લૉન્ગી, પિયેત્રો (જ. 1702, વેનિસ, ઇટાલી; અ. 8 મે 1785, વેનિસ, ઇટાલી) : વેનિસ નગરના ઘરગથ્થુ અને સામાજિક જીવનને ચિત્રિત કરવા માટે જાણીતો રોકોકો શૈલીનો ઇટાલિયન ચિત્રકાર.
મૂળ નામ પિયેત્રો ફાલ્ચા. ચોકસી પિતાએ તેને ચોકસીનો કસબ શિખવાડવા માટે ઘણી મથામણો કરી, પણ તે બધી નિષ્ફળ જતાં ઐતિહાસિક પ્રસંગો ચીતરવા માટે જાણીતા અને વેરોના નગરમાં રહેતા ચિત્રકાર ઍન્તોનિયો બેલેસ્ત્રા પાસે ચિત્રકલાની તાલીમ લેવી શરૂ કરી. તાલીમ પછી તે બોલોન્યા ચાલ્યો ગયો અને ત્યાં ચિત્રકાર ગ્વિસેપે મારિયા ક્રેસ્પી (Giuseppe Maria Crespi) પાસે થોડી વધુ તાલીમ મેળવી. વેનિસ પાછા ફરીને બુઝર્વા, શ્રીમંતો અને ઉચ્ચ મધ્યમ વર્ગના વેનિસવાસીઓની રોજિંદી જિંદગીને થોડા કટાક્ષ સાથે આલેખતાં ચિત્રોની શ્રેણી ચીતરવી શરૂ કરી. એ ચિત્રોને તત્કાલીન વેનિસના જીવન અંગેનો એક આધારભૂત દસ્તાવેજ આજે માનવામાં આવે છે. શ્રીમંતોના પાર્થિવ ઉપભોગ અને આનંદપ્રમોદનું પ્રતિબિંબ રજૂ કરતાં એ ચિત્રો એ જમાનામાં ખાસ્સાં લોકપ્રિય બનેલાં. તેમાં એક પ્રકારની સહજતા રહેલી હોવા ઉપરાંત સામાજિક સંબંધોનો ગહન અભ્યાસ પણ તેમાં જોવા મળે છે. તેનાં શ્રેષ્ઠ ચિત્રોમાં ‘એક્ઝિબિશન ઑવ્ એ રહિનોસોરસ ઍટ વેનિસ’ અને ‘ધ ડૅન્સિન્ગ માસ્ટર’ની ગણના થાય છે. તેણે છૂટાંછવાયાં નિસર્ગચિત્રો અને વ્યક્તિચિત્રો પણ ચીતરેલાં. 1756માં વેનેશિયન એકૅડેમીની સ્થાપના થતાં એના એક સભ્ય તરીકે પિયેત્રો ચૂંટાયેલો.
અમિતાભ મડિયા