લોખંડે, એન. એમ.

January, 2005

લોખંડે, એન. એમ. (જ. ?; અ. ?): ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના શ્રમિકોને સંગઠિત કરી દેશમાં મજૂર મંડળોનો પાયો નાંખનાર શ્રમજીવી કાર્યકર. આખું નામ નારાયણ મેઘજી લોખંડે. તે પોતે મુંબઈના એક કારખાનામાં કામ કરતા હતા. 1875ના અરસામાં તત્કાલીન મુંબઈ ઇલાકાનાં કારખાનાંઓમાં કામ કરતા શ્રમિકોને કામના સ્થળે જે ભયજનક અને અમાનવીય ગણાય તેવા સંજોગોમાં કામ કરવું પડતું હતું તેની તપાસ કરી તેમાં સુધારાવધારા દાખલ કરવાના હેતુથી 1875માં એક ફૅક્ટરી કમિશનની નિમણૂક કરવામાં આવી હતી, જેની ભલામણના પગલે 1881માં ભારતમાં પ્રથમ ફૅક્ટરી ઍક્ટ પસાર કરવામાં આવ્યો. પરંતુ આ કાયદાથી શ્રમિકોની કામની સ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો ન હતો. દા.ત., આ કાયદાએ કારખાનામાં કામ કરતા બાળમજૂરોની લઘુતમ અને મહત્તમ આયુ અનુક્રમે સાત અને બાર નિર્ધારિત કરી હતી અને તેમના માટે કામના મહત્તમ કલાકો રોજના નવ નક્કી કર્યા હતા. ઉપરાંત, સ્ત્રી-કામદારોના કામના કલાકો નિર્ધારિત કરવામાં આ કાયદામાં કોઈ જોગવાઈ કરવામાં આવી ન હતી. તેથી આ કાયદો અમલમાં મુકાય તે પહેલાં જ તેની અપૂરતી જોગવાઈના વિરોધમાં વંટોળ ઊભો થયો હતો અને સરકાર સમક્ષ તેની સામે રજૂઆત કરવા માટેના પ્રયત્નો હાથ ધરવાની શરૂઆત થઈ હતી. તેના પરિણામ રૂપે 1884માં એન. એમ. લોખંડેએ મુંબઈ નગરની ફૅક્ટરીઓમાં કામ કરતા શ્રમજીવીઓની એક પરિષદનું આયોજન કર્યું હતું અને દેશના શ્રમજીવીઓના કલ્યાણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરવાની જાહેરાત કરી હતી. લોખંડેએ તરત જ શ્રમિકો વતી એક આવેદનપત્ર તૈયાર કરી તે સરકાર-નિયુક્ત ફૅક્ટરી કમિશન સમક્ષ રજૂ કર્યું હતું. આવેદનપત્રમાં શ્રમિકોના કામના મહત્તમ કલાકો નિર્ધારિત કરવા, શ્રમિકોને અઠવાડિયામાં એક દિવસ રજા આપવા, રોજિંદા કામ દરમિયાન વિરામનો સમય આપવો, ફૅક્ટરીમાં કામ કરતી વેળાએ શ્રમિકને ઈજા થાય તો તેને માલિકો દ્વારા વળતર ચૂકવવાની જોગવાઈ કરવી વગેરે માગણીઓ સમાવિષ્ટ કરવામાં આવી હતી. આ આવેદનપત્રના સંદર્ભમાં સરકારે કોઈ પગલાં લીધાં ન હતાં. પરિણામે મુંબઈની કાપડ-મિલોમાં કામ કરતા શ્રમિકોએ લોખંડેની દોરવણી હેઠળ 1889માં ભારતના તત્કાલીન ગવર્નર-જનરલ સમક્ષ એક લેખિત નિવેદન રજૂ કર્યું, જેમાં શ્રમિકોની માગણીઓનું પુનરુચ્ચારણ કરવામાં આવ્યું હતું. આ પછી એપ્રિલ 1890માં મુંબઈમાં દસ હજાર શ્રમિકોની એક વિશાળ સભા આયોજિત કરવામાં આવી અને તેમના વતી બૉમ્બે મિલઓનર્સ એસોસિયેશન સમક્ષ ફરી એક આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું જેમાં ફૅક્ટરીમાં કામ કરતા શ્રમિકોને અઠવાડિયામાં એક દિવસની રજાની જોરદાર માગણી કરવામાં આવી જે તે જ વર્ષ દરમિયાન સ્વીકારવામાં આવી. ભારતના સંગઠિત શ્રમજીવીઓનો આ પહેલો વિજય હતો જેનો જશ અમુક અંશે તેમના નેતા એન. એમ. લોખંડેને ફાળે જાય છે. તેનાથી પ્રોત્સાહિત થયેલા મુંબઈના શ્રમજીવીઓએ 1890માં બૉમ્બે મિલહૅન્ડ્સ એસોસિયેશન નામના સંગઠનની સ્થાપના કરી હતી અને તેના ચેરમેનપદે લોખંડેની વરણી કરી હતી. લોખંડેએ ‘દીનબંધુ’ નામથી એક સમાચારપત્રની શરૂઆત પણ કરી જેમાં ફૅક્ટરીઓમાં કામ કરતા શ્રમિકોની સમસ્યાઓને વાચા આપવામાં આવતી.

લોખંડેએ કરેલા કામની કદર રૂપે સરકારે 1890માં તેમની નિમણૂક લેબર કમિશનના સભ્યપદે મુંબઈ પ્રાંતના પ્રતિનિધિ તરીકે કરી હતી. 1891માં નવા ફૅક્ટરી ઍક્ટનો અમલ શરૂ થયો હતો, જે શ્રમજીવીઓનો અને અમુક અંશે લોખંડેના નેતૃત્વનો બીજો વિજય હતો.

ભારતના અને ખાસ કરી મુંબઈના શ્રમજીવીઓ માટે લોખંડેએ તે અરસામાં કાર્ય કર્યું તે મહદ્અંશે પરોપકારી દૃષ્ટિકોણથી અને નિ:સ્વાર્થ ભાવનાથી કર્યું હતું. તેમના અવસાનથી મુંબઈના શ્રમજીવીઓએ એક પરગજુ નેતા ગુમાવ્યો હતો. જ્યાં સુધી મજૂર મંડળોનું કામકાજ લોખંડે જેવા નેતાઓના હાથમાં હતું ત્યાં સુધી દેશનાં મજૂર મંડળોમાં રાજકારણ દાખલ થયું ન હતું, આ બાબત વિશેષ નોંધપાત્ર ગણાય.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે