વર્મા, શ્રીકાંત (જ. 1931, વિલાસપુર, મધ્યપ્રદેશ; અ. 1986) : હિંદીના અગ્રણી સાહિત્યકાર. તેમની કૃતિ ‘મગધ’ને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે વિલાસપુરમાં શિક્ષણ લીધું હતું. 1956માં તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે તેમની પત્રકારત્વની કારકિર્દીનો પ્રારંભ 1955માં કર્યો હતો. 1958 સુધી તેઓ ‘ભારતીય શ્રમિક’ સાથે સંકળાયેલા હતા. ત્યારપછી તેમણે સ્વતંત્ર લેખક તરીકેની કારકિર્દી અપનાવી અને ‘કીર્તિ’ નામના હિંદી સામયિકનું સંપાદન સંભાળ્યું. 1964થી 1977 સુધી તેઓ ‘દિનમાન’ સાથે સંકળાયેલા રહ્યા. તેમણે સક્રિય રાજકારણમાં પણ ભાગ લીધો હતો. તેઓ બે વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા અને ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ સમિતિ (ઇ)ના સામાન્ય મંત્રી નિમાયા હતા. તેઓ જૂન 1985માં સત્તાવાર ભાષાસમિતિના ઉપાધ્યક્ષ નિમાયા હતા અને ત્રીજા વર્લ્ડ રાઇટર્સ ફેડરેશનના પ્રમુખ ચૂંટાયા હતા.
તેમના વ્યસ્ત જાહેરજીવન દરમિયાન તેમણે 25 ઉપરાંત પુસ્તકો લખ્યાં છે જેમાં કાવ્યો, ટૂંકી કથાઓ, વિવેચનસંગ્રહો, પ્રવાસકથાઓ, સંસ્મરણો અને ભાષાંતરોનો સમાવેશ થાય છે. તેમની જાણીતી કૃતિઓમાં ‘ઝાડી’ (1964), ‘માયાદર્પણ’ (1967), ‘દૂસરી બાર’ (1968), ‘જિરહ’ (1973), ‘ઍપોલો કા રથ’ (1975) અને ‘જલસાઘર’ (1973) મુખ્ય છે. સાહિત્યક્ષેત્રની તેમની સિદ્ધિઓ બદલ તેઓ અનેક પુરસ્કારોથી સન્માનિત થયા છે. તેમને મળેલા પુરસ્કારોમાં મધ્યપ્રદેશ સરકારના તુલસી પુરસ્કાર (1973) તથા શિખર સન્માન (1980), સાહિત્ય કલા પરિષદ ઍવૉર્ડ (1982) તેમજ રાષ્ટ્રીય એકતા વિશેના લેખનકાર્ય બદલ ઇંદિરા પ્રિયદર્શિની ઍવૉર્ડ (1985) તથા સાહિત્ય- સર્જન બદલ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુવાપરિષદનો રાષ્ટ્રીય પુરસ્કાર (1984) મુખ્ય છે.
પુરસ્કૃત કૃતિ ‘મગધ’ કાવ્યસંગ્રહ છે. તેમાં જળવાયેલ લાઘવ, નવીન જાગરુકતા, દૂરંદેશિતા તથા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યને કારણે કૃતિ ગણનાપાત્ર લેખાઈ છે.
મહેશ ચોકસી