લૉંગ બીચ (Long Beach) (1) : દક્ષિણ કૅલિફૉર્નિયાના લૉસ ઍન્જલસમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 33° 46^ ઉ. અ. અને 118° 11^ પ. રે. લૉસ ઍન્જલસની સરહદ પરનું આ શહેર મેક્સિકોની સીમાથી ઉત્તર તરફ 161 કિમી.ને અંતરે સાન પેદ્રો પર આવેલું છે. તેમાં દરિયાઈ બંદર, વિહારધામ તેમજ ઔદ્યોગિક વસાહત આવેલાં છે. અહીં ભૂમિ અંતર્ગત તેમજ દૂરતટીય ભાગોમાંથી ખનિજતેલ અને કુદરતી વાયુ મળે છે.
આ શહેર ખાતે જહાજવાડો, ગોદામો, લૉંગ બીચ સિટી કૉલેજ અને કૅલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટી આવેલાં છે. શહેરમાં 1970ના દાયકામાં બંધાયેલા સિવિક સેન્ટરમાં કલા-સંગ્રહાલય તેમજ પુસ્તકાલય છે. 1978માં અહીં મંચન-કલા સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 1844માં બાંધવામાં આવેલી ‘લા કાસા દ રૅન્ચો લૉસ સેરિટોસ’ નિવાસી ઇમારત હવે ઐતિહાસિક સ્મારક અને પુસ્તકાલયમાં ફેરવાઈ છે.
શહેરમાં રેલ અને હવાઈ સુવિધાઓ છે. અહીંનું બંદર પશ્ચિમ કાંઠા પરનું વ્યસ્ત બંદર ગણાય છે. અહીં આયાત કરવામાં આવતી ચીજવસ્તુઓમાં કોપરાં, ખાદ્યસામગ્રી, ચિરોડી, લાકડાં, છાપાંનો કાગળ અને પોલાદનો તથા નિકાસી માલસામાનમાં રસાયણો, કોપરેલ, કોક, કપાસ, લોહઅયસ્ક યંત્રસામગ્રી અને ખનિજતેલનો સમાવેશ થાય છે. આ શહેરમાં આવેલા ઉદ્યોગોમાં ખનિજતેલ અને કુદરતી વાયુઉત્પાદનના; હવાઈ જહાજો, જહાજ બાંધકામ અને તેના સમારકામના; મત્સ્યવેપારના, માછલીઓ પૅક કરવાના તથા પ્લાસ્ટિક ઉત્પાદનના એકમોનો સમાવેશ થાય છે. 1888માં પ્રથમ વાર અને 1897માં ફરીથી તેને લૉસ ઍન્જલસમાં ભેળવવામાં આવેલું છે. 1999 મુજબ તેની વસ્તી 4,35,027 જેટલી છે.
લૉંગ બીચ (2) : ન્યૂયૉર્કના અગ્નિભાગમાં નસાઉ વિભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 40° 35^ ઉ. અ. અને 73° 37^ પ. રે. તે આટલાંટિક મહાસાગર પરના લૉંગ આઇલૅન્ડના દક્ષિણ કાંઠા પર આવેલું છે તથા ન્યૂયૉર્કથી તે 42 કિમી.ના અંતરે છે. આ શહેર મુખ્યત્વે વિહારધામ તરીકે જાણીતું છે. લૉંગ બીચને 1922માં ન્યૂયૉર્ક સાથે ભેળવવામાં આવેલું છે.
ગિરીશભાઈ પંડ્યા