લોહરદગા : ઝારખંડ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 23° 26’ ઉ. અ. અને 84° 41’ પૂ. રે.ની આજુબાજુનો 1,494 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો છોટા નાગપુર વિભાગમાં આવેલો છે. તે રાજ્યમાં બીજા ક્રમે આવતો નાનામાં નાનો જિલ્લો છે. તેની ઉત્તરે પાલામાઉ, પૂર્વમાં રાંચી તથા દક્ષિણ અને પશ્ચિમે ગુમલા જિલ્લા આવેલા છે.
ભૂપૃષ્ઠ જળપરિવાહ : ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ આ જિલ્લો નાનો છે. જિલ્લાની આજુબાજુ સપાટ શિરોભાગ ધરાવતી ટેકરીઓ આવેલી છે. આજુબાજુના બિશ્નુપુર, ચૈનપુર અને ઘાઘરા વિસ્તારોની ઊંચાઈ 750 થી 900 મીટરની છે. જિલ્લાનો મોટો ભાગ સાલવૃક્ષોનાં જંગલોથી આચ્છાદિત છે, મિશ્ર જંગલો પણ છે. હવે જંગલો કપાતાં જાય છે. દક્ષિણ કોયેલ અહીંની મુખ્ય નદી છે, કારા અને પારસ તેની સહાયક નદીઓ છે.
ખેતી-પશુપાલન : જંગલો સાફ કરીને હવે વધુ ભૂમિ ખેતી હેઠળ લેવામાં આવી છે. ડાંગર, બાજરી, કઠોળ, તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિ-પાકો છે. મોટેભાગે ખેતી વરસાદ પર આધાર રાખે છે. કૂવા અને ઝરણાં મારફતે સિંચાઈ થાય છે. ગાયો, ભેંસો, બકરાં અને ડુક્કર અહીંનાં મુખ્ય પશુઓ છે. ઢોર ચરિયાણ માટે ગોચરોની તંગી રહેતી હોવાથી ઢોરનો શારીરિક વિકાસ થતો નથી. ખેડૂતો ઘેટાંબકરાં અને મરઘાં-બતકાં પણ પાળે છે. જિલ્લામાં પશુઓના ઉછેર અને ઓલાદ સુધારવાને પ્રોત્સાહન અપાય છે. પશુઓ માટે પશુ-દવાખાનાં અને ચિકિત્સાલયોની સુવિધા ઊભી કરવામાં આવી છે.
ઉદ્યોગવેપાર : આ જિલ્લામાં માત્ર નાના પાયા પરના ઉદ્યોગો વિકસ્યા છે. ધાતુનાં બેડાં, બીડી અને સાબુનું ઉત્પાદન લેવાય છે. ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં ચોખા છડવાની મિલો ઊભી કરવામાં આવી છે. રાંચી જિલ્લામાંથી તેને છૂટું પાડ્યું તે અગાઉ પણ લોહરદગા વેપારી કેન્દ્ર હતું. રેલસુવિધા થવાથી તેનું મહત્ત્વ વધ્યું છે. અહીંથી ચોખા, શાકભાજી અને મહુડાંની નિકાસ થાય છે, બેડાં, બીડી અને સાબુ જિલ્લામાંથી બહાર વેચાણ અર્થે મોકલવામાં આવે છે. ઘઉં, ખાંડ, કેરોસીન અને કોલસાની આયાત કરવામાં આવે છે.
પરિવહન-પ્રવાસન : જિલ્લામથક લોહરદગા રાંચી સાથે રેલમાર્ગથી જોડાયેલું છે. આખોય જિલ્લો બધાં જ ઘટકમથકોથી પાકા માર્ગો દ્વારા સંકળાયેલો છે. જિલ્લાના ઘટકમથક સેનહાથી આશરે 13 કિમી. અંતરે આવેલ કોરામ્બે ગામનું એક મંદિર ઉપલબ્ધ માહિતી અનુસાર 500 વર્ષ જૂની તેની મૂર્તિ માટે જાણીતું બનેલું છે. કાર્તિકી પૂર્ણિમાએ અહીં વિશેષ પ્રાર્થનાઓ થાય છે. વૈશાખી પૂર્ણિમાએ મુંડા મેળો ભરાય છે. આષાઢ સુદ બીજે રથયાત્રા નીકળે છે. આ ઉપરાંત જિલ્લામાં જુદી જુદી કોમો તેમના પોતપોતાના ઉત્સવો આનંદથી ઊજવે છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 3,64,405 જેટલી છે. અહીં સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 85 % અને 15 % જેટલું છે. હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે, થોડીક શીખ વસ્તી પણ છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 30 % જેટલું છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સગવડ શહેરો પૂરતી મર્યાદિત છે, જ્યારે ગામડાંઓમાં તેનું પ્રમાણ નહિવત્ છે. જિલ્લામાં ત્રણ કૉલેજો અને બે જાહેર પુસ્તકાલયો છે. ચાર દવાખાનાં છે, 6 ચિકિત્સાલયો અને એક કુટુંબનિયોજન કેન્દ્રની સગવડ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને એક ઉપવિભાગ અને પાંચ સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં માત્ર એક જ નગર છે અને 354 (1 વસ્તી-વિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : જૂના વખતમાં રાંચી જિલ્લાનું મૂળ નામ લોહરદગા જ હતું. 1981માં રાંચી જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવેલી છે.
ગિરીશભાઈ પંડ્યા