વધરાવળ (hydrocele) : શુક્રગ્રંથિની આસપાસ પ્રવાહી ભરેલી પોટલી બનવી તે. તેને જલગુહિકા પણ કહે છે. શુક્રગ્રંથિઓ પેટની બહાર જે કોથળી જેવી રચનામાં ગોઠવાયેલી હોય છે, તેને સંવૃષણ (scrotum) કહે છે. ગર્ભાશયકાળમાં ગર્ભશિશુની શુક્રગ્રંથિનો વિકાસ થાય છે અને તે સમયે તે ખસીને પેટના પાછળના ભાગમાંથી સંવૃષણમાં આવે છે. તે સમયે નસો તથા ચેતાઓ પણ તેની સાથે લંબાય છે. પેટની અંદર જે પોલાણમાં અવયવો ગોઠવાયેલા છે તેને પરિતનગુહા (peritoneal cavity) કહે છે. પરિતનગુહાનો એક ભાગ વિકસિત થઈ રહેલા સંવૃષણમાં લંબાય છે. તેને ત્રાણિકાપ્રવર્ધ (processus vaginalis) કહે છે. વિકસતી શુક્રગ્રંથિ, તેની નસો અને ચેતાઓ તથા તેમાંથી નીકળતી નલિકા તેમજ ત્રાણિકાપ્રવર્ધ સંવૃષણમાં ખસીને આવે છે. પૂર્ણવિકસિત શુક્રગ્રંથિનું સૌથી બહારનું આવરણ ત્રાણિકાપ્રવર્ધમાંથી બને છે. તેને બાહ્યાવરણ અથવા ત્રાણિકાવરણ (tunica vaginalis) કહે છે. ત્રાણિકાવરણ સમગ્ર શુક્રગ્રંથિનું આવરણ બનાવે છે, પણ તેની પાછળની બાજુએ જ્યાં નસો અને નલિકાનો પ્રવેશ છે ત્યાં તે હોતું નથી.
નોંધ : (1) શુક્ર ગ્રંથિ, (2) વીર્યરજ્જુ, (3) ત્રાણિકા પ્રવર્ધ, (4) જલગુહિકા, (5) ઉરુમૂલનલિકા, (6) રુધિરગુહિકામાં ગંઠાયેલું લોહી, (7) દખાયેલી શુક્રગ્રંથિ
ત્રાણિકાવરણ મૂળ પરિતનગુહાની દીવાલ બનાવતી પરિતનકલા(peritoneum)માંથી બનેલું હોય છે, માટે તેમાં સ્તર હોય છે બહારનું પરિઘીયસ્તર (parietal layer) અને અંદરનું અવયવીસ્તર (visceral layer). તે સામાન્ય સંજોગોમાં એકબીજા સાથે ચોંટેલાં હોય છે, પરંતુ જો તેમાં પ્રવાહી ભરાય તો તે જલગુહિકા (hydrocele) બનાવે છે. જલગુહિકા (વધરાવળ) ત્રાણિકાપ્રવર્ધમાંના જે ભાગમાં બનેલી હોય તે પ્રમાણે તેના 4 પ્રકારો વર્ણવાયેલા છે (જુઓ આકૃતિ). જો પ્રવાહી શુક્રપિંડની આસપાસ પુટિકા(પોટલી)ના રૂપે ભરાયેલું હોય તો તેને ત્રાણિકાગત વધરાવળ (જલગુહિકા) કહે છે. તે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. જો પરિતનગુહા અને ત્રાણિકાપ્રવર્ધ વચ્ચેનું જોડાણ અંત:ઉરુમૂલીય વલય (internal inguinal canal) આગળ બંધ થયેલું હોય તો તેને નવશૈશવી જલગુહિકા (વધરાવળ) અથવા infantile hydrocele કહે છે. જો ત્રાણિકાપ્રવર્ધના બંને સ્તરો ચોંટેલાં ન હોય અને તેનું પોલાણ સીધેસીધું પરિતનગુહા સાથે જોડાણ ધરાવતું હોય તો તેને જન્મજાત (congenital) જલગુહિકા કહે છે. ક્યારેક વીર્યનલિકા(spermatic cord)ના કોઈ ભાગમાં ત્રાણિકાપ્રવર્ધનાં બે સ્તર અલગ પડીને નાની પ્રવાહી ભરેલી પુટિકા બનાવે તો તેને રજ્જુગત જલગુહિકા (hydrocele of the cord) કહે છે. આમ ત્રાણિકાપ્રવર્ધના કોઈ પણ ભાગમાં પ્રવાહી ભરેલી પુટિકા બને તો તેને વધરાવળ (જલગુહિકા) કહે છે. વધરાવળ જન્મજાત અથવા સંપ્રાપ્ત (aquired) એટલે કે પાછળથી બનેલી હોય છે. સંપ્રાપ્ત વધરાવળના બે ઉપપ્રકારો છે : (અ) અજ્ઞાતમૂલ (idiopathic) અથવા પ્રાથમિક (primary), કે જેનું કારણ જાણમાં નથી અને (આ) શુક્રગ્રંથિના કોઈ રોગને કારણે ઉદભવતી વધરાવળ.
વધરાવળ 4 રીતે બને છે : (ક) ગુહિકા(sac)માં પ્રવાહીનું વધુ પડતું ઉત્પાદન. તેને કારણે દ્વૈતીયિક (secondary) અથવા સંપ્રાપ્ત વધરાવળ (જલગુહિકા) બને છે. (ખ) પ્રવાહીનું ક્ષતિયુક્ત અવશોષણ. પ્રાથમિક પ્રકારની વધરાવળનું તે મુખ્ય કારણ મનાય છે. તે કેમ થાય છે તે નિશ્ચિત નથી. (ગ) સંવૃષણના લસિકાનિષ્કાસન(lymphatic drainage)માં અટકાવ. સંવૃષણમાંની સંરચનાઓના લસિકાતરલ(lymph)ને લસિકાવાહિનીઓ દ્વારા બહાર લઈ જવાય છે. આ પ્રક્રિયાને લસિકાનિષ્કાસન કહે છે. તેમાં અટકાવ થાય તો પ્રવાહીનો ભરાવો થાય છે. (ઘ) પરિતન સારણગાંઠ (peritoneal hernia) સાથે જન્મજાત વધરાવળ રૂપે થતો વિકાર. જો પરિતનગુહા સારણગાંઠ રૂપે અંત:ઉરુમૂલીય નલિકામાં લંબાય તો તે જન્મજાત વધરાવળ કરે છે.
જલગુહિકામાંના પ્રવાહીને વધરાવળ જલ (hydrocele fluid) કહે છે. તે આછા પીળા રંગનું અને જીવાણુરહિત હોય છે. તેમાં શ્ર્વેતનત્રલ (albumin) અને તંત્વિકાજનક (fibrinogen) નામનાં નત્રલો (proteins) હોય છે. તેને બહાર જલપાત્રમાં ભરવામાં આવે તો તે ગંઠાતું નથી, પરંતુ તેમાં લોહીનાં ટીપાં પડે તોપણ તે તરત ગંઠાઈ જાય છે. જો વધરાવળ લાંબા સમયથી હોય તો તેમાં કોલેસ્ટેરોલ ભળવાથી અપારદર્શક બને છે અને ક્યારેક તેમાં ટાયરોસિનના સ્ફટિકો પણ હોય છે.
નિદાન : સંવૃષણ(શુક્રગ્રંથિ કોથળી)નું સંસ્પર્શન કરતાં પ્રવાહી ભરેલી ગાંઠનો ઉપલો છેડો જાણી શકાય છે. તેની નીચેથી પ્રકાશ નાંખવામાં આવે તો પ્રવાહીની અર્ધપારદર્શકતાને કારણે તેમાંથી પ્રકાશનાં કિરણો પસાર થઈ જાય છે. તેને પારભાસન કસોટી (translucency test) કહે છે. પ્રાથમિક ત્રાણિકાગત વધરાવળ જીવનના વચલા ગાળામાં કે તે પછીના સમયમાં જોવા મળે છે. ક્યારેક તે શરૂઆતની બાલ્યાવસ્થામાં પણ જોવા મળે છે. ગરમ પ્રદેશોમાં તે વધુ પ્રમાણમાં થાય છે. સામાન્ય રીતે દુખાવો થતો નથી. તેથી તે ભાગ સૂજીને ઘણો મોટો થાય ત્યારે દર્દી સારવાર માટે આવે છે. જો વધરાવળ ઢીલી હોય તો તેમાં શુક્રગ્રંથિને અલગથી સંસ્પર્શી શકાય છે. પરંતુ ધ્વનિચિત્રણ (sonography) વડે તંગ વધરાવળમાં શુક્રગ્રંથિને દર્શાવી શકાય છે. યુવાન વયે જો ઝડપથી વધરાવળ વિકસી હોય તો શુક્રગ્રંથિમાં ગાંઠ થઈ હોઈ શકે છે. શુક્રપિંડનું કૅન્સર એ એક જવલ્લે જ જોવા મળતું પરંતુ ઘણું અગત્યનું વધરાવળ કરતું કારણ છે, માટે તેને ધ્વનિચિત્રણ વડે ખાસ અલગ પાડવામાં આવે છે. સારણગાંઠના આશરે 5 % કિસ્સામાં તે બાજુની ત્રાણિકાગત વધરાવળ થયેલી હોય છે.
નવશૈશવી વધરાવળ (infantile hydrocele) ફક્ત નવજાત શિશુઓ(infants)માં જ જોવા મળે છે એવું નથી. તેમાં ત્રાણિકાવરણ (tunica) અને ત્રાણિકાપ્રવર્ધ (processus vaginalis) ઉરુમૂળ વલય (inguinal rip) સુધી લંબાયેલા હોય છે, પરંતુ તેમની અને પરિતનગુહા (પેટમાંનું પોલાણ) વચ્ચે કોઈ સીધું જોડાણ હોતું નથી.
જન્મજાત વધરાવળમાં ત્રાણિકાપ્રવર્ધ અને પરિતનગુહા વચ્ચે સળંગ જોડાણ હોય છે. જોકે આ પોલાણ એટલું સાંકડું હોય છે કે તેમાંથી પેટનો કોઈ અવયવ સરીને સારણગાંઠ બનાવતો નથી. હાથ વડે દબાવવાથી વધરાવળ-જળ પેટના પોલાણમાં જતું રહેતું નથી, પરંતુ જ્યારે બાળક સૂતું હોય ત્યારે તે ક્યારેક પેટમાં જતું રહે છે. જો બંને બાજુ વધરાવળ થયેલી હોય તો પેટમાં પ્રવાહી ભરાયું હોય (જળોદર, ascites) કે તેમાં ક્ષયરોગજન્ય વિકાર થયો હોય (પરિતનશોથ, peritonitis) એવું પણ બને છે.
નલિકાગત વધરાવળ વીર્યરજ્જુ (spermatic cord) પાસે એક નાના લંબગોળ સૂજેલા ભાગ જેવી જણાય છે. ક્યારેક તેને ઉરુમૂળગત સારણગાંઠ (inguinal hernia) માની લેવાય તેવું બને. આ પ્રકારનો સૂજેલો ભાગ નીચે તરફ ખસી શકે છે અને શુક્રપિંડને નીચે તરફ ખેંચી રખાયેલો હોય તો નલિકાગત વધરાવળને હલાવી શકાતી નથી.
નરગર્ભશિશુમાં પરિતનગુહાનો ઉરુમૂળનલિકા(inguinal canal)માં લંબાયેલો ભાગ ત્રાણિકાપ્રવર્ધ કહેવાય છે. તેવો જ લંબાયેલો ત્રાણિકાપ્રવર્ધ સ્ત્રીગર્ભશિશુમાં પણ હોય છે, તે જન્મ સમયે લુપ્ત થાય છે; પરંતુ જો સ્ત્રીમાં તે ભાગ પોલી નળી રૂપે રહી જાય તો તેને ન્યુકની નલિકા (canal of Nuck) કહે છે. તેનું નામકરણ એન્ટોની ન્યુક નામના વૈજ્ઞાનિકના નામ પરથી થયેલું છે. તેને ત્રાણિકાનલિકા પણ કહેવાય. જો લુપ્ત થતા ત્રાણિકાપ્રવર્ધનનો કોઈ ભાગ પ્રવાહી રૂપે રહી જાય તો તેને ન્યુક નલિકા અથવા ત્રાણિકાનલિકાની વધરાવળ કહે છે. તે સ્ત્રીઓમાં થાય છે અને તેની કોષ્ઠ (cyst) એટલે કે પ્રવાહી ભરેલી પુટિકા, ગોળ તંતુબંધ(round ligament)ની જોડે આવેલી હોય છે. વીર્યરજ્જુગત વધરાવળમાં જે જોવા નથી મળતું તેવું ત્રાણિકાનલિકાની વધરાવળમાં જોવા મળે છે અને તેથી હંમેશાં ઓછામાં ઓછું આંશિક રીતે પણ ઉરુમૂળનલિકામાં હોય છે.
વધરાવળની કેટલીક આનુષંગિક તકલીફો અથવા સંકુલતાઓ (complications) હોય છે, જેમ કે, ઈજાને કારણે ફાટી જાય, સંવૃષણની ચામડીમાંના નિત્વક્ સ્નાયુ(dartos muscle)માંથી સરકીને બહાર નીકળે, તેમાં ઈજાને કારણે કે સ્વયંભૂ રીતે લોહી વધીને રુધિરગુહિકા (haematocele) બને અથવા તેમાં કૅલ્શિયમ જામે.
સારવાર : તેની સારવાર શસ્ત્રક્રિયા વડે કરાય છે. વિવિધ પ્રકારની પદ્ધતિઓ તે માટે ઉપલબ્ધ છે. જન્મજાત વધરાવળ આપોઆપ ન બેસી જાય તો તેમાં સારણગાંઠછેદન(herniotomy)ની શસ્ત્રક્રિયા કરાય છે. નવશૈશવી વધરાવળની પાતળી કોથળી(sac)ને કાપીને કાઢી નાંખવી પડે છે. લાંબા સમયની સંપ્રાપ્ત વધરાવળમાં જાડી દીવાલ હોય છે. તેથી જો તેનું અપૂર્ણ ઉચ્છેદન (subtotal excision) કરાયેલું હોય તો લોહી ન વહે તેની ખાસ કાળજી લેવાય છે. જેથી કરીને સંવૃષણમાં લોહીનો મોટો ગઠ્ઠો ન જામી જાય. જો નળી વડે વધરાવળમાંના પ્રવાહીને બહાર કાઢી નંખાય તો તે થોડા સમયે ફરીથી ભરાવાની સંભાવના રહે છે. વૃદ્ધ વ્યક્તિ કે અતિશય દુર્બળ વ્યક્તિમાં આ પ્રક્રિયા કરાય છે. ક્યારેક તે પછી ટેટ્રાસાઇક્લિન કે અન્ય તંતુકાઠિન્યક (sclerosant) દ્રવ્ય નાંખીને પોલી થેલી જેવી પુટિકામાં તંતુઓ વિકસે એવી પ્રક્રિયા કરાય છે. જોકે તેમાં ઘણો દુખાવો થતો હોય છે. શુક્રગ્રંથિ અને અધિશુક્રગ્રંથિના ચેપજન્ય સોજામાં દ્વૈતીયિક વધરાવળ થાય છે. તેવી રીતે શુક્રગ્રંથિની આમળ(torsion)માં કે ગાંઠમાં પણ તે જોવા મળે છે. સામાન્ય રીતે વધરાવળ ઢીલી હોય છે અને તેમાં અંદરની શુક્રગ્રંથિને સંસ્પર્શી શકાય છે. જો કૅન્સરનો ભય હોય તો સોય નાંખીને પ્રવાહી બહાર કઢાતું નથી કેમકે તેથી કૅન્સર ફેલાવાનો ભય રહે છે. મૂળ તકલીફ શમે એટલે કે મૂળ તકલીફની સફળ સારવાર કરવાથી દ્વૈતીયિક વધરાવળની સારવાર થાય છે.
વિશિષ્ટ પ્રકારની વધરાવળ : ક્યારેક સારણગાંઠની શસ્ત્રક્રિયા કર્યા પછી લસિકાનલિકાઓ બંધાઈ જવાને કારણે દ્વૈતીયિક વધરાવળ થાય છે. હાથીપગાના રોગમાં જો વારંવાર શુક્રગ્રંથિ અને અધિશુક્રગ્રંથિનો સોજો આવે તો વધરાવળ થાય છે. સૂક્ષ્મતન્વિકાઓ (filaria) નામના પરોપજીવીથી આ રોગ થાય છે. તેમાં લસિકાનલિકાઓમાં અટકાવ ઉદભવે છે. તેથી હાથીપગાનો રોગ થાય છે. શુક્રપિંડના વારંવાર થતા સોજાને કારણે તથા અવરોધાયેલી લસિકાનલિકાઓના ફાટવાથી જલગુહિકા ઉદભવે છે. તેથી તેના પ્રવાહીમાં મેદદ્રવ્યો અને કોલેસ્ટેરૉલ હોય છે. તે ધીમે કે ઝડપથી વધે છે અને વિવિધ કદના હોય છે. શસ્ત્રક્રિયા કર્યા પછી ક્યારેક અધિશુક્રગ્રંથિમાં પુખ્ત કૃમિ જોવા મળે છે. સામાન્ય રીતે સંવૃષણ અને તેમાંની રચનાઓ એકબીજી સાથે ચોંટી ગયેલી હોય છે. શરૂઆતના તબક્કામાં આરામ અને નિષ્કાસન (drainage) વડે સારવાર કરાય છે. આગળ વધેલા રોગમાં વધરાવળની કોથળીને કાઢી નંખાય છે.
વધરાવળના પ્રવાહીનું નિષ્કાસન કરતાં કોઈ નાની નસને ઈજા થાય તો તેમાં લોહી ઝમે છે. લોહીવાળું પ્રવાહી ભરાય એટલે તેવી વધરાવળ(જળગુહિકા)ને રુધિરગુહિકા (haematocele) કહે છે. તે સમયે વધરાવળ ઝડપથી અને પીડા સાથે ભરાઈ જાય છે અને તેને અડવાથી દુખાવો (સ્પર્શવેદના, tenderness) થાય છે. ક્યારેક કોઈ અન્ય ઈજાથી પણ આવું થાય છે. તેવે સમયે ઈજાથી શુક્રગ્રંથિ ફાટી ગઈ નથી તે ખાસ જોવું પડે છે. જો લોહીનું નિષ્કાસન ન કરવામાં આવે તો તે ગંઠાઈ જાય છે. તેને સંગુલ્મિત રુધિરગુહિકા (clotted haematocele) કહે છે. ક્યારેક વધરાવળમાં સ્વયંભૂ રીતે થોડું થોડું લોહી ઝમે તોપણ તે થાય છે. તે સમયે તેમાં દુખાવો હોતો નથી. તેને ગાંઠથી અલગ પાડવું મુશ્કેલ હોય છે. કૅન્સર ન હોય તોપણ દબાયેલી શુક્રગ્રંથિ નિષ્ક્રિય થઈ ગયેલી હોય છે. મોટાભાગના કિસ્સામાં વધરાવળ સાથે શુક્રગ્રંથિને પણ શસ્ત્રક્રિયા વડે કાઢી નંખાય છે.
શિલીન નં. શુક્લ