વરાહમિહિર (જ. ઈ.સ. 505; અ. 587) : પ્રાચીન ભારતના નામાંકિત ગણિતજ્ઞ, ખગોળશાસ્ત્રી અને ફલજ્યોતિષી. તેમણે ‘બૃહત્સંહિતા’, ‘પંચસિદ્ધાંતિકા’, ‘બૃહત્જાતક’, ‘યોગયાત્રા’ વગેરે ગ્રંથોની રચના કરી હતી. પોતાના ક્ષેત્રમાં તેમનું ઘણું પ્રતિષ્ઠિત સ્થાન છે. તેમના પિતાનું નામ આદિત્યદાસ હતું. વરાહમિહિર ઉજ્જૈનના નિવાસી હતા. તેમણે પોતાની ગ્રંથરચનામાં સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્યભટ્ટ, પ્રદ્યુમ્ન, વિજયનંદિન તથા લાટાચાર્યને પણ આધારભૂત ખગોળશાસ્ત્રીઓ તરીકે માન્યા છે.
ફલજ્યોતિષનો તેમનો ગ્રંથ ‘બૃહત્સંહિતા’ જ્ઞાનની વિવિધ શાખાઓ જેવી કે ભૂગોળ, સ્થાપત્ય, પ્રતિમાઓની રચના, તળાવનું ઉત્ખનન, બાગની રચના, વિવિધ વર્ગની મહિલાઓ તથા જાનવરોનાં વિશિષ્ટ લક્ષણો, ઝવેરાત વગેરે વિશે ઉપયોગી માહિતીના કોશ સમાન છે. તેમાં સમાવિષ્ટ વાસ્તુવિદ્યાના અધ્યાયો પરથી તત્કાલીન વાસ્તુરચના વિશે વિપુલ માહિતી ઉપલબ્ધ થાય છે. તેમાં મુખ્યત્વે રાજા, સેનાપતિ, સચિવ, સામંત, યુવરાજ, દૈવજ્ઞ, અધ્યક્ષ, પુરોહિત, ભિષગ વગેરે અધિકારીઓનાં તથા બ્રાહ્મણ આદિ જ્ઞાતિના સામાન્ય ગૃહસ્થોનાં મકાનો(વાસ્તુ)ની યોજનાનો ખ્યાલ આપવામાં આવ્યો છે.
તેઓ એક મહાન કવિ હતા અને બૃહત્સંહિતા તથા ‘બૃહત્જાતક’માં તેમણે મોટી સંખ્યામાં ઉત્તમ સંસ્કૃત છંદોની રચના કરી છે. તેમણે ‘બૃહત્સંહિતા’ના એક આખા પ્રકરણમાં આશરે 60 છંદોનાં ઉદાહરણો આપ્યાં છે. પરંતુ છંદોની વ્યાખ્યા આપી નથી. તેમણે પ્રાકૃત છંદોનાં નામ તથા તેનાં મૂળ સંસ્કૃત નામ પણ આપ્યાં છે.
તેમના ‘પંચસિદ્ધાંતિકા’ ગ્રંથમાં, તે સમયે પ્રમાણભૂત મનાતી ખગોળશાસ્ત્રની પાંચ રચનાઓ કે સિદ્ધાંતોનો પૈતામહ, રોમક, પોલિશ, વાશિષ્ટ અને સૂર્ય તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રની ત્રણેય શાખાઓ – તંત્ર, હોરા અને સંહિતા – વિશે છ ગ્રંથો લખ્યા છે. ‘બૃહદ્વિવાહપટલ’ અને ‘સ્વલ્પવિવાહપટલ’ એ બંને ગ્રંથો લગ્ન માટેના શુકનિયાળ સમય વિશે માહિતી આપે છે. ‘યોગયાત્રા’ નામના ગ્રંથમાં રાજાઓનાં યુદ્ધો વિશેનાં શુકનોની ચર્ચા કરવામાં આવી છે.
જયકુમાર ર. શુક્લ