લૉખ્નર, સ્ટેફાન

January, 2005

લૉખ્નર, સ્ટેફાન (જ. 1400 આશરે, મીસ્બર્ગ, જર્મની; અ. 1451, કૉલોન, જર્મની) : કૉલોન શાખાનો સૌથી વધુ પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ ગૉથિક ચિત્રકાર.

એના પ્રારંભિક જીવન વિશેની કોઈ માહિતી મળતી નથી, પણ એવું અનુમાન કરવામાં આવે છે કે નેધરલૅન્ડ્ઝમાં રૉબર્ટ કૅમ્પિન નામના ચિત્રકાર પાસે તેણે તાલીમ લીધી હશે. લૉખ્નરના પ્રારંભિક ચિત્ર ‘સેંટ જેરોમ ઇન હિઝ સેલ’માં કાપડ અને વસ્ત્રોની ગડીઓ અને પડછાયાના આલેખનની લઢણો ઉપરથી આ અનુમાન કરવામાં આવ્યું છે.

આશરે 1430માં લૉખ્નર કૉલોન નગરમાં સ્થાયી થયો. અહીં તેણે પહેલું ચિત્ર ‘ધ લાસ્ટ જજમેન્ટ’ સેંટ લૉરેન્ઝની પ્રાર્થનાવેદી માટે ચીતર્યું. તેના આ ચિત્રમાં રહેલી અતિબારીક વિગતોનું ચીવટપૂર્વકનું આલેખન પણ તત્કાલીન ડચ ચિત્રકલા તરફ અંગુલિનિર્દેશ કરે છે. 1435 પછી લૉખ્નર ફરી નેધરલૅન્ડ્ઝ ગયો હોવો જોઈએ એવું અનુમાન કરવામાં આવે છે. અહીં તેણે વાન ઇકનાં ચિત્રોનો અભ્યાસ કર્યો હોવો જોઈએ. કારણ કે લૉખ્નરના એ વખતના ચિત્રિત ચિત્ર ‘ધ મૅડોના વિથ ધ વાયોલેટ’માં વાન ઇકની લઢણો વિપુલ માત્રામાં જોવા મળે છે. વાન ઇકની લઢણો લૉખ્નરના શ્રેષ્ઠ ચિત્ર ‘ઑલ્ટર ઑવ્ ધ પૅટ્રન સેઇન્ટ્સ’માં સૌથી વધુ માત્રામાં જોઈ શકાય છે. હાલમાં કૉલોન કથીડ્રલમાં રહેલા આ ચિત્રમાં વાન ઇકની લઢણો ઉપરાંત કૉલોન-શૈલીના ગૉથિક ચિત્રકારોનો પ્રભાવ અને વાસ્તવવાદિતાનો સંગમ પણ જોઈ શકાય છે. પથ્થર જેવા નક્કર દેખાતાં વસ્ત્રો અને તેમાં કોતરી કાઢી હોય તેવી ગડીઓ તથા સળો, માનવઆકૃતિઓને શિલ્પ જેવી નક્કરતાનો આભાસ આપે છે.

1447માં તેણે ‘પ્રેઝન્ટેશન ઇન ધ ટેમ્પલ’ અને તે પછી ‘મેડોના ઑવ્ ધ રોઝ બોવર’ ચિત્રો સર્જ્યાં. ગંભીર પ્રસંગોના ઉત્સવપૂર્વ માહોલમાં આલેખનો કરવામાં તેને સફળતા મળી છે. મધ્યયુગીન જર્મન રહસ્યવાદનું ચિત્રકાર ગ્રૂન્વેલ્ડ અગાઉ સફળતાપૂર્વક આલેખન કરવામાં પણ તે સૌથી વધુ પાવરધો ચિત્રકાર પુરવાર થયો. પુસ્તકોમાં પ્રસંગચિત્રો રૂપે તેણે લઘુચિત્રો પણ ચીતરેલાં.

અમિતાભ મડિયા