લૅન્ડ્ઝ એન્ડ (Land’s End) : ઇંગ્લૅન્ડના કૉર્નવૉલ પરગણામાં આવેલી ભૂશિર. ઇંગ્લૅન્ડની મુખ્ય ભૂમિના પશ્ચિમ છેડાનું સ્થળ. ભૌગોલિક સ્થાન : 50° 03´ ઉ. અ. અને 5° 44´ પ. રે.. ઇંગ્લૅન્ડનો પશ્ચિમ છેડો ઇંગ્લિશ ખાડીમાં ઘૂસી ગયો હોય એવું દૃશ્ય ઊભું કરે છે. અહીંથી ઇંગ્લિશ ખાડી ઍટલૅંટિક મહાસાગરમાં ભળી જાય છે.

આ ભૂશિરનું ભૂપૃષ્ઠ 18 થી 60 મીટર ઊંચી ભેખડોથી બનેલું છે. અહીંના ખડકો ગ્રૅનાઇટ બંધારણવાળા છે. દરિયાઈ મોજાંની સતત પછડાટોને કારણે અહીંનું ભૂપૃષ્ઠ વિચિત્ર આકારનું સ્થળદૃશ્ય રચે છે. અહીંથી જતાં-આવતાં વહાણોમાંથી આ ભાગ ઇંગ્લૅન્ડના છેડા તરીકે દેખાય છે. લૅન્ડ્ઝ એન્ડ ખાનગી માલિકી હેઠળ હોવા છતાં પ્રવાસીઓ અને મુલાકાતીઓની અવરજવર માટે કોઈ રોકટોક કે બંધન નથી.

લૅન્ડ્ઝ એન્ડની પશ્ચિમે આશરે 1.5 કિમી. અંતરે આવેલો નાનકડો ટાપુ વહાણો માટે જોખમરૂપ બની રહેલો છે, વાસ્તવમાં તેને ‘લાગ શિપ્સ લાઇટહાઉસ’ નામથી ઓળખવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા