લેમોનિયેર (એ. એલ.) કામિલ (જ. 24 માર્ચ 1844, ઇક્સેલ, બ્રસેલ્સ પાસે; અ. 13 જૂન 1913, ઇક્સેલ) : બેલ્જિયન નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર અને કલાવિવેચક. એ જમાનાના બેલ્જિયમ યુવા-સાહિત્યકારોને એવું લાગેલું કે ફ્રેન્ચ સાહિત્યકારોના પ્રભુત્વ હેઠળના સાહિત્યજગતમાં બેલ્જિયન સાહિત્યને પાંગરવાનો અવકાશ મળતો
નથી. આ યુવા-સાહિત્યકારોએ ‘લ આર્ત મોદર્ન’ (1880) અને ‘લા જૂને બેલ્જિક’ (1881) – એમ બે સાપ્તાહિક શરૂ કરેલાં. તેના મુખ્ય પ્રેરણાદાતા લેમોનિયેર કામિલ. આધુનિક બેલ્જિયન સાહિત્યની શરૂઆત આ સાપ્તાહિકોના પ્રકાશનથી થઈ. ત્રીસ જેટલી નવલકથાઓ અને અનેક ટૂંકી વાર્તાઓમાં ત્યાંના ગ્રામજીવનનું વાસ્તવવાદી વર્ણન જોવા મળે છે. ‘અન મેલ’ (1881) નામની તેમની પ્રથમ નવલકથા પર એમિલ ઝોલાનો પ્રભાવ છે. ‘હેપચેર’ (1886) કારખાનામાં કામ કરતા શ્રમજીવીઓની કથા છે. તેમની શરૂઆતની નવલકથાઓમાં એમિલ ઝોલાની અસર સ્પષ્ટ વરતાય છે. એમિલ ઝોલાના વાસ્તવવાદના તેઓ ભારે પ્રશંસક હતા. માનવીના પાશવી આવેગોનું નિરૂપણ તેમણે પોતાની કૃતિઓમાં બેનમૂન રીતે કર્યું છે. ફ્લેમિશ ગ્રામપ્રદેશના ખેડૂતોનું વાસ્તવિક ચરિત્ર-ચિત્રણ અને તેમનાં વર્ણનોમાં સમૃદ્ધ ચિત્રાત્મકતા – એ એમની કૃતિઓની આગવી વિશેષતા છે. કારકિર્દીના મધ્યકાળમાં તેમણે એમિલ ઝોલાની સાહિત્યશૈલીનો અંચળો ઉતારી નાખ્યો અને મનોવિશ્લેષણ તરફ ઢળ્યા. તે કાળમાં રચાયેલી કૃતિઓમાં બુઝર્વા લોકોની રૂઢિચુસ્તતાની ભારોભાર ટીકા છે. છેલ્લે તેઓ પ્રકૃતિવાદ તરફ વળ્યા. ‘લ પીતિત હોમ દ દયુ’ (1902) (ધ લિટલમૅન ઑવ્ ગૉડ, 1902) તેમની સર્વશ્રેષ્ઠ કૃતિ ગણાય છે. ‘અ સ્ટડ’માં કામવાસનાથી છલોછલ ભરેલા એક શિકારીની કથા છે; ‘માદામ લુપર’(1888)માં માનવીની કંજૂસ-વૃત્તિનું નિરૂપણ છે. ‘ધ સિક્રેટ લાઇફ’ (1888) અને ‘ધ એન્ડ ઑવ્ બુઝર્વા’ (1893) જેવી કૃતિઓ એ જમાનામાં યશસ્વી નીવડી હતી. ઘણા ઓછા અનુગામીઓમાં તેમની સમકક્ષ આવી શકે તેવી તેમની સાહિત્યિક પ્રતિભા દેખાઈ છે. 1888માં તેમની સામે પૅરિસમાં એક અશ્ર્લીલ વાર્તાનું પ્રકાશન કરવા બદલ ખટલો ચાલેલો. તેમાં લેમોનિયેર કામિલે અત્યંત આક્રોશથી પણ ખૂબ સચોટ દલીલોથી પોતાનો બચાવ કરેલો જે સાહિત્યજગતમાં જાણીતો બન્યો છે. પોતાની કૃતિ ‘ધ પઝેઝ્ડ’(1890)માં આ બચાવની ઘણી દલીલો નિરૂપાઈ છે. ‘બર્ડ્ઝ ઍન્ડ બીસ્ટ્સ’માં ચુનંદી વાર્તાઓ સંગૃહીત થઈ છે. આ સાહિત્યકારનું ગદ્ય પંડિતાઈના ભારવાળું હોવાથી આધુનિક વાચકની રુચિને અનુકૂળ આવતું નથી. ભારે શબ્દો જાણીજોઈને વાપરવાનો શોખ અને સભાનતાપૂર્વક લખાયેલ ગદ્યની કૃત્રિમતા તેમનાં લખાણોમાં હોવા છતાં તેમની કૃતિઓમાં વ્યક્ત થતી વાસ્તવિકતા, મનોવિશ્લેષણ, પ્રકૃતિપ્રેમ અને સમૃદ્ધ ચિત્રાત્મકતાને કારણે કેટલીક કૃતિઓ આજે પણ વાચનક્ષમ છે.
પંકજ સોની