લેવી-પૉલ-પિયરી (Levy Paul Pierre) (જ. 15 સપ્ટેમ્બર 1886, પૅરિસ; અ. 15 ડિસેમ્બર 1971) : ખનિજ-ઇજનેર તેમજ સંભવિતતાના સિદ્ધાંત પરના તેમના કૃતિત્વ માટે ખ્યાતનામ થયેલા ફ્રેન્ચ ગણિતી.

1910થી 1913ના ગાળામાં પૅરિસના ઇકોલ દ’ માઇન્સ દ’ એટીનમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. 1914થી 1951ના ગાળા દરમિયાન તેઓ ઇકોલ-નૅશનલ-સુપિરિયર દ’ માઇન્સની વિદ્યાશાખામાં જોડાયા. વળી 1920થી 1959 દરમિયાન તેમણે પૅરિસની ઇકોલ-પૉલિટૅકનિકમાં પણ અધ્યાપનકાર્ય કર્યું.

લેવીએ આંકડાશાસ્ત્રમાં સંભવિતતાનો સિદ્ધાંત, વિધેયાત્મક વિશ્લેષણ અને વિશ્લેષણના કૂટ પ્રશ્ર્નો પર કામ કર્યું, પરંતુ વિશેષત: તેમણે આંશિક વિકલ સમીકરણ અને શ્રેઢીઓ પર કામ કર્યું. ભૂમિતિનું પણ તેમણે ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું હતું.

‘વિધેયાત્મક પૃથક્કરણના અધ્યયન-યોગ્ય અધ્યાયો’ (Lessons in functional analyses, 1922), ‘સંભવિતતાનું કલનશાસ્ત્ર’ (Calculus of probabilities, 1925), પ્રસંભાવ્ય કાર્યવ્યવસ્થા (stochastic processes) અને બ્રાઉનીય ગતિ (1948) વગેરે તેમની નોંધપાત્ર કૃતિઓ હતી.

શિવપ્રસાદ મ. જાની