લૉંગફેલો, હેન્રી વર્ડ્ઝવર્થ

January, 2005

લૉંગફેલો, હેન્રી વર્ડ્ઝવર્થ (જ. 27 ફેબ્રુઆરી 1807, પૉર્ટલૅન્ડ, મેઇન, યુ.એસ.; અ. 24 માર્ચ 1882, કૅમ્બ્રિજ, મૅસૅચૂસેટ્સ) : અમેરિકન કવિ. પિતા વકીલ હતા. નાનપણથી જ તેમને રમતગમતમાં ઓછો રસ હતો, પણ વાચન માટેનો ઊંડો શોખ અને રુચિ હતાં. 1822માં બોડન (Bowdoin) કૉલેજમાં જોડાઈ ત્યાંથી સ્નાતકની ઉપાધિ મેળવી અને ત્યાં જ આધુનિક ભાષાઓની વિદ્યાશાખામાં તેમની નિયુક્તિ થઈ. પોતાના કાર્યક્ષેત્રની ફરજો માટે પૂર્ણપણે યોગ્યતા પ્રાપ્ત કરવા તેમને ત્રણ વર્ષ માટે અભ્યાસ અર્થે યુરોપ મોકલવામાં આવ્યા. તેમણે ફ્રાન્સ, સ્પેન અને ઇટાલીમાં અભ્યાસ કર્યો. 1829માં પાછા ફરી પોતાની ફરજો અદા કરતાં કરતાં ‘નૉર્થ અમેરિકન રિવ્યૂ’માં લખવાનું શરૂ કર્યું. ‘અ પિલ્ગ્રિમેજ બિયૉન્ડ ધ સી’ (1835) તેમના પ્રવાસ વિશેનું પુસ્તક છે. તુરત પછી હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેમને આધુનિક ભાષા વિભાગમાં પ્રાધ્યાપક માટેનું નિમંત્રણ મળ્યું, જે તેમણે સહર્ષ સ્વીકાર્યું. સમય જતાં તેમને કાવ્યસર્જન માટે ઑક્સફર્ડ અને કેમ્બ્રિજમાંથી પણ માનદ ઉપાધિઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. બહુ થોડા અમેરિકન સર્જકોમાંના તેઓ એક છે, જેમની સ્મૃતિમાં વેસ્ટમિન્સ્ટર ઍબીમાં સ્મારક સમર્પિત કરવામાં આવ્યું હોય. યુરોપની તેમની બીજી મુલાકાત દરમિયાન તેમનાં પ્રથમ પત્ની મેરી પૉટરનું ઍમ્સ્ટર્ડેંમમાં અવસાન થયું હતું.

હેન્રી વડર્ઝવર્થ લૉંગફેલો

તેમનાં પ્રસિદ્ધ કાવ્યો ‘વૉઇસિઝ ઑવ્ ધ નાઇટ’(1838)માં મળે છે; તેમાં ‘અ સામ ઑવ્ લાઇફ’ અને ‘એક્સેલસર’ છે. આ કાવ્યોએ તેમના દેશવાસીઓના દિલમાં તેમને માટે અદ્વિતીય ચાહના જગાડી હતી. આ કાવ્યોની કેટલીક પંક્તિઓ તો શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્રોત બની રહી. ‘બેલડ્ઝ ઍન્ડ અધર પોએમ્સ’ (1842) જાણીતાં કથાકાવ્યો છે; તેમાં ‘ધ રૅક ઑવ્ ધ હેસ્પરસ’ અને ‘ધ વિલેજ બ્લૅકસ્મિથ’ નોંધપાત્ર છે. તેમનાં દીર્ઘ કથનાત્મક કાવ્યોમાં ‘ઇવૅન્જેલીન’ (1847), ‘ધ સૉંગ ઑવ્ હાયાવૅથા’ (1855) અને ‘ધ કૉર્ટશિપ ઑવ્ માઇલ્સ સ્ટૅન્ડિશ’ (1858)નો સમાવેશ થાય છે. તેમનાં કાવ્યોમાં સ્વરૂપ-રચના અને છંદોના વિનિયોગની દૃષ્ટિએ વૈવિધ્ય જોવા મળે છે. એમના વિષયોમાં પણ વીતી ગયેલાં યુવાનીનાં વર્ષોની તેમજ ગુલામો અને ગુલામી(‘ધ સ્લેવ્ઝ ડ્રીમ’) (1842) વગેરેની વાતો આવે છે. ‘ધ સ્પૅનિશ સ્ટુડન્ટ’ (1843) નામનું નાટક અને ‘કૅવના’ (1849) શીર્ષક ધરાવતી નવલકથા પણ તેમણે આપેલ છે. તેમની કીર્તિ તો કવિ તરીકે જ સ્થાપિત થયેલી છે. ચૉસરની ‘ધ કૅન્ટરબરી ટેલ્સ’માંથી પ્રેરણા લઈ તેમણે ‘ટેલ્સ ઑવ્ અ વેસાઇડ ઇન’(1863)માં કથા-કાવ્યો આપ્યાં છે. કારકિર્દીના આરંભમાં તેમણે કાવ્યોના અનુવાદો પણ કર્યા હતા. વળી તેમણે દાન્તેની  ‘Divina Commedia’નો અનુવાદ (1865-67) પણ કર્યો હતો. એમના છેલ્લા સંગ્રહોમાં ‘Three Books of Songs’ (1872) અને ‘Aftermath’ (1873) હતાં.

લાગફેલોમાં એક મહાન કવિમાં હોવી જોઈતી તીવ્ર કલ્પનાશક્તિ અને ઊંડી સંવેદનાનો કેટલેક અંશે અભાવ હોવા છતાં તેમનાં કાવ્યો વૈશ્વિક, ગહન સ્નેહાર્દ્રતાને સ્પર્શી જઈ વાચકનાં હૃદયને સ્પંદિત કરી જાય છે. જાણ્યે-અજાણ્યે આ કવિની પંક્તિઓ વારંવાર ઉદ્ધૃત કરવામાં આવે છે. ભાષાઓના પ્રાધ્યાપક લેખે અને વિશ્વસાહિત્યનાં સતત અનુસંધાન-પરિશીલનને કારણે એમનાં કાવ્યો રચનારીતિ અને વિષયની દૃષ્ટિએ ખરેખર સમૃદ્ધ છે. એમનાં કાવ્યોની સંખ્યાબંધ પંક્તિઓ આજેય પ્રચારમાં છે.

અનિલા દલાલ