ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની હોડીઓ તેમાં ફરી શકે છે. વલસાડ પાસે નદીની ખાડી આશરે 180 મીટર પહોળી છે. ભરતી વખતે નદીના પ્રવાહમાં વચ્ચે વહાણો પ્રવેશી ઊભાં રહે છે. સમુદ્રથી દોઢેક કિમી. દૂર કોસંબા પાસે તેને વાંકી મળે છે. નદીમાં બારેમાસ પાણી રહે છે.
ઔરંગા નદી વલસાડ જિલ્લાના વલસાડ, ધરમપુર અને ચીખલી તાલુકામાંથી વહે છે. તેની વલસાડ જિલ્લામાં કુલ લંબાઈ આશરે 32 કિમી. છે.
મહેશ મ. ત્રિવેદી