લૉરેન્ટ્સ, આર્થર (જ. 14 જુલાઈ 1917, બ્રુકલિન, ન્યૂયૉર્ક) : અમેરિકન નાટ્યકાર, દિગ્દર્શક, પટકથાલેખક. શિક્ષણ : કૉનેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક; બી.એ., 1937. અમેરિકાના લશ્કરી દળમાં કામગીરી બજાવી, 1940-45. રેડિયો-નાટ્યલેખક તરીકે કાર્ય કર્યું, 1943-45. એમાં સેક્રેટરી ઑવ્ વૉર તરફથી સાઇટેશન તથા ‘વેરાઇટી’ ઍવૉર્ડ, 1945. તેઓ ડ્રામૅટિસ્ટ પ્લે સર્વિસમાં રંગભૂમિના નિર્દેશક બન્યા, 1961-66. 1955થી ડ્રામૅટિસ્ટ ગિલ્ડના કાઉન્સિલ સભ્ય.
તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : અમેરિકન એકૅડેમી ઍવૉર્ડ, 1946; સિડની હાર્વર્ડ મેમૉરિયલ ઍવૉર્ડ, 1946; નાટ્ય માટેનો ટોની ઍવૉર્ડ, 1967; દિગ્દર્શન માટેનો એ જ ઍવૉર્ડ, 1984; વર્નોન રાઇસ ઍવૉર્ડ, 1974; ગોલ્ડન ગ્લોબ એવૉડર્, 1977; સ્ક્રીનરાઇટર્સ ગિલ્ડ ઍવૉર્ડ, 1978; થિયેટર હૉલ ઑવ્ ફેમમાં નિયુક્તિ, 1983; દિગ્દર્શન માટે સિડની ડ્રામા ક્રિટિક્સ ઍવૉર્ડ, 1985.
બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળાના તેઓ પ્રતિભાશાળી નાટ્યલેખક લેખાયા છે. ‘હૉમ ઑવ્ ધ બ્રેવ’ (1945) તેમનું સર્વપ્રથમ સફળ નાટક છે. પછીનાં 15 વર્ષો દરમિયાન તેમણે ‘ધ બર્ડ કેજ’ (1950), ‘ધ ટાઇમ ઑવ્ ધ કકૂ’ (1952), ‘અ ક્લિયરિંગ ઇન ધ વુડ્ઝ’ (1957) તથા ‘ઇનવિટેશન ટુ અ માર્ચ’ (1960) એ 4 નાટકો લખ્યાં. ‘વેસ્ટ સાઇડ સ્ટોરી’ (1957) તથા ‘જિપ્સી’(1960)ના લેખનથી સંગીત-નાટ્ય- (‘મ્યૂઝિકલ’)ના ક્ષેત્રે તેમની અનોખી પ્રતિભા તરી આવી. રંગભૂમિનાં તેમનાં તમામ સર્જનોમાં, ચાહે નાટક હોય કે સંગીત-નાટ્ય, અસરકારક પાત્રચિત્રણ એ તેમની વિશેષતા છે. જોકે તેમનાં ‘ધી એન્ક્લેવ’ (1973) તથા ‘હાર્ટસૉન્ગ’(1974)ને સમકાલીન રંગભૂમિ પર ધારી સફળતા મળી નથી.
આ ઉપરાંત તેમણે ચલચિત્રની પટકથા તથા રેડિયોનાટક પણ લખ્યાં છે.
મહેશ ચોકસી