વર્બેસ્કમ (Verbascum L.) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક પ્રજાતિ. તે આશરે 300 ઉત્તર શીતકટિબંધ તથા યુરેશિયન જાતિઓ ધરાવે છે. આ જાતિઓ બહુવર્ષાયુ શાકીય હોય છે અને મૂળ સોટી મૂળતંત્ર ધરાવે છે. તેનાં મૂળ ટેરેક્સેકમની જેમ કરચલીવાળાં હોય છે. પુષ્પવિન્યાસ કલગી (raceme) પ્રકારનો પણ મોટાભાગનાં પીળા રંગનાં પુષ્પો કુંઠિત દ્વિશાખિત(biparous)માં પરિણમે છે. પરાગનયન મધમાખી અને ડ્રોનમાખી દ્વારા થાય છે.

અંગ્રેજીમાં તેને મુલેઇન(mulleins)ના સમૂહવાચક નામથી ઓળખાવાય છે. તેને તેનાં રાખોડી લીલા રંગનાં વિશિષ્ટ પર્ણોને કારણે સુશોભિત છોડ તરીકે ઉછેરવામાં આવે છે.

આ છોડ ટટ્ટાર અને ઊંચા વધે છે. પર્ણો એકાંતરિક, નરમ, સીધી કિનારીવાળાં, કાંગરાદાર, આરાવત્ કે વિભાજિત હોય છે.

આ પ્રજાતિની જાતિઓમાં સહજ રીતે કુદરતી સંકરણ થતું હોય છે. દરેક સંકર-સંતતિ પણ સુંદર હોઈને બગીચાઓમાં તેમને રોપવામાં આવે છે. એની સૌથી વધુ ઉગાડાતી જાતિ છે વર્બેસ્કમ થાપ્સસ (Verbascum thapsus). તે ફ્લેનલ મુલેઇન (Flannel mullein) તરીકે ઓળખાય છે. તેનાં પર્ણોમાં રોટેનોન અને કોમેરિન હોય છે. તેનાં પાનની ફાંટનો ઉપયોગ ફેફસાંના રોગ પર તથા શામક ઔષધ તરીકે થાય છે. તેના પાનની સિગારેટ બનાવી ધુમાડો લેવાથી દમના રોગીને રાહત જણાય છે. તેનાં પાન છૂંદી જખમ પર તેનો લેપ કરાય છે. બીજ વાટી પાણીમાં નાંખતાં માછલીઓ નિશ્ર્ચેત બની પાણી પર તરી આવે છે.

વ. લિચનિટિસ (V. lychnitis) અને વ. ફ્લોમિડીસ (V. phlomides)  આ પ્રજાતિની ખૂબ ઉપયોગી જાતિઓ છે.

મીનુ પરબીઆ, દિનાઝ પરબીઆ