ઉત્રિલ્યો, મૉરિસ (જ. 26 ડિસેમ્બર 1883 પેરિસ, ફ્રાંસ; અ. 5 નવેમ્બર 1955, ફ્રાંસ) : નગરચિત્રો(city scapes)ના સર્જન માટે જાણીતો આધુનિક ફ્રૅંચ ચિત્રકાર.
ચિત્રકારો રેન્વા (Renoir), દેગા (Degas) અને તુલુસ-લૂત્ર(Toulouse-Lautre)ની નગ્ન મૉડેલ સુઝાને વેલેદોં(Suzanne Valadon)નો તે અનૌરસ પુત્ર. પાછળથી સુઝાને પણ ચિત્રકળા તરફ ઢળેલી. બાળપણથી જ ખૂબ ઢીંચવાની આદત પડી જતાં મૉરિસ બાળપણમાં જ દારૂડિયો બની ગયેલો. આથી તેને તેની શાળામાંથી તગેડી મૂકવામાં આવેલો. 15 વરસની ઉંમરે એક બૅંકમાં તેણે નોકરી લીધી, પણ ત્યાં દારૂની લત ન છૂટતાં તેને 18 વરસની ઉંમરે હાંકી કાઢી દારૂડિયાઓ માટેના સારવાર કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યો.
દારૂડિયાઓ માટેના સારવાર કેન્દ્રમાં મૉરિસે ચિત્રકલાની સાધના પ્રારંભી. પોતાના બાળપણમાં પોતાની માતાને થોડુંઘણું ચિત્રકામ કરતાં મૉરિસે જોયેલી. એ સિવાય તે સંપૂર્ણ અશિક્ષિત જ હતો. તે તુરત જ થિયૉડૉર રુસો(Rousseau)નાં નિસર્ગ-ચિત્રોથી પ્રભાવિત થયો, પણ પોતે પહેલેથી પોતાનો ચિત્રવિષય નગરચિત્રણા પૂરતો મર્યાદિત જ રાખ્યો. પૅરિસના પરા મોંમેની (Montmagny) અને મોંમાર્ત્ર (Montmartre) તેના નગરચિત્રના વિષય બન્યા. પીંછીના ખરબચડા લસરકા તેનાં ચિત્રોની વિશિષ્ટતા બન્યા. 1910 પછી તેના લસરકા સુંવાળા બન્યા. 1919 લગી જવલ્લે જ તેનાં નગરચિત્રોમાં કોઈ માનવ-આકૃતિ દેખાય છે. 1919 પછી થોડી છૂટીછવાઈ માનવ-આકૃતિઓ પણ દેખાવા માંડી. 1910 પછી તેણે ફ્રાંસનાં ગામડાં અને ગામડાંનાં ચર્ચો ચીતર્યાં.
અમિતાભ મડિયા