સ્થિર વસ્તીનો સિદ્ધાંત રજૂ કરી શકાય. વધુમાં અમુક જ વય-જૂથ(15-49 વર્ષ)ની સ્ત્રીઓ પ્રજોત્પત્તિ કરી શકતી હોવાથી સ્ત્રીજાતિ માટે સ્થિર વસ્તીનો અભ્યાસ કરવો વધુ અનુકૂળ પડે છે. સ્થિર વસ્તીના સિદ્ધાંતમાં વસ્તીવધારાનો દર r અચળ રહેતો હોવાથી વસ્તીવૃદ્ધિનું ગાણિતિક સૂત્ર સમગુણોત્તર શ્રેણીના નિયમનો ઉપયોગ કરી મેળવી શકાય છે. જો સ્થિર વસ્તીમાં જન્મદર અને મરણદર અચળ અને સરખા હોય તો સ્થિર વસ્તીનું કદ પણ અચળ રહે છે. આ કિસ્સામાં સ્થિર વસ્તીને સ્થગતિ (stationary) વસ્તી કહેવામાં આવે છે.

  1. કુટુંબકલ્યાણ અને કુટુંબનિયોજન : ભારત સહિત ઘણા દેશો વસ્તીવિસ્ફોટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેના પરિણામસ્વરૂપ કુટુંબકલ્યાણ અને કુટુંબનિયોજનના ખ્યાલો પ્રચલિત અને પ્રસ્તુત બન્યા છે. કુટુંબકલ્યાણના ખ્યાલમાં જન્મનિયંત્રણ ઉપરાંત આરોગ્ય, બાળઉછેર, બાળરોગો સામે રસીકરણ દ્વારા પ્રતિકાર અને રક્ષણ, પોષણયુક્ત આહાર, પ્રસૂતાઓની સારસંભાળ વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે. કુટુંબકલ્યાણ અને કુટુંબનિયોજનનો મુખ્ય ઉદ્દેશ પ્રજાની જીવનશૈલીની ગુણવત્તા સુધારવાનો છે. વધુમાં કુટુંબનિયોજન જન્મનિયંત્રણ પર ભાર મૂકે છે અને ગર્ભાધાનનું કોઈ વૈજ્ઞાનિક સારવાર-પદ્ધતિ દ્વારા નિયંત્રણ કરી બુદ્ધિપૂર્વકના આયોજન વડે કુટુંબનું કદ મર્યાદિત કરવાનું સૂચવે છે. આમ કુટુંબનિયોજન એ જન્મનિયંત્રણ કરવાના પ્રચારતંત્ર ઉપરાંત એક સામાજિક ઝુંબેશ અને ચળવળ પણ છે, જેના દ્વારા કુટુંબનો સર્વાંગી વિકાસ સાધી શકાય છે. ટૂંકમાં કુટુંબનિયોજન દ્વારા નીચેના ઉદ્દેશો પાર પાડી શકાય છે :

(i) દેશનો ઝડપી આર્થિક વિકાસ અને લોકોનું જીવનધોરણ ઊંચું લાવી શકાય છે.

(ii) દેશની વસ્તીનું કદ ઇષ્ટતમ અને સમતોલ રાખી શકાય છે.

(iii) ગરીબાઈની રેખાની નીચે જીવતા લોકોની આર્થિક સ્થિતિ સુધારી શકાય છે.

(iv) માતાઓ અને બાળકોનું આરોગ્ય જાળવી શકાય છે.

અમૃતભાઈ વલ્લભભાઈ ગજ્જર

વસ્તીશાસ્ત્ર :

વસ્તીની ભૌગોલિક, જૈવિક, આર્થિક તથા સામાજિક પરિસ્થિતિનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આજથી આશરે 300 વર્ષ પહેલાં વસ્તીશાસ્ત્રનો વ્યવસ્થિત અભ્યાસ શરૂ થયો ત્યારે વસ્તીને લગતા પ્રશ્ર્નો આજની જેમ સમસ્યારૂપ ન હતા; પરંતુ વીસમી સદીમાં સામાજિક વિજ્ઞાનો તેમજ તેમની અભ્યાસ-પદ્ધતિઓનો વિકાસ થતાં વસ્તીવિષયક અભ્યાસ મોટા પ્રમાણમાં થવા લાગ્યો અને તેને પરિણામે વસ્તીશાસ્ત્રના વિકાસને પ્રોત્સાહન મળ્યું.

વસ્તીશાસ્ત્ર જેવા વષયનો પ્રારંભ અંગ્રેજ વિદ્વાન જ્હૉન ગ્રાઉટે કરેલો હોવાથી તેમને આધુનિક વસ્તીશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. થૉમસ રૉબર્ટ માલ્થસે વસ્તી-સિદ્ધાંતની રજૂઆત કર્યા બાદ સમગ્ર વિશ્વ-વસ્તી અંગેના અભ્યાસને મહત્વ અપાવું શરૂ થયું.

વસ્તીશાસ્ત્રમાં મુખ્યત્વે વસ્તીનું કદ, ઘનતા, વસ્તીમાં થતાં રહેતાં પરિવર્તનો, તેની વહેંચણી, વસ્તી-પરિવર્તનમાં ભાગ ભજવતાં જન્મદર, મૃત્યુદર, પ્રજનનક્ષમતા જેવાં ઘટક-પરિબળો અને તેમાં થતાં તફાવતનાં કારણો વગેરેનો અભ્યાસ થાય છે.

વસ્તીશાસ્ત્રનું વિષયવસ્તુ : આ વિષય વસ્તી સાથે જ સંકળાયેલો હોવાથી તેમાં વસ્તીનું બંધારણ, તેનું કદ, તેની ગીચતા, તેની રચના, તેના કદમાં થતાં પરિવર્તનો, જન્મદર, મૃત્યુદર, વસ્તીની સમસ્યાઓ, તેનું ભૌગોલિકપ્રાદેશિક વિતરણ, તેનું સ્થળાંતર, વસ્તી સાથે સંકળાયેલી આર્થિક પ્રવૃત્તિઓ તેમજ સામાજિક-સાંસ્કૃતિક પ્રક્રિયાઓ જેવી બાબતોનો અભ્યાસ થાય છે.

વસ્તીના બંધારણનો અભ્યાસ કરવામાં માનવ-વસ્તીના વિવિધ વિભાગો વિશેના આંકડા, તથ્યો અને હકીકતો વૈજ્ઞાનિક રીતે એકત્રિત કરવાનાં હોય છે; જેમ કે, વસ્તીમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ, જુદાં જુદાં વયજૂથો, જુદી જુદી જાતિસંખ્યા અને તેમનાં પ્રમાણ, વસ્તીનાં વ્યાવસાયિક-ઔદ્યોગિક માળખાં, ગ્રામીણ-શહેરી વસ્તીની સંખ્યા તથા પ્રમાણ, રાષ્ટ્રીયતા અને ભાષાજૂથોની રચના વગેરે ઘટનાઓના અભ્યાસનો સમાવેશ થાય છે.

વસ્તીના કદના અભ્યાસમાં કોઈ પણ દેશ, સમાજ કે સમુદાયમાં લોકોની કુલ સંખ્યાને વસ્તીના કદ (size of population) તરીકે ઓળખવામાં આવે છે. વસ્તીના કદનો અભ્યાસ કરવો એ પણ વસ્તીશાસ્ત્રનો ખૂબ મહત્વનો વિષય છે. કોઈ પણ દેશની આર્થિક પરિસ્થિતિ, પ્રાકૃતિક પરિસ્થિતિ, સાંસ્કૃતિક મૂલ્યો, વ્યાવસાયિક માળખું વગેરે પરિબળો વસ્તીનું કદ નિર્ધારિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. વસ્તીના કદનિર્ધારણમાં જન્મદર, મૃત્યુદર, સ્થળાંતર જેવી પ્રક્રિયાઓ પણ નિર્ણાયક ભાગ ભજવે છે.

વસ્તીગીચતા વસ્તીના કદ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેની ગીચતાનો આધાર જે તે પ્રદેશની ભૌગોલિક, આર્થિક, રાજકીય અને સામાજિક બાબતો પર રહેલો હોય છે. જે પ્રદેશમાં જમીનો ફળદ્રૂપ હોય, હવામાન આરોગ્યપ્રદ હોય, આવાસની સગવડ હોય, આર્થિક વિકાસ કરવાની સવલતો હોય તથા નાગરિક સુરક્ષિતતા હોય ત્યાં વસ્તીની ગીચતા ચોકિમી. દીઠ વધુ હોય છે, એ જ રીતે જ્યાં સામાજિક-સાંસ્કૃતિક સમાનતા વધુ હોય ત્યાં પણ તેની ગીચતા જોવા મળે છે. પરિણામે વસ્તીશાસ્ત્રમાં વસ્તીની ગીચતા અને તેનાં પરિમાણોનો અભ્યાસ મહત્વનો બને છે.

વસ્તીની રચના અને તેનું કદ ક્યારેય એકધારાં રહેતાં નથી; તેને માટે વિવિધ પરિબળો ભાગ ભજવતાં હોય છે; જેમ કે, ભૌગોલિક કે પ્રાદેશિક સ્થળાંતર, સામાજિક ગતિશીલતા, જન્મદર-મૃત્યુદર, આરોગ્યસેવાઓ, આર્થિક વિકાસ વગેરે. આથી વસ્તીની રચના અને કદ માટે આ બધાં પરિબળો અને પ્રક્રિયાઓનો અભ્યાસ થાય છે.

વસ્તીની રચના, કદ અને તેમાં આવતાં પરિવર્તનો સાથે જન્મદર-મૃત્યુદરનો ગાઢ સંબંધ રહેલો છે. એ રીતે જન્મદર-મૃત્યુદર વસ્તીશાસ્ત્રના અભ્યાસનો પાયારૂપ મુખ્ય વિષય બની રહે છે. જન્મદર-મૃત્યુદર સાથે સંકળાયેલાં પરિબળો કયાં કયાં છે તેને શોધવા વસ્તીશાસ્ત્ર પ્રયાસો કરે છે; જેમ કે, લગ્નનું વય, બાળમરણ, આરોગ્યસેવાઓ, વ્યવસાયો, આર્થિક સ્થિતિ, પોષણયુક્ત આહાર વગેરે બાબતો જન્મદર-મૃત્યુદર સાથે સંકળાયેલી વિશિષ્ટ બાબતો ગણાય. તે વસ્તીશાસ્ત્રના વિષયમાં ફલિત થાય છે.

વળી વસ્તીશાસ્ત્રમાં ભૂખમરો, ગરીબાઈ, બેકારી, નિરક્ષરતા, અપૂરતું પોષણ, સરેરાશ આયુષ્ય, સ્ત્રી-પુરુષનું પ્રમાણ, અર્થરચના, વ્યાવસાયિક માળખું, સુરક્ષા, ધાર્મિક બાબતો, ગ્રામસમુદાય, શહેરી સમુદાય, ગુનાખોરી, બાળઅપરાધો, માનસિક રોગો, શારીરિક ખોડખાંપણો, આરોગ્ય જેવી સામાજિક-આર્થિક સમસ્યાઓનો અભ્યાસ કરવામાં આવે છે.

વસ્તીશાસ્ત્રમાં ભૌગોલિક-પ્રાદેશિક વહેંચણીનો અભ્યાસ કરાય છે એટલે કે વસ્તીના ભૌગોલિક-પ્રાદેશિક વિતરણ અને સ્થળાંતરની જન્મદર-મૃત્યુદર, ગુનાખોરી, વ્યવસાય, કુટુંબજીવન પર શી શી અસરો થાય છે, તે જાણવા પ્રયત્ન કરવામાં આવે છે.

કોઈ પણ પ્રદેશની આર્થિક પરિસ્થિતિ વસ્તીનાં કદ અને ગુણવત્તા પર ઊંડી અસર કરે છે. વસ્તીશાસ્ત્રમાં વસ્તીનાં આર્થિક પાસાં, આર્થિક પરિસ્થિતિનાં પરિબળોનો અભ્યાસ ખૂબ જરૂરી હોવાનું મનાય છે. સામાજિક વસ્તીશાસ્ત્રની સાથે સાથે આર્થિક વસ્તીશાસ્ત્ર પણ વિકસતું જાય છે. જુદા જુદા વ્યવસાયો, જીવનનિર્વાહનાં સાધનો, રાષ્ટ્રનું ઔદ્યોગિક ઉત્પાદન, ખાદ્યસામગ્રીનું ઉત્પાદન, આયાતનિકાસ વેપાર, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વગેરે આર્થિક પ્રવૃત્તિઓ અને પરિબળોની અસર જન્મદર અને મૃત્યુદર પર પડે છે. એ રીતે લોકોનાં જીવનધોરણ, આરોગ્યસ્તર, બાળઉછેર, શૈક્ષણિક સુવિધાઓ, આવાસોની સગવડ જેવાં પરિબળોની અસર વસ્તીની ગુણવત્તા પર થાય છે.

વસ્તીશાસ્ત્ર વસ્તી અને સમાજ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે. સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો વસ્તીનાં કદ અને ગુણવત્તા પર અસર કરે છે. ભારતીય ગ્રામસમાજમાં રૂઢિગત સામાજિક અને સાંસ્કૃતિક જીવનની પ્રધાનતાને લીધે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા ધીમી રહી છે, પરિણામે વસ્તીવૃદ્ધિ અટકાવવાના આધુનિક પ્રયાસો સફળ થઈ શક્યા નથી. આ બાબત સામાજિક કદ સાથેનો સંબંધ સ્પષ્ટ કરે છે તેમજ બે બાળકો વચ્ચેનો જરૂરી વયગાળો સચવાઈ શકતો ન હોવાથી તેની અસર બાળકોની ગુણવત્તા પર પણ પડે છે. આમ વસ્તીશાસ્ત્રને લગતા અભ્યાસમાં આવાં સામાજિક-સાંસ્કૃતિક પરિબળોની અસરો પણ લક્ષમાં રાખવી જરૂરી છે.

નીતિન કોઠારી