ઉદરછેદન શસ્ત્રક્રિયા (laparotomy) : પેટની અંદરના રોગનાં નિદાન અને સારવાર માટે પેટની શસ્ત્રક્રિયા કરવી તે. થિયોડૉર બિલરૉથ(Theodore Billroth, 1829-94)ને પેટની આધુનિક શસ્ત્રક્રિયાના પિતા ગણવામાં આવે છે (આકૃતિ 1). યુરોપમાં 19મી સદીના ઉત્તરાર્ધમાં ઉદરછેદનની શસ્ત્રક્રિયાનો ક્રાંતિકારી વિકાસ થયો હતો.
પેટના વિવિધ રોગોમાં ઉદરછેદનની શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. જેમ કે, (1) જઠર કે આંતરડાના ચાંદામાં છિદ્ર પડે, (2) સારવાર છતાં પેપ્ટિક વ્રણ (ulcer) રુઝાય નહિ, (3) પેટના અવયવોમાં ચેપજન્ય શોથ (inflammation) થાય, દા.ત., પિત્તાશયશોથ (cholecystitis), એપેન્ડિસાઇટિસ (આંત્રપુચ્છશોથ), (4) ઈજાને કારણે યકૃત (liver), બરોળ (spleen) કે અન્ય અવયવમાંથી લોહી વહેવા માંડે, (5) જુદા જુદા અવયવોમાં કૅન્સર કે સૌમ્ય (benign) ગાંઠ થાય, (6) જઠર કે આંતરડામાં જન્મજાત ખામીને કારણે અન્નમાર્ગ સાંકડો કે અવિકસિત રહી ગયો હોય અથવા વિવિધ કારણોસર આંત્રરોધ (intestinal obstruction) ઉદભવે. (જુઓ : આંત્રરોધ, આંત્રરોધ-સ્તંભજ, આંત્રાંત્રરોધ, આંત્રવ્યાવર્તન; ગુ. વિ. ગ્રં. 2, નવી આવૃત્તિ, પૃ. 488), (7) મૂત્રપિંડ, પિત્તાશય (gall bladder) કે મૂત્રમાર્ગ અથવા પિત્તમાર્ગમાં પથરી થઈ હોય, (8) પેટમાં થતી પીડા (જુઓ ઉદરપીડ) કે અન્ય તકલીફોનું, ઘણી તપાસણીઓ (tests) કરવા છતાં પણ, નિદાન ન થયું હોય, (9) હૉજકિનના રોગનો તબક્કો જાણવો હોય, (10) અંડગ્રંથિના કૅન્સરનો ફરીથી ઊથલો માર્યો છે કે નહિ તે જાણવા પુનર્નિરીક્ષણ (second look) શસ્ત્રક્રિયાની જરૂર પડી હોય વગેરે. પરિતનગુહા(peritoneal cavity)ની અંદરના અવયવોના નિદાન અને કેટલીક નાની શસ્ત્રક્રિયાઓ માટે અંત:દર્શક(endoscope)ની મદદથી ઉદરનિરીક્ષા (laparoscopy) કરવામાં આવે છે. તેવા સંજોગોમાં ઉદરનિરીક્ષાની મદદથી ઉદરછેદનની શસ્ત્રક્રિયાની જરૂરિયાત ઘટાડી શકાય છે.
જો ઉદરછેદનની શસ્ત્રક્રિયાનો નિર્ણય કર્યા પછી પૂરતો સમય હોય તો વિવિધ તપાસણીઓ દ્વારા દર્દીના લોહીમાં હિમોગ્લોબિનનું તથા શ્વેતકોષોનું પ્રમાણ જાણી લેવામાં આવે છે, તેના પેશાબની તપાસ કરાય છે, તેનાં ફેફસાં તથા જરૂર પડ્યે પેટનું એક્સ-રે ચિત્રણ કરાય છે, હૃદવીજાલેખ(ECG)નું પરીક્ષણ કરાય છે તેમજ તેના પોષણની સ્થિતિનું મૂલ્યાંકન કરાય છે. દર્દીને મધુપ્રમેહ, લોહીનું ઊંચું દબાણ અથવા યકૃત, મૂત્રપિંડ કે અન્ય મહત્વના અવયવનો કોઈ રોગ છે કે નહિ તે જાણી લેવાય છે. જરૂર પડ્યે અલ્ટ્રાસોનોગ્રાફી (અશ્રાવ્ય ધ્વનિચિત્રણ), બેરિયમ ચિત્રશ્રેણી તથા સી.એ.ટી. સ્કૅનની તપાસ પણ કરાય છે. તપાસ દરમિયાન કોઈ રોગ માલૂમ પડે તો તેની સારવાર શરૂ કરાય છે. જોકે કટોકટી(emergency)ની સ્થિતિમાં ઉપર જણાવેલ બધી તપાસો કરી શકાતી નથી. તેવા સમયે જોખમ-લાભના ગુણોત્તર-પ્રમાણને આધારે શસ્ત્રક્રિયાનો નિર્ણય લેવાય છે.
પૂર્વતૈયારીરૂપે આંતરડાંમાંના જોખમી જીવાણુઓના નાશ માટે ઍન્ટિ-બાયૉટિક ઔષધો અપાય છે તથા શસ્ત્રક્રિયાનો છેદ (incision) મૂકવાના સ્થળની આસપાસના વાળને દૂર કરી જંતુઘ્ન દવાથી તે ભાગને સાફ કરાય છે. ત્યારબાદ તેને જંતુરહિત કપડાથી ઢાંકી રખાય છે. દર્દીને આગલી રાત્રિથી મોઢા વાટે કશું પણ ન લેવા સૂચના અપાય છે. દર્દી અથવા તેના વાલીની લેખિત સંમતિ મેળવીને શસ્ત્રક્રિયા આરંભાય છે.
શસ્ત્રક્રિયા માટે દર્દીને ચત્તો સુવાડીને સર્વાંગી નિશ્ચેતના (general anaesthesia) દ્વારા બેહોશ કરાય છે અથવા પીઠમાં કરોડના મણકાની વચ્ચે ઇન્જેક્શન આપીને મેરુરજ્જુ નિશ્ચેતના (spinal anaesthesia) દ્વારા છાતીની નીચેના શરીરને બહેરું કરાય છે. પાણી-સૅવલૉન, સ્પિરિટ-સૅવલૉન કે બિટાડીન વડે છાતીથી જાંઘ સુધીના ભાગની ચામડીને જંતુરહિત કરાય છે. શસ્ત્રક્રિયા કરવાના વિસ્તાર સિવાયના સમગ્ર શરીરને જંતુરહિત કપડાથી ઢાંકી દેવાય છે.
જુદા જુદા અવયવના રોગ પ્રમાણે જુદા જુદા સ્થળે વિવિધ પ્રકારના છેદ મુકાય છે. જોકે જમણી બાજુનો પરામધ્યરેખાછેદ (paramedian incision) સૌથી વધુ પ્રચલિત છે. સામાન્યત: ડૂંટીની એક બાજુ ઉપરથી નીચે તરફ લંબાતો 10.16 સેમી.(4 ઇંચ)નો ઊભો છેદ મુકાય છે (આકૃતિ 1). ચામડી, અવત્વકીય (subcutaneous) મેદપેશી તથા તંતુપડ(fascia)ને કાપીને તેમાં કપાયેલી નસોમાં વહેતા લોહીના સ્રાવને કાબૂમાં લેવાય છે. આ પછી સરલોદર (rectus abdominis) સ્નાયુના આવરણના આગળના પડને કાપવામાં આવે છે. સરલોદર સ્નાયુને એક બાજુ ખસેડીને તેના આવરણના પાછલા પડને તથા પરિતનકલા(peritoneum)ને કાપવામાં આવે છે. આ સમયે પેટની અંદરના અવયવોને નુકસાન ન થાય તે ખાસ જોવામાં આવે છે. પરિતનગુહા (peritoneal cavity) ખુલ્લી થતાં સૌપ્રથમ ઉદરાગ્રપટલ(omentum)ને એક બાજુ પર ખસેડવામાં આવે છે. જરૂર પડ્યે છેદને ઉપર કે નીચે તરફ લંબાવાય છે. ધાતુના આકુંચક(retractor)ની મદદથી છેદને પહોળો કરીને પરિતનગુહા અને તેની અંદરના અવયવોનું નિરીક્ષણ કરાય છે. પરિતનગુહામાં જો પ્રવાહી, લોહી કે પરુ હોય તો તે શોષક યંત્ર (suction pump) વડે ચૂસી કઢાય છે. ત્યારબાદ રોગગ્રસ્ત અવયવને જરૂરી સારવાર અપાય છે. દા.ત., (1) જઠર કે આંતરડાના છિદ્રને ઉદરાગ્રપટલના ટુકડાથી સાંધી લેવાય છે. (2) ઈજાગ્રસ્ત અવયવ(યકૃત, બરોળ, આંતરડા)ના ઘાવને ટાંકા લઈને સાંધી લેવાય છે. (3) સ્ત્રીઓમાં જો અંડનળીમાં ગર્ભ વિકસવાથી તે ફાટી ગઈ હોય તો તેને કાપીને કાઢી નાખવી પડે છે. (4) આંતરડાની ગાંઠ, આંત્રરોધને કારણે મરી ગયેલું આંતરડું કે અવિકસિત આંતરડાના ભાગને કાપી કાઢીને આંતરડાના બંને ખુલ્લા છેડાઓને સામસામે સાંધવામાં આવે છે. (5) એપેન્ડિક્સમાં ચેપ લાગ્યો હોય તો તેને કાપી કઢાય છે. પરિતનગુહાનું ફરીથી પૂરેપૂરું નિરીક્ષણ કરીને તેને જંતુઘ્ન દવાથી સાફ કરીને તથા પેટમાંથી નીકળતા બગાડને બહાર કાઢવા રબરની નળી મૂકીને શસ્ત્રક્રિયાના ઘાવને ટાંકા વડે બંધ કરવામાં આવે છે. ચામડી નીચેના દરેક કપાયેલા પડને વારાફરતી શરીરની પેશીમાં ભળી જાય તેવા રેસા વડે ટાંકા લઈને સાંધવામાં આવે છે. ચામડીને નાઇલૉન, રેશમ કે સૂતરના દોરાથી સાંધવામાં આવે છે. અથવા તેના પર ધાતુની ક્લિપ મૂકવામાં આવે છે. ઘાવને જંતુરહિત પાટાથી સુરક્ષિત કરાય છે. ઘાવમાં ચેપ ન લાગે તે માટે ઍન્ટિ-બાયૉટિક ઔષધો અપાય છે. દર્દીનું પોષણ જાળવી રાખવા નસ વાટે જરૂરી પ્રવાહી ચઢાવવામાં આવે છે. આંતરડાની લહરગતિ (peristalsis) શરૂ થાય ત્યારે મોઢા વાટે પાણી અને ખોરાક અપાય છે. સામાન્ય સંજોગોમાં આઠમે દિવસે ચામડીના ટાંકા તોડાય છે. ટાંકામાં ચેપ લાગવો, લોહી જામી જવું કે ટાંકા ખૂલી જવા જેવી આનુષંગિક તકલીફો ક્યારેક જ થાય છે. લાંબા ગાળે ક્યારેક સારણગાંઠ થવી કે આંતરડાં ચોંટી જવાં જેવી તકલીફો થાય છે. હાલના સમયમાં એકંદરે આવી તકલીફોનું પ્રમાણ ઓછું થતું ગયું છે.
ત્રિભુવન એન. પટેલ
શિલીન નં. શુક્લ