ઉત્તરાયણ : 1965નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર વૈકુંઠનાથ પટનાયકનો ઊડિયા કાવ્યસંગ્રહ. વૈકુંઠનાથ પ્રકૃતિકવિ છે. આ સંગ્રહનાં કાવ્યોમાં પ્રકૃતિ અને ઈશ્વર એ બે જ મુખ્ય વિષયો છે. એમણે પ્રકૃતિને માનવની જીવનસંગિનીરૂપે આલેખી છે. એટલું જ નહિ, પણ પ્રકૃતિ જ ઈશ્વર પાસે પહોંચવાની સીડી છે, એવું પ્રતિપાદિત કરેલું છે. પુરુષ અને પ્રકૃતિને એકબીજાંથી છૂટાં પાડીને અલગ આરાધના થઈ શકે નહિ એમ તેમનું મંતવ્ય છે. એમનાં કાવ્યોમાં ભાવોચિત પદાવલિ અને ભાષાનું માધુર્ય ધ્યાન ખેંચે છે.
જાનકીવલ્લભ મોહન્તી