વર્લ્ડ ઇન્ટિલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી ઑર્ગેનિઝેશન (WIPO) : કૉપીરાઇટ સાહિત્ય, કલાકૃતિઓ અને વિવિધ ઔદ્યોગિક સંપત્તિને વૈશ્ર્વિક સ્તરે રક્ષણ પૂરું પાડતું સંગઠન. આ સંગઠન સાહિત્યિક તેમજ સંગીતકલા તથા છબીકલાવિષયક કૃતિઓ અને અન્ય કલાત્મક કાર્યો, શોધો તેમજ તે અંગેના નમૂનાઓ અંગે વિશિષ્ટ સગવડો પૂરી પાડે છે. ઔદ્યોગિક અને અન્ય શોધખોળો, ટ્રેડમાર્ક અને ડિઝાઇનને લગતી ઔદ્યોગિક સંપત્તિને રક્ષણ અને સગવડો પૂરી પાડવાનું કામ પણ તે કરે છે.
1967માં સ્ટૉકહોમ ખાતેની પરિષદમાં એક સંધિએ આકાર લીધો, એ અંગેનું ખતપત્ર ઘડાયું અને તેના પર સહીસિક્કા થતાં વર્લ્ડ ઇન્ટિલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી ઑર્ગેનિઝેશનની રચનાનો નિર્ણય લેવાયો. તે મુજબ 1970થી આ સંગઠનની કામગીરીનો આરંભ થયો. ડિસેમ્બર 1974માં આ સંગઠન યુનોની ખાસ એજન્સી બન્યું. તેનું મુખ્ય મથક જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે છે. ત્યાં એક સેન્ટ્રલ બ્યુરો છે, જે આ સંગઠનનું વહીવટી કાર્ય સંભાળે છે. સંગઠનનાં વહીવટી કાર્યો માટે એક ડિરેક્ટર જનરલની નિમણૂક કરવામાં આવે છે. પૅરિસ અને બર્ન ખાતેના આ પ્રકારનાં સંગઠનોની કારોબારી સમિતિમાંથી રચાતી એક સમિતિ આ સંગઠનના વહીવટી નિર્ણયો અંગેની કામગીરી બજાવે છે. 1982માં ઘટક સભ્યો દ્વારા રચાયેલા ફંડમાંથી 20 મિલિયન પાઉન્ડનું બજેટ આ સંગઠન માટે ફાળવવામાં આવ્યું હતું.
આ સંગઠનનાં મૂળિયાં ઇન્ટરનૅશનલ બ્યુરો ફૉર પ્રૉટેક્શન ઑવ્ ઇન્ટિલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી(BIRPI)માં પડેલાં છે. મૂળે તેમાં માત્ર સાહિત્યિક અને કલાત્મક કૃતિઓના રક્ષણની વ્યવસ્થા કરવાનું વિચારાયું હતું; પરંતુ ‘સર્જન’ શબ્દનો અર્થ વ્યાપક સંદર્ભમાં માન્ય રાખીને અન્ય ક્ષેત્રોમાંના સર્જનાત્મક દૃષ્ટિકોણને માન્ય રાખી સર્જનાત્મક બૌદ્ધિક સંપદાની વિભાવના સંગઠને ગ્રાહ્ય રાખી. આ સંગઠન અંગેના નીતિવિષયક નિર્ણયો યુનોની સામાન્ય સભા પણ લઈ શકે છે.
આ સંગઠનનાં ધ્યેય બે પ્રકારનાં છે : (1) આંતરરાષ્ટ્રીય સહકાર દ્વારા તે બૌદ્ધિક સંપદાને પ્રોત્સાહિત કરે છે. (2) વિવિધ દેશોમાં પ્રસરેલા આ પ્રકારનાં બૌદ્ધિક કેન્દ્રો વચ્ચે વહીવટી સંકલન પેદા કરી તેમની વચ્ચે સહકારની વ્યવસ્થા કરે છે. તેમાં ટ્રેડમાર્ક અંગેના કરારો, પેટન્ટો, કલાત્મક અને સાહિત્યિક કૃતિઓના કૉપીરાઇટ અને કલામય કૃતિઓના રક્ષણની બાબતો સંકળાયેલી હોય છે. એ રીતે તેનું મુખ્ય કાર્ય સાહિત્યિક, કલામય અને બૌદ્ધિક કૃતિઓના રક્ષણ તેમજ છબીકલા, સંગીતકલા વગેરેના રક્ષણના અધિકારોને સ્પર્શે છે. આ સંગઠન બૌદ્ધિક કૃતિઓનો વ્યાપક અર્થ ધરાવે છે. તેમાં પેટન્ટો, ડિઝાઇન, ટ્રેડમાર્ક તથા તે અંગેની આનુષંગિક બધી જ બાબતોનો સમાવેશ થાય છે. બૌદ્ધિક કૃતિઓના રક્ષણ હેઠળ વિકાસ અને પેટન્ટ કે ટ્રેડમાર્ક અંગેની ગેરવાજબી સ્પર્ધા તે નિવારે છે. આંતરરાષ્ટ્રીય વિકાસને સ્પર્શતી નાવીન્યપૂર્ણ બાબતો અંગે દેખરેખ રાખવાનું કાર્ય પણ જિનીવા સ્થિત ઘટક દ્વારા થાય છે. પેટન્ટ અંગેના કાયદાની માહિતી અને ટ્રેડમાર્ક અંગેના કાયદાના માર્ગદર્શન અંગે તે કાર્ય કરે છે. આ અંગેનું એક સામયિક ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કરવામાં આવે છે. આમ વિવિધ માર્ગે વિશ્વની બૌદ્ધિક સંપદાના રક્ષણ અને સંવર્ધન માટે તે કામ કરે છે.
રક્ષા મ. વ્યાસ