વર્હાડપાંડે, એમ. એલ. (જ. 23 જૂન 1936, અરવી, જિ. વર્ધા, મહારાષ્ટ્ર) : અંગ્રેજી, મરાઠી અને હિંદીના વિદ્વાન લેખક તથા સંશોધક. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેઓ સંઘ જાહેર સેવા આયોગના નાયબ નિયામક તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે અંગ્રેજી દૈનિક ‘હિતવાદ’માં અને અન્ય મરાઠી સામયિકોમાં કામગીરી કરી છે. તેમણે નાગપુર ખાતે મોહતા વિજ્ઞાન કૉલેજમાં મરાઠીમાં અધ્યાપન કર્યું. તેમણે 2 વર્ષ સુધી ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ ઇન્ડિયન લિટરેચર’ પરના સાહિત્ય અકાદમી પ્રૉજેક્ટમાં સહ-સંપાદક તરીકે નોંધપાત્ર કામગીરી કરી હતી. નાગપુર યુનિવર્સિટી તેમજ પંજાબ યુનિવર્સિટીના લલિત કલા માટેના બૉર્ડ ઑવ્ સ્ટડિઝના તેઓ સભ્ય રહેલા.
તેમણે અંગ્રેજી, મરાઠી અને હિંદીમાં 15 ગ્રંથો આપ્યા છે. અંગ્રેજી ગ્રંથોમાં ‘એન્શિયન્ટ ઇન્ડિયન ઍન્ડ ઇન્ડો-ગ્રીક થિયેટર’ (1981); ‘ક્રિશ્ર્ન થિયેટર ઇન ઇન્ડિયા’ (1982); ‘રિલિજિયન ઍન્ડ થિયેટર’ (1983); ‘હિસ્ટરી ઑવ્ ઇન્ડિયન થિયેટર’ (2 ગ્રંથો : 1987 તથા 1992); ‘મહાભારત ઇન પર્ફોમન્સ’(1999)નો સમાવેશ થાય છે. ‘શ્રીપાદ ક્રિશ્ર્ન કોઠાતકર’ એમનો મરાઠી પ્રબંધ છે.
તેઓ સતત સામયિકો અને દૈનિકોમાં કલા, સંસ્કૃતિ અને રંગભૂમિ વિશે લેખો લખતા રહ્યા છે.
બળદેવભાઈ કનીજિયા