વર્ડ્ઝવર્થ, વિલિયમ (જ. 7 એપ્રિલ 1770, કોકરમાઉથ, કમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 23 એપ્રિલ 1850, ગ્રાસમિયર, વેસ્ટમોરલૅન્ડ) : અંગ્રેજ રોમૅન્ટિક કવિ; ઇંગ્લૅન્ડના રાજકવિ (1843-50). તેમનાં ‘લિરિકલ બૅલડ્ઝ’ (1798) દ્વારા ઇંગ્લૅન્ડમાં કવિતામાં રોમૅન્ટિક આંદોલનની શરૂઆત થઈ. પિતા જૉન વર્ડ્ઝવર્થ વેપાર-ધંધામાં એજન્ટ હતા, પાછળથી અર્લ ઑવ્ લૉન્સડૅલના મંત્રી તરીકે સેવા આપેલી. કાપડના વેપારીની પુત્રી એન તેમની જનેતા હતી. વિલિયમને ત્રણ ભાઈ રિચર્ડ, જૉન, ક્રિસ્ટૉફર અને એક બહેન ડોરોથી હતાં. વિલિયમ આઠ વર્ષના હતા ત્યારે માતાનું અને ત્યારપછી પાંચ વર્ષે પિતાનું અવસાન થયેલું. બે કાકાઓએ બાળકોને ઉછેરેલાં. વિલિયમનું પ્રાથમિક શિક્ષણ હૉક્શીડની શાળામાં થયેલું. આ સમયને વર્ડ્ઝવર્થના ‘ફેર સીડ-ટાઇમ’ આત્મવિકાસ માટેના બીજારોપણનો ઉત્તમ સમય કહ્યો છે. વિલિયમ ટેલર નામના મુખ્ય શિક્ષકે તેમને અઢારમી સદીની કવિતાથી વાકેફ કર્યા. આમાંય આજુબાજુની ‘વેલ ઑવ્ ઍસ્થવેટ’ની પ્રકૃતિ પાસેથી વિલિયમે પ્રેરણા મેળવી. સંતો પાસેથી મળે તેના કરતાં વધુ જ્ઞાન તેમને માતા પ્રકૃતિએ આપ્યું. માતાના મૃત્યુ પછી એકની એક વહાલી બહેન ડોરોથીથી જુદા રહેવાનું થયું હોવા છતાં ઘરમાંથી જે પ્રેમ અને હૂંફ મળવાં ઘટે તે તેમને પ્રકૃતિએ ભરપેટ પૂરાં પાડ્યાં. એકાંત જ તેમના કુટુંબ અને સમાજનો પર્યાય બન્યું. વર્ડ્ઝવર્થને કેમ્બ્રિજની સેન્ટ જૉન્સ કૉલેજમાં તેમના કૉલેજના ફેલો એવા કાકા વિલિયમ કુકસનની ભલામણથી શિષ્યવૃત્તિ મળેલી. કુટુંબની ઇચ્છા તો વિલિયમ પાદરી બને તેવી હતી, પરંતુ કવિના સ્વભાવમાં એ કર્મકાંડ શીખવાની વાત ટકે તેમ ન હતી. વળી કૉલેજના અભ્યાસમાં પણ તેમની કારકિર્દી ઝળકતી ન હતી. મૂળ તો અભ્યાસક્રમ, તેનું સંચાલન અને તેનું તત્વજ્ઞાન એ બધાંમાં તેમને સહેજ પણ રુચિ ન હતી. મિત્રો સાથેની દુન્યવી વાતચીતમાં તેમના અંતરાત્માને ચેન પડતું ન હતું. કુટુંબની વ્યક્તિઓને લાગતું કે વિલિયમ સમય અને ધન – બંનેનો દુર્વ્યય કરે છે. ઑનર્સના અભ્યાસક્રમને બદલે 1791માં વિલિયમે સામાન્ય સ્નાતકની ઉપાધિ મેળવી. પ્રકૃતિને વરેલા વિલિયમે ‘એન ઇવનિંગ વૉક’ (1793) નામના સુદીર્ઘ કાવ્યની રચના કરી.
1790માં એક મિત્ર સાથે વિલિયમે ફ્રાન્સ, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ અને જર્મનીનો પગપાળા પ્રવાસ કર્યો. શિક્ષક તરીકે કારકિર્દી ઘડવા ફ્રાન્સમાં તેમણે એક વર્ષ ગાળ્યું. ફ્રાન્સની રાજાશાહી સામે પ્રજાના પક્ષમાં તેમની સહાનુભૂતિ જાગી ઊઠી. આ અરસામાં પાછળથી જે પ્રજાસત્તાક લશ્કરનો અફસર થવાનો હતો તે માઇકલ દ બોપાય સાથે મૈત્રી થઈ હતી. આનેત વેલા સાથેના પ્રેમસંબંધથી વિલિયમ કેરોલિન નામની બાળકીના તેઓ પિતા બન્યા હતા. ક્રાંતિકારી ‘જિરોંડિન્સ’ નામના સંગઠનમાં તેમને સક્રિય થવું હતું, પરંતુ આ માટે જરૂરી આર્થિક મદદ તેમને કાકાઓ તરફથી મળે તેમ ન હતું. 1792માં તેમને પોતાની મરજી વિરુદ્ધ ઇંગ્લૅન્ડ પાછા ફરવું પડ્યું, જોકે ‘ભગવાન કરે તે ભલા માટે’ એ ન્યાયે લગભગ બે દશકા સુધી ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચે ભારે દુશ્મનાવટ રહી. 1893થી 1895 સુધીનાં લગભગ ત્રણ વર્ષ સુધી વર્ડ્ઝવર્થને ન હતું પોતાનું ઘર કે ન હતી કોઈ સ્થાયી આમદાની. ફ્રાન્સની રાજક્રાંતિ તરફનો તેમનો ભ્રમ ભાંગી ચૂક્યો હતો. તેમના જીવનમાં ઘોર નિરાશા વ્યાપી હતી. આ સમયે વિલિયમ ગૉડવિનના ‘પૉલિટિકલ જસ્ટિસ’ નામના પુસ્તકના વિચારોએ તેમના મનને ઘેરી લીધું. માનવજાત તરફ અનુકંપા, યુદ્ધનો સમૂળગો વિરોધ અને તમામ અન્યાય સામેનો વૈચારિક બળવો જેવા પાયાના સિદ્ધાંતોએ તેમને વિચારતા કરી મૂક્યા.
બહેન ડોરોથીની સાથે પ્રકૃતિસૌંદર્યથી ભર્યા ભર્યા ડોર્સેટમાં રેસડાઉન લૉજ નામનું ઘર લીધું. પિતાની મૂડીનો કેટલોક હિસ્સો મિત્રના વારસાખતના આધારે તેમને મળ્યો હતો. શાંત ચિત્તે ભૂતકાળને વાગોળવાનો સમય તેમને પ્રાપ્ત થયો. આ સમયે લખેલું ‘ધ બૉર્ડરર્સ’ નામનું બ્લૅન્ક વર્સમાં લખાયેલું તેમનું એકમાત્ર નાટક ઉપલબ્ધ છે. નજીકના બ્રિસ્ટલમાં રહેતા કવિ સૅમ્યુઅલ ટેલર કૉલરિજ સાથે તેમને મૈત્રી થઈ. વર્ડ્ઝવર્થ, કૉલરિજ અને ડોરોથીની આધ્યાત્મિક મૈત્રીનો નમૂનો દુર્લભ છે. પાછળથી આ ત્રિપુટી આલ્ફોક્શડન પાર્કમાં રમ્ય ટેકરીઓના પ્રદેશમાં રહેવા ગયેલી. અહીં નવી કવિતાનો પ્રાદુર્ભાવ થયો.
1798માં ‘લિરિકલ બૅલડ્ઝ’માં વર્ડ્ઝવર્થની ચાર કાવ્યરચનાઓ અને બાકીની કૉલરિજ અને સધેની હતી. અંગ્રેજી કવિતાના ઇતિહાસમાં યાદગાર બની રહેનાર આ પુસ્તકમાં કૉલરિજના ‘ધ રાઇમ ઑવ્ ધી એન્શિયન્ટ મેરિનર’ને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું. 1800માં આ કાવ્યસંગ્રહની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. આ આવૃત્તિની પ્રસ્તાવના વર્ડ્ઝવર્થે લખી, જે વિવેચનસાહિત્યમાં કાવ્યની ભાષા(Poetic Diction)વાળી ચર્ચામાં સીમાસ્તંભ બની ચૂકી છે. જોકે પાછળથી કૉલરિજે ‘બાયૉગ્રાફિયા લિટરારિયા’માં આ સિદ્ધાંતથી જુદા પડતા વિચાર મૂક્યા છે. વર્ડ્ઝવર્થ, કૉલરિજ અને રૉબર્ટ સધે ‘લેક પોએટ્સ’ તરીકે જાણીતા છે.
179899માં વર્ડ્ઝવર્થ, કૉલરિજ અને ડોરોથી જર્મનીના ગોસ્લર નામના નાનકડા નગરમાં હતાં. કૉલરિજનો ઉદ્દેશ જર્મન ભાષા અને તત્વજ્ઞાન શીખવાનો હતો, જ્યારે વડર્ઝવર્થે ત્યાં ‘ધ પ્રિલ્યૂડ’ (મૂળ વિચાર) અને કેટલાંક ‘લ્યુસી’ – કાવ્યો રચ્યાં હતાં. ‘ધ પ્રિલ્યૂડ : ઑર, ગ્રૉથ ઑવ્ અ પોએટ્સ માઇન્ડ’ (1850) આત્મકથનાત્મક કાવ્ય બ્લૅન્કવર્સમાં રચાયું છે. કુલ 14 ગ્રંથોમાં તે પ્રસર્યું છે. વર્ડ્ઝવર્થના ‘ધ રેક્લુઝ’ નામના અધૂરા સુદીર્ઘ કાવ્યની આ પ્રસ્તાવના છે. આમાં કવિનો મહાકાવ્ય રચવાનો પ્રયત્ન છે. તેમાં જુદા જુદા સમયનાં સંસ્મરણો છે. આ ધરતી પર તેમને ખાસ કવિધર્મ બજાવવાનો છે તે આ કાવ્યનો વિષય છે.
1799ના ડિસેમ્બરમાં ડોરોથી અને વર્ડ્ઝવર્થ લેક ડિસ્ટ્રિક્ટમાં આવ્યાં અને ગ્રાસમિયરની ‘ડવ કૉટેજ’માં સ્થાયી થયાં. વિલિયમે ડોરોથીની પ્રિય સખી મેરી હચિનસન સાથે લગ્ન કર્યું. ‘ડવ કૉટેજ’માં વર્ડ્ઝવર્થનાં ત્રણ બાળકોનો જન્મ થયો હતો. અહીં સાદું પણ ચિંતનસભર જીવન હતું. પરિવાર હરવા-ફરવામાં, વાચન-લેખનમાં અને મિત્રોના આદર-સત્કારમાં સમય ગાળતો હતો.
કવિનો ઉત્તમ સર્જનકાળનો દશકો 1796થી 1806નો હતો. 1807માં ‘પોએમ્સ ઇન ટુ વૉલ્યુમ્સ’ પ્રસિદ્ધ થયું. કવિની કેટલીક ઉત્તમ કૃતિઓ જેવી કે ‘ઑડ : ઇન્ટિમેશન્સ ઑવ્ ઇમ્મોર્ટાલિટી’ અને ‘રેઝૉલ્યુશન ઍન્ડ ઇન્ડિપેન્ડન્સ’ અને સૉનેટ-કાવ્યોનો આમાં સમાવેશ થયો છે. તેમણે 523 જેટલાં સૉનેટ-કાવ્યો રચ્યાં હતાં. વડર્ઝવર્થિયન સૉનેટને પોતાનો ઘાટ છે. અંગ્રેજી સાહિત્યનાં કેટલાંક ઉત્તમ સૉનેટ-કાવ્યો જેવાં કે ‘અર્થ હેસ નૉટ એનિથિંગ ટુ શો મૉર ફેર’, ‘વી આર ટુ મચ વિથ ધ વર્લ્ડ’ તેમણે રચ્યાં છે. ‘ધ પ્રિલ્યૂડ’ને અંતિમ સ્વરૂપ આ સમયે અપાયું અને ‘ઑડ : ઇન્ટિમેશન્સ ઑવ્ ઇમ્મોર્ટાલિટી’ પણ રચાયું.
પરિવારની જરૂરિયાત વધતાં ‘ડવ કૉટેજ’માંથી થોડા સમય માટે એલન બૅંક અને પાછળથી જીવનના અંત સુધી રાઇડલ માઉન્ટમાં રહેવા ગયેલાં. કવિના અભિપ્રાય મુજબ તે પોતે બદલાયા ન હતા, પરંતુ નવી ઘટનાઓ બનતી હતી. બાકી ફ્રાન્સની પ્રજાએ જ્યારે તેમના ક્રાંતિકાળનાં મૂલ્યો નેવે મૂકી દીધાં ત્યારે તેમણે તે વાતનો વિરોધ કરેલો. આનેતને અને પોતાની બાળકી કેરોલીનને તેઓ ક્યારેય ભૂલ્યા ન હતાં અને કાયમ માટે આર્થિક મદદ પૂરી પાડેલી. 1802માં તો કવિ તેમને રૂબરૂ મળવા ગયેલા.
વાર્ષિક 400 પાઉન્ડની આવકવાળી, વેસ્ટમુરલૅન્ડમાં દસ્તાવેજ સ્ટૅમ્પ વેચવાની સનદ તેમણે સ્વીકારેલી. ‘ધી એક્સકર્ઝન’ (1814) નવ ભાગમાં પ્રસિદ્ધ થયેલું. આ સુદીર્ઘ કાવ્યમાં કવિ એક ભમતારામ સાથે મુસાફરી કરે છે તેનું ચિંતનાત્મક વર્ણન છે. મૂળ ‘રેક્લુઝ’ નામના અધૂરા રહેલા કાવ્યનો આ એક ભાગ છે.
1896માં ડબ્લ્યૂ. નાઇટે વર્ડ્ઝવર્થના ‘પોએટિકલ ઍન્ડ પ્રોઝ વકર્સ’ અને ડોરોથી વર્ડ્ઝવર્થના ‘જર્નલ્સ’નું સંપાદન કર્યું હતું. સેલિનકોર્ટ અને એચ. ડર્બિશાયરે ‘પોએટિકલ વકર્સ’નું 1940-49 અને 1952-54માં પાંચ ગ્રંથોમાં સંપાદન કર્યું છે. ‘લેટર્સ ઑવ્ ધ વર્ડ્ઝવર્થ ફેમિલી 1787-1855’નું સંપાદન નાઇટે 1907માં અને ‘લેટર્સ ઑવ્ વિલિયમ ઍન્ડ ડોરોથી વર્ડ્ઝવર્થ’નું સંપાદન દ સેલિનકોર્ટે 1935-39માં કર્યું હતું. તેમનું જીવનચરિત્ર 1968માં બે ગ્રંથમાં મૂરમૅને લખ્યું છે. ‘ધ લવ લેટર્સ ઑવ્ વિલિયમ ઍન્ડ મેરી વર્ડ્ઝવર્થ’નું સંપાદન બી. ડાર્લિંગ્ટનને 1982માં કર્યું છે.
ગ્રાસમિયરના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા હતા.
વિ. પ્ર. ત્રિવેદી