વર્લ્ડ વેધર વૉચ (World Weather Watch, WWW)

January, 2005

વર્લ્ડ વેધર વૉચ (World Weather Watch, WWW) : વિશ્વ મોસમવિજ્ઞાન સંગઠન(World Meteorological Organization, WMO)નો 1963માં શરૂ કરવામાં આવેલ એક ખાસ મહત્વનો કાર્યક્રમ. વિશ્વમાં મોસમવિજ્ઞાન સંબંધી પ્રવૃત્તિના સંકલન, માનકીકરણ (standardization) અને પ્રોત્સાહન માટે 1951માં WMOની કામગીરી શરૂ થઈ હતી, જે 1873માં સ્થાપિત આંતરરાષ્ટ્રીય મોસમવિજ્ઞાન સંગઠન(International Meteorological Organization)ની અનુગામી હતી.

WWWના માધ્યમ દ્વારા વિવિધ ખંડો (continents) અને સમુદ્રો પરની મોસમીય અને પર્યાવરણીય પરિસ્થિતિ ઉપર સતત દેખરેખ રખાય છે. આ માટે ધરાતલસ્થિત (surface based) તેમજ અવકાશસ્થિત અવલોકન-પ્રણાલીઓ(જેમાંની ઘણી સ્વચાલિત હોય છે)ના નેટવર્કનો ઉપયોગ થાય છે. આ પ્રણાલી સાથે મળીને પૃથ્વીના વાતાવરણ અને તેની સપાટીના સંપૂર્ણ અને સતત નિરીક્ષણ માટેનું ક્ષેત્રફલક (observational coverage) પૂરું પાડે છે.

આવી વિશ્વવ્યાપી ભૂતલ-અવલંબી પ્રણાલીઓ 10,000 કરતાં વધુ ભૂમથકો ધરાવે છે, જે ભૂતલાવલંબી પરિસ્થિતિનાં એકીસાથે ચાલતાં અવલોકનોનો સારગ્રાહી-સંશ્લેષાત્મક ચિતાર તૈયાર કરે છે. 1,000થી વધુ સ્ટેશનો વાતાવરણની ગહરાઈનો તાગ લે છે. આ ઉપરાંત 7,000 વહાણો (જેમાંનાં 50 % ગમે તે સમયે દરિયામાં હોય છે જ), 3,000 વિમાનો (કે જે ઉડ્ડયનકક્ષાએ પવનો અને તાપમાનોના ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળાં અવલોકનો નોંધે છે.), 800થી વધુ રડાર-મથકો તથા દરિયાની સપાટીનું તાપમાન અને તેની પરનું હવાનું દબાણ નોંધતાં સેંકડો સ્થિર (fixed) અને તરતાં બોયાં (buoys) દ્વારા પણ મોસમને લગતી સામગ્રી (data) એકઠી કરવામાં આવે છે. વળી હવાના પ્રદૂષણ પર દેખરેખ રાખનારાં મથકો પણ વિશ્વભરમાં ઊભાં કરવામાં આવ્યાં છે.

અવકાશસ્થિત પ્રણાલીમાં ધ્રુવ-પરિભ્રામી (polar orbiting) અને ભૂસ્થિર (geostationary) – એમ બે પ્રકારના ઉપગ્રહોનો સમાવેશ થાય છે. યુ.એસ. સહિત અનેક દેશો 800 અને 1,000 કિમી.ની ઊંચાઈ વચ્ચે તરતા મુકાયેલા પોલર-ઉપગ્રહોની શ્રેણીનું સંચાલન કરે છે અને પૃથ્વીની સપાટી ઉપરના દરેક બિંદુની દિવસમાં બે વાર દેખરેખ રાખે છે. તેઓ છવાયેલાં વાદળો અંગે અવલોકનો નોંધે છે; એટલું જ નહિ, પણ લંબ(vertical)-તાપમાન અને આર્દ્રતા-રેખાકૃતિઓ(humidity profiles)ની તેમજ હિમ (snow) અને બરફ સહિત દરિયા તથા જમીનની સપાટી પર પ્રવર્તતી પરિસ્થિતિની પણ નોંધ લે છે. બીજી તરફ ભૂસ્થિર ઉપગ્રહો પૃથ્વીની સાપેક્ષતામાં સ્થિર રહે તેવી રીતે લગભગ 36,000 કિમી.ની ઊંચાઈએ તરતા મૂકવામાં આવે છે અને તેઓ વાદળો તથા તેમનાં હલનચલનથી જોવા મળતાં પવનક્ષેત્રો(wind fields)ની તસવીરો સતત આપ્યે જાય છે. મોસમવિજ્ઞાનને લગતી માહિતી એકઠી કરી તેના વિતરણ માટેનું કાર્ય પણ તેઓ કરે છે. હાલમાં યુ.એસ., જાપાન, યુરોપિયન સંગઠન-EUMETSAT (European Meteorological Satellite System), ચીન અને ભારત આવા ઉપગ્રહોનું પ્રચાલન કરે છે.

આ રીતે મોસમવિજ્ઞાન પર્યાવરણને લગતી સામગ્રીનો જે મોટો જથ્થો મળે છે તેનું WMO કેન્દ્રો ખાતે આવેલાં શક્તિશાળી કમ્પ્યૂટરો વડે પૃથક્કરણ અને પ્રક્રિયણ કરી તે સભ્યદેશોને વિતરિત કરવામાં આવે છે. આ સામગ્રીના વિતરણને મદદરૂપ થવા પ્રાદેશિક કેન્દ્રો સાથે જ સંલગ્ન એક અલગ ગ્લોબલ ટેલિકૉમ્યુનિકેશન સિસ્ટીમ (Global Telecommunication System – GTS) ઊભી કરવામાં આવી છે. આ રીતે રોજના 2,500 કરતાં વધુ વિશ્લેષિત અથવા આગાહી માટેના હવામાન-નકશા (weather charts) તૈયાર કરી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસારિત કરવામાં આવે છે.

વધુમાં મોસમી ઘટનાઓ સાથે સંકળાયેલ કુદરતી આપત્તિઓ – ખાસ કરીને ઉષ્ણકટિબંધીય ચક્રવાતો (cyclones) અંગે ચેતવણી આપવાની તથા ધરતીકંપ તેમજ અણુ-અકસ્માતો સાથે સંકળાયેલ માહિતીના આંતરરાષ્ટ્રીય વિનિમયની વ્યવસ્થા પણ WWW ધરાવે છે.

એમ. એસ. નારાયણન, બી. એમ. રાવ, અનુ. જ. દા. તલાટી